હોંશથી કાપણી કરજો મારા વાલીડા
હિંમતથી કાપણી કરજો
ખેડ્યું બીજાએ ભલે વાવ્યું બીજાએ ભલે
બાપનું ખેતર ગણજો … મારા વાલીડા.
સાગમટે સાથ મળી, ભેદભાવ ભૂલી તે
ગાડાં ભરીને પાક લણજો … મારા વાલીડા.
દલાતરવાડી તણો ખેલ ખરોપાળો તમે …
આજુબાજુ શીદ જુઓ
ડરશો મા બાપલિયા, ડરશો ના વાલીડા.
બીજો નથી વશરામ ભૂવો
હોંશેથી કાપણી કરજો મારા વાલીડા
હિંમતથી કાપણી કરજો.
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 13
![]()


કલાકારોની અર્થાત્ સાહિત્યકારોની, સંગીતકારોની, ચિત્રકારોની, અભિનેતાઓની પોતાના સમકાલીન કલાકારો માટે અસહિષ્ણુતા આમ તો પ્રત્યેક યુગમાં, પ્રત્યેક દેશમાં જાણીતી બાબત છે. સામાન્ય જન કરતાં કલાકારોમાં ‘અહં’ વધારે જાગ્રત હોતો હશે, એ પણ કારણ હોઈ શકે. સાંભળ્યું છે કે સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાંને સહન કરી શકતા નહિ. ‘પારકે પીંછે રળિયામણો’ કહી યુનિવર્સિટીમનીષી નાટકકાર માર્લોએ અલ્પ ભણતરવાળા શેક્સ્પિયર માટે પોતાના સાથીઓને અસૂયાભાવથી ચેતવ્યા હતા. ‘કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી ?’ − કહી શામળે પ્રેમાનંદની ભર્ત્સના કર્યાનું કહેવાય છે. પ્રસિદ્ધ નાટકકાર દ્વિજેન્દ્રલાલ રાયે રવીન્દ્રનાથની ‘ગીતાંજલિ’ની કવિતાઓને બાળી નાખવા જેવી કહી હતી. આપણે ત્યાં પંડિતયુગના સાક્ષરોની અહમહમિકા પરિચિત છે. ચંદ્રકાન્ત બક્ષી, સુરેશ જોષી જીવતા હતા ત્યારે પણ એમને ‘મરહુમ સુરેશ જોષી’ કહેતા ! આવાં તો અસંખ્ય ઉદાહરણો હોય.