આજે યોગ દિનની ઉજવણી, જળ-જંગલ-જમીન છિનવનાર સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે થઈ રહી છે ત્યારે, આસામને જંગલ આપનાર જાદવ પાયેંગ નામના વનર્ષિના વૃક્ષયોગની વાત …
ગાંધીનગરમાં વૃક્ષો કાપવાના વિરોધમાં લોકઆંદોલનનાં મંડાણ થયાં છે. એક બાજુ વૃક્ષોની હત્યા કરતી જીવન-વિરોધી સરકારો છે, તો બીજી બાજુ એકલા હાથે આખું જંગલ બનાવનાર જાદવ પાયેંગ નામના માણસ આ દેશમાં છે. અતિશયોક્તિ લાગતી આ ઘટના બિલકુલ હકીકત છે તે ગયાં પાંચેક વર્ષમાં તેમને વિશે આવેલાં સંખ્યાબંધ લખાણો, અને તેથી ય વધુ તો યુ-ટ્યૂબ પર ડૉક્યુમેન્ટરિ ફિલ્મ્સમાં દેખાય છે.
https://www.youtube.com/watch?v=HkZDSqyE1do
આસામના જાદવ પાયેંગ નામના મહાપુરુષે ગયાં ચાળીસ વર્ષમાં બ્રહ્મપુત્રા નદીમાં આવેલાં મજુલી નામના ટાપુ પર 1,360 એકર (550 હેક્ટર) જમીન પર અસલ જંગલ બનાવ્યું છે. તેમાં સો જેટલા હાથી, પાંચ વાઘ, ઘણાં ગેંડા, રીંછ, બાયસન અને સેંકડો હરણ અવરજવર કરે છે. લોકોમાં ‘મોલાઈ કાથોની’ તરીકે ઓળખાતાં પાંચ ચોરસ કિલોમીટર ફેલાયેલાં આ નંદનવનમાં સો કરતાં વધુ ઔષધી વનસ્પતિ મબલખ પ્રમાણમાં છે, અને અલબત્ત, હજ્જારો વૃક્ષો છે. સહુથી મહત્ત્વની વાત એ કે દુનિયાના એક સૌથી મોટાં ‘રિવર આઇલૅન્ડ’ ગણાતાં મજુલી પર પાયેંગે ઝાડ ઊગાડવાનું શરૂ કર્યું, તે વખતે ત્યાં એ કેવળ રેતાળ, ઉજ્જડ, ઝાડપાન વિનાની થઈ ગયેલી જમીન હતી. અત્યારે પણ પાયેંગનું કામ ટાપુના નેકાહી નામના હિસ્સામાં ચાલુ છે. 2015માં પદ્મશ્રી સન્માન મેળવનાર જાદવ પાયેંગ ખરેખર તો કુદરતના ચારેકોર નાશના જમાનામાં, ભારતનું રત્ન છે.
પાયેંગનો જન્મ આસામનાં એક નાનાં ગામમાં મિશિંગ નામની આદિવાસી કોમનાં, ખેતી અને પશુપાલન પર નભતાં કુટુંબમાં 1963 માં થયો હતો. દસમા ધોરણ સુધીનું શિક્ષણ જોરહાટમાં લીધું. શાળાની નજીક ડૉ. જગન્નાથ બેઝબરુઆ નામના કૃષિવૈજ્ઞાનિકનું કામ ચાલતું. તે રસથી જોવા જતાં પાયેંગને તેમણે છોડ વાવતાં શીખવ્યું. એપ્રિલ 1979માં બ્રહ્મપુત્રામાં અતિવિનાશક પૂર આવ્યું. પછી તેનાં પાણી ઓસર્યાં, કડક તડકો પડ્યો. પાયેંગે મજુલી ટાપુના અરુણા સાપોરી નામના હિસ્સામાં પૂરનાં પાણી સાથે ખેંચાઈ આવેલાં અનેક સાપ જોયા. આ સાપ રેતાળ જમીન પર પાણી કે છાંયડા વિના ગરમીમાં તરફડતાં અને મરતાં હતાં. બીજાં પ્રાણીઓ પણ બેહાલ હતાં. ખૂબ દુ:ખી થયેલા પાયેંગે આવું ન થાય તેના રસ્તા શોધવાની શરૂઆત કરી. નજીકનાં ગામનાં આદિવાસીઓએ તેમને વાંસ ઉગાડવાનો રસ્તો બતાવ્યો. પાયેંગે વાંસનાં પચાસેક છોડ ઊગાડ્યાં, પછી બીજાં ઝાડ. ત્યારથી એ આજ સુધી તે ચાળીસ વર્ષ લગભગ દરરોજ ઝાડ વાવતાં જ રહ્યા છે.
