હૈયાને દરબાર
પ્રેમ કેવો હોય? બોલકો? વાચાળ? મૂક, મૌન કે દુન્યવી ચકાચૌંધથી સાવ વેગળો? એ આમાંથી કંઈ પણ અથવા બધું જ કે કશું જ ન હોય એવી જુદી જ લાગણી છે જેની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં … ગીતમાં દેખીતી રીતે અપેક્ષા વિનાના પ્રેમની વાત કરવામાં આવી છે.
આપણે ઘણીવાર વ્યક્તિને નહીં, વ્યક્તિત્વને ચાહતાં હોઈએ છે જેની આપણને પોતાને ય ખબર નથી હોતી. પ્રભાવશાળી, સત્તાધારી, સમાજમાં સ્ટેટસ ધરાવતી કે કોઈ પણ ક્ષેત્રની સેલિબ્રિટી સાથે અચાનક પ્રેમ થઈ જાય તો એમાં કેટલીક વાર વ્યક્તિ નહીં, વ્યક્તિત્વના અછોવાનાં થતાં હોય એવી સંભાવના રહેલી છે. એટલે જ કદાચ કવિ અહીં પાણી પહેલાં પાળ બાંધી દે છે કે મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં, કે તારી આંખોમાં ભરતીનું પૂર છે, તારી આંખોમાં કંઇક તો જરૂર છે …! આંખોમાં પ્રેમની ભરતી આવી હોય ત્યારે એ ધસમસતી લાગણી ભલે છલકાઈ જાય પણ છેવટે તો આપણે કશાથી અંજાયા વિના માત્ર એકરૂપ થવાનું છે. એટલે જ કવિ છેલ્લે કહે છે કે મારું હોવું તારાથી ભરપૂર છે.
"આ ગીત ૧૯૭૨માં લખાયું હતું. એ વખતે હું કાંદિવલીની ૧૦૧૦ની ખોલીમાં મારી મા સાથે રહેતો હતો. આટલા ઘરમાં તો એક પલંગ ને એક કબાટથી વધારે બીજી કઈ ઘરવખરી હોય? એ નાનકડા પલંગ પર બેસીને હું દરિયાના સપનાં જોતો કારણ કે મારી ઓફિસથી દરિયો સાવ નજીક. અચાનક આ ગીત સ્ફૂર્યું ને એકી બેઠકે લખાઈ ગયું. ગીતમાં આમ તો પુરુષના અવ્યક્ત પ્રેમની વાત છે. એની ‘ના’માં ‘હા’નો સંકેત છે. ગીતની છેલ્લી પંક્તિઓ ;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
મારું હોવું તારાથી ભરપૂર છે
તારી આંખોમાં કંઇક તો જરૂર છે…માં છેવટે "પ્રેમમાં એકરૂપતાની વાત આવે છે, કહે છે ગીતના કવિ મહેશ શાહ.
આ ગીત ‘વર્ણમ’ સાથે સંકળાયેલા નવીન શાહે સ્વરબદ્ધ કર્યું હતું. નવીન શાહ એ વખતે અનેક કલાકારો સાથે સંપર્કમાં હતા. યેસુદાસનાં ગીતો ‘ચિત્તચોર’ ફિલ્મના લીધે ઘણાં લોકપ્રિય થયાં હતાં તેથી નવીનભાઈએ એમનો સંપર્ક સાધ્યો અને યેસુદાસ ગીત ગાવા સહર્ષ સંમત થઈ ગયા હતા.

કોચીમાં જન્મેલા યેસુદાસ રોમન કેથલિક પરિવારના સભ્ય છે. પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત ૮૦ વર્ષીય યેસુદાસ છેલ્લાં ૫૬ વર્ષથી સંગીત સાથે સંકળાયેલા છે. હિંદુ દેવી-દેવતાઓની સ્તુતિમાં તેમણે પાંચ હજારથી વધારે ભજન ગાયાં છે. તેઓ રેકોર્ડબ્રેકિંગ કહી શકાય એવા સાત રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યા છે. યેસુદાસજીનો અવાજ અને એમનાં ગીત મનનો બોજો હળવો કરે એવાં હોય છે.
