મારા સસરા સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, ચુસ્ત ગાંધીવાદી હતા. તેમના અવસાનને ૧૦ વર્ષ વીતી ગયા. આઝાદીના સંગ્રામ સમયથી (લગભગ સિત્તેરેક વર્ષ પહેલાંથી) જૂનાં પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરિત કાગળમાં, નોટબૂક્માં, એન્વેલપ ફાડીને તેની કોરી બાજુમાં નોંધેલ લખાણો, તેમની ડાયરીના કેટલાક અંશો અને સંસ્મરણો અરુણભાઈ (મારા સાળા) તથા રીટાબહેન (મારાં નાનાં સાળી) પાસે સચવાયેલાં હતાં. તેનું સંકલન કરવાનું ભગીરથ કામ અમે બન્નેએ (ભારતીબહેન – જનકભાઈ શાહ) હાથ પર લીધું. આ કામ સરળ ન હતું, બધું જર્જરિત સાહિત્ય વાંચતાં લીંબડીની ઊંડી શેરીના ત્રણ મજલાના ઘરના ત્રીજા માળે, ખાટ પર હીંચતા હીંચતા લખતા, ટેબલ પર લખતા અને તેમના રૂમમાં આંટા મારતા સ્વર્ગસ્થ રસિકભાઈની આકૃતિ સ્મૃતિપટ પર સજીવન થવા લાગી, અને ત્યારે જ ભારતીને વિચાર આવ્યો કે ભાઈનું બધું જ સાહિત્ય સંપાદન કરીએ તો એક પ્રેરણાદાયી સાહિત્યની, આજના યુગની પેઢીને ભેટ મળશે તેમ જ રસિકભાઈ શબ્દ-દેહે સજીવ થઈ શકે. તે વિચારને અમલમાં મૂક્યો અને બેએક વર્ષના ગાળામાં ઈશ્વરકૃપાએ તે કાર્ય પૂરું થઈ શક્યું.
ગાંધીબાપુની ૧૫૦મી જ્યંતી સમગ્ર દેશ અને દુનિયા ઊજવી રહી છે, ત્યારે રસિકભાઈએ જ લીંબડીમાં સ્થાપેલ ‘મધુબન સાહિત્ય સંધે સ્વ. રસિકભાઈ શાહ(મારવાડી)નાં સાહિત્યને પ્રકાશિત કરવાની તક ઝડપી લઈ, ‘વંદે માતરમ્’ પુસ્તક અને ‘રસિક રહસ્ય કથાઓ’ (શ્રેણી – ૧, ૨, ૩, ૪, ૫)ના પુસ્તકોનું લોકાર્પણ કરેલ છે.
આ પુસ્તકો અંગે પુસ્તકોના આમુખ, પ્રસ્તાવના, બે બોલ વગેરે આધારે લખેલ લેખ ૧૫મી ઓગસ્ટના અનુસંધાને, ‘ઓપિનિયન’માં પ્રકાશિત કરવાના હેતુથી મોકલું છું.
— જનકભાઈ બી. શાહ
*****
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है
— बिस्मिल अज़िमाबादी
કોઈ પણ રાષ્ટ્રના ઘડતરમાં તેના સ્વાતંત્ર્યસંગ્રામનું સ્વરૂપ ઘણું મહત્ત્વનું હોય છે. આઝાદી પછીની પેઢીને સ્વતંત્રતા પહેલાંના જીવનનો ખૂબ ઓછો ખ્યાલ હોય છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાના પૂર્વજોએ કેવી યાતનાઓ સહન કરી છે, અને કેવા કડવા અનુભવો વચ્ચેથી તેમને પસાર થવું પડેલું, તેનો ખ્યાલ સ્વાતંત્ર્યોત્તર સમયમાં જન્મેલી વ્યક્તિઓને ખૂબ ઓછો હોય છે. તેથી જે-તે દેશની પ્રજાએ વેઠેલી મુશ્કેલીઓ, અનુભવેલી યાતાનાઓ, આઝાદીની લડતની પ્રક્રિયાઓ તથા ગતિવિધિઓની સ્મૃતિઓ કોઈ પણ રાષ્ટ્રની પ્રજા લાંબા સમય સુધી વાગોળતી રહે, અને તેના ઇતિહાસથી પરિચિત થાય તેની જવાબદારી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયલા લોકોની બની રહે છે.
સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓની આછી-પાતળી માહિતીથી તો ઘણા લોકો પરિચિત હોય છે, પરંતુ આ ઘટનાઓના ઊંડાણથી કે તેના કાર્યકારી પરિબળો તથા પાયાના કાર્યકરોના યોગદાન વિશે લોકો ખૂબ ઓછી જાણકારી ધરાવતા હોય છે. ઇતિહાસ અને સાહિત્યિક કૃતિઓ દ્વારા તે સંગ્રામની યાદો જીવંત રહી છે. તેમાંની કેટલીક કૃતિઓનાં નામ અસ્થાને નહીં લેખાય જેમ કે ‘ફ્રીડમ એટ મીડ નાઇટ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’, ‘તમસ’, ‘ભારેલો અગ્નિ’, ‘પ્રલય’, ‘બંધન અને મુક્તિ’, ‘બંદીઘર’, ‘દીપનિર્વાણ’ વગેરે. સમય સાથે પ્રબળ બનતી જતી સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક ન્યાયની ભાવનાને ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ્, સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઇ વગેરેની કવિતાઓમાં જોઈ શકાય છે. તેમાં તત્કાલીન સામાજિક સંરચના, સ્વતંત્રતાની ચળવળ અને મહાત્મા ગાંધી જેવા વિષયો કેન્દ્રમાં હતા. પદ્ય ક્ષેત્રે કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને મનસુખલાલ ઝવેરી જેવાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નવલકથા ક્ષેત્રે રમણલાલ વ. દેસાઈ, પન્નાલાલ પટેલ, મનુભાઈ પંચોળી, ઇશ્વર પેટલીકર વગેરેએ આ યુગનાં મૂલ્યો આ સાહિત્ય પ્રકારમાં પ્રચલિત કર્યાં હતા.
ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૭ સુધીનો સમય એ ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં અગત્યનો ગણવામાં આવે છે. ભારત પર જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો સત્તારૂપી કાળો પડછાયો હતો, ત્યારે તેને દૂર કરવા ભારતની પ્રજાએ જે રીતે આંદોલનો અને લડતો ચલાવી હતી તે માત્ર ભારતના ઇતિહાસમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસનું વિશિષ્ટ પ્રકરણ છે. મહાત્મા ગાંધીજી પ્રેરિત આ લડતની વિશિષ્ટતા એ હતી કે, જ્યારે વિશ્વ અણુપ્રયોગ કરી રહ્યું હતું, ત્યારે ભારત જેવા વિશાળ દેશના અને તેમાં ય અભણ, અજ્ઞાન તથા ગ્રામ્ય કક્ષાનાં લોકોને સાથે લઈ અહિંસક લડત ચલાવી, જે આઝાદીની લડતનો વિશ્વ કક્ષાએ પ્રથમ પ્રયોગ હતો. સમગ્ર વિશ્વને આ યુદ્ધ અને સાત્ત્વિક લડતે અન્યાય તથા અત્યાચાર સામે પ્રતિકાર કરવા સત્ય અને અહિંસારૂપી બે અભિગમ અપનાવવાની અપીલ કરી. ગાંધીજીની રાહબરી હેઠળ થયેલા હિંદના સ્વાધીન સંગ્રામની અનેક નામી-અનામી સ્વાતંત્ર્ય સૈનિકોએ પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું, ત્યારે આઝાદીના લડવૈયાઓએ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે લડત ચલાવીને આઝાદી આપવા બ્રિટિશરોને મજબૂર કરી દીધા હતા. આ નામી-અનામી સત્યાગ્રહીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આગળ ચાલી સભા-સરઘસો, પત્રિકા પ્રવૃત્તિ, પિકેટીંગ, ભૂગર્ભ પ્રવૃત્તિ, ભાંગફોડ પ્રવૃત્તિ, અસહકારના આંદોલન દ્વારા તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ આગેવાની લઈ, જેલવાસ ભોગવી, પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને કોઈ પણ ભોગે આઝાદી મેળવવાનાં સ્વપ્નને સાકાર કર્યું હતું.
માણસને જન્મથી જ ત્રણ માતાઓની ભેટ ઇશ્વર તરફથી મળે છે. એક જન્મ દેનારી મા, બીજી ધરતી માતા યાને માતૃભૂમિ અને ત્રીજી માતૃભાષા. ‘જનની જન્મભૂમિ સ્વર્ગાંદપિ ગરિયસી’ યાને જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જન્મ દેનારી માતા આપણને જન્મ આપી ઉછેરીને મોટા કરે છે તેનો ઉપકાર ક્યારે ય ભૂલી ન શકાય તેવો છે પણ જે ભૂમિ પર આપણે જન્મ લીધો તેનું ઋણ તો સાત જન્મે ય ચૂકવી ન શકાય. આવી એક માતૃભૂમિ એટલે લીંબડી અને લીંબડી એટલે ……
કવિ નાનચંદ્રજી મહારાજની જનસેવાથી સુવાસિત બનેલ ભૂમિ.
સ્વામી વિવેકાનંદજીની અનન્ય દેશભક્તિથી હરીભરી બનેલ ભૂમિ.
શંકર જગન્નાથતીર્થ સ્વામીની યોગસાધનાથી અભિષિક્ત ભૂમિ.
શ્રીમન્ન નથુરામ શર્માની ધર્મને સુલભ બનાવનાર સાહિત્ય સાધનાથી પાવન થયેલ ભૂમિ.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર, વિનોબાજી અને સ્વામી આનંદનાં પુનિત ચરણથી પવિત્ર થયેલ ભૂમિ.
અમદાવાદના ભડકી ઊઠેલ કોમી દાવાનળને ઠારવામાં શહીદી વહોરનાર વીર રજબઅલીની ભૂમિ.
સરદારસિંહ રાણા તેમ જ અનેક સ્વાતંત્ર્ય સેનાની અને અનેક સત્યાગ્રહીની દેશભક્તિનું પાન કરેલ ભૂમિ.
શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના રાજ્ય કવિ શંકરદાનજી દેથાની કર્મભૂમિ.
આવી આ લીંબડી કે જેનું નામ રાષ્ટ્રીય ફ્લક પર આઝાદીની લડતના સમયે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ જેવા ટોચના નેતાઓના સ્મૃતિ પટ પર પણ અંકાયેલું હતું, તે વાતની પ્રતીતિ વર્ષો પહેલાં બહાર પડેલ પુસ્તિકા ’લીંબડીની લડત’ વાંચીએ તો ખ્યાલ આવશે. દેશને આઝાદ કરવામાં ભારતના સર્વે ભાગમાં એક એવી જ્વાળા પ્રગટી હતી કે કોઈ તેને રોકી ન શકે. તો પછી લીંબડી સવિશેષ પોતાનું યોગદાન દેવામાંથી કેવી રીતે બાકાત રહી શકે ?