પાયેંગે વાંસ વાવ્યાં તે અરસામા આસામની સરકારે એ વિસ્તારમાં વનીકરણનું કામ હાથ પર લીધું. તેમાં સોળેક વર્ષના પાયેંગ હવે મજૂર તરીકે જોડાયા. એ વખતે એ માતપિતા વિનાના થઈ ગયેલા. સરકારની યોજના તો ટલ્લે ચડી પણ આ વૃક્ષ-ઋષિનો યજ્ઞ ચાલુ થયો. વીસેક વર્ષ તદ્દન એકલા હાથે એક જ રઢ લઈને દરરોજ ઝાડ વાવતાં જ રહ્યા. બીજ મેળવવાનાં, રોપવાનાં, રોપાં વાવવાનાં, કલમો કરવાની, ટપક સિંચાઈનાં નુસખા શોધવાના એમ ચાલતું જ રહ્યું. જંગલમાં જ લાકડાનાં ઘરમાં રહેવાનું. આવક માટે ગાય-ભેંસો અને ભૂંડ પાળ્યાં. તેમને ખોરાક પણ જંગલમાંથી મળી રહે. ઓગણચાળીસ વર્ષે લગ્ન કર્યાં. બાળકોનાં શિક્ષણ માટે જોરાહટ પાસે એક ગામમાં નાનું ઘર કર્યું. પણ જંગલમાં દરરોજ જવાનું. તેના માટે પરોઢે સાડા ત્રણે ગામથી સાયકલ સાથે હોડીમાં બેસીને બ્રહ્મપુત્રા પાર કરવાની, મજુલી આવવાનું, ત્યાંથી દસેક કિલોમીટર સાયકલ પર અરુણા સાપોરી ખાતે બનાવેલાં જંગલમાં પહોંચીને કામ કરવાનું. જતી વખતે સાયકલ પર સાધનો તેમ જ બિયારણનાં મસમોટાં કોથળા અને પાછા આવતી વખતે જંગલ પેદાશોના કોથળા. શક્ય હોય ત્યારે પત્ની પણ જંગલમાં આવે. દીકરી પણ જંગલને ચાહે, મુલાકાતીઓ સાથે દુભાષિયાનું કામ કરે. એક દીકરો ‘સેકન્ડ પાયેન્ગ’ બનવાનું સપનું જુએ છે. તે પિતાની જેમ વનને, તેનાં પક્ષીઓને, પ્રાણીઓને ચાહે છે.

પ્રાણીઓ માટે આ જંગલ એટલું બધું કુદરતી છે કે તેમાં કાઝીરંગા અભયારણ્યમાંથી વર્ષનાં ચારેક મહિના હાથીઓ પણ આવે છે. તે મજુલી પરનાં લોકોનાં ખેતરો અને ઘરોમાં વિનાશ વેરતા. પાયેંગનું ઘર પર એમણે તોડ્યું હતું. એટલે ગામ લોકોએ જંગલ કાપી નાખવાની પેરવી કરી, પાયેંગને એમની સાથે ભારે સંઘર્ષ થયો. પણ પાયેંગે કહી દીધું ‘પહેલાં મને કાપો, પછી ઝાડને’. સાથે લોકોને એ પણ સમજાવ્યું કે વારંવાર ગામોમાં ફરી વળતાં બ્રહ્મપુત્રનાં પાણી અને જમીનનું ધોવાણ મોટાં પાયે ઝાડ વાવીને કેમ અટકાવી શકાય. તદુપરાંત એમણે હાથીને ગમતાં કેળનાં અને અન્ય ઝાડ ગામ અને જંગલ વચ્ચેની સરહદે ઊગાડવાની શરૂઆત કરી, ગજરાજ ગામોમાં આવતાં અટક્યા. પાયેંગનું ઘર પણ એક વખત હાથીએ તોડ્યું છે, તેમનાં ઢોર વાઘ ઉપાડી ગયા છે. પણ પાયેંગ માને છે કે પ્રાણીઓ માત્ર ખોરાક ખાતર જ આક્રમક બને છે. અન્યથા સહુથી હિંસક અને વિનાશકારી પ્રાણી તો માણસ જ છે. પાયેંગ મુલાકાતોમાં પાણી, માટી, છોડ, ઝાડ, પાંદડાં, ફૂલ, ફળ, બીજ, પ્રાણી, પક્ષી આ બધાંની એકબીજા સાથે અદ્દભુત રીતે ગોઠવાયેલી સાંકળથી જંગલ કેવી રીતે વિસ્તરે છે એ સરસ રીતે ટૂંકમાં સમજાવે છે. દુનિયા સાથે અસમિયા ભળેલી હિન્દી બોલતા આ સાક્ષાત્ વનદેવ સમા આ સાલસ ઇન્સાન કહે છે કે તે ઝાડ અને પ્રાણીઓ સાથે મૂક સંવાદ કરતા રહે છે. ચાળીસેક વર્ષથી બધી મોસમોમાં ખુલ્લામાં બારેક કલાક સખત મહેનત કરનાર વનપુરુષને માંદગી અને દવા, ડર અને થાકની જાણે ખબર જ નથી. આ બધું નથી, અને સતત વધતો આનંદ છે : ‘એક છોડ વાવી-ઉછેરીને ખુશી મળે, બીજો વાવો એટલે તે વધે, ને જેટલાં વાવો એટલો આનંદમાં વધારો જ થતો રહે.’
