
courtesy : "The Indian Express", 26 November 2019
![]()

courtesy : "The Indian Express", 26 November 2019
![]()
૨૭મી નવેમ્બર ૧૮૯૦. આજથી આશરે ૧૩૦ વરસો પૂર્વેનો આ દિવસ. ૬૩ વરસના જોતીરાવ ફુલે બે વરસથી બેવારના પક્ષાઘાતથી પથારીવશ છે. શરીરનું જમણું અંગ કામ કરતું નથી. આજે તેમને જીવનનો અંત નજીક લાગે છે. એટલે સાંજે સૌને ભેગા કરે છે. પોતાના જીવનભરના કામ અંગે ભારે સંતોષ વ્યક્ત કરે છે. પત્ની સાવિત્રીબાઈ અને દત્તક દીકરા યશવંતની ભાળવણી કરી આંખ મીંચે છે. ૨૮મી નવેમ્બર ૧૮૯૦ની રાતે બે વાગે તેમના શ્વાસ કાયમને માટે થંભી જાય છે. સામાજિક ક્રાંતિના અગ્રદૂત અને બહુજન નવજાગરણના પ્રણેતા મહાત્મા જોતીબા ફુલેના અવસાન સાથે ઓગણીસમી સદીના ભારતના સામાજિક પરિવર્તનના એક મહત્ત્વના અધ્યાયનો અંત આવે છે.
મહારાષ્ટ્રમાં દુરાચારી પેશવાઈથી વકરેલા બ્રાહ્મણવાદ અને શૂદ્રોની પાયમાલીના માહોલમાં મહાત્મા ફુલેએ પોતાના પ્રગતિશીલ અને સમાનતાવાદી વિચારોથી નવી હવાની લહેર પેદા કરી હતી. જ્યારે એ જમાનાના સમાજસુધારકો ઉચ્ચ વર્ગમાં સુધારા માટે પ્રયત્નો કરતા હતા ત્યારે ફુલે અસ્પૃશ્ય દલિતો અને સ્ત્રીઓના હામી બન્યા હતા. તેમણે સમાજના આ કહેવાતા નીચલા વર્ગમાં સમાજ સુધારણાના પ્રયત્નો કર્યા હતા. અન્ય સમાજ સુધારકો અસ્પૃશ્યોને ઉચ્ચ વર્ણનાં મૂલ્યો સુધી લઈ જવા મથતા હતા ત્યારે ફુલેએ બ્રાહ્મણવાદી પરંપરાઓનો છેદ ઉડાડી નવા સુધારાવાદી વિચારો વહેતા કર્યા હતા.
પરંપરાગત માળીના વ્યવસાય સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના શૂદ્ર કુટુંબમાં ૧૮૨૭માં તેમનો જન્મ, પિતા ગોવિંદરાવ અને માતા ચિમણાબાઈ. આર્થિક વિટંબણાઓ છતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૩ વરસની વયે, ૧૮૪૦માં, ૮ વરસનાં સાવિત્રી સાથે બાળ લગ્ન કરનાર જોતીરાવને સમાજમાં પ્રવર્તતા ઉચ્ચનીચના ભેદનો યુવાવસ્થામાં જ અનુભવ થયો હતો. કથિત ઉચ્ચવર્ણના મિત્રના લગ્નમાં થયેલા આ અનુભવે તેમને ઝકઝોરી મૂક્યા હતા. આ અપમાનને કારણે જ મોટપણે જાતિપ્રથાની નાબૂદી અને અસ્પૃશ્યતા નિવારણની અગત્ય સમજાઈ હતી. આ સમસ્યાનું કારણ તેમને કહેવાતા નીચલા વર્ણના લોકોમાં રહેલો શિક્ષણનો અભાવ લાગ્યું. ભણતરનું મહત્ત્વ ઊંચું આંકતા ૨૧ વરસના યુવાન જોતીરાવે, ૧૮૪૮માં, પૂણેમાં શૂદ્રાતિશૂદ્ર સમાજની કન્યાઓ માટેની શાળા શરૂ કરીને જીવનકાર્યનો આરંભ કર્યો હતો. પોતાનાં અભણ પત્ની સાવિત્રીબાઈને તેમણે ભણાવ્યા અને તેમણે કન્યાઓને ભણાવી. દેશમાં દલિતોની પહેલી પાઠશાળા ૧૮૫૧માં તેમણે જ શરૂ કરી હતી. એ રીતે જોતીબા ફુલે અને સાવિત્રી ફુલે દેશના દલિતોના આધ્ય શિક્ષકો છે.