આવી આ લીંબડીને પોતાની કર્મભૂમિ બનાવેલ એક આમ આદમીનું નામ કદાચ આ યાદીમાં ઉમેરીએ તો શક્ય છે ઉપરોક્ત નામોની તોલે તે ન પણ આવે છતાં તેમણે આ ભૂમિ માટે ગુજારેલી જિંદગીને નજરઅંદાજ નહીં જ કરી શકાય. જેમણે પોતાની શક્તિ પ્રમાણે દેશ ખાતર જિંદગીને હોડમાં મૂકી આ ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં બરડાફાડ લાઠીઓ ખાધી હતી અને જેલની યાતનાઓ ભોગવી હતી, તેમનું નામ ઉમેરવાનો અમારો નમ્ર પ્રયાસ અહીંયા અસ્થાને નહીં ગણાય. એ હતા મહાત્મા ગાંધીજીની હરિજન કલ્યાણની તમામ પ્રવૃતિઓમાં નાણાકીય લાભની પરવા કર્યા વગર અવિરત સેવા બજાવી બાળપણથી જ સત્ય માટે સામનો કરનાર, સામાજિક અન્યાયનો સામનો કરી જીવનભર ઝઝૂમનાર તેમ જ વર્ષો સુધી ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘ગુજરાત સમાચાર’, અને ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના સાચા, શૂરવીર, પ્રામાણિક, કાર્યદક્ષ અનેે નિષ્ઠાવાન ખબરપત્રી તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર, લીંબડીના મે. પે. સાર્વજનિક છાત્રાલયના ગૃહપતિ તરીકેની ફરજ બજાવનાર લીંબડીના વતની એવા રસિકલાલ શિવલાલ શાહ (મારવાડી)(જન્મ-૨૫/૧૨/૧૯૧૬) જેમની સ્વાતંત્ર્ય સેનાની તરીકેની કદર કરીને રાજકોટ મુકામે ૧૫ ઓગસ્ટ, ૧૯૯૮ના આઝાદીના પર્વે તે સમયના ગુજરાત રાજ્યના નાણાપ્રધાન વજુભાઇ વાળાના હસ્તે ચાંદીનો સીક્કો આપી તેમ જ શાલ ઓઢાડી વિશિષ્ઠ સન્માન કરવામાં આવેલું હતું.

વર્ષો પહેલાં, આઝાદીની લડતમાં ભાગ લેનારને પેન્શન વગેરે લાભ આપવાનું જાહેર થયું ત્યારે તેમણે તેમનાં સ્મરણોમાં નોંધેલી વાત રજૂ કરીશું તો ખ્યાલ આવશે કે તેઓની લડતમાં કોઈ બદલો મેળવવા માટે ભાગ લીધો ન હતો. તે એક એવો જુવાળ હતો કે સૌ કોઇ બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થવા કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ભાગ લીધો હતો.
પેન્શન લેવાનું અયોગ્ય લાગ્યું
ફ્રીડમ ફ્રાઇટરને પેન્શન અને બીજા લાભો આપવાનું સરકારે જાહેર કર્યું. શ્રી રસિકભાઈ પરીખે (તે સમયે ગુજરાતના ગૃહપ્રધાન હતા.) મને પેન્શન મેળવવાના ફોર્મ ઉપર સહી કરવાનું કહ્યું. બાકીનું પોતે સંભાળી લેશે તેમ જણાયું.
તે વખતે મારા બાળકો હજુ અભ્યાસ કરતા હતા. મારી આવક માસિક રૂા. ૧૫૦/-ની.
મેં મુ. શ્રી રસિકભાઈને કહ્યું, “મારે શા માટે પેન્શન લેવું ?”
તેમણે કહ્યું, “તું જેલમાં ગયેલો. તારી પાછળ દસેક મહિના વૉરન્ટ હતું. તેં માર પણ ખાધેલો. સિદ્ધાંત ખાતર સ્કૂલ પણ છોડેલી. વળી આ જ સુધી તું રચનાત્મક પ્રવૃત્તિને વળગી રહ્યો છે. બીજાઓ તો ખૂબ કમાય છે તેઓ પણ પેન્શન લે છે.”
મેં કહ્યું, “તેમની વાત જુદી છે. હું તો માનું છું કે મેં જે કાંઈ કર્યું હતું અને કરું છું તે માત્ર મારી ફરજ સમજીને, નહીં કે બદલો લેવા માટે. વળી પેન્શન માટે અરજી કરવી તેનો અર્થ ભીખ માંગવી તેમ હું કહું છું. ખરી વાત તો એ છે કે જેમણે દેશ માટે ભોગ આપ્યો હોય અને તેને કારણે આજે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેવાને શોધી કાઢી સામે ચાલીને વગર અરજીએ સરકારે સહાય આપવી જોઈએ, અલબત્ત તેમનું ગૌરવ જળવાય તે રીતે.”
મુ. શ્રી રસિભાઈએ મને ઘણો સમજાવ્યો. પણ હું મારી વાતમાં સ્પષ્ટ હતો અને મક્કમ રહ્યો.
ઘણા મિત્રો આ માટે આજે પણ મને મૂર્ખ કહે છે. હું તે વાતને હસી કાઢી શકું છું તેટલી ઈશ્વરની મહેરબાની માનું છું.
આમ લીંબડી ગામના આમ આદમી રસિકભાઈએ અસંખ્ય કષ્ટો સહન કરીને એક સમયે જીવનને હોડમાં મૂક્યું હતું. ‘સ્વાતંત્ર્ય સેનાની’ તરીકેનાં માનપાન, તામ્રપત્ર, સરકારી રાહતો અને પેન્શનને પણ ઠોકરે મારી એક શહેનશાહની ખુમારીથી તેઓ જીવ્યા હતા. સાદાઈ, સંતોષ અને સેવામાં એમને કર્તવ્યની સાર્થકતા સમજાઈ હતી. જે જમાનામાં દેશી રજવાડાઓમાં સ્વાતંત્ર્ય માટે રાજકીય પ્રવૃતિઓ કરવી એટલે કેસરિયા કરીને અથવા શિર પર કફન બાંધીને યાહોમ કરીને પડયા જેવું કામ હતું, એ જમાનામાં તેમણે નોંધપાત્ર મર્દાનગીભરી દેશસેવા કરી હતી. નિડરતાથી કોઇની શેહ શરમમાં આવ્યા વગર સાદું, સત્યનિષ્ઠ, નિયમિત જીવન જીવ્યા હતા. તેમના પિતા શિવલાલ ગુલાબચંદ શાહે તેમના વિચારો અને સિદ્ધાંતોને સદા ય ઉત્તેજન આપ્યું હતું. તેઓ તેમની પાસેથી આત્મગૌરવના પાઠો શીખ્યા હતા. તેમના માતા પ્રસન્નબહેન શિવલાલ શાહના સરળ, પ્રેમાળ અને ઉદાર સ્વભાવે તેમનામાં સમતાભાવના ગુણનું બીજ રોપ્યું હતું. તેઓ હંમેશાં તેમના ગુરુ એવા બે મહાનુભાવોને ભૂલ્યા ન હતા. (૧) મૂળશંકરભાઈ મો. ભટ્ટ (૨) અમૃતલાલ યાજ્ઞિક. મૂળશંકરભાઈએ તેમનામાં જે કાંઈ સદ્ગુણો હતા તેને વિકસાવવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને અમૃતલાલ યાજ્ઞિકના પ્રેમે તેમને તેમાંના સિદ્ધાંતોમાં ટકી રહેવાનું બળ પૂરું પાડયું હતું.
