હળવે હૈયે
ઃ ૧ :
ચેલો ઃ ગુરુજી શું આપણા દેશના મુસલમાન વિદેશી છે?
ગુરુ ઃ હા શિષ્ય, તેઓ વિદેશી છે.
ચેલો ઃ તો એ ક્યાંથી આવ્યા છે?
ગુરુ ઃ તેઓ ઈરાન, તૂરાન અને અરબસ્તાનથી આવ્યા છે.
ચેલો ઃ પણ હવે તેઓ ક્યાંના નાગરિક છે?
ગુરુ ઃ ભારતના.
ચેલો ઃ એ લોકો ક્યાંની ભાષાઓ બોલે છે?
ગુરુ ઃ ભારતની ભાષાઓ બોલે છે.
ચેલો ઃ એમની રહેણી કરણી તથા વિચારવાની રીત કયા દેશના લોકો જેવી છે?
ગુરુ ઃ ભારતના લોકો જેવી છે.
ચેલો ઃ તો પછી એ લોકો વિદેશી કેવી રીતે કહેવાય, ગુરુજી?
ગુરુ ઃ એમનો ધર્મ વિદેશી છે એટલે એ લોકો વિદેશી કહેવાય.
ચેલો ઃ બૌદ્ધ ધર્મ ક્યાંનો છે, ગુરુજી?
ગુરુ ઃ ભારતનો છે શિષ્ય.
ચેલો ઃ તો પછી ચીની, જાપાની, થાઈ અને બર્મી બૌદ્ધોએ ભારત આવી જવું જોઈએ?
ગુરુ ઃ અરે, ના … ના … શિષ્ય : ચીની, જાપાની, થાઈ, બર્મી અહીં આવીને શું કરશે ?
ચેલો ઃ તો ભારતીય મુસલમાન ઇરાન, તુરાન, અને અરબસ્તાન જઈને શું કરશે ?
ઃ ૨ :
ગુરુ ઃ ચેલા, હિન્દુ-મુસલમાન એક સાથે ન રહી શકે.
ચેલો ઃ કેમ, ગુરુદેવ?
ગુરુ ઃ બેઉમાં ઘણું અંતર છે.
ચેલો ઃ શું અંતર છે?
ગુરુ ઃ એમની ભાષા અલગ છે. આપણી અલગ છે.
ચેલો ઃ શું હિંદી, કશ્મીરી, સિંધી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, બંગાળી વગેરે ભાષાઓ મુસલમાન નથી બોલતા? તેઓ શું માત્ર ઉર્દૂ જ બોલે છે?
ગુરુ ઃ ના … ના … ભાષાનું અંતર નથી … ધર્મનું અંતર છે.
ચેલો ઃ એનો અર્થ એવો થાય કે બે અલગ અલગ ધર્મોના માનવાવાળા એક દેશમાં રહી ન શકે?
ગુરુ ઃ હા, ભારતવર્ષ માત્ર હિંદુઓનો દેશ છે.
ચેલો ઃ તો તો પછી શીખો. ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, પારસીઓ, યહૂદીઓ આ તમામને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ.
ગુરુ ઃ હા … હા … કાઢી જ મૂકવા જોઈએ.
ચેલો ઃ તો પછી આ દેશમાં કોઈ બચશે?
ગુરુ ઃ માત્ર હિંદુ બચશે … અને પ્રેમથી રહેશે.
ચેલો ઃ જેમ પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમ બચ્યા છે અને પ્રેમથી રહે છે તે રીતે ને?
ઃ ૩ :
ગુરુ ઃ શિષ્ય, મુસલમાન પ્રત્યે ઘૃણા રાખો.
ચેલો ઃ કેમ, ગુરુદેવ?
ગુરુ ઃ કારણ કે તેઓ ગંદા, અભણ અને અત્યાચારી હોય છે.
ચેલો ઃ સમજી ગયો, ગુરુદેવ. તમારા કહેવાનો મતલબ છે કે ગંદા, અભણ અને અત્યાચારી લોકો પ્રત્યે ધૃણા રાખવી જોઈએ.
ગુરુ ઃ ના … ના … એવું નહીં. હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવી જોઈએ કે એ લોકો બહુ કટ્ટર ધાર્મિક હોય છે.
ચેલો ઃ હું કટ્ટર ધાર્મિક લોકો પ્રત્યે ધૃણા જ રાખું છું, ગુરુદેવ.
ગુરુ ઃ ના … ના … તું સમજ્યો નહીં … હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવાની કે એમણે આપણાં ઉપર શાસન કરેલું.
ચેલો ઃ તો તો ખ્રિસ્તીઓ પ્રત્યે પણ ધૃણા રાખવી જોઈએ.
