નોર્વેના પ્રસિદ્ધ નાટ્યકાર હેનરિક ઇબ્સનની ઓળખાણ આપણા માટે જાણીતાં નાટક “Doll’s House”ના સર્જક તરીકેની છે. નાનપણથી જ ઇબ્સને પોતાના કુટુંબની સુખાકારી જોઈ જ નહોતી કારણ કે તે આઠ વર્ષનો થયો, ત્યાં સુધીમાં પિતાના ધંધામાં મોટી ખોટ જવાથી તેનું કુટુંબ તેના જન્મસ્થળ(Skein)થી દૂર જઈને વસી ગયેલું. ઇબ્સન જ્યારે 15 વર્ષનો થયો ત્યારે તેનું કુટુંબ ફરીથી શહેરમાં આવીને વસ્યું. પરંતુ તેની આર્થિક હાલતમાં ત્યારે પણ હજુ કોઈ ખાસ સુધારો થયો નહોતો. બહુ ગરીબી અને અભાવ વચ્ચે રહીને ઇબ્સન જેવુંતેવું શાળાકીય શિક્ષણ પામ્યો.
નાનપણથી જ તે સ્વભાવે તેમ જ હકીકતે એકલવાયો હતો. ગરીબી અને સંઘર્ષને કારણે તે અંતર્મુખી અને કંઈક અંશે કડવો બની ગયો. આ કડવાશ એટલી હદે તેના હાડમાં ઊતરી ગઈ કે વયસ્ક થયા બાદ, આગળ ઉપર જ્યારે એક વાર તેણે પોતાનો દેશ છોડી દીધો, પછી વર્ષો સુધી ત્યાં પાછો ન ફર્યો. તેના કુટુંબમાં તેની એક બહેન હેડવિગ સિવાય બીજા કોઈ સાથે તેણે સંબંધો રાખ્યા નહોતા. પોતાના કુટુંબ પાસેથી જ તેને પૂરતી સહાનુભૂતિ નહોતી મળી. પિતા હંમેશાં તેમના જ આર્થિક સવાલોથી ઘેરાયેલા રહેતા અને માતાની ધાર્મિક જડતા એવી હતી કે જેનાથી ઊભા થયેલા અંતરને ઓળંગવાની ઇબ્સનને ક્યારે ય એવી તીવ્ર ઇચ્છા કે જરૂર ન લાગી.

અંતે 1844માં 15 વર્ષની વયે ઇબ્સન સ્કીનની પેલે પાર આવેલ ગ્રીમસ્ટૅડમાં એક ફાર્માસિસ્ટને ત્યાં તાલીમ માટે રહી ગયો. સવાર-સાંજ દરિયાના સંગાથમાં, આકાશમાં દેખાતા અવનવા રંગો અને દરિયાનાં પાણીમાં ઝિલાતાં તેનાં મનોહર પ્રતિબિંબને નિહાળતા રહેલા ઇબ્સનની કલ્પનાઓમાંથી એટલા તીવ્ર અભાવ અને સંઘર્ષ વચ્ચે પણ સ્વયંભૂપણે કવિતાઓ સ્ફુરવા લાગી ! સિસેરોનાં વાચનથી પ્રેરાઈને 1850માં તેણે સર્વપ્રથમ નાટક લખ્યું ‘Catiline’. રોમેન્ટિક પરંપરાથી લખાયેલું આ એક ઐતિહાસિક ભૂમિકા પરનું નાટક હતું. તેમાં દેશદ્રોહી રોમન શહેનશાહની કથા આલેખવામાં આવેલી.
આ દરમિયાન ફક્ત 18 વર્ષનો ઇબ્સન તેની એકલતા, હતાશા-નિરાશાથી છૂટવા તેના કરતાં વયમાં દસ વર્ષ મોટી એક નોકરાણીના પ્રેમમાં પડ્યો. તે સ્ત્રીથી તેને વગર લગ્ને એક સંતાન થયું જેને ઇબ્સને 14 વર્ષ સુધી ટેકો આપી ઉછેરવામાં સહાય કરી. આમ છતાં તેનું આ કૃત્ય વર્ષો સુધી તેને માનસિક સંતાપ આપતું રહ્યું. અંતરની આ મનોવ્યથાને તેણે આગળ ઉપર તેના પ્રસિદ્ધ નાટક ‘Peer Gynt’માં વેધક રીતે વ્યક્ત કરી.