“મુંબઇ સમાચાર” સાપ્તાહિકના નિવૃત્ત તંત્રી તેમ જ તેમના વ્યવસાયબંધુ એવા શાન્તિકુમાર જ. ભટ્ટે ‘એક સત્યાગ્રહી કાર્યકરનાં સંસ્મરણો’ની પ્રસ્તાવનામાં તેમના વિશે જણાવ્યું હતું કે :
“ખરેખર મહાન બનવા માટે આગેવાન બનવાની નહીં પણ સાચા, શૂરવીર, પ્રમાણિક, કાર્યદક્ષ અને નિષ્ઠાવાન સત્યાગ્રહી કાર્યકર બનવાનું આવશ્યક છે. આગેવાનોની મર્યાદાઓ અને અપૂર્ણતાઓ લોકોમાં ચર્ચાનો વિષય બને છે. આ મર્યાદા અને અપૂર્ણતા સોના જેવા શુદ્ધ સત્યાગ્રહી અને કાર્યકરને નડતી નથી. પત્રકારત્વના પાયારૂપ વૃત્તાંત નિવેદક તરીકે ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’માં સમાચારો મોકલવા માટે એમણે અસંખ્ય મુશ્કેલીઓનો જાનને જોખમે દાયકાઓથી સામનો કરવાની એમની લડાયક વૃત્તિ જાગી અને પછી વિકસતી ગઈ. સમાજિક અન્યાયોનો સામનો કરવા તેઓ જીવનભર ઝઝૂમ્યા. એક તો જૈન કોમની વેપારી કોઠાસૂઝ, વળી કર્મનિષ્ઠા, જો તેઓએ ધાર્યું હોત તો આજે સમાજમાં તેઓ કોઈ શાહ સોદાગર કે ઉદ્યોગપતિ બની શક્યા હોત. રાજકીય પક્ષનું દોરડું પકડીને આકાશને આંબી શક્યા હોત પણ આદર્શવાદી, સ્વદેશપ્રેમી અને સમાજપ્રેમી કાર્યકર માટે એ શક્ય જ નથી.”
દેવિકાબહેન ધ્રુવે તેમના બ્લોગ ‘શબ્દોને પાલવડે’માં (૫ત્ર શ્રેણી – ૫; ૩૦ જાન્યુઆરી, ૨૦૧૬) એક ખૂબ સરસ વાત કરી છે. “કોઇપણ ભાષા એ વ્યક્તિની અભિવ્યક્તિનું એક માધ્યમ છે. સાહિત્ય ક્યાં જીવનથી જુદું છે ? એમ તો દ્રઢપણે માનું છું કે, સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે. સાહિત્ય તેનું જ પ્રતિબિંબ છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છેઃ ‘Literature is the reflection of life.’ અને … તેમણે જોયેલ જગત અને જીવેલા જગતનું ૧૦ વર્ષથી અપ્રકાશિત અવસ્થામાં પડેલું રસિકભાઈનું કલ્પનામાં પણ ન આવે તેવું સાહિત્ય અમને સાંપડ્યું અને તેમના યુગનો એક સ્પષ્ટ ચિતાર આંખ સમક્ષ ખડો થઈ ગયો. તેની અનુભૂતિ કરવામાં આપ સૌ કેમ બાકાત રહી જાવ?
William Shakespeare ના ‘As You Like It’માં પ્રસ્તુત કરેલ કાવ્ય ‘All the world's a stage’ કાવ્યની છેલ્લી પંક્તિ યાદ આવે છે : ‘Last scene of all, …. That ends this strange eventful history ,…’ માણસ જીવીને જાય છે એટલે કે મૃત્યુ પામે છે ત્યારે ખ્યાલ આવે છે કે કેટલા મહત્ત્વશીલ બનોવોથી ભરપૂર ઇતિહાસનો અંત આવ્યો છે. રસિકભાઈનું સમગ્ર સાહિત્ય તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે, અને દેવિકાબહેને કહેલ વાતને ‘સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે.’ તેની સાબિતી આપે છે.
વર્ષો પહેલાં વિદ્યાર્થીઓને સરોજિની નાયડુનાં SLEEP, O my little ones, sleep,… કાવ્યના કરાવેલ રસદર્શન અને ઝવેરચંદ મેઘાણીનાં કાવ્ય ‘શિવાજીનું હાલરડા’ની કેટલીક પંક્તિઓ યાદ આવી જાય છે. બન્ને કાવ્યોનો સંદર્ભ આઝાદી પહેલાંના બાળકો માટે સૂચિત કરાયેલ શાંતિભરી નિંદર માણી લેવાનો છે. બન્નેમાં બાળકને નિંદર માણી લેવાનું શા માટે કહેવાય છે ?