અલબત્ત, પાયેંગ નિજાનંદી વનવાસી નથી. ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિન્ગની તેમને બરાબર જાણ છે. પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોમાં દેશ અને દુનિયામાં બિલકુલ સાદાં કપડાંમાં ભાગ લે છે. રસ ધરાવતાં બાળકો, યુવાનો, અભ્યાસીઓ, અધિકારીઓ, પત્રકારોને તેમનાં કામમાં સામેલ કરે છે. પૃથ્વીને બચાવવાનો એકમાત્ર ઉપાય તે ઝાડ ઉછેરવામાં જુએ છે. સોંસરી રીતે બધે એક વાત વારંવાર કહે છે કે આખા દેશમાં, શાળાપ્રવેશ વખતે દરેક બાળક બે છોડ વાવે અને તેમાંથી પોતે ઉછેરેલાં ઝાડ બતાવે ત્યારે તેને દસમા કે બારમાનું પ્રમાણપત્ર આપવામાં આવે. પદ્મશ્રી સન્માન વખતે તેમણે કહ્યું હતું : ‘જો મારી ધરિત્રી જ ન રહેવાની હોય તો આ સન્માનનું મારે શું કરવાનું ? પણ છતાં સવા કરોડ લોકોના દેશનું આ સન્માન અને તેમને જાગૃત કરવા માટે હું લઉં છું.’
પાયેંગનું જંગલ ન્યુયૉર્કનાં શહેરી જંગલ ‘સેન્ટ્રલ પાર્ક’ કરતાં પાંચસો એકર મોટું છે. મોદી સરકારે બાંધેલ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી એ ન્યુયૉર્કનાં સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી કરતાં નેવું મીટર ઊંચું છે. આમાં મોદી સરકાર અમેરિકા કરતાં આગળ વધી તે ગુજરાતનાં કેટલાંક લોકોનાં જીવન-જળ-જંગલ-જમીન છિનવીને. એકલવીર પાયેંગે અનાયાસે અમેરિકાથી આગળ વધ્યા તે આસામના લોકોને જંગલ આપીને. આજે ગુજરાતના મુખ્યમંત્રી સ્ટૅચ્યૂ ઑફ યુનિટી ખાતે યોગ કરવાના છે ત્યારે સહેજ આસામના આ વૃક્ષયોગીની પણ વાત.
*****
19 જૂન 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘નવગુજરાત સમય”, 21 જૂન 2019
![]()


૨૦૧૩નો ઉનાળો મારા માટે ભારે નીવડ્યો. સાઉદી અરબસ્તાનની જાતરાએ મારી ધાર્મિક માન્યતાઓ સામસામા છેડાની અસરો કરી. અદૃશ્ય મહાશક્તિમાં શ્રદ્ધા અંગે મેં જાતને સવાલો પૂછવાનું શરૂ કર્યું. એ જ વખતે મારે કારકિર્દીના મામલે પણ પાયારૂપ પસંદગી કરવાની થઈ : કઈ કૉલેજ કે યુનિવર્સિટીમાં અન્ડરગ્રેજ્યુએટ અભ્યાસ કરવો એ નક્કી કરવાનું હતું. બહુ વખતથી એવું વિચારેલું કે ભારતની સારામાં સારી કૉલેજમાં અર્થશાસ્ત્ર ભણવું. એટલે દિલ્હી યુનિવર્સિટીમાં જવાનું નક્કી કર્યું. ત્યાં પ્રવેશ મળવાની તકો જૂજ હતી. પણ ગમે તેમ કરીને મને પ્રવેશ મળી ગયો.