૧ માર્ચે મેં રસીનો બીજો (છેલ્લો) શૉટ લીધો.
પણ એની આગળના દિવસોમાં હું જરાક ડરતો’તો. એમ કે, રસી લઈને કોરોનાને હું સામેથી આમન્ત્રણ તો નથી આપતો ને ! બને કે મારા શરીરમાં દાખલ થાય ને બધાંનું કરે છે એ મારું પણ કરે – પહેલાં પૉઝિટિવ ને પછી, ઉપર …
મારા એ ડરને મેં જાણકારો આગળ હસતાં હસતાં રજૂ કર્યો. તો એમણે કહ્યું કે મોટા ભાગની રસી એ જ જર્મ્સમાંથી બનાવાય છે જેને કારણે એ રોગ થતો હોય છે. એ જોતાં, તમારો ડર સાચો છે પણ કોરોના-૧૯ની રસી જરાક જુદી છે, એ mRNA પ્રકારની છે. એમાં, કોવિડ-૧૯ માટે જવાબદાર વાયરસમાંથી મેળવેલું એક મટીરિયલ હોય છે. પણ એ મટીરિયલ આપણા સેલ્સને શિખવાડે છે કે બિનહાનિકારક અને વાયરસને મ્હાત્ કરે એવું અનોખું પ્રોટિન કેવી રીતે બનાવાય. મતલબ, તમારે ડરવાનું ખાસ કારણ નથી. રસી લીધા પછી ઍન્ટિબૉડીઝ બની જશે, તમને ઇમ્મ્યુનિટી મળી જશે ને રોગથી તમે સુરક્ષિત થઈ જશો – મજા કરો.
મને બહુ સમજાયું નહીં એટલે વિશ્વાસ પણ ન પડ્યો. મને થાય, એના કરતાં, ગૂગલ મા’રાજને પૂછ્યું હોત તો? પૂછવું જ જોઈએ. મારે તેમ આપણે સૌએ આવી માહિતી અંગે ખાતરી કરીને પાક્કું કરવું જોઈએ. મજા કરો, હમેશાં ખુશ રહો, સદા પ્રસન્ન રહો, વગેરે કહેનારાઓથી ઍટલીસ્ટ આ બાબતે તો સાવધ રહેવું જ જોઈએ.
એમ સમજવા છતાં હું સાવધ ન રહ્યો. મને થયું કે જાણકારો મારાથી થોડુંક તો વધારે જરૂર જાણે છે. એટલે, મેં મનને મનાવી લીધું કે ભઈ, તું ન ગભરા. સમજદારી પછી પણ ઘણી વાતોમાં આપણે મૂરખની જેમ ઝંપલાવી છીએ – મેં એ કર્યું.
પણ ગભરામણ કે ડર એક વાર શરૂ થઈ જાય પછી ઝટ જતાં નથી, વળગેલાં રહે છે. એટલે હું ૧ માર્ચની પરિશુદ્ધ રાહ જોતો થઈ ગયેલો – ક્યારે આવે ને ક્યારે બધું સુખે પતે …
જો કે એ રાહને પરિશુદ્ધ ન કહેવાય કેમ કે મને ચિન્તા થવા લાગેલી કે મારા અધૂરા લેખોનું અને અપ્રકાશિત પુસ્તકોનું શું થશે. એ બધું અગ્રન્થસ્થ, કમ્પ્યૂટરસ્થ, બીજાઓથી કેમ શોધી શકાશે? કોણ કરશે એ બધો જટિલ વહીવટ જે મારાથી પણ નથી થઈ શકતો? બીજા પણ વિચારો આવેલા – મુખ્ય એ કે મારા એ માઠા સમાચાર વ્હૅતા તો થશે પણ ક્યારે? ખાસ તો એ કે મારી સાથે રાતદિવસ જોડાઈ રહેનારને એ ક્યારે પ્હૉંચશે? એ ફોન કરશે ત્યારે રીસિવ કોણ કરશે? બીજાઓના RIP ફોનોની સહજ આશાને લીધે મને થયું કે મારું મિસ્ડ કૉલનું ટૅબ ભરાઈ જશે … મને એમ પણ થયું કે મારું કમ્પ્યૂટર વ્હીલું પડી જશે … નોટપૅડ સૂનું થઈ જશે … બોલપેનની શાહી ઠરી જશે …

૧ માર્ચની પરિશુદ્ધ રાહ આમ વેરવિખેર થઈ ગઈ …
રસી માટે મેં હાથ ફેલાવ્યો ને તત્પર નર્સની હથેળીએ તોળાઈ રહેલી સૉય વાટે મારા ખભાથી શરૂ થનારી રસી-યાત્રાનો હું એક્કી ટશે માર્ગ કલ્પવા લાગ્યો. મારા હૃદય આસપાસ રસી પ્હૉંચે એ પળોને હું ધડકતા હૈયે ગણવા લાગ્યો.
