= = = = વર્ષો પછી મળાયું હોય, દિન-રાત મળતાં થઈ જવાય છે. તૂટેલો સમ્બન્ધ અતૂટ થઈ જાય છે. ગાલ પરની ગમગીનીને અને હૃદયતળમાં ઊતરી ગયેલી ઉદાસીને ચૂમી લે વારંવારનાં પપિ અને કિસિસ. શરૂ થયેલો પ્રેમ-પ્રણય ઘૂંટાય, પ્રગાઢ થવા માંડે = = = =
પૃથ્વી પર રોજ કેટલાંયે મનુષ્ય મરે છે પણ કોવિડ-૧૯થી દેશે દેશે થતાં રોજનાં બે-બે ત્રણ-ત્રણ હજાર મરણ વધારે આઘાતક અનુભવાય છે. આ ડિસેમ્બરને ગયા ડિસેમ્બર સાથે જોડી નથી શકાતો. માનવજાત મહા મહેનતે નીપજાવેલાં પોતાનાં તન્ત્રોથી, જીવ જેટલી વ્હાલી સમ્બન્ધજાળથી, આજે અભૂતપૂર્વ વિચ્છેદ અનુભવી રહી છે.
સવાર સવારમાં કેમ છો પૂછનારા પડોશી, આજે ન દેખાય, એમને હૉસ્પિટલાઈઝ્ડ કરાયા હોય. જરાક નૅગેટિવ પણ વ્હાલસોયો સાજોસમો પતિ જોતજોતાંમાં પૉઝિટિવ. પત્ની બેબાકળી થઈ જાય. બહુ જ બોલકણી, પતિ વ્હાલમાં જેને ચૅટરબૉક્સ કહેતો, શ્વાસ ગુમાવી દે, ઉઘાડી આંખે ચૂપ થઈ ગઈ હોય ! ક્લાસમેટ, ઑફિસમેટ કે કોઈ પણ મેટને કોવિડ-૧૯ ભરખી જઈ શકે છે. એને માયાની ખબર નથી, એ દયાને ઓળખતો નથી.
મોટામાં મોટી હાણ તો પ્રેમીઓને થાય છે. કંઈ નહીં તો ફોન પર તો રૂ-બ-રૂ થવાતું’તું. વિડીઓ થતા’તા. હળવીમીઠી મીટ થતી’તી. ઝૂમીને ઝૂમ થવાતું’તું. લોક સોશ્યલ ડિસ્ટન્સને ઘોળી પી ગયું છે. પ્રિયજન તો ઇન્ડિવિડ્યુઅલ ડિસ્ટન્ટન્સ પણ જાળવે છે ! રસપૂર્વક જાળવે છે. પણ એક દિવસ, ફોન પર બસ રિન્ગ વાગ્યા કરે છે …
કશા દેખીતા વાંકગુના વગર સદાને માટે ક્વૉરન્ટાઈન થઈ જવાય છે. ગુજરાતીમાં કહેવાય – કોરાણે થઈ જવાય છે …
સહજ પ્રેમસમ્બન્ધ જેવી અમૂલ્ય ચીજ સંસારમાં એકેય નથી. બાજુ બાજુએ, સામસામી બારીએ, ભલે કોરે કોરે જિવાતું હતું, વાતવાતમાં જોડાઈ જવાય છે. બે-થી એક ને એકાકાર થઈ જવાય છે. વર્ષો પછી મળાયું હોય, પણ દિન-રાત મળતાં ને ભળતાં થઈ જવાય છે. તૂટેલો સમ્બન્ધ અતૂટ થઈ જાય છે. ગાલ પરની ગમગીનીને અને હૃદયતળમાં ઊતરી ગયેલી ઉદાસીને ચૂમી લે વારંવારનાં પપિ અને કિસિસ. શરૂ થયેલો પ્રેમ-પ્રણય ઘૂંટાય, પ્રગાઢ થવા માંડે.
પણ આ દિવસોમાં ફટ્ કરતુંક ને તૂટી જાય છે એ બધું. વીણી વીણીને શોધેલા મણકાની માળા વેરવિખેર થઈ જાય છે. દિલ્લગી પ્યાર મહોબત પ્રીતિ પ્રેમ લવ સૅક્સ, બધું ધરામાં ધૂળ. ઢીલાઢસ ને ધબૂસ થઈ જવાય છે.
પ્રેમે સરજાયેલું ઘનઘોર સાયુજ્ય ક્યાં ને ક્યાં આ ધારદાર વિચ્છેદ …
હૂંફ મજા અહેસાસ એકેયનો ન એકેય વાઇબ. પ્રકાશ તેજ તડકો અજવાળું લાઈટ, ન કશું. સૂનકાર ને અન્ધકાર. નિબિડ નિરન્ધ્ર અન્ધકાર.