ગુરુ ઃ અરે ના … ના … શિષ્ય, મુસલમાનો પ્રત્યે ધૃણા કરવાનું મુખ્ય કારણ એ છે કે એમણે દેશના ભાગલા કરાવેલા.
ચેલો ઃ એટલે, દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જોઈએ, એમ જ તે?
ગુરુ ઃ હા … બિલકુલ કરવી જોઈએ. દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જ જોઈએ.
ચેલો ઃ અને દેશવાસીઓના ભાગલા કરવાવાળાઓ સાથે શું કરવું જોઈએ?
ઃ ૪ :
ચેલો ઃ ગુરુજી, તોફાનો કેવી રીતે રોકી શકાય?
ગુરુ ઃ શિષ્ય, આ સવાલનો જવાબ તો આખા દેશ પાસે નથી. રાષ્ટ્રપતિ પાસે નથી. પ્રધાનમંત્રી પાસે નથી. આખા મંત્રીમંડળમાં કોઈ પાસે નથી. બુદ્ધિજીવીઓ પાસે પણ નથી.
ચેલો ઃ ગુરુજી … મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો છે. પ્રકૃતિ પર એણે વિજય મેળવી લીધો છે … અસંભવિત હવે સંભવિત થઈ ગયું છે … તોફાનો કેવી રીતે રોકી શકાય એ શોધી કાઢવાનું કામ વૈજ્ઞાનિકોને કેમ નથી સોંપાતું?
ગુરુ ઃ શિષ્ય, વૈજ્ઞાનિકોને આ કામ પર લગાવવામાં આવેલા … પણ એમનું કહેવું છે કે આ ધાર્મિક મામલો છે.
ચેલો ઃ તો ધાર્મિક લોકોને આ કામ પર લગાવાયા?
ગુરુ ઃ હા, ધાર્મિક લોકો કહે છે કે આ સામાજિક મામલો છે.
ચેલો ઃ સમાજશાસ્ત્રી શું કહે છે?
ગુરુ ઃ એમણે કહ્યું કે આ રાજનૈતિક મામલો છે.
ચેલો ઃ તો રાજનીતિશાસ્ત્રીઓએ શું કહ્યું ?
ચેલો ઃ એમણે કહ્યું કે આ કોઈ મામલો જ નથી.
[અસગર વજાહતની ટૂંકી વાર્તાનો અનુવાદ]
E-mail : skvijaliwala@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 24
![]()


અત્યાર સુધી આપણે સૂત્રો બોલતા હતા : “બંધારણ બચાવો, દેશ બચાવો”. બંધારણ સામે શું ખતરો છે કે જોખમ છે અને શેનાથી બંધારણને બચાવવાનું છે, તે ચિત્ર આપણી સમજમાં આવતું ન હતું. તા. ૧૦-૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે આપણને બંધારણ સામેનું જોખમ સમજાયું, જ્યારે આપણાં માથાં પર-દિલ પર હથોડો ઠોકાયોઃ “પુરવાર કરો કે તમે ભારતના નાગરિક છો !”
૨૦૧૭માં મોરારિબાપુ આયોજિત મહુવાના સંસ્કૃત પર્વમાં જવાનું થયું હતું. એ વખતે જલન માતરી સાથે સત્સંગ કરવાની તક મળી હતી. જલદ ગઝલના એ શાયરના સૌમ્ય સ્વભાવનો પરિચય તો થયો જ પણ એમના સ્વમુખે ગઝલ સાંભળવાની મજા પડી ગઈ. એ પહેલાં એક મુશાયરામાં જલનસાહેબના સ્વમુખે જ રહસ્યોના પરદા ગઝલ સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એમની ગઝલ એમના જ અંદાજમાં સાંભળવી એ એક લહાવો છે. કારણ કે એમનો ગઝલ લખવાનો અને મુશાયરામાં ગઝલ રજૂ કરવાનો અંદાજ લગભગ સરખો જ છે. જે બુલંદી ગઝલના શબ્દોમાં દેખાય એવી જ બુલંદી પઠનમાં ય વર્તાય. રહસ્યોના પરદા ગઝલ ગુજરાતી ગઝલોની સર્વશ્રેષ્ઠ ગઝલોમાંની એક છે. અંગતપણે ખૂબ પ્રિય. નસીબને ચેલેન્જ કરવાની ખુમારી એકેએક શેરમાં પ્રગટ થાય છે. પ્રારબ્ધ કરતાં પુરુષાર્થનું માહાત્મ્ય કેટલું અગત્યનું છે એ વાત કવિએ આગવા મિજાજમાં રજૂ કરી છે.
