વિક્રમસંવત ૨૦૭૪ના ચૈત્ર સુદ બારસથી પૂનમ સુધી સૌરાષ્ટ્રની માલણનદીના કાંઠે મહુવામાં મોરારિબાપુની નિશ્રામાં કૈલાસ ગુરુકુળમાં યોજાયેલા અસ્મિતાપર્વની વિશેષતા એ હતી કે સમાજના તરછોડાયેલા સમૂહની વ્યથાને મંચ અપાયો હતો.
મોરારિબાપુએ વિચરતી જાતિ માટે વિરમગામ પાસે એંડલામાં કથા કરી. કિન્નરો માટે મુંબઈ થાણેમાં કથા કરી. મિત્તલ પટેલ નટ, બજાણિયા વાદી મદારી, કાંગસિયા, ડફેર, સરાણિયા જેવી ૪૦ વિચરતી જાતિઓના સમૂહ માટે ભગીરથ પ્રયાસો અવિરત કરે છે. લક્ષ્મીપતિ ત્રિપાઠી કિન્નર-સમાજનું નેતૃત્વ કરે છે. આદિવાસી સમાજ માટે સુજાતા શાહ ‘ખડકી’માં ધૂણી ધખાવી બેઠાં છે. એ રીતે આ ત્રણેયના સંયોજનમાં અસ્મિતાપર્વમાં અમદાવાદમાં સેક્સવર્કરો માટે કામ કરતા ગૌરાંગ જાની પણ મંચસ્થ હતા.

ગૌરાંગ જાનીએ શરૂઆતમાં ર.વ. દેસાઈની નવલકથા ‘પૂર્ણિમા’ની અને અભ્યાસગ્રંથ ‘અપ્સરા’ની વાત કરી. ગૌરાંગ જાનીએ ત્રણેયને આ ઉપેક્ષિત સમાજની અસ્મિતા, ભાષા, સમસ્યાઓ, સમાચાર- માધ્યમો, આ કામ માટે તેમની મુશ્કેલીઓ તથા અનુભવ વિશે પ્રશ્નો પૂછ્યા.
સુજાતા શાહે પોતાની વાતની શરૂઆત કરતાં જણાવ્યું કે તેમનું બાળપણ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વેડછીમાં વીત્યું. તેમના પિતા ગાંધીવાદી હતા. આદિવાસીઓની વ્યથાને તેમણે નજીકથી નિહાળીએ છે, એટલે જ ૨૪ વર્ષથી ધરમપુરથી ૪૦ કિલોમીટર દૂર ‘ખડકી’માં સંસ્થા શરૂ કરી છે. આ કામ માટે એક આદિવાસી કુટુંબે અઢી એકર જમીન નિઃશુલ્ક ફાળવી દીધી છે. અહીં મોબાઇલનાં કવરેજ ભાગ્યે જ પકડાય છે. લૅન્ડલાઇન ફોન તો છે જ નહીં. છાપું તો આવતું જ નથી. નોટબંધીના સમાચાર તેઓ ત્રીજે દિવસે ધરમપુરમાં ખરીદીમાં પાંચસોની નોટ આપી, ત્યારે મળ્યા. વરસાદ પડે ત્યારે કાચાપાકા રસ્તા પર પાણી ભરાઈ જાય, એટલે ‘ખડકી’ના ખડકીમાં અને ખડકી બહારનાને પ્રવેશબંધી; સુજાતાબહેને ધરમપુરમાં કાંતિભાઈ શાહ સાથે પણ કામ કર્યું છે.
