
courtesy : "The Indian Express", 11 March 2019
![]()

courtesy : "The Indian Express", 11 March 2019
![]()
ન્યાય માટે લડનારી વીર મહિલા ‘સર્વાઈવર્સ’ ની કૂચ
પુલવામામાં શહીદ થયેલા જવાનોને અંજલિ આપવા દેશભરમાં કૅન્ડલ માર્ચ નીકળી રહી હતી. એ દિવસોમાં દેશમાં કેટલીક જગ્યાએ બીજી પણ એક માર્ચ યોજાઈ રહી હતી. તેનું નામ હતું ડિગ્નિટી માર્ચ અથવા તો ગરિમા યાત્રા.
ચોવીસ રાજ્યોમાંથી પસાર થયેલી આ યાત્રાનો ઉદ્દેશ યૌન (સેક્સ્યુઅલ) હિંસા અને તેની સામે લડી રહેલી વીર મહિલાઓના સંઘર્ષને દેશભરમાં જાહેર વાચા આપવાનો હતો. આવી સેંકડો મહિલાઓ કૂચમાં જોડાઈ હતી, એટલું જ નહીં પણ તેમના પરના અત્યાચાર-અન્યાય સામે જાહેર સભાઓમાં બોલતી પણ હતી. તેમાં તેમનું સ્થાન – સમાજનો જડ વર્ગ માને છે તેમ – દુષ્કર્મ ‘પીડિતા’ કે કલંકિતા તરીકેનું નહીં પણ પ્રતિરોધિતા એટલે કે સામનો કરનાર તરીકેનું હતું. અંગ્રેજીમાં તેના માટે ‘રેપ સર્વાઈવર’ એવો ધોરણસરનો શબ્દ છે.

બીજી મોટી વાત એ કે બધી સર્વાઇવર્સ ગામડાંમાં રહેનાર ગરીબ દલિત અને આદિવાસી સમુદાયોની હતી. એટલે ગરિમા યાત્રા વંચિતો માટેની ‘મી ટૂ’ ચળવળ બની. આ ચળવળ કી-પૅડ અને કી-બોર્ડ પર ટપટપ કરતી આંગળીઓથી નથી ચાલી. તે ચાલીચાલીને છાલા પડતા પગથી આગળ વધી. દિવસોની મુસાફરી અને ધર્મશાળાઓમાં આશરો, ગળું બેસી જાય ત્યાં સુધી નારા પોકારવાના ને વ્યથાનાં વીતક માઇક પર માંડવાનાં. ઘા પરની ખપરડીઓ ફરી ને ફરી ખોતરવાની. ગૅન્ગ રેપ, મજૂરીની જગ્યાએ બળાત્કાર, ફસામણી-હરાજી-વેચાણ, અપહરણ-બળાત્કાર-મારપીટ, નાતને કારણે ફરજિયાત બનતો દેહનો ધંધો, કહેવાતા ઊંચા ઘરના આદમીની હવસ અને પછી ધમકી, ડાકણ તરીકે ડામ દઈને વિધવાની નિર્વસ્ત્ર બારાત, સગીર બાળાઓનો હાઇવે પર સપ્લાય, ખુલ્લામાં જાજરૂ માટે કે શાળામાં ભણવા માટે જતાં-આવતાં જુલમ. આ બધાં જુલમો વિશે સર્વાઈવર્સ જાહેરમાં કહી શક્યા તેની પાછળની સમજ એમ છે કે : ‘પહેલે કુછ બોલા હી નહી જાતા થા. પર ગલત હમ નહીં હૈ, ગલત વો લોગ હૈ, ગલત વો સમાજ હૈ. ગલત સોચ કો મિટાને કે લિએ યે યાત્રા નિકાલી હૈ.’