બર્ગનના પ્રગતિશીલ થિયેટરના માલિકે ઇબ્સનનાં લખાણોથી પ્રભાવિત થઈ તેને રંગમંચની તાલીમ લેવા ડેન્માર્ક અને જર્મનીનો સાંસ્કૃિતક પ્રવાસ ખેડવાની સગવડ કરી આપી. તાલીમ પૂરી કરી લીધા બાદ ઇબ્સન 1857 સુધી બર્ગન થિયેટર જોડે મેનેજરપદે સંકળાયેલો રહ્યો. એ દરમિયાનમાં તેણે નોર્વેની સંસ્કૃિત, લોકગીતો, દંતકથાઓ વગેરેનો ઊંડો અભ્યાસ કરી નાટકો લખ્યાં, ગીતો લખ્યાં અને આમ નોર્વેનું પોતાનું નેશનલ થિયેટર સર્જવાના ભગીરથ પ્રયાસો કર્યા. ઇબ્સન મધ્યમવર્ગીય કરુણાન્તિકાઓ(bourgeois tragedies)ની પરંપરાનો હતો. પરંતુ કવિતાઓ તેમ જ નાટકોની લોકસ્પર્શી જનસાધારણ અભિવ્યક્તિ તેને રંગદર્શીઓ (Romanticists) પાસેથી શીખવા મળી. ઇબ્સનના મહાન નાટ્યસર્જન પાછળ તે કાળના રંગદર્શી સર્જકોનું મોટું ઋણ રહ્યું છે.
1864થી 1890 સુધી ડેન્માર્ક, રોમ અને જર્મનીમાં રહીને ઇબ્સને તેનાં તમામ જગવિખ્યાત નાટકો લખ્યાં. 1891માં જ્યારે તે સ્વદેશ પાછો ફર્યો ત્યારે એક જગવિખ્યાત નાટ્યકાર તરીકે મશહૂર થઈ ચૂકેલો. પ્રજાએ તેને ખૂબ માનપાન આપીને વધાવ્યો. બાકીનું આયુષ્ય – 1906 સુધી તે નોર્વેમાં જ રહ્યો. ઇબ્સન દેખાવમાં ઠીંગણો પણ ઊર્જાવાન અને પ્રભાવશાળી દેખાતો. તેનું કપાળ વિશાળ હતું. આંખો નાની, વેધક અને આસમાની રંગની હતી. તેના સખત રીતે ભીડેલા હોઠ તેની દૃઢ સંકલ્પશક્તિનો પરિચય આપતા. 1899માં તેની હયાતીમાં જ નૅશનલ થિયેટરના પ્રાંગણમાં તેની કાંસાની પ્રતિમા મૂકવામાં આવી. છેલ્લાં વર્ષોમાં તે માંદો પડ્યો. તેને ચિત્તભ્રમ થઈ ગયું. 1906માં બેશુદ્ધ હાલતમાં જ તે મૃત્યુ પામ્યો.
તમામ નાટ્યકારોમાં નોર્વેનો હેનરિક ઇબ્સન ભારે છેતરામણો છે. તેના સાહિત્યમાં તે જે કોઈ હેતુઓનો પ્રવક્તા હતો એ જ હેતુઓને ક્યારેક સાવ ઊલટાવી નાખીને જોવાની તેનામાં ગજબની હિંમત હતી ! જેમ કે “Doll’s House” નાટકની પ્રસિદ્ધિને કારણે ઇબ્સન સમગ્ર યુરોપનાં નારીમુક્તિ-સંગઠનોનો પ્રવક્તા બની ગયો. તે નાટકની નાયિકા નૉરા જગતની તમામ પીડિત સ્ત્રીઓની જાણીતી રોલમૉડલ બની ગઈ, અને પછીથી ઇબ્સને સાવ અવળું જ વિધાન કર્યું કે ‘મારું આ નાટક માત્ર મહિલાઓના હક્કોનું જ નાટક નથી !’ એક બાજુ તે મધ્યમવર્ગીય રૂઢિપરંપરાની કઠોર આલોચના કરી તેની હાંસી ઉડાવતો અને બીજી બાજુ તે ખુદ એ જ સંકુચિત માનસિકતા ધરાવતા મધ્યમવર્ગીય સમાજની પેદાશ હતો. તેને કાયમ એવી ઝંખના રહેતી કે રાજશાસન તરફથી મળેલાં માનઅકરામોનું કોઈ ને કોઈ રીતે જાહેરમાં પ્રદર્શન થાય. તે હંમેશાં યાદ રાખીને ચીવટપૂર્વક ભપકાદાર કપડાં પહેરતો. તે મૂડીવાદવિરોધી કામદાર લડતોનો સૌથી મોટો સમર્થક હતો અને છતાં ય તેની પોતાની આવકનું એક ગણતરીબાજ શરાફની માફક કોઈ નફાકારક ધંધાવેપારમાં રોકાણ કરવાનું કદી ય ચૂકતો નહીં.