આ સમાજ સદીઓની પરંપરાથી જળ-જંગલ-જમીન સાથે કુદરતને ખોળે રહે છે. ખેતી કરી વનસ્પતિના ઉપયોગથી પોતાનો જીવનનિર્વાહ કરે છે. જંગલખાતાના અધિકારીઓ તેમને કનડે છે. સરકારે તેમની સ્થિતિ સુધારવા ખેડે તેની જમીન ૧૦ એકરની મર્યાદામાં તેમના કુટુંબને નામે કરી આપવા ઠરાવ્યું. ૧,૮૨,૦૦૦ અરજીઓ આવી, જેમાંથી ૬૫,૦૦૦ દાવા મંજૂર થયા આદિવાસી સંગઠનોની જાગરૂકતાથી બાકીની અરજીઓ રદ તો ન થઈ. પણ વિચારણા હેઠળ રખાઇ બીજાં રાજ્યોમાં તો અરજીઓ રદ કરાઈ ૭-૧૨નો ઉતારો જમીની હક મેળવવા જરૂરી હતો. પેઢી-દર-પેઢી ખેતી કરતો ગરીબ આદિવાસી સરકારી કાગળિયા ક્યાં શોધવા જાય? કેટલાક સાધનસંપન્ન લોકો લાભ મેળવી ગયા. આદિવાસી કોઈને ય જમીન વેચી શકે નહીં. કુટુંબને વારસામાં આપી શકે. આ પરંપરાગત કાયદો સરકારે ફેરવીને ત્યાં જમીન વેચવાની છૂટ આપી, એટલે કેટલાક ગરીબ આદિવાસીઓએ જમીન વેચી નાખી અને કેટલાકની પૈસાપાત્ર લોકોએ મફતના ભાવમાં પડાવી લીધી. પંચાયતથી સંસદ સુધી આ સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ છે, છતાં ૭૦ વર્ષીય તેમની પરિસ્થિતિમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી. તેમની અનામત જગ્યાઓ પૂરતી ભરાતી નથી. શિક્ષણ વધ્યું છે, પણ વ્યથા ઘટી નથી. રાજકારણીઓ મતબૅંક જાળવવા ચૂંટણીટાણે ખૈરાત કરે છે, પણ ઉપર આવવા દેતા નથી, કારણ કે તેમને એવો ડર છે કે સમાજ પ્રગતિ કરે, તો અમારો ભાવ કોણ પૂછે ? આવી માનસિકતાવાળા પ્રજાના પ્રતિનિધિઓ દેશનું શું દળદર ફીટવાના? આદિવાસી સમાજવ્યવસ્થા વિશે બોલતા સુજાતાબહેને જણાવ્યું કે કુંવારી માતાની સમસ્યામાં શરૂઆતમાં ઘરના ગુસ્સે થાય, પણ મા-બાપ દીકરીને કાઢી મૂકતાં નથી. પંચ ભેગું કરીને વાતનો બે-ત્રણ દિવસમાં નિવેડો લાવવામાં આવે છે. કોઈ જ કુંવારી માતાએ હજુ સુધી કૂવો પૂર્યો નથી, આત્મહત્યા કરી નથી.
* * *
મિત્તલ પટેલ સાયન્સ ગ્રૅજ્યુએટ છે. આઈ.એ.એસ. થવું હતું, પણ જર્નલિઝમના અભ્યાસ દરમિયાન શેરડી-કામદારો સાથે રહેવાનું થયું. તેમનું આર્થિક અને જાતીય શોષણ જોઈ હૈયું ડૂબી ગયું. પોતાની પત્ની- બહેન કે દીકરીને કોઈ ઉઠાવી જાય, બે-ત્રણ દિવસ પછી પાછી મૂકી જાય પોલીસ ફરિયાદ ન લે. મૂંગા રહેવાનો આ કેટલો અત્યાચાર? વિરમગામ પાસેના એક નાનકડા ગામમાં ડફેરો વચ્ચે થોડાક દિવસ ગાળ્યા. કોઈ પણ ગુનો બને એટલે વગર વૉરંટે ડફેરને પોલીસ પકડી જાય અને ગુનો કબૂલ કરાવ્યે જ છૂટકો. પોલીસ ઢોરમાર મારે પોલીસમાં પોતાનાં બાળકોની પણ આંગળાંની છાપ આપવાની કાચા ઝૂંપડામાં રહેવાનું, નહીં તો ઉપર આકાશ અને નીચે ધરતી. મથરાવટી મેલી એટલે કોઈ ઘર ના આપે એટલે મતદારકાર્ડ ન મળે, એટલે જાણે ભારતનો નાગરિક જ નહીં. નટ, બજાણિયા, વાદી મદારી. સરાણિયા, કાંગસિયા આ દરદર ભટકતી કોમની બૂરા હાલ છે. મદારીસમાજને મનોરંજન કરાવી પેટિયું રળતા આપણી થોડીક જરૂરિયાત પૂરી કરતા. પણ કાંગસીવાળા સરાણિયા પ્રગતિની દોડમાં આ બધા ય બેકાર થઈ ગયા. આધુનિકતા અને ભણેલા નહીં. રઝાળલાટમાં ભણવા ક્યાં જાય!
મિત્તલબહેને જાણે શૂન્યમાંથી સર્જન કરવાનું ભગીરથ કામ ઉપાડ્યું છે. આ સમાજનાં બાળકો માટે શાળાઓ શરૂ કરી છે. તેમને બીજા વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર સાથે સંઘર્ષ કરીને પણ તેમને મતદારકાર્ડ અપાવી ભારતના નાગરિક બનાવાયા છે.
