ચૂંટણીવિષયક કેટલીક વાતો
ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર કેમ નથી નીપજાવતી?
ગુજરાતીમાં મશ્કરીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લોકશાહીની દુકાનેથી પાણીદાર ફિક્કી છાશ સાંપડતી હોય છે.
સાહિત્ય-કલાઓના વિષયમાં ચૂંટણીઓથી મેળવાતા મત અને ચુકાદાઓ વિશે પહેલેથી મને ખાસ શ્રદ્ધા કે દિલચસ્પી નથી. સાહિત્ય-કલા લોકઆરાધન ને પ્રજાકીય કલ્યાણકારક નીવડી શકે પણ એને અંગેના નિર્ણયો માટે લોકશાહી બરાબર ન કહેવાય, ન નભે. કલા તો કોક કોક વડે નર્ણિત થનારી વિરલ ચીજ છે.
પરન્તુ રાજશાસન માટે હું લોકશાહીને અનિવાર્ય સમજું છું. નીચે દર્શાવેલી વાતો આગામી ચૂંટણીઓના સંદર્ભમાં વિચારપોષક નીવડવાનો સંભવ છે :
સમાચારો મન્તવ્યો અને 'ઍક્સ્પ્લેનેટરી જર્નાલિઝમ' માટે સુખ્યાત Vox વેબસાઇટ પર લેખિકા જેનિફર જાણે અમેરિકન પ્રજાજનોને પૂછે છે : ચૂંટણીઓથી કયો હેતુ પાર પડે છે? ચૂંટણીઓ કઇ રીતે સારી છે? એમ આપણે ભારતીયોને પણ પૂછી શકીએ.
જેનિફર કહે છે કે અર્વાચીન રાજનીતિવિજ્ઞાનમાં જરાક ડૂબકી મારીએ તો સમજાશે કે લોકશાહી નામના ફુવારામાંથી માત્ર Kool-Aid સાંપડે છે. 'કૂલ-એઇડ' એક ફ્લેવર્ડ ડ્રિન્ક છે – સ્વાદિષ્ટ પીણું. બાળકોને એની રેઈનબો ફ્લેવર્સની મજા આવે અને મમ્મીઓને લાગે કે છોકરું વિટામીન C પામી રહ્યું છે. એની જાહેરાત માટે એક નટ 'કૂલ-એઇડ'-થી ભરેલો મગ ઉછાળતો હોય ને – oh yeah -oh yeah ગર્જતો હોય ! 'એઇડ સોસાઇટીઝ' ગરીબીગ્રસ્ત બેહાલ પરિવારોને ખોરાક ને કપડાં દાન કરે છે, એ સંકેત પણ છે. વળી, 'કૂલ-એઇડ' બધા પ્રકારની રમૂજ માટે પણ પ્રયોજાય છે. ગુજરાતીમાં મશ્કરીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લોકશાહીની દુકાનેથી પાણીદાર ફિક્કી છાશ સાંપડતી હોય છે.
ચૂંટણીઓ કશુંક કરી શકે એમ મોટાભાગના લોકો માને છે પણ એવું કંઇ થતું નથી. જેનિફર કહે છે, નિરાંતે વિચારવું જરૂરી છે :
સામાન્યત: એમ વિચારાય છે કે ચૂંટણીઓના મિકેનિઝમથી રાજકારણીઓને ઍકાઉન્ટેબલ, એટલે કે, પ્રજા પ્રત્યે ઉત્તરદાયી કે જવાબદેહી બનાવી શકાય છે. એમાં તર્ક આવો ચાલે છે : રાજકારણીઓ ઈચ્છે કે તેમને ચૂંટવામાં આવે તો તેઓ તેમના મતવિસ્તારની પ્રજાને સુખી કરશે. એ મતદારો ઉમેદવારોનાં કામોનું મૂલ્યાંકન કરે ને લાયક લાગે તેને ચૂંટે, ન-લાયકને ન ચૂંટે. આમ, પેલાઓની ચૂંટાવાની ઈચ્છા અને મતદારોની તેમને ઉત્તરદાયી બનાવવાની ક્ષમતા – એ બન્નેથી રચાતા મિકેનિઝમ વડે લોકશાહી પોતાનું કામ કરે છે.