સરોજિની નાયડુ તેમના ‘SLEEP, O my little ones, sleep’ કાવ્યમાં આઝાદીના સોનેરી સમણાંની કેવી સરસ વાત અભિવ્યક્ત કરે છે ! તેઓ સોનેરી આવતીકાલનાં સમણાંમાં પરોઢ (આઝાદી મળે) થાય ત્યાં સુધી બાળકને સૂઈ રહેવાનું કહે છે કારણ કે હજી તે જાગે ત્યાં સુધીમાં તેમને તેમનો પાક તૈયાર કરવાનો છે (આઝાદી મેળવવાની છે) જેને દાતરડાથી લણી લેવાનો છે. તે પાક પણ ક્યો ? તે સૂતો હતો ત્યારે (ગુલામીના સમય ગાળા દરમિયાન) તે પાક. તેમની આશા અને વેદનાઓથી પોષાયેલ હતો અને તેમના આંસુઓથી તેમણે તેને સમૃદ્ધ કરેલો હતો. મેઘાણી પણ ‘શિવાજીનું હાલરડા’માં બાળકને પોઢી લેવાનું કહે છે કારણ કે બાળકને જાગશે ત્યારે આઝાદી મેળવવા યુદ્ધ ખેલવું પડશે અને તલવાર પણ ચલાવવી પડશે અને કેવો સંગ્રામ ખેડીને આઝાદી મળશે તેની તો તે સમયે કલ્પના જ કરવાની હતી. આવી આઝાદી મેળવવા ખેડેલા સંઘર્ષોની કથાઓ અનેક પુસ્તકોમાં અભિવ્યકત થયેલ જોવા મળે છે. આપણને આ આઝાદી અનેક દેશપ્રેમી જનોનાં બલિદાનો પછી પ્રાપ્ત થઈ હતી તેની અનુભૂતિ આવી કથાઓ વાંચીને થાય છે.
આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી ખ્યાલ આવશે કે મેઘાણીએ અને સરોજિની નાયુડુએ લખેલ સાહિત્યનો યુગ રસિકભાઇનો યુગ પણ હતો. તેમના જીવનના વિવિધ તબક્કામાં આઝાદીના સંગ્રામ વખતે તેમણે ખેડેલ સંઘર્ષમાંથી રચાયેલું તેમનું સાહિત્ય તેમની ભૂમિકાને સ્પષ્ટ કરે છે અને તેમના જીવનને પણ પ્રતિબિંબિત કરે છે. આ પ્રતિબિંબ તેમનાં કાવ્યો, સંસ્મરણો અને રોજનીશીના કેટલાંક અંશોમાં પ્રસ્તુત થયાં છે. તમે કલ્પના કરી શકો કે દેશદાઝને ખાતર શાળા છોડવી પડે તેની પણ તમા કર્યા વગર આજે કોઈ તેમના જેવી હિંમત દર્શાવી શકે ખરા? વાત છે તે ૧૯૩૬ની સાલની. તેઓ પોતાના સંસ્મરણોમાં નોંધે છે –
રસ્ટિકેટ થયો
૧૯૩૬માં મેટ્રિકમાં હતો ત્યારે એક બીજો બનાવ બન્યો અને મારે સ્કૂલ છોડવી પડી. ૧૯૩૬માં વાઇસરૉય લોર્ડ વિલિંગ્ડન અને લેડી વિલિંગ્ડન નવા પૂલના ઉદ્ઘાટન માટે લીંબડી આવ્યાં. અમને તેમનું સ્વાગત કરવા સ્ટેશને જવાનું ફરમાન થયું. બ્રાહ્મણ બોર્ડિંગના વિદ્યાર્થી રવીન્દ્રનાથ અને મેં સ્વાગત કરવા જવાની ના પાડી. રાજ્યની પ્રજા તરીકે. રાજ્યના મહેમાનોનું સ્વાગત કરવાની ફરજ છે તેમ સમજાવવામાં આવ્યું. જવાબમાં અમે જણાવ્યું,“રાજ્યના મહેમાનનું રાજ્ય વતી સ્વાગત કરવાનું હોય તો યુનિયન જેકને બદલે રાજ્યનો ધ્વજ લઈને અને ખાદીની ટોપી પહેરીને જવામાં વાંધો નથી. છેવટે અમને રસ્ટિકેટ કરવામાં આવ્યા. પંડ્યા સાહેબે મને બોલાવી કહ્યું, “તમારી ભાવના હું સમજું છું, પણ રાજ્યના હુકમ પાસે લાચાર છું.” તેમની અમારા તરફની સાચા હૃદયની લાગણી હું જોઈ શક્યો, પણ બીજો કોઈ રસ્તો ન હતો અને સ્કૂલ છોડી.
આજના યુગના કેટલાં વિદ્યાર્થી હેડમાસ્તર પાસે આવી નિડરતા બતાવશે ? પોતે રસ્ટિકેટ થતા, સર્ટિફિકેટમાં ‘રસ્ટિકેટ’ લખવામાં આવતા હેડમાસ્તર સામે જ તે સર્ટિફિકેટને ફાડી નાખવાની હિંમત દાખવવી તે કાંઈ નાની-સૂની દેશ-દાઝ ન કહેવાય ! એ જ વાત વિગતે તેમણે તેમની ડાયરીમાં પણ પ્રસ્તુત કરી હતી. બચપણથી અન્યાય સામે લડવાની તેમની વૃત્તિ તેમનાં સંસ્મરણો, ડાયરી તેમ જ કાવ્યમાં પ્રતિબિંબિત થઈ છે. સત્યાગ્રહની લડતમાં ચલાવેલી ચળવળના ઘણા બધા કિસ્સાઓમાં તેમની નિડરતા અને સત્યનિષ્ઠાના દર્શન થયાં વગર રહેતાં નથી.
આંધળીમાના કાગળના રાગમાં લખાયેલ કાવ્ય ‘કેદીનું જીવન’ અને ‘રાત્રે પજવતાં તીડડાંને’ કાવ્યો આબેહૂબ જેલ જીવનનો ચિતાર ખડો કરે છે અને સાથે સાથે ખ્યાલ પણ આવે છે કે દેશ ખાતર જેલમાં ગયેલા કેદીએ કેવી વેદના સહી હશે. આજના જેલના કેદીના જીવનને આ ચિતાર સાથે સરખાવશો તો કદાચ આજનું જેલ જીવન વધું સુખ સાહેબીવાળું લાગશે.