આમ કહેતી મહિલાઓ અને તેમનામાંથી કેટલાકના પરિવારજનો સહિત ગરિમા યાત્રામાં પાંચેક હજાર લોકો જોડાયા હતા. યાત્રા વીસમી ડિસેમ્બરે મુંબઈમાં શરૂ થઈ અને બાવીસમી ફેબ્રુઆરીએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં એક મોટા કાર્યક્રમથી પૂરી થઈ. પાંસઠ દિવસની આ યાત્રાએ તેના દસ હજાર કિલોમીટરના માર્ગમાં બસો જિલ્લા આવરી લીધા હતા. રાષ્ટ્રીય ગરિમા અભિયાન નામના મંચના નેજા હેઠળ દેશભરનાં સામાજિક સંગઠનો (એન.જી.ઓ.) અને નાગરિક સમાજ જૂથો(સિવિલ સોસાયટી ગ્રૂપ્સ)એ યોજેલી આ ડિગ્નિટી માર્ચને ગુજરાતની ત્રીસેક સંસ્થાઓએ ટેકો આપ્યો હતો. આપણે ત્યાં ગરિમા યાત્રાની સભાઓ દેવગઢ બારિયા, બાલાસિનોર, વડોદરા, અમદાવાદ અને ઇડરમાં યોજાઈ હતી. તેનું સંકલન મુખ્યત્વે ‘આનંદી’ અને ‘હ્યુમન ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ સેન્ટર’ નામની એન.જી.ઓ.એ કર્યું હતું.

ડિગ્નિટી માર્ચનો ઉદ્દગમ અભિયાને કરેલા એક ઑનલાઈન સર્વેમાંથી થયો. તે મુજબ બાળકો અને સ્ત્રીઓ પર થતા યૌન અત્યાચારોમાંથી 95% બહાર આવતા નથી, અને માત્ર 2% કિસ્સામાં જ પોલીસ ફરિયાદ થાય છે. કલંક કે જોખમના ડરથી ફરિયાદ થતી જ નથી. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના આંકડા બતાવે છે કે પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ નોંધવામાં આવેલાં ગુનાઓમાં મોટા ભાગના દલિત અને આદિવાસી સ્ત્રીઓ પરના હુમલા અને બળાત્કાર અંગેના હોય છે. આ મહિલાઓ પરના કેસોમાંથી ચોથા ભાગના કેસોમાં 2016ના આખર સુધીમાં તપાસ બાકી હોવાનું બ્યુરોના આંકડા બતાવે છે. ખરેખર તો કાનૂન મુજબ ગુનો નોંધાયા બાદ એક મહિનામાં તપાસ પૂરી કરવાનું ફરજિયાત છે. 2016ના આંકડા મુજબ દલિત સ્ત્રીઓ પરના બળાત્કારના કોર્ટમાં દાખલ કરવામાં આવેલા 8,259 કેસોમાંથી વર્ષના અંતે 87% પેઇન્ડિન્ગ છે, અને 3.7 % કેસમાં સજા થઈ છે. આ આંકડો આદિવાસી સ્ત્રીઓની બાબતમાં અનુક્રમે 86.8 % અને 2.8% છે.
ગરિમા યાત્રામાં ભંવરીદેવી પણ હતાં. રાજસ્થાનનાં ભટેરી ગામમાં ઉપલી ગણાતી જાતિના પાંચ નરાધમોએ ભંવરીદેવી પર 22 સપ્ટેમ્બર 1992ની સાંજે તેમનાં ખેતરમાં બળાત્કાર ક ર્યો.તેનું કારણ એકે રાજસ્થાન સરકારના સમાજ સુધારણા કાર્યક્રમના કાર્યકર ભંવરીદેવી બાળલગ્નો અટકાવવાની કોશિશો કરી રહ્યાં હતાં. તેમણે બહુ જ વેઠીને ન્યાય માટે લડત આપી. પણ જિલ્લા અદાલતે નરરાક્ષસોને નિર્દોષ છોડી મૂક્યા. આ ચૂકાદાની સામે દેશભરમાં વિરોધનો વંટોળ જાગ્યો. તેને કારણે સર્વોચ્ચ અદાલતે કામનાં સ્થળે જાતીય સતામણી અટકાવવા અંગેનાં માર્ગદર્શક સૂચનો બહાર પાડ્યાં. દેશ અને દુનિયામાં કેટલાંક સન્માન અને સહાય મેળવનારાં ભંવરી દેવી પરની ‘બવંડર’ (2000) નામની અસરકારક ફિલ્મ બની છે. ભંવરી દેવી કહે છે કે ન્યાય માટેની તેમની લડત આજે પણ ચાલુ જ છે. ભંવરીદેવી ભારતનાં એક આદ્ય આદરણીય રેપ સર્વાઇવર છે. તેમનાં પહેલાં પણ મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, હરયાણા અને ઉત્તર પ્રદેશ એ દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછા એક સર્વાઈવર બહેન પોલીસે કરેલા કસ્ટોડિયલ રેપ સામે લડ્યાં હતાં. અદાલતમાં તેમની જીત ન થઈ, પણ એમની પ્રેરણાથી નારીવાદી ચળવળ મજબૂત બની.