પણ અરે, એ દરમ્યાન, સાંભળો, મને કોરોના મળ્યો ! હા, કોરોના સ્વયં ! ચકિત લાગ્યો મને ભયભીત ભાળીને. પાંપણ પલકાવતાં સ્મિત ફેલાવી કહે : તું ભય શું કામ પામું છું, આપણે તો મિત્રો છીએ …
મને થયું – આખી માનવજાતનો મહાશત્રુ મને મિત્ર કહે છે, વાતમાં કંઈક તો દમ હશે.
ઘડી પછી એ તરત બોલ્યો : હું પ્રવેશ્યો, પૃથ્વીપટે ફેલાયો, ને તેં તરત મારે વિશે લખવાનું શરૂ કર્યુ; ‘કોરોનાકાળ’ કહીને તેં મારા કાળની ઘોષણા કરી; પ્રજાજનોને ચેતવ્યા, ટપાર્યા; મારે કારણે આ સમયને તેં મુશ્કેલ કહ્યો; અત્યાર લગીમાં ૫૦-૫૨ લેખો કર્યા; સૅંકડો શબ્દો ખરચ્યા. બોલ, એ બધું તેં કર્યું છે કે નહીં? : હા, બિલકુલ કર્યું છે : મિત્ર ! એ સઘળો તારો સુભગ શ્રમ મારાથી કેમ ભુલાય? તારે ત્યાંના સૌ સાહિત્યકારોમાં તું મને દોઢડાહ્યો નહીં પણ ડાહ્યો લાગ્યો છું. હું એ દિવસથી તારો ગાઢ મિત્ર થઈ ચૂક્યો છું … તારાં એ બધાં સત્કર્મોનું મારે ઋણ ચૂકવવું છે … એટલે આવ્યો છું … શાન્તિ રાખજે … આમ ઝટપટ, પણ બધું હું નિ રાંઆંતે કરવાનો છું …
એ મને એક સફળ વ્યંગકાર લાગ્યો. કેમ કે વ્યંગ એની વાણીમાં ઓળઘોળ હતો, છૂટો ન પાડી શકો. વક્તવ્યનો એ સદ્ગુણ ગણાય પણ મને સતામણી થતી’તી. ત્યાં એ બોલ્યો : હું અહીં રહીશ, આપણે ખાશું-પીશું ને પછી છૂટા પડી જતા રહીશું : ક્યાં? : હું મારા કામે અન્યત્ર અને તું ઉપર, એમની પાસે …
સાંભળીને હું બી’ધો જરૂર પણ એટલામાં એ કહે : તું માણસને રીઢો સ્વપ્નદૃષ્ટા કહે છે, એ સાચું છે. તને કહું, રીઢો અમારી નજરે એ કે, એક પછી એક, વારંવાર, દુષ્ટ આચરણો કર્યા જ કરે, કર્યા જ કરે; અને એવા કરોડો છે તમારામાં. માણસોનું એ લક્ષણ તેં બરાબર પકડ્યું છે. પણ સાંભળ, એ મારી નજરમાં અપલક્ષણ છે. હું અને મારા જેવા બીજા બન્ધુઓ તમારા એ રીઢાપણાના હાલ-હવાલ કરનારા છીએ. તમારા લોકોનાં બધાં સપનાંને ઊંધાં વાળનારા છીએ. તમે લોકો પૅન્ડામિક પૅન્ડામિક કરો છો એ અમારું વર્લ્ડ વાઇડ મિશન છે. તમે તમારી દુષ્ટતા આચરો, અમે અમારું કર્તવ્ય કરીએ …
મને એનું વાઘના ખુલ્લા વિકરાળ મૉં જેવું જીવલેણ કર્તવ્ય દેખાવા લાગ્યું – મોટા તીક્ષ્ણ દાંત, લાલસાથી તરસતી જીભ ને તગતગતી આંખો … થયું, આ હવે ફિલસૂફી પર ફિલસૂફી છાંટવાનો. ફિલસૂફીથી જાગ્રત થવાને બદલે કેટલીકથી ક્યારેક થઈ જવાય છે એમ હું બેહોશ થઈ જવાનો – લાચાર, દયાપાત્ર. એટલે મેં એને કહ્યું : ભલે ભલે, આપ ક્યાં લગી રહેવાના? : તો ક્હૅ : ખબર નથી, પાંચ-છ દિવસ તો ખરા જ.
