
રાષ્ટ્રગીતના રચયિતા હોવા છતાં સારી યાદશક્તિ ધરાવતા લોકોને યાદ હશે કે ‘જનગણમન’ તો કવિએ અંગ્રેજ સમ્રાટને ઉદ્દેશીને લખેલું’ એવો એક તકલાદી સાબિત થઈ ચૂકેલો આરોપ થોડા થોડા વખતે ઇન્ટરનેટની આલમમાં આંટો મારી જાય છે. હકીકત એ છે કે રવીન્દ્રનાથ ટાગોરની વૈશ્વિક દૃષ્ટિનો સંકુચિત રાષ્ટ્રવાદમાં મેળ બેસાડી શકાય એમ નથી, કેમ કે દેશભક્ત હોવું અને રાષ્ટ્રવાદી હોવું – એ બંને વચ્ચેના તફવતની શરૂઆત ભારતમાં વીસમી સદીમાં જ થઈ ચૂકી હતી અને બંને વચ્ચેનો તફવત સ્પષ્ટ કરી આપવામાં ટાગોર મોખરે હતા.
દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા તેનાં દસેક વર્ષ પહેલાં ભારતમાં બંગાળના ભાગલાના પગલે પહેલું સ્વદેશી આંદોલન છેડાઈ ચૂક્યું હતું. તે નિમિત્તે આવેલા રાષ્ટ્રવાદના ઉભરામાં સાચી દેશભક્તિ અને સ્વાર્થી-પરપીડક-ભયકેન્દ્રી રાષ્ટ્રવાદ વચ્ચેનો ફરક ટાગોરે સ્પષ્ટ રીતે પાડી બતાવ્યો. સ્વદેશી આંદોલનની આબોહવાના પગલે લખાયેલી તેમની વિખ્યાત નવલકથા ‘ઘરેબાહિરે’માં તેમણે મુખ્ય પાત્રના મોઢે સંવાદ મુક્યો છે, ‘દેશને માટે જુલમ કરવો એટલે દેશ ઉપર જ જુલમ કરવો’. સૂત્રાત્મક લાગતું આ વાક્ય કેટલું નક્કર છે, તેની પ્રતીતિ નવલકથા લખાયાની એક સદી પછી પણ આપણને થઈ શકે છે. નવલકથાનું ખલ પાત્ર રાષ્ટ્રવાદની આગ પર પોતાની ખીચડી પકવવાની માનસિકતા ધરાવે છે, જ્યારે કથાનો નાયક કહે છે, ‘જ્યારે તમે દેશને દેવ તરીકે મનાવીને, અન્યાયને કર્તવ્ય તરીકે, અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા ઇચ્છો છો ત્યારે મારા હૃદયને આઘાત લાગે છે.’
ગાંધીજીએ અસહકારની ચળવળ ઉપાડી ત્યારે, પહેલી સ્વદેશી ચળવળનો રંગ જોઈ ચૂકેલા ટાગોરે ગાંધીજીને પણ ચેતવ્યા હતા અને તેમની ચળવળની કેટલીક બાબતોની ટીકા કરતાં પણ સંકોચ અનુભવ્યો ન હતો. સામે પક્ષે ગાંધીજી હતા, એટલે તે પોતાની નીતિમત્તાની સાથોસાથ ટાગોરની ટીકાનું મૂલ્ય બરાબર સમજતા હતા. એટલે તેમની વચ્ચે કેટલીક બાબતોના વિચારભેદ છતાં, મૂળભૂત માનવીય મૂલ્યોની બાબતમાં આજીવન એકરાગ અને પરસ્પર પ્રેમાદરનો સંબંધ રહ્યો. ‘ઘરેબાહિરે’માં નાયક કહે છે, ‘માણસે કેવાં કપડાં પહેરવાં, કઈ દુકાનેથી માલ ખરીદવો, શું ખાવું, કોની સાથે બેસીને ખાવું, એ પણ જો ભયના દોર વડે નક્કી કરવામાં આવે તો માણસની સ્વતંત્રતાનો ધરમૂળથી જ ઇનકાર કરવામાં આવે છે એમ કહેવાય.’ આ વાત એક સદી પછીના ભારતમાં પણ લાગુ નથી પડતી?