સ્ત્રીઓ અને દલિતોને ભણાવવાનું આ કામ જરા ય આસાન નહોતું. પૂણેના ઉચ્ચવર્ણના વિરોધ આગળ ઝૂકીને તેમના પિતા ગોવિંદરાવે ફુલે દંપતીને કામ છોડવા કે ઘર છોડવા જણાવવું પડ્યું હતું. એટલે એમણે પોતાનું ઘર છોડવું પડ્યું. જોતીરાવને મારવા ભાડૂતી મારાઓને મોકલવામાં આવ્યા. તેમના ઘર પર રોજ પથ્થરો પડતા. સાવિત્રીબાઈ શાળાએ જતાં તો તેમના પર પથરા અને છાણ ફેંકવામાં આવતાં. આટલા પ્રબળ વિરોધ છતાં તેઓ અડગ રહ્યા. મહાત્મા ફુલેએ શિક્ષણનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં “શેતકર્યાચા અસૂડ” (કિસાનનો ચાબૂક) પુસ્તકમાં લખ્યું છે : “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ ! ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શૂદ્ર નાસીપાસ થયો, આટલો બધો અનર્થ એકલી વિદ્યા વિના થયો.”
અનેક બાબતોમાં આધ્ય એવા મહાત્મા ફુલેના જીવનીકારોએ એમના સામાજિક ક્રાંતિના જે કામો ગણાવ્યા છે તેની ઝલક જોઈએ : વિધવા સ્ત્રીઓ પરના દુ:ખો ખાસ કરીને તેમની વિધવાવસ્થામાં થતાં બળાત્કારોથી કે મોહવશ બંધાતા શરીરસંબંધોથી આવતી મુશ્કેલીઓ માટે તેઓ બાળહત્યા પ્રતિબંધ ગૃહ ખોલી વિધવા સ્ત્રીઓની પ્રસૂતિ કરાવતા, તેમના અવૈધ સંતાનોનો ઉછેર કરતાં, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું, વિધવાઓના પુન:લગ્ન કરાવ્યાં અને બાળલગ્નોનો વિરોધ કરી તેને અટકાવ્યા, વિધવાઓના કેશ મૂંડનને રોકવા વાળંદોને જાગ્રત કરી સંગઠન બનાવ્યું, ધાર્મિક વિષમતાની નાબૂદી માટે “સત્યશોધક સમાજ” નામક સંસ્થાની સ્થાપના કરી, લગ્ન અને અન્ય ધાર્મિક વિધિવિધાનો સંસ્કૃતને બદલે સરળ મરાઠીમાં થાય તેનો આગ્રહ રાખ્યો, જમીનદારોના જુલમોથી પીડિત કિસાનોની મદદ કરી, ખેડૂતોની સમસ્યાઓ અંગે કૉન્ગ્રેસ અને અંગ્રેજ સરકારને રજૂઆતો કરી, ખેતીની પદ્ધતિમાં સુધારા માટે પ્રયત્નો કર્યા, મુંબઈમાં મિલકામદારોને શોષણ સામે સંગઠન બનવા પ્રેરિત કર્યા, પોતાના ઘરનો કૂવો દલિતોના ઉપયોગ માટે ખૂલ્લો મૂક્યો, હંટર કમિશન સમક્ષ શિક્ષણમાં પાયાના ફેરફારો સૂચવ્યા, પૂણે નગરપાલિકા સભ્ય તરીકે નગરપાલિકાના સાર્વજનિક પાણીના સ્થાન અસ્પૃશ્યો સહિત સૌ માટે સુલભ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્ત્રી સમાનતા, સ્વાતંત્ર્ય અને સ્ત્રી મુક્તિ માટે આધુનિક ગણાય તેવા દ્રષ્ટિકોણથી કામ કર્યું, “માનવી અધિકાર”, “સર્વ એકંદર સ્ત્રી અને પુરુષ” તથા “શૂદ્રાતિશૂદ્ર” જેવા શબ્દપ્રયોગ પ્રથમવાર કર્યા, સમાજ સુધારણા માટે “દીનબંધુ” સાપ્તાહિક ચલાવ્યું, ઘણાં લેખો અને પુસ્તકો લખ્યાં હતાં.