નર્સે મને પૂછ્યું : આર યુ ઓકે? : ય્યા : નાઉ યુ આર ઑલ સૅટ ટુ ગો; હૅવા નાઇસ ડે : રસી અપાઈ ગયા પછી રીઍક્શન આવે છે કે કેમ એ જાણવા એક બીજા ટેસ્ટિન્ગ રૂમમાં ૧૫ મિનિટ બેસવાનું હોય છે. એ નર્સ ત્યાંની હતી, હેડ – જેવી. કુલ પાંચ નર્સ હતી – દાખલ થતાંમાં, ટેમ્પરેચર લેનારી; પેપર્સ અને આઇડી ચૅક કરનારી; રસી આપનારીની પાસે લઈ જનારી; રસી આપનારી; ને આ હેડ – જેવી.
મને થાય, બાળકને મા દોરે એટલા વાત્સલ્યથી મને / અમને દોરતી એ પાંચ પાંચ નર્સ કેટલી તો સિન્સિયર અને ઍટેન્ટિવ છે. એમની આગળ કોરોનાના તો ભુક્કા ઊડી જાય !
– અને, મને મળેલા એ કોરોનાના ભુક્કા ઊડી જ ગયા ! કેટલી અસરકારક સુન્દર વ્યવસ્થા.
ઘરે પ્હૉચ્યા પછી, કહો કે એ દરમ્યાન, મારી સામે પ્રશ્નો ખડા થયેલા : મને તાવ આવે તો એમ સમજવાનું કે હું બરાબર છું? : ન આવે તો એમ સમજવાનું કે હું બરાબર છું? : આવે તે સારું કે ન આવે તે સારું? બન્ને સારાં કે બન્ને ખરાબ? કશું સમજાયું નહીં.
એટલે, હું હરદમના સાથી મારા શબ્દો પાસે પ્હૉંચી ગયો ને કહ્યું – મને સમજાવો યાર, સમજ નથી પડતી … તો એ બધા હૉંશથી ઉત્સાહથી પણ સાથે-ને-સાથે બોલવા માંડ્યા … જો કે, એટલે ય કશું સમજાયું નહીં … શું કરવાનું …
= = =
(March 2, 20121: USA)
![]()


નવીનતાના શ્વાસોથી ધબકતી આ નવલકથા એક સમૃદ્ધ અને સક્ષમ કલમની નીપજ છે. આ કલમ છે શબ્દોના શિલ્પી અને ગઝલના બાદશાહ કવિ અનિલ ચાવડાની. એમની માતબર કલમ થકી અક્ષરદેહ પામેલી આ એમની પ્રથમ નવલકથા, “રેન્ડિયર્સ” કવિ અનિલ ચાવડાને ઉત્તમ કોટિના સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે પ્રતિપાદિત કરે છે. કવિ છે એટલે ભરપૂર સંવેદના અને સમભાવ એમના શબ્દોની ગળથૂથીમાં હોય જ અને એમાં પણ નવલક્થા જેવું અનંત આકાશ આ શબ્દોની કુમાશને, ભીનાશને ઉછેરવા મળે, તો પછી નવી સંભાવનાના મેઘધનુષો ન ખીલે, એવું બને જ કેમ? આ ગુજરાતી ભાષાનું સૌભાગ્ય છે કે અનિલ ચાવડાની યુવાન કલમે આવી સુંદર નવલકથા સાંપડી છે.
૧૪-૧૫ વરસના માધવ બેચરલાલ મકવાણા ઉર્ફે ‘કૂલિયો’ દસ વરસનો હતો ત્યારથી એનું નામ કૂલિયો કેવી રીતે પડ્યું એ વાતથી કથાનો ઉઘાડ થાય છે. ત્યાંથી આ કથા એક ઝીણી તિરાડમાંથી, ધીરેથી સરકીને, થોડી ગભરાતી તો થોડી મલપતી ચાલે કિશોરવયમાં કૂદકો મારીને ઝરણાં સમું સડસડાટ વહેવાનું શરૂ કરે છે અને આ વહેણ પછી તો કથાના અંત સુધી અસ્ખલિત વહે છે. આ કથાનો વ્યાપ દસમા ધોરણમાં ભણવા માટે નવા આવેલા સ્ટુડન્ટોથી શરૂ થાય છે અને એમના ફાઈનલ રિઝલ્ટ સુધીના સમય પૂરતો છે. આ એક વર્ષના સમયમાં, ૧૪-૧૫ વર્ષથી ૧૮ વર્ષના જુદા જુદા સામાજિક અને આર્થિક વર્ગમાંથી આવેલા વિદ્યાર્થીઓની વાર્તા લેખક અહીં કરે છે. દરેક સ્ટુડન્ટ પાસે પોતાની કથની છે અને એ કથા અન્ય સાથી સ્ટુડન્ટના જીવન કે કર્મના વર્તુળ સાથે, ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે Intercept – છેદન થાય છે અને ત્યાં, એ છેદન