પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સૂચન કર્યું છે કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ. ૨૩મી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે, "કોલકત્તા દેશની રાજધાની કેમ ન હોય- સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમારા યોગદાનના કારણે હું આ કહું છું. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે ભારતની ચાર રાજધાની હોવી જોઈએ – એક દક્ષિણમાં, એક ઉત્તરમાં, એક પૂર્વમાં અને એક ઉત્તર પૂર્વમાં. આ ચાર જગ્યામાં સંસદનું સત્ર વારાફરતી યોજાવું જોઈએ."
મમતા બેનરજીના સૂચનમાં ભલે રાજકારણનો સૂર હોય, પણ ભારતની રાજધાની દિલ્હી સિવાયના બીજા કોઈ સ્થળે કેમ ન હોય, તે પ્રશ્ન નવો નથી. અલગ-અલગ રીતે તે પૂછાતો રહ્યો છે. અગાઉ આ સ્થળે આપણે ચર્ચા કરી હતી કે દેશની સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં હોવાથી તેની અમુક વ્યવહારુ મુશ્કેલીઓ છે, એ જ તર્ક રાજધાનીને પણ લાગુ પડે છે. તે લેખમાં આપણે જસ્ટિસ વી.આર. કૃષ્ણ ઐયરને ટાંક્યા હતા કે, "લોકશાહી જો લોકો માટે હોય, તો સુપ્રીમ કોર્ટ બ્રિટિશરોએ તેમના સામ્રાજ્યવાદ માટે સ્થાપેલી દિલ્હીમાં નહીં, પણ ફરિયાદીઓ વચ્ચે હોવી જોઈએ. આટલા મોટા દેશમાં દિલ્હી તો એક ખૂણો છે, જ્યારે લોકો તો મોટા ભાગે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં રહે છે. (એટલે સુપ્રીમ કોર્ટ ત્યાં હોવી જોઈએ.)”
આ જ સુપ્રીમ કોર્ટે, ૨૫ નવેમ્બર ૨૦૧૯ના રોજ દિલ્હીના હવાઈ પ્રદૂષણને લગતી એક અરજીની સુનાવણીમાં કહ્યું હતું કે, "દિલ્હી નરક કરતાં પણ બદતર છે. લોકો શું કરવા આ ગેસ ચેમ્બરને સહન કરે? કેન્સર જેવા આ રોગમાં સબડવા કરતાં બીજે ક્યાંક જતા રહેવું જોઈએ." ૨૦૧૨માં, મુંબઈના અગ્રણી નાગરિકોએ તત્કાલીન પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહને પત્ર લખીને કહ્યું હતું કે દિલ્હી બંધિયાર અને નિસ્તેજ થઇ ગયું છે એટલે વાઈબ્રન્ટ અને કોસ્મોપોલિટન મુંબઈને દેશની રાજધાની બનાવવું જોઈએ અથવા તેને બીજી રાજધાનીનો દરજ્જો આપવો જોઈએ.
બંધારણના રચિયતા ડો. બાબાસાહેબ આંબેડકરે ૫૦ના દાયકામાં લખેલા તેમના પુસ્તક 'થોટ્સ ઓન લિંગ્વીસ્ટિક સ્ટેટ્સ'(ભાષાકીય રાજ્યો પર વિચારો)માં ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચેના તનાવને ઓછો કરવા માટે હૈદરાબાદને રાજધાની બનાવવાનું સૂચન કર્યું હતું. તેઓ લખે છે, "ભારત બીજી રાજધાની બનાવી શકે? આપણી પાસે એક રાજધાની છે એનો અર્થ એ નહીં કે આ પ્રશ્ન ન પુછાય. રાજધાનીની જગ્યા ઉચિત ન હોય, તો આ પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે. તે વખતે (મુઘલો અને બ્રિટિશરો વખતે) લોકોની સરકાર ન હતી, પણ હવે ચૂંટાયેલી સરકાર છે અને જનતાની સગવડતા અગત્યની છે, ત્યારે એ સમજવું જોઈએ કે અંતર અને તીવ્ર ઠંડી-ગરમીના કારણે દક્ષિણના લોકો માટે દિલ્હી બહુ અગવડતાભર્યું શહેર છે. ઉત્તર ભારતના લોકો માટે પણ દિલ્હીનો ઉનાળો આકરો છે. વધુ તો દિલ્હી પાડોશી દેશોના હુમલા માટેનું સરળ નિશાન છે."
