નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના – કેન્દ્ર સરકારના – ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મૂકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.
ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે ડાબેરીઓના વિરોધી, કૉંગ્રેસના વિરોધી, ગાંધી-નેહરુના વિરોધી, મુસલમાનોના વિરોધી … ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો, પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયા છે.
બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કૉંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા … હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમૂહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે, પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.
દેશ માટે સર્જાયેલી આ અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડા પ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી જ વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.
મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન ઍન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે તેમણે જે કર્યું છે ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન વગેરે અને જે નથી કર્યું — કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે — એ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં, પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.
એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે. પરંતુ સોશિયલ મીડિયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઊતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.
૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’
સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?
૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’
દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડા પ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભર કોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સૂફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.
૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’
દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરા ય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?
૪. ’કૉંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.’
આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારે ય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?
૫. ’બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.’
રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળિયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’ – એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.
૬. ‘હા, ખોટું થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’
કેટલાં ય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફૂટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?
૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’
વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગિઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.
કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારે ય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈ ગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.
(લેખકના બ્લોગ urvishkothari-gujarati.blogspot.comમાંથી સાભાર, તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૧)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 01, 02 તેમ જ 13
![]()


તમારા બધાંની જેમ જ મેં પણ અનુભવી એ વ્યગ્રતા, ચિંતા, પીડા, એકલતા અને બીક. અલબત્ત, બીજાનાં દુઃખ સામેનું મારું દુઃખ નગણ્ય હતું અને અંતે બધું સુખરૂપ પાર પણ પડ્યું. એટલે એ અનુભવો અહીં મૂકવાનો કોઈ અર્થ નથી. It's like revisiting the ordeal for me and ugly reminder to others. Why add to the painful moments? પણ એ સમય પણ વીતી ગયો અને હું વેરવિખેર ન થઈ એનાં પાયામાં કેટલાક બારસાખના ટેકા છે જેને ટેકે ઊભી રહી હું આવતીકાલના સૂર્યની રાહ જોઈ શકી. બસ, એમને સલામ કરવાનું ન ચૂકાય એટલે આ વાત. થોડી લાંબી થાય તો ય એને એક જ ભાગમાં પૂરી કરવી છે, અનિશ્ચિતાઓ વચ્ચે હવે કશું આવતીકાલ માટે બાકી રાખવું પરવડે એમ નથી.
કોરોના વાઇરસનો ચેપ રોકવા માટે વિશ્વમાં અત્યારે નવ અલગ-અલગ પ્રકારની રસી વિવિધ દેશોમાં આપવામાં આવી રહી છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ પ્રમાણે આમાં ફાઈઝર-બાયોન્ટેકની કોમિરન્ટી રસી ૬૧ દેશોમાં ૧૬ વર્ષથી ઉપરના વયસ્કોને આપવામાં આવી રહી છે. વિશ્વની આ પ્રથમ રસી હતી, જેને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની એસ્ટ્રાઝેનેકા ભારત સહિત ૪૧ દેશોમાં આપવામાં આવી રહી છે. ભારતમાં તે કોવીશિલ્ડ તરીકે ઓળખાય છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકસિયસ ડિસીઝ અને મોડેર્નાના સહકારથી બનેલી મોડેર્ના રસી ૨૭ દેશોમાં આપવામાં આવી રહી છે. અમેરિકાની જ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની સિંગલ ડોઝ રસી આફ્રિકન અને યુરોપિયન દેશોમાં આપવામાં આવી રહી છે.