પોઈન્ટ પર આ બધાં જ સ્ટુડન્ટો અકળ રીતે એકમેક સાથે જોડાઈ જાય છે, પોતપોતાની વાતો સાથે. અને આ જ આખી કથાનું સૌંદર્ય છે. આ ઉંમરમાં જ્યારે મૈત્રી બંધાય છે, ત્યારે એ દોસ્તીના ફાયદા અને ગેરફાયદાના દાખલા ગણવાની સુધ નથી હોતી. આ કાળમાં દોસ્તી કરતી વખતે “સમ શીલ વ્યસેનેષુ સખ્યમ્”માં શીલ, અને વ્યસન બેઉ વચ્ચેની રેખા ધૂંધળી હોય છે. જેની સાથે વ્યસન કે ગુણ બેમાંથી એક મળી જાય તો પણ એ કુમળા માનસમાં મૈત્રી મ્હોરી ઊઠે છે. માધવ ઉર્ફે કૂલિયો છાત્રાલયમાં રહીને ભણતો હોય છે. ત્યાં એના આ “કૂલિયો” ઉપનામને કોઈ જાણતું નથી હોતું, એટલે એને કોઈ એ નામથી અહીં ચીઢવવાવાળું કોઈ નથી, એથી એ પોતાને સુરક્ષિત માને છે. છાત્રાલયના પ્રથમ દિવસથી હિમત – ‘પડીકી’ – સાથે માધવની દોસ્તી થઈ છે. આમાં એક દિવસ, માધવના ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ધોરણ દસમામાં નવું એડમિશન લઈને માધવની શાળા અને છાત્રાલયમાં રહેવા આવે છે અને ત્યાં પહેલીવાર હિમત ‘પડીકી’, માધવનું ઉપનામ ‘કૂલિયો’ છે એ જાણી જાય છે. માધવને ત્યારે શક પડે છે કે ચેતનને પણ આ નામ સંભળાયું છે પણ એની પુષ્ટિ એ કરી ન શકવાથી માધવની અંદર એનો ધૂંધવાટ શાળા છોડીને જવાનો દિવસ આવે છે ત્યાં સુધી રહે છે, (જેનો ચોંકાવનારો ખુલાસો અંતમાં થાય છે.) માધવ, હિમત અને ધમો રૂમમેટ બને છે અને એમની રૂમમાં પછી બ્રીજેશ નામનો એક નવો અને ખૂબ મહેનતુ વિદ્યાર્થી પણ ઉમેરાય છે. ચાર જુદા જુદા, સોશ્યલ ઈકોનોમિકલ ક્લાસમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ એકમેકની સાથે કઈ રીતે એકમેકની આદતો, મર્યાદાઓ, મસ્તી-મઝાના પર્યાયો, વ્યક્તિગત રીતે ભણતરની પ્રાથમિકતાના ધોરણો અને શાળાના અન્ય છાત્રો સાથેના એમના વ્યવહારોને શાળા અને છાત્રાલયના નિયમોની અંદર રહીને કઈ રીતે ને કેટલું નિભાવે છે, એની વાતો મજેદાર રીતે લેખકે આ નવલકથામાં મૂકી છે.
સાથે માધવનું સુખડી બનાવવા વગડામાં જવું અને ત્યાં આગ લાગવી, જેવા પ્રસંગમાં અણઘડ, મુગ્ધ કિશોર મન કેવાં ખોટાં નિર્ણયો લે છે એ પણ કોઇ જાતના ફાયદા, ગેરફાયદા કે ઉપદેશ વિના જ બતાવ્યું છે અને કદાચ આવી જ કાચી નિર્ણયશક્તિ પાયામાં હોય તો જ યુવાનીમાં એ ઘડાઈને પરિપક્વતા તરફ આગળ વધે છે. પણ, કોઈ ભૂલો જ ન કરી હોય તો ખરાખોટાં નિર્ણયની પરખ આવે જ કઈ રીતે?
એ વાત બહુ જાણીતી છે કે મહાત્મા ગાંધીના કદાવર પડછાયામાં કસ્તૂરબા ગાંધી કાયમ માટે ઢંકાઈ ગયાં. એ કોણ હતાં અને તેમના વિચારો કેવા હતા, તેનો થોડો ઘણો પરિચય આપણને ગાંધીજી મારફતે મળે છે, પણ સ્વતંત્ર રીતે તેમના વિશે સામગ્રી બહુ ઓછી છે. જેનો પ્રભાવ પૂરી દુનિયાના સમાજ અને રાજકીય જીવન પર પડ્યો હોય, તેવા મહાત્મા બીજા બધાને ઢાંકી દે તે આમ તો સ્વાભાવિક જ છે, પરંતુ મહાત્મા પર એટલું બધું લખાયું છે કે 'મહાત્મામાં નવું શું છે'ની જિજ્ઞાસા કરતાં લેખકો-પત્રકારોને હવે 'કસ્તૂરબા શું કહે છે'માં રસ પડવા માંડ્યો છે.