વર્ષો સુધી વિકસિત દેશોનાં મહાનગરોમાં રહ્યો હોવા છતાં ઘણીબધી બાબતોમાં તે સંકુચિત (parochial) માનસ ધરાવતો હતો. રાજકીય પ્રશ્નો પર તે બહુ નિર્ભીકપણે લખતો. પરંતુ શાસન વિરુદ્ધ સામી છાતીએ લડત આપવાની તેનામાં સહેજ પણ હિંમત નહોતી. તેમાં ય વળી જેની જોડે તે ગાઢ રીતે સંકળાયેલો એવા એક રાજકીય સંગઠનના કેટલાક સાથીઓ પકડાઈ ગયા અને એ બધાને લાંબી કેદની સજા થઈ. આ ઘટનાની જાણ થઈ ત્યારે ઇબ્સન ભયથી ધ્રૂજી ઊઠેલો. આગળ જતાં, આ જ ભયને કારણે તેણે રાજકારણમાં સક્રિય ભાગ લેવો જ સમૂળગો છોડી દીધો ! ઇતિહાસમાં મહાન ગણાયેલા સર્જકની આ એક ભીતરની માનવીય નબળાઈ હતી. એક રાજકીય વિચારક તરીકે સમયના જુદા જુદા તબક્કે તેણે પોતાના વતન નોર્વેના રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ – બંને ય ખુશ રહે એવું વિચક્ષણ વલણ દર્શાવ્યું, અને છતાં ય સામે આ બંને વર્ગો ઇબ્સનની અવિભક્ત રાજનિષ્ઠા કે દેશપ્રેમ વિશે સદા ય ગેરસમજ સેવતા રહ્યા.
ઇબ્સન પ્રથમ હરોળનો કવિ અને છતાં ય તેણે ઉત્તમ કહી શકાય એવા ગદ્યખંડો લખ્યા. એક નિર્ણાયક ગાળામાં તો એ જ્યારે ગદ્યને આધુનિક નાટ્યલેખનના એક મહત્વપૂર્ણ અંગ તરીકે સ્વીકારવાનું કહી રહ્યો હતો, ત્યારે જ તેણે રસાળ પદ્યમાં લખવાનું ચાલું રાખ્યું. તેના આરંભનાં રોમેન્ટિક નાટકોમાં રિયાલિઝમ દાખલ કર્યું અને પછીના ગાળામાં લખાયેલા રિયાલિસ્ટિક નાટકોમાં સિમ્બોલિઝમનો પ્રયોગ કર્યો. ઇબ્સન એક એવો અનોખો સર્જક હતો કે જે કોકિલની માફક મધુર પણ થઈ શકતો અને કાગડાની માફક કર્કશ પણ ! ક્યારેક તો બંને એક સાથે ! તેનો સર્વાંગી તલસ્પર્શી અભ્યાસ જ તેના વ્યક્તિ અને કલાકાર વચ્ચેના આ વિરોધાભાસને સ્પષ્ટ કરી શકે.
સૌજન્ય : “વિશ્વવિહાર”, એપ્રિલ 2018; પૃ. 10-12
![]()


વનગરની કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક, ઉમાશંકર જોશી એવૉર્ડ સહિત અનેક એવૉર્ડ્ઝ જેમને મળેલા છે એ તથા આ લખાઈ રહ્યું છે ત્યારે જ કલાપી એવૉર્ડ આ વર્ષે (2018) જેમના નામે જાહેર થયો એ કવિ વિનોદ જોશી સાથે ગોષ્ઠિ તથા એમનાં ગીતોની પ્રસ્તુિતનો એક સુંદર, ઔચિત્યપૂર્ણ કાર્યક્રમ ગયા મહિને ભારતીય વિદ્યાભવનમાં યોજાઈ ગયો. કલાપી એવૉર્ડની જાહેરાતને પગલે અનાયાસે આ લેખ પણ પ્રસ્તુત બની ગયો એટલે સૌપ્રથમ તો કવિને આપણા સૌ તરફથી અઢળક શુભેચ્છાઓ.
આ એ કવિ છે જે આંસુને શણગારી શકે છે ને શણગારેલા આંસુને સારી પણ નાખે છે. કવિતા પોતે બહુ મોટી ચેલેન્જ છે. ભાષાના માધ્યમથી એ આપણી પાસે આવે છે. કવિએ એને બરાબર સેવી છે. તો જ આવા હૃદયસ્પર્શી શબ્દો ઊતરી આવેને! ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ અહીં યાદ આવે છે. સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક …! કવિની કલમથી ઊતરતાં કાવ્યને તિલક કરવાનું કામ કરે છે સંગીતકાર. ગીતને સુંદર વાઘાં પહેરાવીને, શણગાર સજાવીને સ્વરકાર મેનીક્વિન એટલે કે ગીતને ડિસ્પ્લે કરનાર ગાયક કલાકારને પહેરાવે છે, સમર્પિત કરી દે છે પછી એ ગીત ગાયકનું બની જઈને આપણા સૌ સુધી પહોંચે છે.