મહાત્મા ફુલેને તેમના કાર્યો અંગે જેમ વિરોધ વેઠવો પડ્યો તેમ આદરસન્માન પણ મળ્યા હતા. તેમના ૪૦ વરસના જાહેરજીવનને વધાવવા તેમનું ભવ્ય ષષ્ઠિપૂર્તિ સન્માન ૧૧મી મે ૧૮૮૮ના રોજ મુંબઈમાં થયું હતું. આ સમારંભમાં ગાંધીજીથી પૂર્વે તેમને “મહાત્મા”ના બિરુદથી નવાજવામાં આવ્યા હતા. જાણે તેના પર મંજૂરીની મહોર મારતા હોય તેમ ગાંધીજીએ ૧૯૩૨માં જોતીબાને “સાચા મહાત્મા”ગણાવ્યા હતા. પોતાના જમાનાથી ખૂબ જ આગળનું વિચારતા જોતીબા ફુલે પરંપરાભંજક હતા. જાતિપ્રથા, સતીપ્રથા, બહુપત્નીત્વ પ્રથા, વિધવાવિવાહ નિષેધ જેવા જડ વિચારો અને રૂઢિઓનો તેઓ વિરોધ કરતા હતા. એ સમયમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિજડતા દૂર કરવા તેમણે ‘સત્યશોધક સમાજ’ની રચના કરી હતી. “ગુલામગીરી” નામક અદ્દભુત પુસ્તક લખનાર મહાત્મા ફુલેએ જીવનના અંતિમ વરસોમાં લકવાથી જમણું અંગ નકામું થઈ ગયું ત્યારે ડાબા હાથે “સાર્વજનિક સત્ય ધર્મ” પુસ્તક લખીને પોતાની માનવધર્મની વિભાવના સ્પષ્ટ કરી હતી. મહાત્મા ફુલે લિખિત અન્ય જાણીતાં પુસ્તકોમાં ‘બ્રાહ્મણાંચે કસબ’, ‘છત્રપતિ શિવાજી રાજે ભોસલે યાંચા પોવાડા’, ‘સત્સાર’ અને ‘ઈશારા’ છે.
આજે મહારાષ્ટ્રમાં સમાજસુધારણા માટે ફુલે-આંબેડકર યુગ એવો શબ્દ પ્રચલિત છે. તેના મૂળમાં ડો. આંબેડકર અને મહાત્મા ફુલેનાં કાર્યો વચ્ચે લગભગ પોણી સદીના અંતર છતાં રહેલી અનેક સમાનતા છે. એટલે જ ડો. આંબેડકરે બુદ્ધ અને કબીરની સાથે પોતાના ત્રીજા ગુરુ મહાત્મા ફુલેને ગણાવ્યા હતા. પોતાનો ગ્રંથ “હુ વ્હેર શૂદ્રાઝ ?” તેમણે જોતીબા ફુલેને અર્પણ કર્યો હતો. મહારાષ્ટ્રમાં અને દેશમાં આજે જોવા મળતી દલિત જાગ્રતિના મૂળમાં મહાત્મા ફુલેના યુગકાર્યનો અલ્પ હિસ્સો છે તે સ્વીકારવું રહ્યું. સ્ત્રીઓ અને દલિતોની હાલત આજે પણ ચિંતાજનક છે અને તેમના પ્રત્યેના ભેદ અને શોષણ નવા સ્વરૂપે ચાલુ છે ત્યારે મહાત્મા ફુલેના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા વધી જાય છે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 27 નવેમ્બર 2019
![]()
ગયા અઠવાડિયે કહ્યું એમ હિંદુ-મુસ્લિમ એકતાના ચાર શિલ્પીઓમાંથી અકબર અને ગાંધીજી નિંદા અને આક્રમણના શિકાર બન્યા છે, કારણ કે તેઓ એકતાના તત્ત્વને રાજકીય/શાસકીય ધરાતલ પર લઈ આવ્યા. આમીર ખુસરો અને કબીર ઉપદેશના ભાગરૂપે એકતાની મહાન વાત કરતા હતા એટલે જેને બદલાવું નહોતું તેમને કોઈ ફરક નહોતો પડતો.
