ગયા અઠવાડિયે કહ્યું હતું એમ જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો. દરેક દિશાના પ્રયોગ કરતા હતા, પરિણામોનું પરીક્ષણ કરતા હતા અને જરૂરી ફેરફાર કરતા હતા અથવા પ્રયોગ પડતો મૂકતા હતા. એમ કરતાં તેમના ધ્યાનમાં આવ્યું કે જો ગણતરીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો હિંદુસ્તાનની પ્રજાની વચ્ચે અંતર વધારી પણ શકાય છે.
ઈ. સ. ૧૮૦૧ની સાલમાં અંગ્રેજોએ કલકત્તામાં ફૉર્ટ વિલયમ કૉલેજની સ્થાપના કરી. એનો ઉદ્દેશ કંપનીના અફસરોને દેશી ભાષાઓ શીખવવાનો હતો. રાજ કરવા માટે લોકોની ભાષા શીખવી જરૂરી હતી. એ માટે તેમણે દેશી ભાષાઓના જાણકાર વિદ્વાનોને બોલાવ્યા. એ સમયે ઉત્તર ભારતમાં ભદ્ર વર્ગમાં બહાર પર્શિયન અને ઘરમાં પોતાની ભાષા બોલાતી હતી. સાધારણ લોકો અવધી, મૈથિલી, ભોજપુરી, સંથાલી વગેરે પોતાની જે કોઈ ભાષા હોય તેનો ઉપયોગ કરતા હતા અને અન્ય લોકો સાથે વ્યવહાર કરવા તેઓ એક એવી ભાષાનો ઉપયોગ કરતા હતા જે સંસ્કૃત, અરેબીક, ફારસી અને દેશી ભાષાના મિશ્રણવાળી હતી. આ ભાષા સર્વસામાન્ય ભાષા હતી. આ ભાષા; દેશભરમાં ભટકતા સાધુઓ, ફકીરો, યાત્રિકો, ભટકતી કોમો, દેશાવરમાં વેપાર કરનારા વેપારીઓ વગેરેએ પોતાની જરૂરિયાત માટે વિકસાવી હતી. ખરું પૂછો તો જરૂરિયાતને કારણે આપોઆપ વિકસી હતી.
આ ભાષાને જ શા માટે વિકસાવવામાં ન આવે? આ ભાષા, જે આ પહેલાં જ લોકવ્યવહારની ભાષા છે તે જ ભારતની સત્તાવાર ભાષા બની શકે. જો એમ બને તો અમલદારોને પ્રત્યેક સ્થાનિક ભાષા શીખવાની જરૂર ન રહે. અને શીખે તો પણ કાંઈ ખોટું નથી, પણ આખા દેશને જોડનારી ભાષા બનવાની ક્ષમતા આ ભાષા ધરાવે છે. ફૉર્ટ વિલિયમ કૉલેજની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે સરકારના હાકેમોના મનમાં આ બંને વાત ચાલતી હતી. અમદારોને દેશી ભાષાઓ શીખવવામાં આવે અને સાથે સાથે ભારતમાં આ જે લોકવ્યવહારની ભાષા વિકસી છે તેની હજુ વધુ વિકસવાની ક્ષમતા ચકાસવામાં આવે. અંગ્રેજીનો વિકલ્પ તો તેમના મનમાં હતો જ, આ તો બ્રાહ્મણોએ ધર્માન્તરણ કર્યું એટલે તેને થોડો પાછળ ધકેલી દીધો હતો.
ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોને ભારતીય ભાષાઓ શીખવનારા વિદ્વાનોને બોલાવવામાં આવ્યા તેમાં એક લલ્લુ લાલ પણ હતા. લલ્લુ લાલ મૂળ ગુજરાતના હતા. તેમના પિતા કે દાદા યજમાનવૃત્તિ કરવા મથુરા જઈને વસ્યા હતા. ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના થઈ ત્યારે તેઓ બંગાળમાં મુર્શિદાબાદમાં નોકરી કરતા હતા. તેમના પર જૉન ગીલક્રીસ્ટ નામના ભાષાશાસ્ત્રીની નજર પડી હતી એમ કહેવાય છે. તેમની ભલામણથી લલ્લુ લાલ કલકતા ફૉર્ટ વિલિયમ કૉલેજમાં આવ્યા હતા.
કામ તો કંપની સરકારના અમલદારોને દેશી ભાષાઓ શીખવવાનું હતું, પરંતુ કૉલેજના સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે આ લલ્લુ લાલ ભારતમાં પ્રચલિત મિશ્ર સ્વરૂપની વ્યવહાર ભાષા (હિંદુસ્તાની) છે તેમાંથી ફારસી-અરબી શબ્દોને દૂર કરવાનો અને તેની જગ્યાએ સંસ્કૃત મૂળના તત્સમ/તદ્ભવ શબ્દો વાપરવાનો આગ્રહ ધરાવે છે. તેમણે ‘પ્રેમ સાગર’નો બ્રજ ભાષામાંથી હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યો હતો જેમાં ભાગ્યે જ કોઈ અરબી-ફારસી શબ્દો હતા. આ ઉપરાંત ‘સિંહાસન બત્તીસી’, ‘શકુંતલા’, ‘વેતાલ પચ્ચીસી’નાં પણ તેમણે અનુવાદ કર્યા હતા જેમાં દરેકમાં અરબી-ફારસી નકારવાનું તેમનું વલણ નજરે પડ્યું હતું. લલ્લુ લાલ દ્વારા અનુવાદિત ‘પ્રેમ સાગર’ ગ્રંથ ઈંટરનેટ પર જોવા મળશે. બહુ રસપ્રદ ભાષા છે અને તે વાંચવાની હું ભલામણ કરું છું.
આ લલ્લુ લાલે દેવનાગરી લિપિ પણ પ્રાથમિક સ્વરૂપમાં વિકસાવી હતી. એ જમાનામાં અરબી લિપિમાં હિંદુસ્તાની લખાતી હતી. અંગ્રેજોએ જોયું કે હિંદુ પંડિતો અરબી-ફારસી શબ્દો અને લિપિ એમ બંનેનો પ્રતિરોધ કરે છે. હવે મુસલમાનોનું રાજ્ય રહ્યું નહોતું એટલે તેમનામાં પ્રતિકાર કરવાની હિંમત પણ આવી હતી. આ એ જ પંડિતો, નાગરો અને કાયસ્થો છે જે ૧૭૫૦ પહેલાં મુસ્લિમ નવાબો જેવા અચકન અને ટોપી પહેરતા હતા, મુસ્લિમ ભાસે તેવાં નામ રાખતા હતા, તેમની રીતભાત અપનાવતા હતા અને ફારસી ભાષા શીખતા હતા. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે અંગ્રેજોનું રાજ સ્થાપાઈ ગયું હતું અને ઝડપભેર વિસ્તરતું હતું અને દેશી રજવાડાઓ અંગ્રેજોના તાબામાં હતાં પછી ભલે મુસલમાન રાજવી હોય.
લલ્લુ લાલ પહેલો માણસ હતો જેણે હિંદુસ્તાની ભાષાના માર્ગમાં અવરોધ પેદા કર્યા અને તેની જગ્યાએ સંસ્કૃતપ્રચૂર હિંદી ભાષાનો પાયો રોપ્યો. તેઓ એક જ સમયે હિંદી ભાષાના પિતા પણ છે અને આખા દેશને જોડવાની ક્ષમતા ધરાવનારી હિંદુસ્તાની ભાષાના મોટા અવરોધક પણ છે. ભારતેન્દુ હરિશ્ચંદ્રને હિંદી ભાષાના પિતા કહેવામાં આવે છે એ સંપૂર્ણ સત્ય નથી. ભારતેન્દુ હરિશ્ચંદ્ર પંડિત લલ્લુ લાલના ખભા ઉપર બેઠા હતા એ ન ભૂલવું જોઈએ. ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિંદી-હિંદુસ્તાની વિશે એ જ વલણ ધરાવતા હતા જે પંડિત લલ્લુ લાલ ધરાવતા હતા. હિંદુ અને મુસલમાનનો ધર્મ અને રીતિરિવાજ તો અલગ, પણ ભાષા પણ અલગ! અત્યાર સુધી આવું બન્યું નહોતું.
હિંદુસ્તાનની ખરલ ધાર્મિક માન્યતા અને બીજી બાબતોમાં અટકી પડી હતી અથવા ધીમી પડી ગઈ હતી, પરંતુ ભારતીય ભાષાઓને મોરચે ખરલ વિના અવરોધે ચાલતી હતી. ભાષાઓનો આ સ્વભાવ છે. બોલાતી જીવતી ભાષા જીવતા માણસ કરતાં પણ વધુ આંદોલિત હોય છે, ધબકતી હોય છે. આનું કારણ એ છે કે વાત પહોંચાડવા માટેની અભિવ્યક્તિની તીવ્રતા માનવીની અંદર સ્વાભાવિક છે. સ્વાર્થ માટે, સંબંધો ટકાવી રાખવા માટે અને નફરત સહિતની મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે માણસને પહોંચાડનારા પ્રભાવી શબ્દની જરૂર પડે છે. ત્યારે તે જોતો નથી કે ખપમાં લેવામાં આવેલો ખપનો શબ્દ ક્યાંથી આવ્યો છે. તેનું કૂળ શું છે? ભારતમાં અશ્લીલ શબ્દો જ કદાચ સૌથી વધુ રાષ્ટ્રીય છે એનું કારણ આ તીવ્રતા છે.
મુસલમાનો હિંદુસ્તાનમાં આવ્યા એ પછી હજાર વરસ સુધી ભાષાને ભેગી કરવાનું, એકબીજાના શબ્દો લઈને નવી પ્રાદેશિક ભાષાઓ વિકસાવવાનું, ફારસી ભાષાને ભારતીય સ્વરૂપ આપવાનું અને પ્રાથમિક સ્વરૂપની હિંદુસ્તાની ભાષા વિકસાવવાનું કામ હિંદુસ્તાની ખરલે કર્યું હતું. કમસેકમ આ એક મોરચે અવરોધ નહોતો.
પહેલીવાર હવે એની સામે પણ ફૉર્ટ વિલિયમ કૉલેજમાં અવરોધ પેદા થયો. પંડિત લલ્લુ લાલે અવરોધ પેદા કર્યો અને અંગ્રેજોએ તે ઊંચકી લીધો. અંગ્રેજો એવી તક છોડે ખરા? જો અભિવ્યક્તિની એક જબાન જતી રહે તો તો પછી પૂછવું જ શું! તેમણે મુસલમાનોને કહ્યું કે તેમણે પણ તેમની ભાષા વિકસાવવી જોઈએ અને અરબી લિપિ પર મુસલમાનોની લિપિ હોવાનો દાવો કરવો જોઈએ. આ તમારો સાંસ્કૃતિક વારસો છે. મુસ્લિમ વિદ્વાનોએ મુસલમાનોમાં બોલાતી હિંદુસ્તાની ભાષામાંથી સંસ્કૃત મૂળના શબ્દોને હટાવવાનું શરૂ કર્યું. લિપિ પર કબજો કરવા માટે તેમણે કાંઈ કરવાનું હતું નહીં, કારણ કે હિદુઓએ જ એ લિપિ છોડી દીધી હતી અને પોતાના માટે દેવનાગરી લિપિ વિકસાવતા હતા.
આમ હિંદુઓએ અને મુસલમાનોએ મળીને, પરસ્પર દ્વેષયુક્ત સહકાર કરીને, રાષ્ટ્રભાષા બનવાની ક્ષમતા ધરાવનારી સર્વસ્વીકાર્ય ભારતીય ભાષાને મારી નાખી. ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના આમ તો કંપની સરકારના અમલદારોને દેશી ભાષા શીખવવા માટે કરવામાં આવી હતી, પરંતુ નવી સ્થિતિમાં હવે તે હિંદી અને ઉર્દૂના વિકાસની અને રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના વિનાશની લેબોરેટરી બની ગઈ હતી. સાહેબોએ પંડિતોને અને મૌલવીઓને છૂટો દોર આપ્યો હતો. વધો આગળ અમે તમારી સાથે છીએ. તેમને સમજાઈ ગયું હતું કે હવે અંગ્રેજી ભાષા વિંગમાંથી મંચ પર પ્રવેશ કરી શકે એમ છે. તેમને એ પણ સમજાઈ ગયું હતું કે હિંદુ અને મુસલમાનોની લાગણીઓની અને અભિવ્યક્તિની ભાષા છૂટી પડી શકે છે અને અત્યારે છૂટી પડી જ રહી છે. એક ધક્કા ઔર દોની સ્થિતિ હતી અને અંગ્રેજો તે કરતા હતા. બે ભાઈ એક ભાણામાં ખાતા ન હોય ત્યાં સુધી તો ઠીક છે, એક ભાષામાં વિચારતા અને બોલતા પણ હોય એનાથી રૂડું બીજું શું હોઈ શકે!
બે ભાષણો વાંચવાની હું વાચકને ભલામણ કરું છું. એક ભારતેન્દુ હરિશ્ચંદ્રે ૧૮૮૪ની સાલમાં ઉત્તર પ્રદેશમાં બલિયામાં આપેલું ભાષણ અને બીજું સર સૈયદ અહમદ ખાને ૧૮૮૭માં લખનૌમાં આપેલું ભાષણ. આ બંને ભાષણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ભારતનો શુદ્ધ દેશી કોમી ત્રિકોણ રચાઈ ચૂક્યો હોવાની તમને પ્રતીતિ થશે. તમને ખાતરી થશે કે અંગ્રેજોએ આપણને વિભાજીત કરીને રાજ નહોતું કર્યું, આપણે નહોતા તેમાં પણ વિભાજીત થયા અને અંગ્રેજોએ રાજ કર્યું!
હવે અંગ્રેજી ભાષા માટેનો રસ્તો ખૂલી ગયો હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020
![]()


ના, જી. એ જમાનામાં આંતરરાષ્ટ્રીય નારી દિવસનો તો કોઈને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો. કારણ નારીવાદનું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતું. છતાં મુંબઈના પારસીઓએ ૧૮૫૭માં એક પહેલ કરી હતી. આવું કામ કરનારા તેઓ માત્ર મુંબઈમાં જ પહેલા નહોતા, માત્ર ગુજરાતી ભાષામાં જ પહેલા નહોતા, પણ આખા હિન્દુસ્તાન દેશમાં અને તેની બધી ભાષાઓમાં પહેલા હતા. ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે આપણા દેશની બધી જ ભાષાઓમાં સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું માસિક પ્રગટ થયું. અને એ પ્રગટ થયું હતું આપણી ગુજરાતી ભાષામાં, અને આપણા મુંબઈથી. એ માસિકનું નામ ‘સ્ત્રીબોધ’. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં મુખ્યત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ પારસી સમાજ સુધારકોના ધ્યાનમાં એ વાત ઝટ આવી ગઈ કે આ પ્રવૃત્તિમાં સ્ત્રીઓને ભાગીદાર નહિ બનાવીએ તો સુધારો ઊંડાં મૂળ નાખી નહિ શકે. એટલે તેમણે ખાસ સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને પુસ્તકો લખ્યાં અને આ ‘સ્ત્રીબોધ’ જેવું માસિક શરૂ કર્યું.
કાબરાજીની જેમ તેમનાં પુત્રવધૂ પુતળીબાઈ કાબરાજીએ પણ તંત્રી તરીકે લાંબો વખત ‘સ્ત્રીબોધ'ને સંભાળ્યું. ૧૯૧૨થી ૧૯૪૨ સુધી તેઓ તેના તંત્રી રહ્યાં, અને તેમણે પણ ‘સ્ત્રીબોધ’ માટે પુષ્કળ લખ્યું, પણ તેમાંનું ભાગ્યે જ કશું પછીથી ગ્રંથસ્થ થયું. મૂળ નામ પુતળીબાઈ ધનજીભાઈ હોરમસજી વાડીઆ. અદરાયા પછી બન્યાં પુતળીબાઈ જાંગીરજી કાબરાજી. પિતા ધનજીભાઈ પહેલાં પૂનામાં અને પછી મુંબઈમાં શાળા-શિક્ષક. પછી બન્યા મુંબઈની મઝગાંવ મિલના સેક્રેટરી. એલ્ફિન્સ્ટન નાટક મંડળી શેક્સપિયરનાં નાટકો અંગ્રેજીમાં ભજવતી ત્યારે તેમાં ભાગ લેતા અને અભિનેતા તરીકે જાણીતા થયેલા. ‘ગુલીવરની મુસાફરી’ નામનું અનુવાદિત પુસ્તક ૧૮૭૩માં પ્રગટ કરેલું. આ ધનજીભાઈને ઘરે ૧૮૬૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે પૂનામાં પુતળીબાઈનો જન્મ. જરા નવાઈ લાગે એવી એક વાત એ કે શાળાનો અભ્યાસ કર્યા પછી ૧૮૮૦માં મેટ્રિકની પરીક્ષા વખતે પુતળીબાઈ ફક્ત અંગ્રેજીના પેપરમાં જ બેઠાં. બાકીના પેપરમાં જાણી જોઈને ગેરહાજર. કેમ? અંગ્રેજીની આવડત અંગે જ પુરાવો જોઈતો હતો, બાકીના વિષયો વિષે નહિ! ૧૮૮૧માં ‘સ્ત્રીબોધ’માં તેમનું પહેલું લખાણ છપાયું. ત્યારે તેમની ઉંમર ૧૭ વર્ષની. ૧૮૫૭માં શરૂ થયેલા ‘સ્ત્રીબોધ’માં કોઈ સ્ત્રીએ લખેલું આ પહેલવહેલું લખાણ. અમદાવાદના જાણીતા લેખક અને સમાજ સુધારક મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્રવધૂ શ્રુંગારનું સોળ વર્ષની ઉંમરે ૧૮૮૧માં અવસાન થયું. મહિપતરામની સૂચનાથી તેણે ‘ચેમ્બર્સ શોર્ટ સ્ટોરીઝ’ નામના પુસ્તકમાંની ટૂંકી વાર્તાઓનો અનુવાદ કરવાનું શરૂ કર્યું હતું. પુત્રવધૂના અવસાન પછી મહિપતરામે આ અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યો. પણ મૂળ પુસ્તકના માત્ર પહેલા ભાગનો અનુવાદ શ્રુંગારે કર્યો હતો. એટલે મહિપતરામે બીજા ભાગના અનુવાદ માટે ‘હરીફાઈ’ જાહેર કરી. તેમાં જે અનુવાદ મળ્યા તેમાં સૌથી સારો હતો પુતળીબાઈ વાડિયાનો. અને ૧૮૮૩માં પ્રગટ થયો ‘ટૂંકી કહાણીઓ’નો બીજો ભાગ. તે માટે મહિપતરામ તરફથી ૬૦ રૂપિયાનું ઇનામ પુતળીબાઈને મળ્યું. એ સમાચાર લંડનના ‘ઇન્ડિયન મેગેઝીન’માં છપાયા. કેપ્ટન આર.સી. ટેમ્પલે એ સમાચાર વાંચ્યા. ડો. જેમ્સ બર્જેસે ૧૮૭૨માં શરૂ કરેલ ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’નામના પ્રતિષ્ઠિત માસિકના ડો. જે.એસ. ફ્લીટ સાથે ટેમ્પલ એ વખતે જોડિયા તંત્રી હતા. ટેમ્પલને પુતળીબાઈને મળવાની ઇચ્છા થઈ. સર જ્યોર્જ કોટનની મદદથી ધનજીભાઈને બંગલે જઈ મળ્યા. તે વખતે ‘ઇન્ડિયન એન્ટીક્વેરી’ માટે લખવાનું ટેમ્પલે આમંત્રણ આપ્યું. બાળપણમાં દાદા-દાદી અને બીજાં મોટેરાંઓ પાસેથી સાંભળેલી વાર્તાઓ યાદ આવી. પુતળીબાઈએ એવી વીસ વાર્તાઓ અંગ્રેજીમાં લખી નાખી. ‘ફોકલોર ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા’ મથાળા હેઠળ ૧૮૮૫થી તે ઇન્ડિયન એન્ટીક્વેરીમાં હપ્તાવાર છપાઈ. જેનું લખાણ આ પ્રતિષ્ઠિત માસિકમાં છપાયું હોય તેવાં સૌથી પહેલાં બિન-યુરોપિયન બાનુ હતાં પુતળીબાઈ.