બધી સર્વાઈવર્સનાં વીતક જાણીતાં ન થયાં. જેમ કે, જયપુરમાં વીસ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરિઝ પછી દિલ્હીની ‘એઇમ્સ’માં મોકલવામાં આવેલી રાજસ્થાનની સગીરા કે તામિલનાડુના તિરુનાવેલ્લી જિલ્લાના દૂરનાં ગામ આલાગુલમમાં યુવાન માફિયાએ કરેલા બળાત્કાર વિરુદ્ધ લડી રહેલાં સાઠ વર્ષનાં દલિત મહિલા. નીચ આસારામ સામે ફરિયાદ કરનાર ઉત્તર પ્રદેશની સગીરા અને પછી સૂરતની મહિલા, ગોધરાકાંડને પગલે બળાત્કારનો ભોગ બનનાર યુવતી, પાટણની કૉલેજની અને પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની લડતોને કેમ ભૂલી શકાય ?
સર્વાઇવર્સનાં નામ મોટે ભાગે બદલવામાં આવતાં હોય છે, અથવા બિલકુલ આપવામાં આવતાં નથી. પણ કોલકાતાની પાર્ક સ્ટ્રીટ પર ફેબ્રુઆરી 2012માં સામૂહિક બળાત્કારનો ભોગ બનનાર, બે દીકરીઓનાં માતા સુઝેટ જૉર્ડન (1975-2015) પહેલેથી જ પોતાનાં નામ સાથે અનેક અવરોધો વચ્ચે ન્યાય માટે લડ્યાં. એક સીમાચિહ્ન સમી વાત જેનું નામ નિર્ભયા પાડવામાં આવ્યું તેની માતાએ 16 ડિસેમ્બરે 2015ના દિવસે ચૅનલોને આપેલી મુલાકાતમાં કરી હતી : ‘મારી દીકરીનું સાચું નામ લેવામાં મને કોઈ શરમ નથી. જે સ્ત્રીઓએ વેઠ્યું છે તેમણે શરમ અનુભવીને તેમનું નામ છૂપાવવું ન જોઈએ. મારે દરેકને કહેવું છે કે મારી દીકરીને આજથી બધા જ્યોતિ સિંગ તરીકે જ ઓળખશે.’
સર્વાઈવર ફરિયાદ કરવાનું નક્કી કરે ત્યારથી તેનાં શરીરની અને સ્વમાનની, લોકો સાથેના સંબંધોની અને રોજબરોજની જિંદગીની લગભગ જાહેર તાવણી શરૂ થઈ જાય છે. તે એક યા બીજા અર્થમાં મોટે ભાગે આખી જિંદગી, ચાલુ જ રહે છે. બળાત્કાર એ કદાચ એક માત્ર ગુનો છે કે જેમાં ગુનો કરનારને નહીં પણ ગુનાનો ભોગ બનનારને ઓળખ છૂપાવવાની આવે છે. આપણા પ્રકારના લાંછનદાયી માહોલમાં બળાત્કાર પછી જીવતા રહેવાની ઇચ્છા એ પોતે જ જીવનશ્રદ્ધા ગણાય.
બાય ધ્ વે, ગરિમા યાત્રા પૂરી થતાં ઉત્તર પ્રદેશનાં એક નાનાં ગામની સગીર રેપ સર્વાઇવરના મા-બાપ ઘરે પાછાં ફર્યાં. તેના ત્રીજા દિવસે તેમનાં પર, આરોપીના સંબંધીઓનાં 35-40 હેવાનોનાં ટોળાંએ મોટો હુમલો કર્યો. દંપતી ઉપરાંત બે સગીર દીકરીઓ અને તેમની દાદીમાને ઘાયલ કર્યાં. ગરિમા યાત્રામાં જોડાઈને બળાત્કાર વિરુદ્ધ વાત કરવાની આ સજા હતી !
*****
07 માર્ચ 2019
e.mail : sanjaysbhave@yahoo.com
![]()
કદાચ જ કોઈએ એવી કલ્પના કરી હશે કે આ વર્ષે યોજાયેલા ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ 'ગ્રીન બુક'ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળશે, કારણ કે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નામાંકિત 8 ફિલ્મો પૈકી 'રોમા' નામની ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળશે, તેની સંભાવનાઓ પ્રબળ હતી. અને 'રોમા' સિવાયની નામાંકિત થયેલી અન્ય ફિલ્મો પૈકી 'ધ ફેવરેટ', 'બ્લેક પેન્થર', 'અ સ્ટાર ઈઝ બોર્ન' અને 'બ્લેક ક્લેંસમેન' પૈકી કોઈએકને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળે તેવું લાગી રહ્યું હતું, પણ ફિલ્મ 'ગ્રીન બુક'ને જ્યારે બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર મળ્યો, ત્યારે સૌ કોઈ ચોંકી ગયા.
ફિલ્મ 'ગ્રીન બુક' એક ઘોર અમેરિકન ફિલ્મ છે, તે ચોક્કસપણે એક સારી ફિલ્મ છે અને તે જોતી વખતે દર્શક તેમાં ડૂબતો જાય છે. આ ફિલ્મમાં કલાત્મકતા ભલે ઓછી હોય પણ આ એક પરંપરાગત અમેરિકન પ્રથાવાળી ફિલ્મ છે કે જેની દર્શક પર જલદી અસર ઊભી થઈ જાય છે અને ભાવનાત્મકરીતે દર્શકો સુધી તે કનેક્ટ થઈ જાય છે.

વર્ષ 1962ના સમયને રજૂ કરતી ફિલ્મ 'ગ્રીન બુક'માં એક ઈટાલિયન-અમેરિકન બોડીગાર્ડ(વીગો)ની વાત છે કે જે અશ્વેતોને ખાસ પસંદ કરતો નથી, અને તે પોતાના અધિકારો માટે જાગૃત આફ્રિકન-અમેરિકન સમલૈંગિક પિયાનોવાદક(મહર્શલા)ની સાથે એક યાત્રા પર નીકળે છે, આ એ સમય છે કે જ્યારે અશ્વેતોને સતત ગુલામી તથા હિંસાનો સામનો કરવો પડતો હતો. એક ઐતિહાસિક પુસ્તક કે જેનું નામ છે ધ નીગ્રો મોટરિસ્ટ ગ્રીન બુક કે જેમાં તે હોટેલોના નામો જોવા મળતા હતા કે જ્યાં યાત્રા દરમિયાન અશ્વેતોને રહેવા માટે આશરો મળતો હતો. આ પ્રમાણે ફિલ્મનું નામ આ રીતે 1930થી 1960ના દાયકામાં પ્રચલિત ગ્રીન બુકથી પ્રેરિત છે, અને તેમાં નોંધવામાં આવેલ હોટેલો મુજબ મ્યુઝિક ટૂર પર નીકળેલો ફિલ્મનો 'પૈસાદાર' અશ્વેત નાયક તેના માટે રહેવાની વ્યવસ્થા તેના શ્વેત ડ્રાઈવર-બોડીગાર્ડના માધ્યમથી કરે છે.
ફિલ્મ 'ગ્રીન બુક'માં કુશળતાપૂર્વક તે સમયનો શ્વેત-અશ્વેત વચ્ચેનો ભેદભાવ અને આભડછેટની વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ, ફિલ્મ 'ગ્રીન બુક' સાથેની સૌથી મોટી સમસ્યા એ તેનું પોલિટિક્સ છે કે જ્યાં એવું વારંવાર દર્શાવવામાં આવે છે કે અશ્વેતોને ન્યાય મેળવવા માટે શ્વેત અમેરિકન નાયકોની મદદ લેવી પડશે. આ પ્રકારની ફિલ્મોને 'વ્હાઈટ સેવિયર નેરેટિવ' (White savior narrative) તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં એવું દેખાડવામાં આવે છે કે ગોરી ચામડી ધરાવતા શ્વેત પાત્રો જ અશ્વેતોને અન્યાયમાંથી મુક્ત કરાવે છે. ઘણાં દાયકાઓથી હોલિવૂડની ફિલ્મો આ માનસિકતામાંથી બહાર આવી શકી નથી, પરંતુ, હાલના સમયમાં કેટલાંક બ્લેક ફિલ્મમેકર્સ હોલિવૂડમાં મુખ્યપ્રવાહની ફિલ્મોમાં સામેલ થયા છે, એટલે આ પ્રકારના પરંપરાગત નેરેટિવમાં બદલાવ જોવા મળ્યો છે.


આ બદલાવનું જો કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે છે વર્ષ 2018માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ 'ધ હેટ યુ ગિવ' (The Hate U Give) કે જેમાં અમેરિકામાં રહેતા અશ્વેતોની જીવનશૈલી અને તેમના પોતાના હક માટેની લડાઈની વાત છે. આ કારણે જ અશ્વેત નિર્દેશકો દ્વારા અશ્વેત નાયકોની વાત કહેતી ફિલ્મ જેવી કે 'ગેટ આઉટ', 'બ્લેક પેન્થર' અને 'બ્લેક ક્લેંસમેન', 'ધ હેટ યુ ગિવ' વગેરેની મુક્તકંઠે પ્રશંસા થાય છે. કારણ કે આ ફિલ્મો માત્ર શ્રેષ્ઠ છે, તેટલું જ નહીં પણ તેમાં સાંસ્કૃતિક મહત્ત્વ અને સાચા રાજકારણની વાત જોવા મળે છે, પણ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર જીતનાર 'ગ્રીન બુક' આ પૈકીની ફિલ્મ નથી. ફિલ્મ 'ગ્રીન બુક'માં શ્વેત નાયકને અશ્વેત અને સમલૈંગિક પિયાનોવાદકના ડ્રાઈવર અને બોડીગાર્ડ તરીકે નિયુક્ત કરવામાં આવે છે, અને લગભગ તમામ મુખ્ય પરિસ્થિતિઓમાં આ અશ્વેત નાયક 'વ્હાઈટ સેવિયર નેરેટિવ' હેઠળ તેના ગોરી ચામડી ધરાવતા શ્વેત ડ્રાઈવર-બોડીગાર્ડના કારણે રંગભેદની હિંસામાંથી બચી શકે છે.

યાદ કરો કે હોલિવૂડના શ્વેત ડિરેક્ટર ટેરેન્ટિનોની પ્રખ્યાત ફિલ્મ જેંગો અનચેઈન્ડ(2012)માં પણ આ પ્રકારના 'વ્હાઈટ સેવિયર નેરેટિવ' ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ ફિલ્મ 'ગ્રીન બુક'નો અશ્વેત નાયક એક રિયલ લાઈફ બ્લેક મ્યુઝિશિયન ડોનાલ્ડ શર્લી પર આધારિત છે અને આ સંગીતજ્ઞ પરિવારનો આરોપ છે કે 'ગ્રીન બુક' ફિલ્મમાં શ્વેત નાયકને મહાનાયકની જેમ દેખાડવાના ચક્કરમાં અશ્વેત ડોનાલ્ડ શર્લીના જીવનમાંથી ઘણું સત્ય બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને તેમાં ખોટી વસ્તુઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ વર્ષે જ્યારે ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ 'ગ્રીન બુક'ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ જાહેર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર અશ્વેત ડિરેક્ટર સ્પાઈક લી પણ નારાજ થઈ ગયા કારણ કે તેમની ફિલ્મ બ્લેક કલેંસમેન પણ ઓસ્કારમાં આ વર્ષે બેસ્ટ ફિલ્મની રેસમાં હતી. અશ્વેત ડિરેક્ટર સ્પાઈક લીએ હોલિવૂડ સ્ટાર્સની વચ્ચે બેઠા-બેઠા ફિલ્મ 'ગ્રીન બુક'ને લઈને તેમની નારાજગી પ્રગટ કરી અને ઓસ્કાર સેરેમની ખત્મ થતા પહેલાં ત્યાંથી બહાર નીકળી જવાના પણ પ્રયાસો કર્યા. અગાઉ પણ હોલિવૂડ ફિલ્મોમાં 'વ્હાઈટ સેવિયર નેરેટિવ'નો દ્રષ્ટિકોણ દર્શાવતી અનેક ફિલ્મોને ઓસ્કાર એવોર્ડ મળી ચૂક્યો છે જેમ કે વર્ષ 1999માં 'લાઈફ ઈઝ બ્યુટીફુલ' જેવી અદ્ભુત ફિલ્મ અને સ્ટીવન સ્પીલબર્ગની બેસ્ટ ફિલ્મ પૈકીની એક યુદ્ધ ફિલ્મ; સેવિંગ પ્રાઈવેટ ર્યાન'ને છોડીને 'શેક્સપિયર ઈન લવ' ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. જ્યારે વર્ષ 2006માં આંગ લીની ફિલ્મ બ્રોકબેક માઉન્ટેઈન અને સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ મ્યુનિખને બાજુમાં રાખીને 'ગ્રીન બુક' માફક 'વ્હાઈટ સેવિયર નેરેટિવ'નો દ્રષ્ટિકોણ દર્શાવતી ફિલ્મ ક્રેશને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 1941માં 'સિટીઝન કેન' જેવી મહાન ફિલ્મને છોડીને 'હાઉ ગ્રીન વોઝ માય વેલી'ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો કે જેને આજે કોઇ જાણતું પણ નથી.

હવે વાત વર્ષ 2018માં રિલીઝ થયેલી એક માસ્ટરપીસ હોલિવૂડ ફિલ્મ 'ધ હેટ યુ ગિવ' (The Hate U Give) વિશે કે જેમાં અમેરિકામાં રહેતી એક અશ્વેત સ્કૂલ ગર્લ સ્ટાર કાર્ટરના અનુભવોની વાત છે. અમેરિકન અશ્વેત પરિવારમાં જન્મેલી અને અશ્વેત લોકોના વિસ્તારમાં રહેતી સ્ટાર નામની આ છોકરી જ્યારે ગોરી ચામડીના લોકોની એક પ્રાઈવેટ સ્કૂલમાં ભણવા જાય છે ત્યારે શ્વેત લોકોનું તેની સાથેનું વર્તન અને તે દરમિયાન ફિલ્મની વાર્તામાં વળાંક ત્યારે આવે છે કે જ્યારે આ 16 વર્ષીય સ્ટાર તેના એક અશ્વેત મિત્રની સાથે એક પાર્ટીમાંથી ગાડીમાં ઘરે આવતી હોય છે તે દરમિયાન તે વિસ્તારનો શ્વેત પોલીસ ઓફિસર ચેકિંગના નામે આ ગાડીને રોકે છે અને તે દરમિયાન કંઈક એવી પરિસ્થિતિનું સર્જન થાય છે કે તે શ્વેત પોલીસ ઓફિસર ગાડીમાં સવાર અશ્વેત છોકરાને ગોળી મારી દે છે અને પછી ફિલ્મમાં શરૂ થાય છે આ મૃતક નિર્દોષ અશ્વેત છોકરાના હક માટેના લડાઈની વાત. ફિલ્મમાં 16 વર્ષીય અશ્વેત છોકરી સ્ટારની તેના પોતાના અધિકારો માટેની વાતને ખૂબ જ ગંભીરતાથી અને તર્કબધ્ધરીતે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ 'ધ હેટ યુ ગિવ' નામના એક પુસ્તક પર આધારિત છે, ભલે આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડમાં નામાંકન મળ્યું ના હોય તેમ છતા આ એક માસ્ટરપીસ ફિલ્મ છે અને ફિલ્મોના ઇતિહાસમાં તેની નોંધ ચોક્કસ લેવામાં આવશે.
e.mail : nbhavsarsafri@gmail.com
![]()