કારેલું .. .ગીતને સંગીતના સૂર દ્વારા તિલક કરનાર સંગીતકાર-ગાયક સુરેશ જોશી આ ગીત વિશે સરસ વાત કરે છે. તેઓ કહે છે, "લગભગ વીસેક વર્ષ પહેલાં આ ગીત મેં સ્વરબદ્ધ કર્યું હતું. એ જ સમયગાળામાં વિનોદ જોશીનાં મેં કમ્પોઝ કરેલાં અન્ય બે ગીતો રે વણઝારા … અને કાચી સોપારીનો કટ્ટકો … ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. દરમ્યાન આ ગીત મારા હાથમાં આવ્યું અને પહેલી નજરે ગમી ગયું. સ્ત્રી-પુરુષના નાજુક સંબંધોની વાત આ ગીતમાં નજાકતપૂર્વક થઈ છે. ગુલાબજાંબુ જેવું ગમતું પાત્ર ધારેલું ન નીકળે ત્યારે એ કારેલું બની જાય છે. નાયિકાની ફરિયાદ છે કે એને તો સોના વાટકડીમાં સરવરિયાં પિરસવાનાં ઓરતાં હતાં પણ કશુંક બન્યું એવું કે ડૂમો આંસુ થઈને વરસી ગયો ને સોના વાટકડીમાં આંસુ જ પિરસાયાં. પ્રિયતમ તરફથી જોઈએ એવો પ્રતિભાવ ન મળતાં નાયિકાની અતૃપ્તિની પરાકાષ્ઠા છેલ્લા અંતરામાં આવે છે : આંધણ ઓરું અવળાં સવળાં, બળતણમાં ઝળઝળિયાં, અડખે પડખે ભીના ભડકા, અધવચ કોરાં તળિયાં …!
ભવન્સ કાર્યક્રમમાં સ્પર્શી ગયેલું અન્ય ગીત હતું, રે વણઝારા …! વિનોદ જોશીના શબ્દ, સુરેશ જોશીનું સ્વરાંકન અને શ્રદ્ધા શ્રીધરાણીનો મધુર કંઠ. ગ્રામ્ય પરિવેશ ધરાવતા સુંદર બેકડ્રોપ સાથેના માહોલમાં રેગિસ્તાનનું ચિત્ર ઊપસી રહ્યું હતું. સુંદર-લાંબા કેશ ધરાવતી નાયિકાનો એક સોનેરી વાળ તૂટી ગયો ત્યારે વણઝારાના સંદર્ભે પોતાના નાયકને સંબોધીને નાયિકા મીઠી ફરિયાદ કરે છે કે તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ, મને બદલામાં વેણી લઈ આપ, રે વણઝારા …!
એવો આનંદ સહેજ જુદા માધ્યમે આપણા વરિષ્ઠ નવલકથાકાર અને ફિલ્મ-અભ્યાસી રજનીકુમાર પંડ્યાને પડ્યો હતો. તેમણે 1945માં બનેલી હિન્દી ફિલ્મ ‘મેઘદૂત’માં જગમોહને ગાયેલું ‘ઓ બરસા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના …’ સાંભળ્યું, ત્યાર બાદ તેમના સાહિત્યરસિક શ્રેષ્ઠી મિત્ર નવનીતલાલ શાહે ‘કિલાભાઈના મેઘદૂત’ના અનેક શ્લોકો તેમને સંભળાવ્યા. પછી જાણે તેની ભૂરકી હેઠળ રજનીકુમાર પંડ્યાએ ‘મેઘદૂત’ની ચિત્રો અને સંગીતથી સમૃદ્ધ આવૃત્તિ તૈયાર કરી, જે ગુજરાતી પુસ્તકવિશ્વનું એક ઘરેણું છે. વાસુદેવ સ્માર્ત અને કનુ દેસાઈ સહિત અનેક ચિતારાઓનાં ચિત્રો તેમ જ એસ.એમ. ફરીદની તસવીર કળા તેમાં છે, વાચકને ન્યાલ કરી દેનારું બીજું ઘણું ય અહીં છે. પુસ્તકની અંદરની બે કૉમ્પૅક્ટડિસ્ક(સી.ડી.)માં પ્રફુલ્લ દવેએ આશિત દેસાઈના સંગીત નિર્દેશનમાં મેઘદૂતનાં ગુજરાતી પદ્યોનું ગાન કર્યું છે. તેની વચ્ચે આવતાં સરસ વિવરણ(કૉમેન્ટરિ)નું લેખન ખુદ રજનીકુમારે કર્યું છે, અને તેનું ભાવવાહી વાચન (વૉઇસ-ઓવર) વિદ્યુલ્લતા ભટ્ટે કર્યું છે. પુસ્તક નિર્માણની આખી ય ટુકડી મેઘદૂતને ‘પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાના એક પ્રયાસ’માં સફળ છે.