માનનીય મુખ્યમંત્રીશ્રીનાં ગઈ કાલનાં ને છેલ્લાં નિવેદન મુજબ છેલ્લા દસ દિવસમાં હોસ્પિટલોને સવા લાખ રેમડેસિવર ઇન્જેક્શનો પહોંચાડાયાં છે ને એપ્રિલની વાત કરીએ તો અત્યાર સુધીમાં બે લાખ દસ હજાર ઇન્જેક્શનોનો જથ્થો પહોંચાડાયો છે. અત્યાર સુધીમાં આખા રાજ્યમાં આટલા દિવસો દરમિયાન બે લાખ દસ હજાર વ્યક્તિઓ સંક્રમિત નથી થઈ ને જેમને જરૂર છે એની સંખ્યા તો બે લાખ દસ હજારની નથી જ નથી, તો આ બધાં ઇન્જેક્શનો ગયા ક્યાં? આંકડાઓ જોઈએ તો બધાંને ઇન્જેક્શન અપાય તો પણ ઇન્જેક્શનો વધે. છતાં ઇન્જેક્શનોની તંગી વર્તાય છે. ક્યાં તો સરકાર ટાઢા પહોરની હાંકે છે અથવા તો હોસ્પિટલો કે અન્ય કોઈ શક્તિ જથ્થો દબાવીને તંગી ઊભી કરી રહી છે ને આ બધાં પછી પણ ઇન્જેક્શનોના કાળાબજાર તો ચાલુ જ છે. એમાં નકલી ઇન્જેક્શનો નહીં પધરાવાય તેવી પ્રાર્થના કરવાની રહે.
જરૂર કરતાં વધારે ઇન્જેક્શનો પહોંચાડાયા હોય તો લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખવામાં કે તડકામાં આમથી તેમ દોડાવવામાં કઈ માનવતા કામ કરે છે તે નથી ખબર. જે ચિંતામાં ને તકલીફમાં સંબંધીઓ ઇન્જેક્શનો માટે લોહીનું પાણી કરી રહ્યા છે એમની દયા ખાવા જેવી છે. માણસાઈ મરી ન પરવારી હોય તો તમામ ક્ષેત્રો તરફથી માનવતાનો હાથ લંબાવીએ ને લોકોને લોહીના આંસુ ન પડાવીએ. જીવીએ ને જીવવા દઈએ.
આભાર.
![]()


આ જ પ્રજાએ થાળી વગાડીને અને રાતના દીવા પ્રગટાવીને પુરવાર કર્યું કે પ્રજાને નેતૃત્વમાં વિશ્વાસ છે. પ્રજા થાળી ઠોકતી વખતે જાણતી હતી કે કોરોના જવાનો નથી, એને એ પણ ખબર હતી કે દીવાનું અજવાળું પકડીને કોરોના ઘરો સુધી પહોંચવાનો છે, પણ પ્રજાએ એ વિશ્વાસથી કર્યું ને સરકારનો વિશ્વાસ વધાર્યો. પછી તો એ વિશ્વાસ ન ટકે એવું બંને પક્ષે વર્ષ દરમિયાન ઘણું બન્યું. તાજેતરમાં જ વડા પ્રધાને રસીકરણનો મહિમા કરવા તેને ઉત્સવ તરીકે ઉજવવાની હાકલ કરી ને કરફ્યુને કોરોના કરફ્યુ તરીકે ઓળખાવવાનું કહ્યું. આ તેમણે રાજયોના મુખ્ય મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં કહ્યું ને સૌએ તે સાંભળ્યું પણ ખરું. એ જ દિવસે દેશમાં 1.31 લાખ નવા કેસ આવ્યા હતા અને 802 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતની વાત કરીએ તો એ દિવસે 4,021 કેસ નવા ઉમેરાયા હતા ને 35 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હજારો મૃત્યુ થયાં હોય ત્યાં ઉત્સવની માનસિકતા કોઈ સાધુસંતની પણ ભાગ્યે જ હોય, વળી આ સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ ને રસીકરણ એ જ એક માત્ર ઉપાય હોય તો પણ, કોઈ રીતે ટીકાકરણને ઉત્સવ તરીકે લઈ શકાય નહીં. ટીકા મૂકવામાં એવું કૈં નથી જે આનંદ કે ઉત્સવની લાગણી જન્માવે.