જુદી જુદી ભાષામાં પાંચ હજાર ભજન ગાઈ ચૂકેલા તથા જેમના અવાજને મીઠાશનો પર્યાય માનવામાં આવે છે એ યેસુદાસે ગાયેલું આ સૌ પ્રથમ ગુજરાતી ગીત છે. યેસુદાસે ગાયેલું પહેલું ગુજરાતી ગીત આમ સૌ પ્રથમ આકાશવાણીમાં રેકોર્ડ થયેલું. મહેશભાઈ ગીતનાં સર્જન વિશે કહે છે કે, "એ સમયે દરિયાથી હું ખૂબ પ્રભાવિત હતો. સાગર ઉપર મારું ઘણું ચિંતન ચાલતું એટલે કવિતા પણ દરિયાની જ લખાતી. મારી અન્ય એક કવિતા છે : દરિયો રે દરિયો મારો સાંવરિયો. આ ગીત પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયું છે. એ ઉપરાંત બદલાતો જાય ભલે દરિયાનો રંગ, મારા સાંવરિયા તું એનો એ રહેજે … પણ નવીન શાહનું સ્વરાંકન છે જે કૌમુદી મુનશીએ સરસ ગાયું છે. મને દરિયો સમજીને … પ્રેમની સર્વોચ્ચ લાગણી ધરાવતું ગીત છે. આ ગીત ગાઈને રેકોર્ડિંગ રૂમમાંથી બહાર આવ્યા પછી યેસુદાસે પૂછ્યું કે ‘મહેશ શાહ કહાં હૈ?’ હું ત્યાં જ ઊભો હતો. તેઓ તરત જ મને ભેટી પડ્યા હતા. એમને આ ગુજરાતી ગીત ગાવાની ખૂબ મજા આવી હતી.
કવિ મહેશ શાહ રચિત આ ગીત સર્વપ્રથમ ૧૯૯૫માં ‘સનમ શોખીન-૧૯૯૫નાં પ્રેમગીતો’ નામે સુરેન ઠાકર ‘મેહુલ’ સંચાલિત સંગીતના સ્ટેજ શોમાં, મુંબઇનાં ભાઇદાસ હોલના સ્ટેજ પરથી સોલી કાપડિયાએ ગાયું હતું. આ પ્રોગ્રામની ખાસ વિશેષતા હતી કે સુરેશ દલાલ, વેણીભાઇ પુરોહિત, રવિ ઉપાધ્યાય, કનુ રાવળ, દિલીપ પરીખ અને શાન જેવા ગુજરાતીના નામાંકિત કવિઓની રચનાઓ, નવીન શાહનાં સંગીતમાં અને દીપક શાહની મ્યુઝિક એરેન્જમેન્ટમાં તૈયાર થઇ હતી, જેને સોલી કાપડિયા, રેખા ત્રિવેદી, પ્રકાશ ઉપાધ્યાય, સુરેશ વાઘેલા અને નેહા મહેતા જેવાં ગાયકોએ મ્યુઝિક ટ્રેક પર સ્ટેજ પર અને ઓડિયન્સમાં ફરીને ગાવાની હતી. સિંગ અલોંગ-કરાઓકેનો આ ગુજરાતીમાં કદાચ પ્રથમ પ્રયોગ હતો. એ પછી પાર્થિવ ગોહિલે પણ આ ગીતને ખાસ્સું લોકપ્રિય બનાવ્યું. નેવુંના દશકમાં ટીવી પર ગુજરાતી ગીતોનો રિયાલિટી શો આવતો હતો. એમાં પાર્થિવે આ ગીત ઘણીવાર ગાયું હતું. આલાપ દેસાઈએ પણ આ ગીત ગાયું છે. યુટ્યુબ પર યેસુદાસજીના અવાજમાં એ ઉપલબ્ધ છે. યેસુદાસે ખૂબ સરસ ગાયું છે પણ ક્યારેક ઉચ્ચાર દોષ જોવા મળે, પરંતુ આપણા ગુજરાતી કલાકારોને કંઠે સાંભળવાની મજા જુદી જ હોય. પ્રેમકથા આલેખતું આ ગીત તમને ગમશે જ.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 ડિસેમ્બર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=605321
![]()