પેગંબર અને અકબર વચ્ચે નવસો વરસનું અંતર છે. એ દરમ્યાન ઈસ્લામમાં ઘણા ફિરકા પડી ગયા હતા. શિયા-સુન્ની તો ખરા જ પણ એ સિવાયના બીજા અનેક પેટા સંપ્રદાય. અકબરે વિચાર્યું કે ઈસ્લામ જો માનવજાત માટેનો એક માત્ર સાચો ધર્મ હોય તો તેને સમજવામાં આટલા બધા મતમતાંતર કેમ અને એવા તે કેવા મતમતાંતર કે તે દુરાગ્રહ તરફ દોરી જાય, તે ત્યાં સુધી કે નવા સંપ્રદાય અને પેટા સંપ્રદાય રચાય! અકબરે ફતેહપુર સીકરીમાં ઈસ્લામના તમામ ફિરકાઓના વિદ્વાનોને બોલાવ્યા અને તેમને તેમની શંકાનું નિરાકરણ કરવાનું કહ્યું. શું ઉમ્મા (જગતભરના મુસલમાન) એક મત સ્વીકારીને એક ભાષામાં બોલી ન શકે? શું અલ્લાહને આ જ અભિપ્રેત નહોતું?
અકબરને આ પ્રયાસનો જવાબ હજુ વધુ નિરાશામાં મળ્યો. વિદ્વાનો અને મૌલવીઓ એકબીજા પર એવી રીતે તૂટી પડ્યા કે જાણે તેઓ મુસલમાન નહીં, પણ વિધર્મી હોય. જો ઇસ્લામના નામે આટલું ઝૂનુન અને આટલી અસહિષ્ણુતા હોય તો કિરતારનો પડઘો પાડનારા બીજા અવાજો પણ સાંભળવા જોઈએ. અકબરે ફતેહપુર સીકરીના એ જ ઈબાદતખાનામાં બીજા ધર્મોના લોકોને પણ તેમના ધર્મની વાત કરવા બોલાવ્યા. આટલું જ નહીં, પણ મૌલવીઓ વચ્ચેના આપસના ઝઘડાઓથી કંટાળીને તેમણે ઈ. સ. ૧૫૭૯માં પોતાને સામ્રાજ્યનો ઈમામે આદિલ (ન્યાયી ઈમામ) જાહેર કર્યો અને ખુત્બો પઢ્યો. કેટલાક રાજ્યાશ્રિત ઉલેમાઓએ તેમના હસ્તાક્ષર સાથે નિવેદન બહાર પાડીને અકબરના ઈમામ એ આદિલના પદને માન્યતા પણ આપી. આનો અર્થ એ થયો કે ધાર્મિક બાબતોમાં અકબરનો ફેંસલો આખરી મનાયો અને એ રીતે અકબર શાસકીય સાથે ધાર્મિક વડો પણ બન્યો.
અકબરે ઈમામે આદિલ તરીકે ઈસ્લામમાં અને મુસલમાનોમાં સારાસારવિવેકના આધારે ન્યાય કરવાનો અખત્યાર પોતાના હાથમાં લીધો એ હવે કટ્ટરપંથી ઉલેમાઓથી સહ્યું જાય તેમ નહોતું એમાં પાછું ઘા ઉપર મીઠું ભભરાવે એમ અકબરે બીજા ધર્મોનો સાર પણ સમજવાનું શરૂ કર્યું. આપણા ઈતિહાસલેખનની અનેક સમસ્યાઓ છે એમાં મુખ્ય સમસ્યા એ છે કે જેમણે માનવસમાજને એક ડગલું ઉપર ઉઠાવવાનું કે માનવમસ્તિષ્કમાં વિવેક જગાવવાનું કામ કર્યું છે તેમની નોધ તો લેવામાં આવે છે, પણ એ ગુણગાનના સ્વરૂપમાં; તેમણે શું વેઠયું હતું એની બહુ ઓછી વાત કરવામાં આવે છે. આ રીતે ભારતની વાત કરીએ તો અકબર અને ગાંધીજીની તેમના ઉદાત્ત વિચારોની અને કાર્યોની સરાહના કરવામાં આવે છે, પરંતુ તેમને જે વેઠવું પડ્યું છે એની જાણકારી આપવામાં આવતી નથી. આનાથી ઊલટું માફી માગીને જેલમાંથી બહાર આવનારાઓની યાતનાઓને અતિરંજીત કરવામાં આવે છે. આ સિવાય એક મહાપુરુષ તરીકે તેમને બે પગે ઊભા રાખવા મુશ્કેલ છે.