તેમની સમાજવ્યવસ્થાની એક રસપ્રદ વાત એ કે વરસાદના તહેવારોમાં છોકરોછોકરી એકબીજાંને મળે અને દિવાળી બાદ છોકરો છોકરીના ઘરે રહેવા જાય. આઠ મહિના સુધી તે રસોઈ સહિત ઘરનું બધું જ કામ કરે પોતાના કમાણી પણ ત્યાં જ આપે. આવું સતત ત્રણ વર્ષ સુધી કુલ થઈને ચોવીસ મહિના માટે કરવાનું. પછી છોકરી કે તેના કુટુંબને પરવડે તો હા પાડે, નહીં તો ના. છોકરો ત્રીજા વર્ષે તણાવમાં રહે છે કે છોકરી ના પાડશે ! પણ મૂળે વાત એ કે આ પ્રજાનું રાજકીય પ્રતિનિધિત્વ નથી. સામાજિક સમરસતા છે. મિત્તલબહેનના કહેવા મુજબ કામ તો જોયું છે, પણ હજુ લાંબી મજલ કાપવાની છે. સમાચારમાધ્યમના હકારાત્મક અભિગમની જરૂર છે.
* * *
કિન્નરસમાજના નેતા મહામંડલેશ્વર લક્ષ્મીપતિ ત્રિપાઠી, તેમનો જન્મ કિન્નર તરીકે થયો હતો. પણ તેમના પિતાએ સામાન્ય સંતાનની જેમ જ તેમનો ઉછેર કર્યો હતો અને ઉચ્ચશિક્ષણ આપ્યું હતું. પોતાના સમાજનું સંગઠન ઊભું કર્યું હતું. વિદેશમાં તેમના સમાજના સેમિનારમાં પણ તેઓ જઈ આવ્યા છે. તેઓની આત્મકથા સરળ ગુજરાતી ઉપરાંત હિંદી, અંગ્રેજીમાં પણ છપાઈ છે. તેનાથી તેમને બહોળી પ્રસિદ્ધિ પણ મળી છે. વ્યંઢળોની વ્યથા સમાજ સમાજતો નથી તેનું તેમને દુઃખ છે. તેઓની પાસે કંઈ કામ હોતું નથી. શિક્ષણ હોતું નથી. રાજકારણમાં કોઈ પ્રતિનિધિત્વ હોતું નથી, કોઈ નોકરી આપતું નથી. અમને અછૂત સમજીને લોકો દૂર ભાગે છે, તો પછી અમારી આજીવિકા માટે કંઈક તો કરવું પડે ને, છતાં અમે કોઈ જ અસામાજિક પ્રવૃત્તિ કરતાં નથી, અમારે સમાજમાં માનમરતબો જોઈએ અને કામ જોઈએ.
આ ઉપેક્ષિત સમાજમાં નાતજાત હિંદુમુસલમાનનો કોઈ ભેદ નથી. સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક છે. બિનસાંપ્રદાયિકતાનો ઝંડો લઈને ફરતા નેતાઓ મત માટે જ્ઞાતિવાદી અને હિંદુમુસ્લિમકાર્ડ રમતા રાજકારણીઓને આ ઉપેક્ષિત તે સમાજ રાહ ચીંધે છે.
આ સમાજની ભાષા ગુજરાતી હશે પણ તેમની બોલી અલગ અને વિશિષ્ટ પ્રકારની છે. બે આદિવાસી વિચરતા સમૂહનાં બે જણ કે બે કિન્નરો બોલીમાં જ વાત કરે છે.
ઉપેક્ષિત સમાજને મંચ આપવા બદલ ગૌરાંગ જાની, સુજાતા શાહ, મિત્તલ પટેલ અને મહામંડળશ્વર લક્ષ્મીપતિ ત્રિપાઠીએ મોરારિબાપુને વંદન કરી આભાર માન્યો.
નવા વાડજ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 06-07
આ ‘ઉપેક્ષિતોનો અવાજ’ બેઠકનો વીડિયો જોવા અહીં ક્લિક કરવું :-
https://m.youtube.com/watch?feature=youtu.be&v=dz4cyPN6j88
![]()


વાતની શરૂઆત અલબત્ત રાજીપાથી કરીશું : દસમી એપ્રિલે ક્રાન્તિમાર્તંડ સરદારસિંહ રાણાની વેબસાઈટ રમતી મુકાઈ એ રૂડું થયું; કેમ કે સ્વતંત્રતા સંગ્રામના ખૂટતા ઇતિહાસઅંકોડાની રીતે તેમ પ્રજાકીય કૃતજ્ઞતાથી અભિવ્યક્તિની રીતે આવા ઉપક્રમોની એક ભૂમિકા ખસૂસ છે.