કમાલ તો ત્યારે થાય છે જ્યારે આ ખુમારીભર્યા શબ્દોને એવા જ ધારદાર સંગીતનો સાથ મળે છે. અરેબિક અને ઇજિપ્શિયન સંગીતનો યથાયોગ્ય સ્પર્શ ધરાવતી આ ગઝલ પહેલી વાર સાંભળી ત્યારે થયું કે કોણ કહે છે કે સુગમ સંગીત ઢીલું ઢાલું છે! આ ગઝલ આજના ટીનેજરને સંભળાવો તો એ ય ઝૂમી ઊઠે એવું જબરજસ્ત ઓરકેસ્ટ્રેશન એમાં છે. સર્વકાલીન કહી શકાય એવી આ ગઝલ કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિને આકર્ષી શકે એમ છે. આ ગઝલ વિશે આશિત દેસાઈ કહે છે, "મને આ ખૂબ ગમતી ગઝલ છે. પહેલી નજરના પ્રેમ જેવી આ ગઝલ છે. મુખડું જોતાં સાથે જ ગમી ગયું હતું. ગઝલ રચનામાં જલનસાહેબની જબાન તેજાબી હોય છે. રહસ્યો વિશે માનવજાત હંમેશાં ગજબની ઉત્કંઠા ધરાવે છે. એટલે જ શાયર કહે છે કે આ રહસ્યોનો પડદો ઉઠાવીને ઇશ્વરને હાક મારી તો જો, ખબર પડી જશે એના અસ્તિત્વ વિશે. શબ્દો પ્રમાણે જ ધૂન તૈયાર કરી. મારી વિચિત્રતા કહો કે ખાસિયત, પણ મારે હંમેશાં કંઈક અસામાન્ય, અનયુઝવલ, ચેલેજિંગ કરવું હોય છે. જલનસાહેબ મારા ગમતા, પરંપરાના શાયર છે. એમની આ ટૂંકી બહેરની ગઝલની અરેન્જમેન્ટ મેં જ કરી છે કારણ કે હું માનું છું કે આપણું બાળક આપણે જ સંભાળવું જોઈએ, દાયણને ન અપાય. એ જ રીતે સંગીતકાર પોતાનું સ્વરબદ્ધ કરેલું ગીત બીજા એરેન્જરને આપે તો સંગીતકારે પોતે એ ગીતને જે ‘સંસ્કાર’ આપવા હોય એ કદાચ ન આપી શકે. ગઝલ વાંચતાં વાંચતાં જ લય મળતો ગયો ને કમ્પોઝ થતી ગઈ. રહસ્યમયતા બરકરાર રહે એટલે મેં સ્વરાંકન અરેબિક શૈલીમાં કર્યું. સંગીતકારો મને શ્રેષ્ઠ મળ્યા. સુરેશ લાલવાણી વાયોલીન પર, ચિન્ટુ સિંઘ ગિટાર પર, તબલાંમાં મુશર્રફ અને વિક્રમ પાટીલ તથા સુનીલ દાસનું સિતારવાદન હતું. તમે માનશો? અરેબિક વાદ્ય રબાબની ઇમ્પેક્ટ અમે સિતાર દ્વારા આપી હતી, જેમાં તારની ઉપર રૂમાલ ઢાંકીને મ્યુટ કરી દેવામાં આવે. મોરપીંછની રજાઇ … ગીતમાં પણ અમે આ પ્રયોગ કર્યો હતો. આ પ્રકારના ગીતમાં લોંગ નોટ્સ સારી ન લાગે એટલે સૂરની અને લયની રમત પણ રમ્યો છું. અરેબિક ફ્લેવર ઉમેરવાથી ગાયનનું સ્વરૂપ બદલાઈ ગયું જે શ્રોતાઓને બહુ પસંદ આવ્યું. જ્યાં જ્યાં આ ગઝલ ગાઈ છે ત્યાં બહુ જ ઉપડી છે. સાંભળવામાં સહેલી પણ ગાવામાં અઘરી એવી આ ગઝલ હવે મારો દીકરો આલાપ પણ ખૂબ સરસ ગાય છે.
‘ઇશ્કે હકીકી’ના લડાકુ શાયર જલન માતરીનું મૂળ નામ જલાલુદીન સઆહુદિન અલવી જેમનું તખલ્લુસ ‘જલન’ હતું. ૧ સપ્ટેમ્બર, ૧૯૩૪માં ખેડા જિલ્લાના માતર ગામે તેમનો જન્મ થયો હતો. એટલે તેઓ જલન માતરી કહેવાયા હતા. ૧૯૫૩માં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા પછી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરી હતી. ૧૯૫૭થી ગુજરાત ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટના હોદ્દા પર કાર્ય કર્યું અને ૧૯૯૨માં નિવૃત્ત થયા હતા. ૮૩ વર્ષની વયે ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮માં અવસાન થયું.