બીજા વિશ્વયુદ્ધમાં અણુહુમલા પછી દયાનું પાત્ર બનેલું અને પછીનાં વર્ષોમાં ટેક્નોલોજીની પ્રગતિને કારણે આદરનું પાત્ર બનેલું જાપાન એક જમાનામાં ભારે મિજાજી ને યુદ્ધખોર હતું. તેણે ચીન પર હુમલો કર્યો ત્યારે જાપાનના એક કવિએ યુદ્ધને આધ્યાત્મિક – (બીજાને સુધારવા માટેના) પરિબળ તરીકે ઓળખાવ્યું. (આવી દરબારી પ્રતિભાઓ દરેક જમાનામાં મોટી સંખ્યામાં મળી રહેતી હોય છે.) જાપાનમાં વ્યાખ્યાનો આપી ચૂકેલા રવીન્દ્રનાથે એ કવિને લખ્યું હતું, ‘જે દરેક જમાનાના રાષ્ટ્રવાદીઓએ ગાંઠે બાંધવા જેવું છે, ‘લોકોનાં સુખ અને હકનું બલિદાન ચઢાવવાનો પોતાનો હક છે એવો દાવો જે દેશભક્તિ કરે, તે કોઇ પણ મહાન સંસ્કૃતિનો પાયો મજબૂત બનાવવાને બદલે તેને જોખમમાં મૂકશે.’
જાપાનમાં જાહેર પ્રવચન વખતે પણ રવીન્દ્રનાથ ટાગોરે મીઠી વાતો કરવાને બદલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, પ્રજા તરીકે તમારે માટે મારા મનમાં ઊંડો પ્રેમ અને આદર છે, પણ રાષ્ટ્ર તરીકે બીજાં રાષ્ટ્રો સાથેના વ્યવહારમાં તમે પશ્ચિમ જેવા જ દગાબાજ અને બધી વાતે પૂરા છો. ‘આખી પ્રજાના માનસમાં પોતાની ઉચ્ચતાનો અસાધારણ ઘમંડ ભરી દેવો, પ્રજાને પોતાની નૈતિક કઠોરતા અને પાપની સમૃદ્ધિનું અભિમાન લેતાં શીખવવું. યુદ્ધમાં જીતેલી વસ્તુઓનો ઉપયોગ કરીને બાળકોના મનમાં બીજાને માટે તિરસ્કાર પેદા કરવો, હારેલા લોકોની નામોશીને કાયમ કરવી – એ પશ્ચિમને કોરી ખાતાં ગૂમડાંનું અનુકરણ કર્યા બરાબર છે.’
રાષ્ટ્રવાદના રોગને બરાબર પારખી ગયેલા ટાગોરે જણાવ્યું હતું કે ઇતિહાસમાં જૂઠાણાં ઊભાં કરવાં એ પણ પાશ્ચાત્ય રાષ્ટ્રવાદનું એક લક્ષણ છે. પોતાના દેશપ્રેમની રાષ્ટ્રવાદ કે બીજા કોઈ પણ પ્રકારના દાવા સાથે ભેળસેળ ન થાય, એ માટે રવીન્દ્રનાથે કહ્યું હતું, ‘હું ભારતને ચાહું છું તેનું કારણ હું ભૌગોલિક મૂર્તિપૂજામાં માનું છું અથવા હું ભાગ્યવશાત્ એની ભૂમિ પર જન્મ્યો છું, એ નથી. પણ એનું કારણ એ છે કે એના ઋષિમુનિઓએ ઉચ્ચારેલી જીવંત વાણીને એણે શતાબ્દીઓની અશાંતિ દરમ્યાન સાચવી રાખી છે.’