ઘણી વાર ન્હાઇને ફક્ત ટૂવાલ વિંટાળીને ખુલ્લા ડિલે પોતે રચેલ ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ ભક્તાંમરનું રટણ કરતા તેમની પીઠ પર લાકડીના મારના સળને જોયા હતા તે વાત આ કાવ્ય વાંચીને યાદ આવી જાય છે. પણ તેમણે કદી આ મારની કે પોતે વેઠેલા દુઃખની વાત કહી ન હતી કોઇ પૂછે તો તેઓ કહેતા –
દુઃખ શું ?
મને કોણ જાણે કેમ પણ દુઃખ મનની કલ્પના છે તેમ લાગ્યા કર્યું છે. મુશ્કેલી આવે તેને સહજભાવે અવગણીએ તો મુશ્કેલી લાગે નહીં. પર્વત ઉપર ચઢવામાં કેટલાક આનંદ અનુભવે છે અને તે કાર્ય વેઠ ગણીને કરનારને તેમાં ભારે મુસીબત લાગે છે. મને કેટલાક મિત્રો જ્યારે કહે છે, “તમે ઘણું સહન કર્યું છે.” ત્યારે હું પૂછું છું, “મેં શું સહન કર્યું છે? તે તમે મને કહો તો ખબર પડે, બાકી મેં સહન કર્યું છે તેવું મને તો ક્યારે ય લાગ્યું નથી. એક કામ તે ગમે તેવું મહેનતનું હોય પણ તે હોંશથી કરીએ તો તેમાં આનંદ આવે છે – કાંઈક કર્યાંનો સંતોષ મળે છે, પણ પણ તે જ કાર્ય જો વેઠ સમજી રોદણાં રોતાં કરીએ તો તેમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. કરવાનું જ છે તો ગૌરવભેર હસતાં મોંઢે શા માટે ન કરવું? તે મને તો કદી સમજાયું નથી.
સમાજનાં દૂષણોને અને સમાજની માન્યતાઓને પણ તેઓ એ તેમના કાવ્યમાં ખૂબ સરસ રીતે અભિવ્યક્ત કરી છે. સમાજમાં જીવતી પાપી સ્ત્રીને શિક્ષા કરવાનો અધિકાર કોને છે તે વાતને પથ્થર દ્વારા જ છંદોબદ્ધ પંકિતઓમાં પ્રસ્તુત કરીને હૃદયસ્પર્શી બનાવી દીધી છે.
ધાર્મિક કથાઓના પ્રસંગને પણ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કર્યા છે તે વાત તેમના કાવ્ય ‘રામ-રાવણની ખેલદિલી’ દ્વારા સાબિત થાય છે. રાવણ રામનો દુશ્મન હોવા છતાં લંકા જવા માટે સેતુ બાંધવાના મુહૂર્તને રાવણ કાઢી આપે તે વાત આપણને માન્યામાં ન આવે. પણ છંદોબદ્ધ રચનામાં તે વાત પ્રસ્તુત કરીને આપણને તે વિચારતા કરી દે છે.
કર્તવ્યનિષ્ઠ પણ મગરૂર માનવીનું અંગ્રેજી કાવ્ય ‘મીલર ઑફ ધી ડી’ આપણે સૌ ભણી ગયા છીએ. તેનો ભાવાનુવાદ કરીને પોતાના વિચારોને પ્રસ્તુત કરવા જાતે તેમાં ઉમેરો કરીને પોતાની સૂઝને અભિવ્યક્ત કરીને તેમણે નિડરતાના એક સાચા પ્રશંસક તરીકેની છાપ અંકિત કરી છે.
વસંત-રજબની કોમી એકતા અને કૂરબાનીની વાત આપણે સૌ જાણીએ છીએ. અમદાવાદના તે સમયે ભડકેલા કોમી દાવાનળની વાતને આબેહૂબ વર્ણવતી પંકિતઓ તેમને એક નીવડેલ અને પ્રવીણ કવિ જીવ તરીકે પ્રસ્થાપિત કરે છે. તે કાવ્ય દ્વારા માનવીય સંવેદનાને પણ હચમચાવી દીધી છે અને સત્ય હકીકતને શબ્દદેહે પ્રસ્તુત કરવામાં તેમણે કોઈ મણા રાખી નથી.
કાવ્ય સંગ્રહને જોતાં એમ લાગે છે કે તેમના પર ઇન્દુલાલ ગાંધીના કાવ્ય ‘આંધળી માના કાગળ’ની અસર ઘણી પડી હશે, અથવા તેમને તે કાવ્યો ખૂબ જ ગમ્યાં હશે. કેટલાંક કાવ્યો તેમણે તે ઢાળમાં રચ્યાં છે તેમ જ તે કાવ્યના જવાબમાં પ્રતિકાવ્ય પણ રચ્યાં છે. કાવ્યની પંકિતોઓ અંગે તેવો ખ્યાલ પણ છે કે આવી રચના બીજા કેટલાક કવિઓએ તે સમય દરમિયાન કરી હતી. તેમની પુસ્તિકા ‘એક સત્યાગ્રહી કાર્યકરનાં સંસ્મરણો’માં તેમની હયાતી દરમિયાન સમાવિષ્ટ કરાયેલ આ કાવ્યોને જોઈને શ્રદ્ધા બેસે છે કે આ કાવ્યો તેમણે જાતે જ રચ્યાં હશે. આ ઉપરાંત તેમણે લખેલ કાવ્યોની તારીખ પરથી ખ્યાલ આવે છે કે તે સમયના ગાળામાં તેઓની મનોસ્થિતિ કેવી હશે.