દિલ્હીની સૌથી મોટી સમસ્યા તેના હવા-પાણીનું દૂષણ, રહેઠાણોની અછત, ગુનાખોરી, ટ્રાફિક અને દુર્ઘટના છે. આ સમસ્યાઓ રાતોરાત કે પ્રાકૃતિક નથી. દાયકાઓથી દિલ્હી બદથી બદતર થતું રહ્યું છે. મુખ્યત્વે આ વહીવટી ત્રુટિ છે. દિલ્હી રાજધાની પણ છે અને રાજ્ય પણ છે. ૧૯૦૧માં, ૪,૦૦,૦૦૦ની વસ્તી સાથે દિલ્હી દેશનું સાતમું મોટું શહેર હતું (સૌથી મોટું કલકત્તા હતું). આજે દિલ્હીની વસ્તી ૧.૮ કરોડ છે. સંયુક્ત રાષ્ટ્રનો શહેરીકરણનો અહેવાલ કહે છે કે ૨૦૨૮ સુધીમાં દિલ્હી કદાચ દુનિયાનું સૌથી વધુ ગીચ (૩.૭ કરોડ) શહેર થઇ જશે. તે વખતે કેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે તેની કલ્પના કરવી અઘરી નથી.
દિલ્હી દેશની રાજધાની હોવાનું એક માત્ર કારણ ઐતિહાસિક છે. બહુ નજીકની વાત કરીએ તો મુઘલો અને બ્રિટિશરોએ દિલ્હીમાં બેસીને દેશ ચલાવ્યો છે, તે કારણથી જ દિલ્હી આજે પણ રાજધાની છે, પરંતુ એવું કાયમથી નથી. મહમ્મદ બિન તુઘલકે ૧૩૨૭માં રાજધાનીને દિલ્હીથી દોલતબાદ ખસેડવા પ્રયાસ કર્યો હતો. સિકંદર લોદીએ ૧૫૦૬માં આગ્રાને બીજી રાજધાની બનાવ્યું હતું.
મુઘલોના પણ શાસનમાં આગ્રા રાજધાની હતું. બ્રિટિશરોની પહેલી રાજધાની કલકત્તા હતું. ૧૯૧૧માં તેઓ રાજધાનીને દિલ્હી લઇ ગયા હતા. ત્યાં પણ તેમણે નવું દિલ્હી વસાવ્યું હતું.
રાજધાનીને કલકત્તાથી દિલ્હી ખસેડવાનું મૂળ કારણ બંગાળની રાષ્ટ્રવાદી ચળવળ હતી, જેનું કેન્દ્ર કલકત્તા હતું. એક સદી અગાઉ, ભારતના વાઈસરોય લોર્ડ હાર્ડિંગે બ્રિટિશ રાજ્યને લખેલા પત્રમાં લખ્યું હતું કે, “બ્રિટિશ શાસન સામે કલકત્તામાં વધી રહેલા વિરોધને જોતાં અહીં રહેવાનું હિતાવહ નથી.” ભારતમાં બ્રિટિશ સરકાર કેમ કલકત્તાથી નાસી રહી છે તેને બ્રિટનમાં આમ સભામાં સમજાવતાં ભૂતપૂર્વ વાઈસરોય લોર્ડ કર્ઝને કહ્યું હતું, “એ લોકોને બંગાળના ઉકળતા ચરુમાંથી છૂટવું છે.”
રાજધાનીઓ બદલવી એ દુનિયામાં નવાઈ નથી. વિવિધ કારણોસર અનેક દેશોએ આવું કર્યું છે. બ્રાઝિલમાં રિઓ ડે જનેરો સદીઓથી રાજધાની હતું, પરંતુ શહેર એટલું બધું ગીચ અને સરકારી ઈમારતો એટલી છૂટી છવાઈ હતી કે સરકારે ૧૦૦૦ કિલોમીટર દૂર બ્રાસીલિયામાં નવી રાજધાની વસાવી હતી.
નાઇજીરિયાની રાજધાની લાગોસ પણ ગીચ શહેર થઇ ગયું હતું એટલે ૧૯૯૧માં અબૂજાને રાજધાની બનાવાયું હતું. ઈજીપ્તની રાજધાની કૈરો ભવિષ્યનો વસ્તી વધારો ખમી શકે તેમ નથી એટલે ત્યાં ૪૫ કિલોમીટર દૂર નવું શહેર બની રહ્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ રાજધાનીને જાકાર્તામાંથી ખસેડીને જાવા દ્વીપ પર લઇ જવાની ઘોષણા કરી છે. ચીને તેની રાજધાની બેજિંગને ફાટફાટ થતી અટકવવા માટે તેની વસ્તીની મર્યાદા બાંધી દીધી છે, અને નવી વસ્તીને હવે બીજી વસાહતોમાં વસાવવામાં આવે છે.