અકબરે પોતાને ધાર્મિક વડો જાહેર કર્યો, અકબરે વિધર્મીઓને સાંભળવા કાન આપ્યો, અકબરે વિધર્મીઓના કેટલાક આદર્શોનું અનુસરણ કરવાનું શરૂ કર્યું એ કટ્ટરપંથી મુસલમાનોથી ખમાતું નહોતું. જો ઇસ્લામ જગતનો એક માત્ર સાચો ધર્મ હોય તો એમાં આટલા બધાં મતમતાંતર અને વિભાજનો કેમ એવા અકબરના પ્રશ્નનો અલબત્ત તેમની પાસે કોઈ જવાબ નહોતો. પણ તેમના વિરોધની પરવા કર્યા વિના અકબરે જાહેરાત કરી કે તેનો પુત્ર અને દેશની પ્રત્યેક વ્યક્તિ તેને ગમે તે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. તેણે જરથોસ્તીઓની માફક ઘરમાં અગ્નિ રાખીને પૂજા કરવાનું અને સૂર્યને પ્રણામ કરવાનું શરૂ કર્યું. અકબરે ગોહત્યા કરવા પર પ્રતિબંધ મુક્યો. અકબરે કહ્યું હતું કે એક શાસકવાળા સામ્રાજ્યમાં ધાર્મિક માન્યતાઓના અને આગ્રહોના આધારે પ્રજા વહેંચાયેલી હોય એ બરાબર નથી.
આને માટે બે ચીજની જરૂર હતી. એક ધાર્મિક એકતા અર્થાત્ ધર્મો વચ્ચે સમન્વય અને બીજી ધાર્મિક સહિષ્ણુતા. આ બન્ને ચીજ એક જ સમયે એક સાથે જરૂરી હતી અને અકબરે દરેકને ધાર્મિક સ્વતંત્રતા આપીને તેમ જ દીને ઇલાહીનો પ્રયોગ કરી જોયો હતો. દીને ઇલાહી ધાર્મિક સમન્વયનો પ્રયોગ હતો જેમાં તેણે આગળ કહ્યું એમ ફતેહપુર સીકરીના ઈબાદતખાનામાં દરેક ધર્મના વિદ્વાનોને બોલાવ્યા હતા. દરેક ધર્મનાં શ્રેષ્ઠ તત્ત્વોની તેણે નોંધ લીધી હતી. અકબરે ફૈઝી પાસે રામાયણ, મહાભારત, યોગવશિષ્ઠ અને વેદાંતનાં પુસ્તકોનાં અનુવાદ કરાવ્યા હતા. આ બાજુ હિંદુઓને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની જાણ થાય એ માટે તેણે ‘અલ્લોપનિષદ્’ લખાવડાવ્યું હતું.
ધાર્મિક સહિષ્ણુતા માટે ૧૫૯૩માં અકબરે જાહેરાત કરી હતી કે જો કોઈ હિંદુને જબરદસ્તી મુસલમાન બનાવવામાં આવ્યો હોય તો તે પાછો પોતાના ધર્મમાં જઈ શકે છે. કોઈ પણ માણસનું ધર્મપરિવર્તન કરવામાં ન આવે. પ્રત્યેક ધર્માનુયાયીને તેમનું મંદિર કે પૂજાસ્થળ બાંધવાની સ્વતંત્રતા હશે. જબરદસ્તી કોઈ વિધવાને સતી બનાવવામાં ન આવે. જીજીયાવેરો તો તેણે ૧૫૩૩માં જ રદ કર્યો હતો.
કેટલાક સમય પહેલાં એક પુસ્તક મારા હાથમાં આવ્યું હતું જેનું શીર્ષક હતું ‘ફ્રીડમ ફાઈટર્સ ઑફ પાકિસ્તાન.’ શીર્ષક જોઈને હસવું આવ્યું. સ્વતંત્રતા કોનાથી? પાકિસ્તાનના સ્થાપકોએ અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા માગી નહોતી ત્યાં લડવાની વાત તો બહુ દૂરની હતી. તો કોનાથી સ્વતંત્રતા? પાકિસ્તાનના આઝાદીના લડવૈયાઓને કોનાથી આઝાદ થવું હતું? દેખીતી રીતે હિંદુઓથી. પાકિસ્તાનના સ્થાપકોને વ્યક્તિની સ્વતંત્રતામાં રસ નહોતો, મુસલમાનની સ્વતંત્રતામાં રસ હતો એટલે તો તેમની આઝાદી માટેની કહેવાતી લડત હિંદુઓ સામેની હતી. હિન્દુત્વવાદીઓને પણ વ્યક્તિની આઝાદીમાં રસ નહોતો, હિંદુની આઝાદીમાં રસ હતો, એટલે તેમણે પણ આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. તેમને મુસલમાનોથી આઝાદ થવું છે.