ઋષિમુનિઓની જ્યાં વાત આવે એટલે રાષ્ટ્રવાદીઓ તેમના વાસ્તવિક પ્રદાન સુધી પહોંચવાને બદલે મિથ્યાભિમાની મુદ્રામાં જતા રહે છે અને ઘણી વાર તો ‘બધી શોધો આપણે ત્યાં જ થઈ હતી’ એવા દાવા કરીને, સાચાં સંશોધનો-સંશોધકોનું અવમૂલ્યન કરે છે. આવી માનસિકતા શી રીતે પેદા થઈ? રવીન્દ્રનાથ ટાગોરના મતે, અંગ્રેજ શાસકો તરફ્થી ભારતની સંસ્કૃતિ પર થતા હુમલાના જવાબ રૂપે, ૧૯મી સદીના મધ્ય ભાગમાં ભારતમાં પોતાની સંસ્કૃતિ વિશે મિથ્યાભિમાની વલણ પેદા થયું. આઝાદી માટેની પ્રવૃત્તિ વિકસતી ગઇ તેમ આધ્યાત્મિક મહત્તા પર ભારતનો ખાસ દાવો છે, એવો વિચાર સાહિત્યમાં વારંવાર દેખાવા લાગ્યો. ટાગોરે લખ્યું હતું, ‘ઈશ્વર કોઇ ખાસ પ્રજા પર મહેર કરે છે એવો ખ્યાલ બર્બર યુગને શોભે એવો છે’.
ભારતમાં પછીથી જે પ્રકારના રાષ્ટ્રવાદની બોલબાલા થઈ, તેનો જન્મ યુરોપમાં થયો હતો અને રવીન્દ્રનાથે તેને બરાબર પિછાણ્યો હતો. તેમણે લખ્યું હતું, ‘પશ્ચિમનો આત્મા સ્વાતંત્ર્યના ઝંડા હેઠળ કૂચ કરી રહ્યો છે, ત્યારે પશ્ચિમનો રાષ્ટ્રવાદ સંગઠન અને વ્યવસ્થાની લોખંડી જંજીરો ઘડી રહ્યો છે. માનવ ઇતિહાસમાં કોઇ પણ કાળે ઘડાયેલી જંજીરો કરતાં એ વધારે મજબૂત અને અતૂટ છે … જ્યારે લોકો પોતાની સંસ્કૃતિ કે લોહીની શ્રેષ્ઠતાના આધારે, વેપારી લોભને કારણે, બીજા દેશોના બજાર કબજે કરવા માટે કે બીજા દેશોના શોષણ માટે સંગઠિત થાય છે ત્યારે પોતાના હૃદયસિંહાસન પર તે માનવએકતાના આદર્શને બદલે રાષ્ટ્રવાદને સ્થાપે છે. એ વખતે માનવજાત ઉપર કાળરાત્રિ ઊતરી આવે છે. આ રાષ્ટ્રવાદ આજના જમાનામાં દુનિયામાં ફેલાયેલો અનિષ્ટનો ક્રૂર રોગચાળો છે. તે માનવજાતના નૈતિક મર્મોને હજમ કરી જાય છે.’
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 નવેમ્બર 2019
![]()


૧૧મી મે ૧૯૫૧ના દિવસે પ્રભાસ પાટણમાં સોમનાથના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં ભગવાન શિવજીની પ્રતિષ્ઠા કર્યા પછી તેમના ભાષણમાં કહ્યું હતું કે સોમનાથનું મંદિર બાંધવાનું કામ પૂરું થયું, હવે આપણે લોકોનાં સુખ અને સમૃદ્ધિનાં મંદિરો બાંધવાનાં છે. રાષ્ટ્રપતિએ પહેલાં તેમના ભાષણમાં સોમનાથનું મંદિર શા માટે બાંધવું જરૂરી હતું એ સમજાવ્યું હતું. ભગવાન સોમનાથનું મંદિર તોડવામાં આવ્યું ત્યારે ભારતીય પ્રજા પર વજ્રાઘાત થયો હતો. ત્યારથી લઈને આજ સુધી સોમનાથનું મંદિર પાછું બંધાય એ દરેક ભારતીયનું સ્વપ્ન હતું. “This faith and creative energy are more powerful than all arms, all the armies and all the emperors of this world.” એ પછી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સોમનાથની ઘટનામાં ઇતિહાસનો અમૂલ્ય પાઠ સમાયેલો છે અને તે ધાર્મિક અસહિષ્ણુતા અંગેનો છે. “Consequence but to produce bitterness and immorality among men. This is the lesson of history and I would like all my countrymen to grasp it firmly.” એ પછી તેમણે કહ્યું હતું કે સોમનાથ દ્વારા રાષ્ટ્રીય સન્માન સ્થાપિત કરી લીધા પછી હવે આપણે પ્રજાની સુખાકારીનાં મંદિરો બાંધવાનાં છે.