એ જાણવું રસપ્રદ છે કે વિકસિત દેશોની રાજધાનીઓની વસ્તી બહુ જ સીમિત છે, એટલે ત્યાંનું જીવન ધોરણ બહુ સારું છે. વોશિંગ્ટનની વસ્તી ૭,૫૦,૦૦૦ છે. બર્લિન ૩૦ લાખ લોકોની રાજધાની છે. પેરીસમાં ૨૦ લાખ લોકો રહે છે. લંડનની જનસંખ્યા ૮૦ લાખ છે અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા) ૪૦ લાખ લોકોની રાજધાની છે. દુનિયામાં ૩૬ દેશો એવા છે જેમની રાજધાનીઓની ગણના દેશના સૌથી મોટા શહેરમાં થતી નથી.
બીજો એક મહત્ત્વનો ફર્ક એ છે ભારત એક માત્ર મહાસત્તા છે, જેની રાજધાનીની આસપાસ બંદર પર નથી. લંડન અને ટોકિયો દુનિયાનાં મોટાં બંદરો છે. વોશિંગ્ટનની પડોશમાં ચેસપીકે ખાડીમાં અનેક બંદરો છે. મોસ્કો મોટી નહેરો મારફતે પાંચ સમુદ્રો સાથે જોડાયેલું છે. બર્લિનમાં ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્રમાં જવાના વિશાળ જળમાર્ગો છે. પેરિસનાં બંદરો પ્રમાણમાં નાનાં છે, પણ જેન્નેવીલિયર્સ બંદર ખાસું અસરકારક છે.
રાજધાની તરીકે દિલ્હીની પસંદગી, કલકત્તા કે મુંબઈની જેમ, તેના વાણિજ્યના કારણે નહીં, પણ ભૌગોલિક રીતે તે કેન્દ્રમાં હોવાથી થઇ છે. એક જમાનામાં દિલ્હી કરતાં તો પટના, મથુરા કે વારાણસીમાં વાણિજ્યની વધુ સુવિધાઓ હતી. નવી દિલ્હીનો પાયો ભારતના તત્કાલીન શહેનશાહ જ્યોર્જ પંચમે નાખ્યો હતો અને બે બ્રિટિશ આર્કિટેક્સ સર હર્બટ બેકર અને સર એડવિન લૂટિયન્સે તેનું પ્લાનિંગ કર્યું હતું. ૩૧ જાન્યુઆરી ૧૯૩૧ના રોજ વાઇસરોય લોર્ડ ઈરવીને નવી રાજધાની તરીકે નવી દિલ્હીનું ઉદ્ઘાટન કર્યું હતું. નરેન્દ્ર મોદીની સરકાર આ લૂટિયન્સ દિલ્હીમાં રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે સેન્ટ્રલ વિસ્ટાનું નવનિર્માણ કરી રહી છે. ૨૦૨૪માં તેનું ઉદ્ઘાટન થશે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, ‘સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021
![]()


જેમ માને અને ભગવાનને તું કહું છું, એમ તને પણ હું તુંકારે જ બોલાવું છું. હું એક સામાન્ય માણસ છું. મારામાં અક્કલ નથી એવું તું તો માને જ છે, એટલે હું પણ માનતો થઈ ગયો છું કે મારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે. મને ઘણું નથી સમજાતું ને જે સમજાય છે એમાં છેવટે તો સંતાપ કરવાનો જ રહે છે. એ ખરું કે આખું વર્ષ કોરોનાને નામે ચડ્યું. એણે આવતાંવેંત જ આખા જગતની પથારી ફેરવી કાઢી. લાખો માણસો મર્યાં, એમાં ભારત પણ બાકાત ના રહ્યું. એમાં વળી મહિનાઓ સુધી લોકડાઉન રહેતાં કામધંધો ઠપ્પ થઈ ગયો. નોકરીઓ ગઈ. આવક, ઝેર ખાવા જેટલી પણ ન રહી. ઘણાં પંખે લટકી ગયાં તો ઘણાં અટકી પણ પડ્યાં. સરકાર તરીકે તેં લાખોકરોડોના પેકેજ જાહેર કર્યાં. એ પેકેજ ક્યાંના પેકેટ બન્યા તે તો નથી ખબર, એમાં વળી ખાતર પર દિવેલની જેમ ચીન – પાકિસ્તાનનો ઉપદ્રવ પણ ચાલુ જ રહ્યો. એના ન ઘૂસેલા સૈનિકોને આપણે મારી હટાવ્યા તો આપણા ન ઘૂસેલા સૈનિકોનો ધુમાડો પણ થયો. એની વે, અનેક ઉપાધિઓ વચ્ચે તેં ને મેં ટકી બતાવ્યું તે માટે હું તને અભિનંદન આપું છું ને તારે મને આપવાં હોય તો તું પણ આપી શકે, આફ્ટર ઓલ, ઈટ ઈઝ અપ ટુ યુ –
‘શાસ્ત્રી, આજે ડેનીને ત્યાં જવાનું છે તે યાદ છે ને?’