અમને ચોમેરથી સુવિચારો ને સદ્દભાવ પ્રાપ્ત થાઓ.
અમારાં બધાં દ્વાર અને વાતાયન એને માટે ખુલ્લા રહો!
આ ઉપનિષદી સત્ય તો આપણું શાશ્વત્ સત્ય …..
હવે કેમ કોઈ ખૂબસૂરત હવાનો વાયરો વાતો નથી?
આનંદ અને ઉમંગનો માહોલ આવો તે કેવો બની રહ્યો છે?
અનેકતામાં એકતા હવે અરાજકતામાં કેમ પલટાઈ રહી છે?
હળીમળીને રહેનારાં ટોળું કેમ બની રહ્યાં છે?
ટોળામાંનો માણસ માણસાઈ કેમ ભૂલી રહ્યો છે?
એ કયાં ગુમ થઈ રહ્યો છો?
ગુમનામ થવાથી એ બેખબર કેમ છે?
આ ટોળાં પર શાનો ઉન્માદ સવાર થઈ રહ્યો છે?
ને ટોળું આટલું બિહામણું કેમ લાગી રહ્યું છે?
ટોળાંમાં આટલો ઘોંઘાટ કેમ છે?
ડાહ્યાંડમરાં ક્યાં ગયાં? તેઓ કેમ મૂકબધિર બની ગયાં?
એમનો ‘અવાજ ‘ ઘોંઘાટમાં સંભળાતો નથી?
કે એમની ‘વાચા’ હણાઈ ગઈ છે?
કે ‘અસ્તિત્વ’ જ રહ્યું નથી?
હવાપાણી કેમ બંધિયાર ભાસે છે?
શું કહ્યું?
સઘળાં દ્વાર ને વાતાયન બંધ છે?
પણ આ બારણે તાળાં કોણે મરાવ્યાં?
ને આ બારીઓ આમ જડબેસલાક બંધ કોણે કરાવી દીધી?
………………..
હેં?
કેમ?
…………..
કેટકેટલા પ્રશ્નો? કોઈ તો જવાબ આપો!
ચોતરફ આવી નીરવ શાંતિ કેમ છે?
કોઈ તો જવાબ આપો?
‘કોઈ તો બોલો?’
ટોળાંમાં આટલો ઘોંઘાટ કેમ છે?
બોલના મના હૈ!
![]()


લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.

