વિદેશમાં વસતા ગુજરાતીઓ રાજકારણમાં ભાગ્યે જ જોડાય છે. જો કે હમણાં મૂળ જામનગરનાં કૌશલ્યાબહેન વાઘેલા મેલબોર્નમાં વિક્ટોરિયા સ્ટેટમાં લેબર પાર્ટીમાં એમ.પી. બન્યાં છે. વિક્ટોરિયન પાર્લામેન્ટમાં સભ્ય બનનારાં તેઓ પહેલાં ભારતીય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બીજું એક ગૌરવ એટલે રોહિત વઢવાણા. તેઓ ભારતીય હાઈકમિશન લંડનમાં ઑફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એ પહેલાં તેઓ ઈરાનમાં ભારતીય દૂતાવાસમાં ફરજનિષ્ઠ હતા. વિવિધ અખબારોમાં વ્યક્તિત્વ વિકાસ, સાંપ્રત પ્રવાહો, આતંરરાષ્ટ્રીય પ્રવાહો, પ્રવાસ અને સાહિત્ય વિશે લખતા રોહિતભાઈ ગુજરાતના લાખો યુવાનો માટે પ્રેરણા બની શકે તેમ છે. એક નાનકડા ગામડાંનો યુવાન પુરુષાર્થ કરીને કેટલો આગળ આવી શકે તેનું પ્રેરક ઉદાહરણ એટલે રોહિતભાઈ.
તેમનાં માતાનું નામ કિરણબહેન. પિતાનું નામ રમેશચંદ્ર. તેમનું મૂળ ગામ સાંપ્રત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું પાછતર ગામ. રોહિતભાઈનું પ્રાથમિક શિક્ષણ પાછતરમાં થયું. એ પછી તેઓ ધોરણ બાર સુધી ભાણવડમાં ભણ્યા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં બી.એ. કર્યું. એલ.એલબી. પણ કર્યું છે. તેમના પિતા રમેશચંદ્ર જ્યુપીટર મિલમાં નોકરી કરતા હતા. એ કંપની બંધ થયા પછી ઓખા મીઠાપુરસ્થિત ટાટા કેમિકલ્સમાં જોડાયેલા. રોહિતભાઈ સાધારણ પરિવારમાંથી આવે છે એમ કહી શકાય.
ધોરણ બાર પછી તરત જ તેમણે ટ્યુશન આપવાનું શરૂ કરેલું. નવાઈ લાગશે પણ એ વખતે, કિશોર કહી શકાય તેવા રોહિતભાઈ 170-175 વિદ્યાર્થીઓને ભણાવતા. તેજસ્વી તો હતા જ અને તેમને ભણાવતાં પણ આવડતું. આમ, બારમા ધોરણ પછી તરત તેઓ સ્વનિર્ભર બની ગયા હતા. તેઓ બી.એડ.માં એડમિશન લેવા અલિયાબાળા ગયેલા, પરંતુ અમદાવાદની ‘સ્પીપા’ સંસ્થા તેમને સાદ કરીને બોલાવતી હતી. સી.એ. કરતા એક મિત્રએ તેમને ‘સ્પીપા’માં જોડાવાની સલાહ આપી. જોડાયા. ખંતથી મહેનત કરી. બીજા વર્ષે પરીક્ષા આપી. થોડા ગુણ માટે રહી ગયું.
જો કે કુદરત કશુંક છીનવે છે તો સામે કશુક આપે છે. થયું એવું કે વધારે તૈયારી કરવા માટે અમદાવાદના જાણીતા મા.જે. પુસ્તકાલયમાં જવા લાગ્યા. અહીં તેમનો પરિચય ફેમિદા નામની યુવતી સાથે થયો. તેઓ એફ.ડી. કોલેજમાં લેક્ચરર હતાં. પરિચય મિત્રતામાં અને મિત્રતા જીવનભરના સાથમાં પરિણમી. એ પછી તો એક ડ્રોપ લઈને રોહિતભાઈએ બીજી વખત યુ.પી.એસ.એસી.ની પરીક્ષા આપી. પાસ થઈ ગયા. 2009માં લેવાયેલી પ્રિલિમનું પરિણામ અને 2010માં ફાઈનલ પરીક્ષા પાસ કરી. એ દરમિયાન ૨૦૦૭માં લેવાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષા આપેલી. ૨૦૦૯માં લેવાયેલી યુ.પી.એસ.સી.નું ફાઇનલ પરિણામ ૨૦૧૦માં આવ્યું તો તેમાં રોહિતભાઈનું સિલેક્શન તેમની પ્રથમ પસંદગીની સર્વિસ – ભારતીય વિદેશ સેવા – IFS માં થઇ ગયું.