ઘરમાં બનતી ગતિ-વિધિ તેમની નજર બહાર ન જતી તેનું એક સરસ ઉદાહરણ મળી આવે છે. સૌથી નાની દીકરી રીટાને રોટલી વણતી જોઈને તેમનાં મનમાં જાગેલા પ્રશ્નોને અને નારીની મનોદશા શું હોઈ શકે તે વાત સાથે નાતને અને વાદના નાદને વણી લઈ સરસ મજાના પ્રાસ મેળવી રચેલ આ કાવ્યની પંકિતઓ હૃદયને સ્પર્શી જાય છે. ટૂંકી વાર્તાઓના સંદર્ભે જોઇએ તો તેમની વાર્તાઓમાં પ્રમાણિકતા, સત્યનિષ્ઠા, ચારિત્ર્યશીલતા, નીડરતા, વહેમને દૂર કરવાના વિષય-વસ્તુઓને આવરી લેવામાં આવ્યા છે.
રસિકભાઈ શાહ (મારવાડી) આ ‘લીંબડી’ના એક એવા હિતચિંતક અને એવા એક સત્યાગ્રહી હતા જેમણે બરડા ફાડ લાઠીઓ ખાઈ, જેલવાસ ભોગવી આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. ‘આઝાદીની ચળવળ’ના સમયે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો, તેનો ચિતાર તેમણે આલેખેલાં તેમનાં હૃદયસ્પર્શી સંસ્મરણોમાં અભિવ્યકત થાય છે તે વાંચીને લાગે છે કે આજના યુગના યુવાને અચૂક વાંચવા જ જોઇએ. તે સમયમાં બ્રિટિશ હકૂમત સામે વિદ્યાર્થી તરીકે અવાજ ઊઠાવનાર યુવાન રસ્ટિકેટ થતાં આચાર્ય સામે જ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફાડી નાખી પોતાની શાળા છોડી દેવાની હિંમત કરે, તેની આજના યુવાનોને કલ્પના નહિ આવે. તો વળી જેને ઊંઘમાંથી ઊઠાડવાની હિંમત ન કરી શકનાર વહાણ પગી જેવા ખુંખાર આદમીને રાત્રે મળવાની હિંમત કરે તેવો નિર્ભય આદમી એ જમાનામાં મળવો સહેલો ન હતો અને તેવી હિંમત કેળવવી પણ સહેલી નથી. નદીના પટમાં સૂકાયેલી શ્વેત ચાદરોના હલન ચલન અંધકારમાં ‘ભૂત સભા’નો આભાસ ઊભો કરી માનવીના વાસ્તવિક મનોવલણને કેવી સરસ રીતે વ્યકત કરે છે, તે જાણવા માટે ‘ભ્રમણાની ભૂત સૃષ્ટિ’ કથા વાંચવી જ જોઇએ. એકોએક કથામાં કાંઇકને કાંઇક નીતિબોધ છૂપાયેલ રહે તે તેમની કલમની ખૂબી છે. લંકા જવા સેતુ બાંધવાનું ખાત મુહૂર્ત રામે રાવણ પાસે કઢાવીને તેના હાથે પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજન વિધિ કરાવવાનું આબેહૂબ દ્રશ્ય ૦૯-૦૯-૧૯૬૦ના રોજ લખાયેલા ‘રામ-રાવણની ખેલદિલી’ કાવ્યમાં સરળ પંક્તિઓમાં અદ્ભુતરીતે આલેખાયેલું છે. કાવ્યની અંતિમ પંક્તિઓ જોઇએ તો …
(અનુષ્ટુપ)
કરી પ્રાણ-પ્રતિષ્ઠાની પૂજા રાવણ બ્રાહ્મણે,
દક્ષિણા રામ આપે ને આશિષ રાવણને મળે.
“મનનો સંકલ્પ તારો જે પરિપૂર્ણ બનો અને
“શુભ થાઓ સદા તારું, શત્રુઓ નિર્મૂળ બને.”
અહોહો ! ભવ્ય આ કેવું અલૌકિક જ દૃશ્ય એ ?
મહાશત્રુ નક્કી તોયે ખેલદિલી અપાર છે.
આમ રસિકભાઈ શાહ(મારવાડી)ના સમગ્ર સાહિત્ય વિશે લખવા જઇએ તો બીજું પુસ્તક બની જાય. પરંતુ જીવનકાળ દરમિયાન તેમણે જે કાંઈ સર્જન કર્યું તે નોંધપાત્ર અને મૂલ્યવાન છે. જીવન આખું ગાંધીમૂલ્યોને આત્મસાત્ કરીને જીવ્યા અને તેનું પ્રતિબિંબ તેમના સાહિત્યમાં પડયા વગર રહેતું નથી.
મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે લડત ઉપાડી હતી અને તેમનો વિશાળ સમર્થક વર્ગ હતો. અનેક નેતાઓના નેતૃત્વમાં આઝાદીની લડત લડાઈ હતી અને અનેક સમર્થકોએ જેલવાસ ભોગવ્યો હતો. પરંતુ રાષ્ટ્રની આઝાદી માટે કોઈ પણ જાતની અપેક્ષા વિના રાષ્ટ્રના મોટા ભાગના સમર્થકોએ વેદના સહન કરીને પણ રાષ્ટ્રીયતાને વંદના કરી છે. આ સમર્થકોમાં રસિકભાઇ શાહ(મારવાડી)ની રાષ્ટૃવંદના કેમ ભૂલાય ? રસિકભાઇ શાહે ઇ.સ. ૧૯૩૫થી જેલવાસ દરમિયાન અને પછી જીવન પર્યંત ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે.