આને વિશ્વના ઉત્તમ અને નામાંકિત રાજનીતિવિજ્ઞાનીઓ ક્રિસ્ટોફર આહન અને લૅરિ બાર્ટલ્સ લોકશાહીનો લોક-સિદ્ધાન્ત કહે છે, "ફોક થિયરી' ઑફ ડૅમોક્રસી". એમનું પુસ્તક છે, "Democracy for Realists: Why Elections Do Not Produce Responsive Government. Princeton University Press. 2016.
એમનું કહેવું એમ છે કે લોકો પાસે ગર્ભપાત, ક્લાઈમેટ-ચેન્જ કે કરવેરા વગેરે વિશેના પૉલિસી પ્રેફરન્સિસની જેવીતેવી પણ જાણકારી હોય છે. આપણે ઉમેરી શકીએ કે ભારતીયો પાસે રામમન્દિર નોટબંધી આર્થિક ભ્રષ્ટાચારો સુપ્રીમ કૉર્ટના ચુકાદા ધર્મપરક કે વંશીય ભેદભાવોના નિરસન માટે સહિષ્ણુતા સમરસતા તેમ જ રાજકારણમાં ગાલિપ્રદાન, જેવા અનેક મુદ્દાઓ છે. અને, જે ઉમેદવાર કે જે પાર્ટી મતદારની આ જાણકારીને અનુસરતી ભાસે તો મતદાર પોતાનો મત તેને આપે છે. મતલબ, લોક-મતદાન ઈસ્યુ-બેઝ્ડ હોય છે.
પણ આ બન્ને મહાનુભાવ રાજનીતિવિજ્ઞાનીઓ એમ કહે છે કે લોકશાહીનો આ લોક-સિદ્ધાન્ત અસલમાં જે બને છે એને નથી દર્શાવી શકતો. રિયલ-વર્લ્ડમાં જુદું જ બનતું હોય છે. કહે છે કે રાજકારણીઓના ઉત્તરદાયીત્વ વિશે ચૂંટણીઓને 'ગ્રેટ મિકેનિઝમ' ગણવાનું મુશ્કેલ છે. એમનો આ ગ્રન્થ વાસ્તવિકતાપ્રેમીઓ માટેની લોકશાહીને લક્ષ્ય કરે છે. ગ્રન્થનું ઉપશીર્ષક નોંધપાત્ર છે -ચૂંટણીઓ ઉત્તરદાયી કે જવાબદેહી સરકાર કેમ નથી નીપજાવતી.
એમનું કહેવું એમ છે કે ચૂંટણીઓ જરૂરી છે પણ લોકશાહીમાં એ એક 'ફ્લોડ સિસ્ટમ' છે – પ્રવાહી બલકે રસળતી રસમ. ચૂંટણીઓ યોજવાનાં શુભ અને સદાશયી કારણો હોય છે એ ખરું પણ એમાં એ કારણ નથી હોતું કે એથી કરીને ઉમેદવારોને ઉત્તરદાયી બનાવી શકાશે. ઓછામાં ઓછાં ત્રણ મુખ્ય કારણો છે જે એમ દર્શાવે છે કે ઉત્તરદાયીત્વ બાબતે ચૂંટણીઓનું મિકેનિઝમ પૂરતું કામયાબ નથી નીવડતું, અપૂર્ણ ભાસે છે :
૧ : લિમિટેડ એજન્સી : સમાજવિજ્ઞાનીઓ અનુસાર, 'એજન્સી'-નો અર્થ એ કે વ્યક્તિઓ પાસે કાર્ય કરવાની પોતીકી ક્ષમતા હોય છે.