જ્યારે કુદરત આપે ત્યારે તો એક સામટું આપી દે છે. યુ.પી.એસ.સી.ના પરિણામના એક અઠવાડિયા બાદ જી.પી.એસ.સી.નું પરિણામ પણ આવ્યું અને તેમાં પણ રોહિતભાઇની પસંદગી DySPની પોસ્ટ માટે થયેલી. તેમણે IFS જોઈન કરી. અહીં પહેલા વર્ષે એક વિદેશી ભાષા શીખવાની હોય છે. તેમણે ફારસી પસંદ કરી અને પ્રથમ પોસ્ટિંગ ઈરાનમાં લીધું. ઈરાન પછી હવે તેઓ લંડનમાં છે. લંડન જતાં પહેલાં અમદાવાદમાં પોતાના સનદી અધિકારીમિત્રો તથા કેટલાક પત્રકારો અને લેખકોને વાળું-પાણી કરાવ્યાં હતાં. તેમાં યોગેન્દ્ર વ્યાસ જેવા તેમના યુ.પી.એસ.સી. પરીક્ષાના ગુરુ અને પી.કે. લહેરી જેવા વડીલ પણ હાજર હતા.
રોહિત વઢવાણા નીવડેલા લેખક પણ છે. સતત લખ્યા કરે છે. ફિક્શન લખવું પણ તેમને ગમે છે. શબ્દો સાથે તેમને સારું બને છે. તેઓ કહે છે કે ગુજરાતી યુવાનોએ વલણ બદલીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી જોઈએ. કોણ જાણે કેમ, ગુજરાતીઓમાં સનદી ક્ષેત્ર માટે પોઝિટિવ અભિગમ નથી. મહેનત કરો અને પ્રતિબદ્ધતા રાખો તો ધારો તે મેળવી જ શકો. ગુજરાતી માતા-પિતાઓએ પોતાનાં બાળકોને નાનપણથી જ વાચનની ટેવ પાડવી જોઈએ, તેવું રોહિતભાઈ ભારપૂર્વક કહે છે.
તેમનાં જીવનસાથી ફેમિદાબહેન પણ સતત પ્રવૃત્તિમય રહે છે. તેમને પણ વાચનનો શોખ છે. એમ.કોમ. અને બી.એડ. કર્યાં પછી તેમણે ફેશન ડિઝાઈનિંગ કર્યું છે. તેઓ મુસ્લિમ અને રોહિતભાઈ હિન્દુ એટલે લગ્ન કરવાં સહેલાં નહોતાં. ભાગીને લગ્ન કરેલાં, જો કે પછી પરિસ્થિતિ થાળે પડી ગઈ. અમે બન્નેએ લગ્નના આફ્ટર શોક અનુભવેલા તેવું તેઓ હસતાં હસતાં કહે છે.

રોહિતભાઈની ભવ્ય સફળતા બતાવે છે કે કોઈ પણ મોટી સફળતા કોઈનો ઈજારો નથી. ગરીબ ઘરનો છોકરો પણ મહેનત કરીને આગળ આવી શકે છે. નાનકડા ગામમાં રહેતો લુહારનો દીકરો ઈરાન કે લંડનમાં નોકરી કરી શકે છે. રોહિતભાઈની વિદ્યાપ્રીતિ જબરજસ્ત છે. તેઓ સરસ્વતીના ઉપાસક છે. તેમણે કરેલું વિદ્યાતપ ફળ્યું છે. હજી તો ઘણા નાના છે. તેમની પાસેથી આપણને સ્વાભાવિક છે કે ઘણી અપેક્ષાઓ હોય.