જેમને હૈયે ભારતમાતાની કૃપા હોય અને રગેરગમાં કેવળ ભારતમાતાનાં રાષ્ટ્ર પ્રેમના ગીતો ગુંજતાં હોય, પ્રત્યેકના હૃદયમાં માનવતા જ ડોકાતી હોય, કેવળ નૈતિકતાથી તે ભરેલાં હોય, મમત્વની દ્રષ્ટિથી જ સૌને નીહાળતા હોય, સંકટમાં મુકાયેલાઓને મદદરૂપ થતા હોય, બીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ ધરાવતા હોય તેવા યોગીઓને વંદન કરવા રહ્યાં. કાઠા મન અને વિશાળ હૈયા અને ક્રિયા તત્પર હાથ તેઓની પાસે હતા. અધિકાર સ્થાનોએથી ફેંકાયેલા ટૂકડાંમાં તેમને કદી રસ ન જ હોય. કેવળ તેમની સંક્લ્પ શક્તિ અને ઇજ્જ્ત એ તેમનું ભાથું હતું. આ મહાનુભાવોને બીરદાવવા એ જ આપણું કર્તવ્ય બને છે. ભાવનાશાળીઓના સહકારથી જ આપણું ‘ભારતની મહાનતાના દર્શન’નું સ્વપ્ન સાકાર થશે. અખંડ ભારત એ આપણા સૌનું સ્વપ્ન છે અને મને શ્રદ્ધા છે કે તે સાકાર થશે.

લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં જૂના પેમ્ફલેટોની પાછળની કોરી બાજુમાં લખેલ, જર્જરિત કાગળમાં, નોટબૂકમાં, એન્વેલપ તોડીને તેની કોરી બાજુમાં નોંધેલ લખાણો તેમની ડાયરીના કેટલાંક અંશો અને સંસ્મરણો અરુણભાઈ તથા રીટાબહેનન પાસે રસિકભાઈના અવસાનનને દસ વર્ષ થયાં હોવા છતાં સચવાયેલાં હતાં. તેનું સંકલન કરવાનું મિશન ભારતીબહેને તથા જનકભાઈએ ઝડપી લીધું. આ કામ સરળ ન હતું. આ બધું જર્જરિત સાહિત્ય વાંચતા લીંબડીની ઊંડી શેરીના ત્રણ મજલાના ઘરના ત્રીજા માળે ખાટ પર હીંચતા હીંચતા લખતા, ટેબલ પર લખતા અને તેમના રૂમમાં આંટા મારતા મારતા ગાતા રસિકભાઇની આકૃતિ સ્મૃતિ પટ પર સજીવન થવા લાગી અને ત્યારે જ અમને (ભારતી) વિચાર આવ્યો કે આ બધાં જ સાહિત્યનું સંપાદન અને સંકલન કરીએ તો એક પ્રેરણાદાયી સાહિત્યની આજના યુગની જનરેશનને ભેટ મળ તેેમ જ રસિકભાઈ શબ્દ-દેહે સજીવ થઇ શકે. આ કાર્યને પૂરું થતાં બે વર્ષ લાગ્યાં પણ ઇશ્વરકૃપાએ પૂરું થયું.
ગાંધીબાપુની ૧૫૦મી જ્યંતી સમગ્ર દેશ અને દુનિયા ઉજવી રહી છે ત્યારે રસિકભાઈનાં સુપુત્રી ભારતીબહેન તથા તેમના જમાઈ જનકભાઈ શાહ દ્વારા સંપાદિત અને રસિકભાઈએ જ સ્થાપેલ સંસ્થા ‘મધુબન સાહિત્ય સંઘે’ રસિકભાઇ શાહ(મારવાડી)ના સાહિત્યને પ્રકાશિત કરવાની તક ઝડપી લઈ ‘વંદે માતરમ્’ પુસ્તક અને ‘રસિક રહસ્ય કથાઓ – શ્રેણી – ૧, ૨, ૩, ૪, ૫’નાં પુસ્તકોનું લોકાર્પણ કરે છે, ત્યારે લીંબડીના ‘મધુબન સાિહત્ય સંઘ’ને અંતરથી ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા. અમને આશા છે કે આ દેશની યુવા પેઢી આ પુસ્તકો જરૂરથી વાંચશે અને વંચાવશે. શિક્ષકો, શિક્ષણ પ્રેમીઓ અને સાહિત્ય રસિકો સમગ્ર વિદ્યાર્થી જગતને રસિકભાઇ શાહ (મારવાડી)ના આ ‘ભાવ જગત’થી પરિચિત કરશે, તેવી આ તકે અમારી નમ્ર અભ્યર્થના છે. ગુજરાત અને ભારતભરમાં આ પુસ્તકો દરેક શાળા-કોલેજનાં પુસ્તકાલયોમાં વસાવવા અનિવાર્ય બને અને નવી પેઢી આ સ્વાતંત્ર્ય સેનાનીના ‘ભાવ જગત’ને ઉમળકાભેર વધાવી લે તેવી શુભ આકાંક્ષા.
જય હિંદ.
[ભારતીબેન શાહ (પરામર્શક – ‘વિચાર વિજ્ઞાન’); ડૉ. જનકભાઇ શાહ, ટ્રસ્ટી ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને સહતંત્રી ‘વિચાર વિજ્ઞાન’, અમદાવાદ]
[પ્રો. મદનમોહન વૈષ્ણવ, માનાર્હ મંત્રી, ‘માનવ વિકાસ અને કલ્યાણ ટ્રસ્ટ’ અને સહતંત્રી ‘વિચાર વિજ્ઞાન’, અમદાવાદ
![]()


આછીઅમથી પણ આસાએશ એ વાતે હતી કે રાજ્યસભામાં હજુ ભા.જ.પ. પાસે નિર્ણાયક બહુમતી નથી : માહિતી અધિકાર અંગેના સુધાર ખરડા સહિત જે બીજા અનેક ખરડા હવે ઘડિયાં લગન પેઠે ઉઘલાવવાની ઘાઈમાં કેન્દ્ર સરકાર હાલ માલૂમ પડે છે એમાં એથી કંઈક રૂકાવટ જરૂર આવી શકત. અલબત્ત, એથી સવાલ છેવટનો હલ નથી થતો તે નથી થતો; કેમ કે રાજ્યસભા ખરડો પાછો મોકલી શકી હોત, પણ લોકસભા જો પુનર્વિચાર બહાલ ન રાખે તો છેવટનો હક તો બંધારણીય રાહે એની (લોકસભાની) કને જ હોવાનો છે.
ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો – ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે – તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમૂજી – તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલકે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમૂજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે






