કેન્દ્ર સરકારે જૂન ૫, ૨૦૨૦ના રોજ ખેતી અંગેના ત્રણ વટહુકમ બહાર પાડ્યા હતા. જે હવે સંસદે પસાર કર્યા છે. તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં ભા.જ.પ. અને કૉંગ્રેસના ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં શું વચનો અપાયાં હતાં તે જાણવું રસપ્રદ છે.
ભા.જ.પ.
“ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથેના ચાર પાનાં અને તેમાં ૨૯ મુદ્દા છે; તેમાં કરારી ખેતી કે APMCનાં અસ્તિત્વને સમાપ્ત કરવા જેવા કાનૂની સુધારા કરવામાં આવશે કે નવા કાયદા લાવવામાં આવશે એવો કોઈ ઉલ્લેખ નથી. લૉક ડાઉન ચાલુ હતું ત્યારે કોઈ પણ ચર્ચા વિના જ આ વટહુકમ અને હવે કાયદા લાવવામાં આવ્યા તે સરકારનું સરમુખત્યારી માનસ છતું કરે છે.
કૉંગ્રેસ
કૉંગ્રેસ ત્રણે ખરડાનો વિરોધ કરી રહી છે, ત્યારે એમ લાગે છે કે તે ૨૦૧૯ના તેના ઢંઢેરામાં જણાવેલી નીતિથી વિરુદ્ધ વર્તન કરી રહી છે. કાઁગ્રેસે તેના ઢંઢેરામાં ખેતી વિશે આ પ્રમાણે જણાવ્યું હતું.
૧૧મો મુદ્દો : “કૉંગ્રેસ ખેત ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ધારો પાછો ખેંચશે અને નિકાસ તથા આંતર-રાજ્ય વેપાર સહિત ખેતપેદાશોનો વેપાર તમામ નિયંત્રણોથી મુક્ત કરશે.”
૨૧મો મુદ્દોઃ ૧૯૫૫નો આવશ્યક ચીજવસ્તુ ધારો નિયંત્રણોના જમાનાનો છે. કૉંગ્રેસ વચન આપે છે કે તે આ કાયદાને બદલશે અને તેને સ્થાને એવો કાયદો લાવશે કે જેનો ઉપયોગ માત્ર આપત્તિના સંજોગોમાં જ કરી શકાય.”
સ્પષ્ટ છે કે અત્યારે કૉંગ્રેસ જે કરી રહી છે તે તો શુદ્ધ રીતે રાજકીય વિરોધ બની જાય છે. કાઁગ્રેસે એ યાદ રાખવાની જરૂર છે કે દેશમાં તેણે પોતે જવાહરલાલ નેહરુનો સમાજવાદ છોડીને ૧૯૯૧માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ દાખલ કરી. તેના ભાગ રૂપે જ આ ત્રણ કાયદા થયા છે. શું કૉંગ્રેસનું મન ખેતીક્ષેત્રે આવા સુધારા ના કરવાનું થયું છે? શું તે અત્યારે સરકારમાં હોત તો તેણે ઢંઢેરામાં જે બે વચનો આપ્યાં છે તેનું પાલન કર્યું હોત કે ના કર્યું હોત?
ભા.જ.પ. વચન આપ્યા વિના વર્તી રહ્યો છે અને કૉંગ્રેસ પોતે જે વચન આપ્યું હતું તે ભા.જ.પ. કેમ પાળે છે એવો સવાલ ઉઠાવે છે. કૉંગ્રેસ પાસે આ કાયદાનો વિરોધ કરવા માટેની કોઈ નૈતિક ભૂમિકા તેના ચૂંટણીઢંઢેરાને જોતાં રહેતી નથી.
e.mail : hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 08
![]()


ઉત્તર ગુજરાતના પછાત એવા વઢિયાર પંથકમાં, શિક્ષણનો ઓછો ફેલાવો થયેલો છે, તેવા સમી તાલુકાના સામાજિક ક્રાંતિના મશાલચી ફકીરભાઈ મોતીભાઈ વણકરનું સપ્ટેમ્બર ૧૯, ૨૦૨૦ના રોજ ,૭૫ વરસની વયે, સમી ખાતે, હાર્ટ એટેકથી અવસાન થયું.
ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઇતિહાસકારો પૈકીના એક ડૉ. જયકુમાર શુકલએ તાજેતરમાં વિદાય લીધી. દેવગઢ બારિયા ખાતે જન્મેલા જયકુમાર (૧૯૩૩-૨૦૨૦) અત્યંત ખંતીલા અધ્યાપક અને સંશોધક હતા. અમદાવાદની જાણીતી એચ.કે. આર્ટ્સ કૉલેજમાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ રહેલા શુકલસાહેબ અત્યંત મૃદુભાષી અને માનવતાવાદી અભિગમ ધરાવતા હતા.