પોતે જે પામ્યા છે તેને તેઓ વહેંચવા માગે છે. તેમનો આ રચનાત્મક અભિગમ, સામાજિક દાયિત્વની ભાવના તેમને બીજા કરતાં જુદા પાડે છે. તેઓ સતત પ્રવૃત્તિમાં રહે છે. ગમતું હોય તો અલ્યા, ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ … એ ભાવનામાં માને છે. ગુજરાતમાંથી બીજા ઘણા રોહિત પેદા થાય તેમાં તેમને રસ છે. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનાં ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે.
રોહિતભાઈને અગિયાર દરિયા ભરીને અભિનંદન અને એટલા જ દરિયા ભરીને શુભકામનાઓ.
https://www.facebook.com/ramesh.tanna.5/posts/10156798617847893
દંપતી છબિનું સૌજન્ય : નીરજભાઈ શાહ
![]()




માત્ર બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં જમશેદજી નશરવાનજી પીતીત (પુસ્તકો પર એવણનું નામ એ જ રીતે છાપ્યું છે) કેટલાંક મોટાં કામ કરી ગયા. ૧૮૫૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે જન્મ. મમ્મા દીનબાઈ હતાં મેહરવાનજી જીજીભાઈ મુગાનાં બેટી. મુંબઈના કોટ વિસ્તારમાં બજાર ગેટ સ્ટ્રીટમાં આવેલા એ કુટુંબના મકાનમાં જમશેદજીનો જન્મ. નસરવાનજી પીતીતને બે બચ્ચાંઓ — એક જમશેદજી અને બીજાં આવાંબાઈ. એક તો દોલતમંદ ખાનદાન. વળી એકનો એક નબીરો. એટલે ચાંદીના નહિ, પણ સોનાના ઘૂઘરે રમેલો. મુંબઈની ફોર્ટ હાઈસ્કૂલમાં અને પછી બોમ્બે પ્રોપ્રાયટરી સ્કૂલમાં ભણ્યા. ત્યારથી પરગજુ અને ખેરાતી સ્વભાવ. પોતાની સાથે ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પૈસા, પુસ્તકો, કાગળ, પેન્સિલ, વગેરેની અવારનવાર મદદ કર્યા કરતા.
જમશેદજીનાં બે પુસ્તકોમાંથી કહેવતમાળા પરિશ્રમ અને અભ્યાસને કારણે તેમ જ તેના વ્યાપ અને વિસ્તારને કારણે પણ વધુ ધ્યાનપાત્ર બને તેમ છે. ગુજરાતીની લગભગ ૧૨ હજાર જેટલી કહેવતો અહીં અકારાદિ ક્રમે ગોઠવીને તેમણે રજૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતી કહેવતો આ પહેલી વાર અહીં સંગ્રહાઈ છે. પણ જમશેદજી એટલેથી અટક્યા નથી. ગુજરાતી કહેવતને સમાંતર એવી બીજી કહેવત જ્યાંથી મળી ત્યાંથી તેમણે સાથોસાથ રજૂ કરી છે. આ માટે તેમણે બે-પાંચ જાણીતી ભાષાઓ સુધી જ નજર દોડાવી નથી. ભારતની સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી, અને તેલુગુ જેવી ભાષા ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ડેનિશ, ફારસી, વગેરે ભાષાઓની કહેવતો પણ અહીં સમાવાઈ છે. જમશેદજીના અવસાન પછી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરી પ્રગટ કરવામાં તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ ઘણી મહેનત કરી હતી એટલે આ પુસ્તક જે રૂપે આપણી સામે છે તે રૂપ તેને આપવામાં જીજીભાઈનો ફાળો પણ નાનો સુનો નહીં જ હોય. પણ જમશેદજી અને જીજીભાઈમાંથી કોને કેટલું શ્રેય આપવું એ નક્કી કરવાનું કામ મુશ્કેલ છે. પણ એટલું તો જરૂર કહી શકાય કે ગુજરાતી કહેવતોના દસ્તાવેજીકરણનો આ એક અત્યંત સમર્થ પ્રયત્ન છે.