એ પુસ્તકમાં શેખ અહમદ સરહિન્દીની આઝાદી માટેની લડતનું બયાન છે. શેખ અહમદ સરહિન્દીનો જન્મ ઈ. સ. ૧૫૬૩માં થયો હતો અને મૃત્યુ અકબરના મૃત્યુ પછી ૧૯ વરસે ૧૬૨૪માં થયું હતું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે શેખ અહમદ સરહિન્દીએ આઝાદીની લડત કોની સામે લડી હતી. હિંદુઓ સામે તો ખરી જ, પણ તેનાથી વધુ પોતાના સહધર્મી અકબર સામે. સત્તા તો અકબર પાસે હતી. અકબરે પોતાને ઈમામે આદિલ જાહેર કર્યો હતો. અકબરે દરેક ધર્માનુયાયીને સ્વતંત્રતા આપી હતી અને અકબરે ધર્મ સમન્વયનો દીને ઈલાહેનો પ્રયોગ કર્યો હતો. આમ શેખ અહમદ સરહિન્દીની લડાઈ હમમઝહબી અકબર સામેની હતી. આમ ભારતીય મુસલમાનની આઝાદીની લડત સરહિન્દીએ શરૂ કરી હતી અને મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન મેળવી તે સાથે તે પૂરી થઈ હતી. આઝાદી હિંદુઓથી, આઝાદી વિધર્મીઓથી અને અકબર જેવા નાપાક મુસલમાન પાસેથી. એ પુસ્તકમાં ઔરંગઝેબને પણ આઝાદીના લડવૈયો ગણવામાં આવ્યો છે.
શેખ અહમદ સરહિન્દી કટ્ટરપંથી મુસલમાન હતા. ભારતમાં ઇસ્લામના આગમન પછી મુસલમાનોએ જે જે હિંદુપ્રભાવ અને સંસ્કાર ઝીલ્યા હતા તેનાથી તે ઈસ્લામને મુક્ત કરવા માગતા હતા. આજે તબલીગી જમાત જે કરે છે અને કહે છે તે સરહિન્દીએ કહ્યું હતું. આમાં હિંદુઓ માટે તેને વિશેષ દ્વેષ હતો, કારણ કે હિંદુ ધર્મ અને હિંદુઓ ચ્યુઇંગમ જેવા છે. મનના મોકળા પણ આચાર પકડી રાખે એટલે લડવું મુશ્કેલ બને. હિંદુઓ આખા જગતમાં ઢોંગી પ્રજા તરીકે ઓળખાય છે એનું કારણ આ છે. મનના મોકળા પણ આચાર પકડી રાખે એટલે સ્વાભાવિકપણે ઢોંગ કરવો પડે.
માત્ર શેખ અહમદ સરહિન્દી નહીં, પણ બીજા અનેક મૌલાનાઓએ અકબર સામે મોરચો માંડ્યો હતો. અકબરના ભાઈ મહમ્મદ હકીમને ચડાવીને તેમણે બિહાર અને બંગાળમાં વિદ્રોહ કરાવ્યો હતો, જે અકબરે નિષ્ફળ બનાવ્યો હતો. જૌનપુરના કાજીએ દેશમાં ઠેકઠેકાણે અકબરના શાસન સામે બળવો કરવાનો ફતવો કાઢ્યો હતો. અકબર એટલો શક્તિશાળી અને વિચક્ષણ હતો કે વિરોધીઓના પ્રત્યેક પ્રયાસ નિષ્ફળ ગયા હતા.
બન્યું એવું કે અકબરના અવસાન પછી સરહિન્દી ૧૯ વર્ષ જીવ્યો હતો. એ પછી તેમની બે પેઢી (પુત્ર અને પૌત્ર) એવી જ કટ્ટરપંથી અને આક્રમક હતી. આ બાજુ જહાંગીર અને શાહજહાંમાં અકબર જેટલી વિચારનિષ્ઠા, ઉદારતા અને દૂરંદેશી નહોતાં. તેમણે કટ્ટરપંથી મૌલવીઓનો વિરોધ ખાળવા હળવે હાથે કામ લેવાનું શરૂ કર્યું. અને એ પછી તો ઔરંગઝેબ આવ્યો અને અકબરનાં સપનાં રોળાઈ ગયાં. કટ્ટરપંથી મુસલમાનો આને ઇસ્લામના સદ્ભાગ્ય કહેશે. ઉદારમતવાદી ભારતીયો આને ભારતના દુર્ભાગ્ય કહેશે અને કટ્ટરપંથી હિન્દુત્વવાદીઓ?
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 નવેમ્બર 2019
![]()