૨ : લિમિટેડ કૉગ્નિશન : 'સાઠના દાયકાથી રાજનીતિવિજ્ઞાનીઓ એમ માનતા થયા છે કે રાજકારણી માહિતી શી રીતે પ્રોસેસ થાય છે એના જ્ઞાનસમ્પાદનની મતદારોની ક્ષમતા સાવ મર્યાદિત હોય છે. આપણે ઉમેરીએ કે આમાં સરેરાશ ભારતીય મતદારની ક્ષમતા શી છે એનો અંદાજ લગાવવાનું જરાયે અઘરું નથી.
અને : ૩ : ઓવરસૅન્સિટિવિટી : મતદાર વધારે પડતો સંવેદનશીલ હોય છે. માને છે કે ભલે પોતાની પાસે એવી બધી માહિતી નથી પણ કયો ઉમેદવાર યોગ્ય છે એટલી માહિતી તો વખત આવ્યે પોતે મેળવી જ લેશે -પોતાને પૂરતો સ્માર્ટ સમજે છે. એને એમ પણ છે કે મારા ઉમેદવારને ચૂંટવો કે કેમ એ પસંદગી કરનારો હું જ નથી પણ મારા જેવા બીજાઓ પણ છે. આ અધિક સંવેદનશીલતા સરેરાશ ભારતીય મતદારમાં તો ઘણી છે.
આ લોક-સિદ્ધાન્તનું નબળું રૂપ એ છે કે ચૉક્કસ મુદ્દાઓ અંગે લોકો પાસે એટલી જાણકારી નથી હોતી કે પોતાનો અભિપ્રાય ઘડી શકે. જો કે, એમની પાસે વિચારસરણીપરક કેટલીક પસંદગીઓ કે વિકલ્પો જરૂર હોય છે -જેમ કે, ઉદારમતવાદ કે રૂઢિવાદ. તેમ છતાં એ, એ જ કારણોસર નિષ્ફળ નીવડે છે. આ ત્રણ કારણો અત્રે આટલું, બીજું હવે પછી …
આમાંના ઘણા વિચારો જાણીતા છે. પણ ચૂંટણીઓથી રાજકારણીઓ ઉત્તરદાયી બને એ હેતુ સિદ્ધ નથી થતો એ વિચાર સરેરાશ ભારતીયને લગભગ નવો લાગવાનો.
જરૂરી સવાલ એ છે કે તો પછી ચૂંટણીઓથી બીજા કોઇ હેતુઓ સિદ્ધ થાય છે ખરા – કયા? એ અને બીજી વાતો હવે પછી …
= = =
લેખ-ક્રમાંક : ૧ : તારીખ ૨૫ નવેમ્બર ૨૦૧૮
https://www.facebook.com/suman.shah.94/posts/2221011247929776
![]()


કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંદિરે મંદિરે ભટકે છે, ધોતિયું પહેરીને પૂજા-પ્રક્ષાલન કરે છે, કપાળે તિલક લગાવડાવે છે અને કદાચ દક્ષિણા પણ આપતા હશે. આમ કરીને તેઓ એમ બતાવવા માગે છે કે તેઓ ધાર્મિક હિન્દુ છે. એ દ્વારા તેઓ એમ સાબિત કરવા માંગે છે કે તેઓ હિન્દુ ધર્મ વિરોધી નથી. એના દ્વારા તેઓ એમ કહેવા માંગે છે કે કૉન્ગ્રેસ હિન્દુ કે હિન્દુ ધર્મ વિરોધી નથી. આના દ્વારા તેઓ એમ પણ સિદ્ધ કરવા માંગે છે કે કૉન્ગ્રેસ મુસ્લિમ તરફી સેક્યુલર પક્ષ નથી. હા, તેનો અર્થ કોઈ એવો કરે કે કૉન્ગ્રેસ સહેજ હિન્દુ પક્ષપાત ધરાવનાર સેક્યુલર પક્ષ છે તો રાહુલ ગાંધી તેનો સ્વીકાર કે અસ્વીકાર કર્યા વિના મૂંગા રહેવાનું પસંદ કરશે. આ બધું ચૂંટણી ટાણે જોવા મળે છે.