આવે વખતે હું હમેશાં રુમિને પૂછું છું, બોલ, તારી પાસે છે જવાબ -?
રુમિ કહે છે –
: તારું દર્દ તારું વરદાન છે. અંધારું તારો દીવો છે :
ગળે નથી ઊતરતું. પણ શું કરવાનું? આશા રાખવાની કે ધીમે ધીમે ઊતરશે …
આશા, કેવી ઠગારી છતાં માણસજીવની ટેકણલાકડી …
= = =
(December 8, 2020: USA)
![]()


અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં એક દલિત કિશોરનું સંચાલકોના કથિત મારથી મૃત્યુ થયું. ભીમા કોરેગાંવ કેસમાં મુંબઈની તલોજા જેલમાં બંધ ૮૩ વરસના ફાધર સ્ટેન સ્વામી કંપવાને કારણે હાથથી ગ્લાસ પકડી પાણી પી શકતા ન હોઈ તેમને સ્ટ્રો કે સિપર આપવાની માંગણી જેલ સત્તાવાળાઓએ નકારતાં અદાલતમાં દાદ માંગવી પડી. અરજદારની માંગણી અંગે જવાબ આપવા તપાસ એજન્સીએ ૨૦ દિવસનો સમય માંગ્યો. દિલ્હીના ૨૯ વરસના મહિલા રોહિણી વિશ્વાસને સોશ્યલ મીડિયા પર પશ્ચિમ બંગાળ અંગેની આલોચનાત્મક પોસ્ટનો જવાબ આપવા કોલકાતા પોલીસે દિલ્હીથી કોલકાતા રૂબરૂ આવી જવાબ આપવા સમન્સ પાઠવ્યું. અદાલતે દરમિયાનગીરી કરીને પોલીસનું કૃત્ય નાગરિકની હેરાનગતિ હોવાનું ગણાવ્યું. તમિલનાડુના બલાંગીર જિલ્લાના એક ગામના ઈંટભઠ્ઠાના પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની માંગણી કરતાં ભઠ્ઠા માલિકે મજૂરોને માર માર્યો. ૩૦ ભઠ્ઠાઓમાં ૬,૭૫૦ મજૂરો વેઠિયા તરીકે કામ કરે છે. ઉત્તર પ્રદેશના કાનપુર તાબાના ચકેરી ગામે ચોરીના આળમાં પિતાને પકડી જતી પોલીસને કગરતા પગમાં પડેલ ૧૦ વરસના પુત્રને પોલીસે લાત મારતાં પુત્રનું મોત થયું. છત્તીસગઢના બસ્તર વિસ્તારના કઠિયામેટા ગામના ચાર આદિવાસીઓને પોલીસ ઘરેથી લઈ ગઈ તે પછી તેમની કોઈ ભાળ ન મળતાં લોકોએ ચક્કાજામ કર્યો. આંધ્ર પ્રદેશના ૪૫ વરસના ઑટો ડ્રાઈવર અબ્દુલ સલામે પોલીસની હેરાનગતિ અને મારથી તંગ આવીને પત્ની અને બે કિશોર વયના સંતાનો સાથે આત્મહત્યા કરી.
ધર્મ, કોમ, ભાષા, વંશ, વર્ણ,વર્ગ, લિંગ, રાષ્ટ્રીયતા એવા કોઈ ભેદભાવ વિના મનુષ્ય માત્ર સમાન ગણાવા જોઈએ. માનવ ગૌરવપૂર્વક, પરસ્પરના અધિકારોના આદર સાથેનું સહજીવન આપણો આદર્શ છે પરંતુ સમાજિક, આર્થિક વ્યવસ્થા ભેદભાવ ભરેલી છે. માનવ અધિકારો માટેનો સંઘર્ષ ન માત્ર રાજ્ય સામેનો છે એક નાગરિકનો બીજા નાગરિક સામેનો પણ છે. દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, બાળકો, સ્ત્રીઓ અને એવા વંચિત સમુદાયોના અધિકારોનું હનન રાજ્ય તો કરે જ છે બળુકા મનાતા લોકો પણ કરે છે એટલે માનવ અધિકારોની લડાઈ એ માત્ર વ્યક્તિગત સ્વતંત્રતાની લડાઈ નથી સામાજિક ન્યાય અને સમાનતા માટેની પણ લડાઈ છે. સિવિલ લિબર્ટી (નાગરિક સ્વાતંત્ર્ય) સિવિલ રાઈટ્સ (નાગરિક અધિકારો) કે ડેમોક્રેટિક રાઈટસ (લોકતાંત્રિક અધિકારો) આમ સમાન અર્થી કે પર્યાય વાચી શબ્દો લાગે છે પરંતુ ભેદભાવ ભરી સમાજવ્યવસ્થામાં એક નાગરિકની સ્વતંત્રતા બીજા નાગરિકના અધિકારોનું હનન પણ કરે છે.