ડો. આંબેડકરના કાર્ટૂનનો ગ્રંથ ‘નો લાફ્ગિં મેટર (ધ આંબેડકર કાર્ટૂન્સ ૧૯૩૨-૧૯૫૬)’ આંબેડકરી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ છે. ૨૦૧૨માં થયેલા આંબેડકર કાર્ટૂન વિવાદ પછી રચાયેલી તત્કાલીન યુ.જી.સી. ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિ સમક્ષ રજૂ કરવાના આશયે ઉન્નામતિ શ્યામ સુંદર નામના સંશોધકે બાબાસાહેબ આંબેડકરના કાર્ટૂનની શોધ આદરી. ચાર વરસની ભારે જહેમત અને અનેક ખાંખાખોળા પછી તેમને હાથ લાગેલા અને અંગ્રેજી મીડિયામાં છપાયેલાં ૧૨૪ કાર્ટૂન પુસ્તકમાં સંગૃહીત છે. ૯ અંગ્રેજી અખબારો – સામયિકોમાં પ્રગટ દેશના જાણીતા ૧૧ કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂન આ પુસ્તકમાં છે. આ કાર્ટૂનિસ્ટો છે, કે. શંકર પિલ્લઈ, આર.કે. લક્ષ્મણ, અબુ અબ્રાહમ, અનવર અહમદ, વાસુ, ઓમેન, બિરેશ્વર, આર. બેનરજી, ઈરાન, રવીન્દ્ર અને કુટ્ટીનાં ૧૨૪ કાર્ટૂન અહીં સાત કાળખંડમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. ૧૯૩૨થી ૧૯૩૬ અને ૧૯૪૨-૪૩ના પહેલાં બે તથા ૧૯૫૩થી ૫૬ના સાતમા કાળખંડનાં ૧૧-૧૧ કાર્ટૂન છે. ૧૯૪૪થી ૪૬ના વર્ષના ૧૨, ૧૯૪૭-૪૮નાં ૧૬, ૧૯૪૯-૫૦નાં ૨૭ અને ૧૯૫૧-૫૨નાં ૩૬ કાર્ટૂન છે. ડો. આંબેડકરના રાજકીય જીવનનાં મહત્ત્વનાં વર્ષો અને ઘટનાઓ આ કાર્ટૂનમાં આલેખાયાં છે. અડધોઅડધ (૬૩) કાર્ટૂન ૧૯૪૯થી ૧૯૫૨નાં ચાર વરસોનાં છે. એ જ રીતે કુલ કાર્ટૂનના અડધા કરતાં વધુ કાર્ટૂન શંકરનાં છે. ૧૯૩૨ના કોમી ચુકાદા અગેના શંકરના ‘ટેન્સ મોમેન્ટ્સ'(તણાવની ક્ષણો)થી આરંભાતી અને ૧૯૫૬ના ધર્મપરિવર્તન અંગેના ‘ભિખ્ખુ ભીમરાવ’થી સમાપ્ત થતી આ કાર્ટૂનકિતાબ ડો. આંબેડકરની રાજકીય જીવનયાત્રા પણ આલેખે છે. વિસ્તૃત સંપાદકીય અને પ્રત્યેક કાર્ટૂન સાથે ડો. આંબેડકરના જીવનનો સમયસંદર્ભ સ્પષ્ટ કરતી સંપાદકીયનોંધ આ પુસ્તકને માતબર બનાવે છે.
પત્રકારત્વ અને કલાના મિશ્રણસમા કાર્ટૂનમાં સાંપ્રત ઘટનાઓ અંગેની આલોચના હોય છે. એ રીતે કાર્ટૂન વૈકલ્પિક ઇતિહાસનો દસ્તાવેજ બની શકે છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે વ્યક્તિને વ્યક્તિવિશેષને બદલે વિષયવસ્તુ કે વ્યક્તિ તરીકે વ્યક્ત કરે.
નિર્વાણ પછી પણ બાબાસાહેબ આંબેડકર કાર્ટૂનનો વિષય બનતા રહ્યા છે. વી.પી. સિંઘ વડાપ્રધાન હોય અને દેવીલાલ નાયબ વડાપ્રધાન હોય તે સરકાર તેમને ભારતરત્નથી નવાજે તો કાર્ટૂનિસ્ટને કટાક્ષ કરવાનું સુઝે જ અને તે દેવીલાલને ‘મહાભારતરત્ન’ ગણાવે છે! કાયમ ગરીબીમાં જીવેલા આંબેડકર કેશલેસ માટે ભીમ એપ બને તો તે પણ કાર્ટૂનિસ્ટને કાર્ટૂનના વિષય તરીકે આકર્ષિત કરે જ. છઠ્ઠી ડિસેમ્બરના આગામી આંબેડકર નિર્વાણ દિને બાબાસાહેબના સૌ ચાહકો માટે આંબેડકરનાં કાર્ટૂન્સ હસવાનો, હસી કાઢવાનો કે લાગણી દુભાવાનો નહીં ગંભીર અભ્યાસનો વિષય બનવો જોઈએ.