આ લખાય છે ત્યારે પાંચ રાજયોની ચૂંટણીનાં પરિણામો આવવા માંડ્યાં છે. બહુ ગાજેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કુલ 292માંથી તૃણમૂલ 204 સીટો પર તો ભા.જ.પ. 81 સીટો પર આગળ છે. તામિલનાડુમાં 234માંથી ડી.એમ.કે. 149 પર તો એ.ડી.એમ.કે. 80 સીટો પર આગળ છે. કેરળની 140 સીટોમાંથી સી.પી.એમ. 67 પર, કૉન્ગ્રેસ 37 પર આગળ છે, આસામમાં ભા.જ..પ 75 અને કૉન્ગ્રેસ 48 સીટો પર આગળ છે. પુડુચેરીમાં એન.ડી.એ. સત્તા પર આવે તો નવાઈ નહીં. ગુજરાત પેટાચૂંટણીમાં ભા.જ.પ.નો 1 વધુ વિજય થયો છે. એમ લાગે છે કે આસામમાં ભા.જ.પ. અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલને સત્તા મળશે. મમતાનો 1200 મતે વિજય થયો છે. એ વિષે પછી વાત, પણ આજે ચૂંટણીએ કોરોના વધારવામાં જે ભાગ ભજવ્યો છે એ જોઈએ.
મહામારીમાં મૃત્યુ થાય એ સમજી શકાય એવું છે, પણ તંત્રોની બેદરકારી અને પ્રજાની બેવકૂફીને કારણે મૃત્યુ ખૂબ વધી રહ્યાં છે. આમાં ચૂંટણીપંચ પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ ગયું છે અને તેને લીધે વેઠવાનું પ્રજાએ આવ્યું છે. ચૂંટણીપંચ બરાબર જાણતું હતું કે નેતાઓની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કોવિડ 19ની ગાઈડલાઇન્સનું પાલન થતું જ નથી, છતાં તે તરફ તેણે દુર્લક્ષ સેવ્યું, પરિણામે સંક્રમણે માઝા મૂકી. આજે સ્થિતિ એ છે કે રોજના ચારેક લાખ નવા કેસ નોંધાવીને ભારત વિશ્વમાં મોખરે ઊભું રહ્યું છે. મદ્રાસ હાઈકોર્ટે પંચ પર હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ એવી ટિપ્પણી કરતાં ચેતવણી આપી હતી કે ચૂંટણીનાં પરિણામો વખતે ગાઈડલાઇન્સનું પાલન નહીં થાય તો કોર્ટ મતગણતરી રોકશે, પણ લોકો મતગણતરી પછી બેફામ થયાં ને ચૂંટણી પંચે રાજ્યોને આવા લોકો પર એફ.આઇ.આર. કરવાની વાત કરીને સંતોષ માનવો પડ્યો. બંગાળમાં માસ્ક વગર ભીડ થઈ અને રસ્તા પર ફટાકડા ફૂટયા, ચેન્નાઈમાં ભીડને લાડુ વહેંચાયા, એટલું ઓછું હોય તેમ બાળકોને પણ જીતમાં સામેલ કરવામાં આવ્યા. ઉત્તર પ્રદેશમાં પંચાયતની ચૂંટણીની મતગણના વખતે હાથરસમાં હજારોની ભીડે કાઉન્ટિંગ હોલમાં ઘૂસવાની કોશિશ કરી. એમાં જ એક કેન્દ્ર પર મતગણતરી કરનારા 4 કર્મચારીઓ સંક્રમિત હતા. એક વાત સ્પષ્ટ છે કે સર્વનાશ કોરોનાએ કર્યો તેના કરતાં ચૂંટણીએ વધુ કર્યો છે ને ખબર નહીં, રેલીઓ ને પરિણામો નિમિત્તે થયેલી ભીડ આવનારા દિવસોમાં શું વીતાડશે? એમાં કોઈ શંકા નથી કે કોરોનાને રોકવામાં તંત્રો નિષ્ફળ ગયાં છે ને આ નિષ્ફળતા કોઈ પણ ગુનાહિત કૃત્યથી જરા પણ ઓછી નથી.
એક વાર કેન્દ્રના આરોગ્ય મંત્રીને પૂછવામાં આવ્યું કે મહામારીના કાળમાં ચૂંટણીઓ રોકી શકાઈ હોત, પણ તેમણે જવાબ આપવા પોતે સક્ષમ નથી એમ કહીને વાત ટાળી. એટલું નક્કી છે કે ચૂંટણી ઘણાં રાજ્યોમાં સંક્રમણનું કારણ બની છે ને તેને કારણે જે મૃત્યુ થયાં છે તેને હત્યાથી જુદું નામ આપી શકાય એમ નથી. સરકારો કામ કરે છે તેની ના નથી, પણ તેની કામ કરતાં કામની જાહેરાત વધુ હોય છે. જેટલાં લોકોને રસી મૂકાઈ છે તે કુલ વસતિના બે ટકાથી વધુ નથી ને દેખાવ એવો છે કે રસીકરણમાં ભારતે જગ જીતી લીધું છે. એવો જ લવારો કોરોનાનું જોર નરમ પડતાં વિજય મેળવી લીધાનો થયેલો. એને કારણે તંત્રો અને લોકો મહામારી પરત્વે ઉદાસીન બન્યાં ને દાટ એણે વાળ્યો.
સરકાર અને પંચની ઉદાસીનતાએ કેવો ભાગ ભજવ્યો છે તેનું ઉદાહરણ ઉત્તર પ્રદેશે પૂરું પાડ્યું છે. ત્યાં પંચાયતી ચૂંટણીમાં 706 પ્રાથમિક શિક્ષકોનાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયાં છે. શિક્ષક સંઘે 2 મેએ થનારી મતગણતરી મોકૂફ રાખવા મુખ્ય મંત્રી અને ચૂંટણીપંચને પત્ર લખ્યો ને સાથે મૃતકો યાદી પણ બીડી, પણ કૈં થયું નહીં. શિક્ષક સંઘે ચૂંટણી સ્થગિત કરવાની ને થવાની જ હોય તો સ્ટાફને વેક્સિન આપવાની તથા ચૂંટણી પ્રશિક્ષણ ઓનલાઈન આપવાની માંગ કરી, પણ સરકારે ને પંચે એ તરફ ધ્યાન ન આપ્યું ને 700થી વધુ શિક્ષકો મરણશરણ થયાં. આ મૃત્યુ રોકી શકાયાં હોત, એ કોરોનાને કારણે થયાં તેનાં કરતાં તંત્રોની અને બેદરકારીને કારણે વધુ થયાં છે. આમ તો ટેવ પ્રમાણે સરકારો સંવેદનાઓ પાઠવતી હોય છે કે થોડા લાખ, રાખ પાછળ ફેંકતી હોય છે, પણ એવો વિવેક દાખવવાનું પણ કોઈને સૂઝયું નથી. હોય એ તો ! તંત્રો કોને કહ્યાં છે !
એ સંદર્ભે ગુજરાત સરકાર ખાસી સંવેદનશીલ છે. એણે સંવેદનાનું ને થોડા લાખનું પોટલું તરત જ ભરુચ માટે ખોલી નાખ્યું. સારું છે કે કોઈ ઘટના બને એટલી રાહ સરકાર જુએ છે, બાકી તો એમને એમ પણ કોઈને ત્યાં પોટલું પહોંચી જાય તો નવાઈ નહીં. જો કે, ભરુચ માટે જાહેરાત કરી તે તો ખરેખર 18 જણાંનાં કોલસા પડ્યા એટલે. સરકારે તરત જ તપાસ સોંપી ને મૃતકોના પરિવારોને ચાર ચાર લાખની (સ)હાય જાહેર કરી. કેમ જાણે એ મેળવવા જ અગ્નિસંસ્કાર પહેલાં મરનાર ભડથું થયાં હોય !
ગયા શુક્રવારની મધરાતે ભરુચની એક હોસ્પિટલમાં આગ ફાટી નીકળી અને 16 કોરોના દરદીઓ તથા બે નર્સોનો ભડકો થઈ ગયો. એમાંના 12 વેન્ટિલેટર પર હતા. વેન્ટિલેટરમાં સ્પાર્ક થતાં મોડી રાત્રે આગ લાગી ને પછી જે થવાનું હતું તે થયું. જો કે થોડા દરદીઓને બચાવી લેવાયા. આમ તો આ અકસ્માત છે ને એને એ જ રીતે જોવાનો રહે, પણ અકસ્માતની પરંપરા સર્જાય ત્યારે એ અકસ્માત ન રહેતાં બેદરકારીનો નાદાર નમૂનો બને છે. હોસ્પિટલોમાં દરદી રોગને કારણે મરે તે સમજી શકાય, પણ આગથી મરે ને એવી આગ એકથી વધુ વખત કોવિડ હોસ્પિટલમાં ને તે પણ આઇ.સી.યુ.માં જ લાગે તો એને દર વખતે અકસ્માત ગણી શકાય નહીં. એવે વખતે સરકાર તપાસ સોંપીને અને સહાય ફાળવીને રહી જાય તો તે માનવીય સંવેદના ધરાવતી નથી, એવો જ એનો અર્થ થાય. ગયા ઓગસ્ટમાં અમદાવાદ અને જામનગરમાં આઇ.સી.યુ.માં આગની ઘટનાઓ બની, તે પછી સપ્ટેમ્બરમાં વડોદરામાં પણ આઇ.સી.યુ.માં જ આગ લાગી, તો નવેમ્બરમાં રાજકોટમાં પણ એમ જ બન્યું, એ ઓછું હોય તેમ સુરતની એક આઇ.સી.યુ.માં ગયા મહિને આગ લાગી. ગુજરાતમાં અત્યાર સુધીમાં આગમાં 36 કોરોના દરદીઓનો ધુમાડો થયો છે. આ બધું છતાં રેઢિયાળ તંત્રો આગલી ઘટનાઓમાંથી કૈં શીખતાં નથી ને નિર્દોષોનું આવી બને છે.
આ તો તંત્રોની વાત થઈ, પણ પ્રજા તરીકે આપણા જેવી દંભી, મતલબી અને નિષ્ઠુર પ્રજા બીજી નથી. એક તરફ ડોક્ટરો, નર્સો અને સેવાભાવી સંસ્થાઓ જીવનું જોખમ ખેડીને દરદીઓને બચાવવાની કોશિશ કરે છે ત્યાં કેટલાંક લોકો પૂરા બેશરમ થઈને ધંધો કરી રહ્યાં છે. કોઈ હજારોનું એમ્બ્યુલન્સનું બિલ ફાડે છે તો કોઈ રેમડેસિવિરનાં કાળાબજાર કરી ગજવાં ભરે છે. કેટલાકની હોજરી ભરાતી જ નથી એટલે સુરતમાં નકલી રેમડેસિવિરની ફેક્ટરી જ નાખે છે ને 60 હજાર ઇન્જેકશન્સ બનાવીને 5 હજાર તો બજારમાં વેચી પણ મારે છે. મીઠું અને ગ્લુકોઝ ભેળવીને ઇન્જેક્શન્સ બનાવતી એક ટોળકી પકડાઈ છે. ઝેર મોંઘું પડ્યું હશે, બાકી ગ્લુકોઝ, મીઠાની જગ્યાએ એ નાખીને પણ નકલી રેમડેસિવિર બનાવતાં આવા હેવાનો અચકાય એમ નથી. આ ટોળકી પાસેથી 1 કરોડ રોકડા અને 2.73 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ લોકો ગરીબ નથી, પાસે પૈસા છે ને વધુ કમાવા લોકોની જિંદગી જોડે રમત રમે છે. આટલી હિંમત આવા લોકોમાં એટલે આવે છે, કારણ કાયદો કૈં બગાડી શકવાનો નથી એવી એમને ખાતરી હોય છે. બગાડે તો પૈસા વેરીને છટકી શકાય એમ છે, એટલે ગુનો કરતા રહે છે.
એમાં નાનો વેપારી કે લારીવાળો પણ બાકાત નથી. કોવિડના દરદીને ઇમ્યુનિટી વધે તેવી ચીજવસ્તુઓ લેવાની ભલામણ થતી હોય છે એટલે સંબંધીઓ લીંબુ, સંતરા, મોસંબી, નાળિયેર વગેરે લેવાં દોડે છે. આ જરૂરિયાત ઊભી થયાની ખબર પડે તો માનવતા દાખવીને સસ્તું આપવાની કોશિશ બધાંએ કરવી જોઈએ, પણ સામેવાળો કતલખાનામાં આવ્યો હોય તેમ બધાં જ એને વધેરવા તૈયાર થઈ જાય છે. એ જ કારણ છે કે 50 રૂપિયે કિલોના લીંબુ 150 રૂપિયે થઈ જાય છે, 10-20નું નાળિયેર 100 રૂપિયે વેચાય છે. સરકારનો ઇજારો પોતાને મળી ગયો હોય તેમ બધાં જ લૂંટવા લાગે છે. એ બિચારા જાણતા નથી કે લૂંટનારને લૂંટનારા પણ છે. એટલીસ્ટ, સરકાર તો માથે છે જ ! આ બધામાં સાધારણ માણસને તો જાણે જીવવાનો અધિકાર જ રહ્યો નથી. તે બિલ ભરી શકે એમ નથી. સો રૂપિયાનું નાળિયેર ખરીદવાની ત્રેવડ ન હોય ત્યાં ઓક્સિજન, ઇન્જેકશન્સ, એમ્બ્યુલન્સ સુધી તો એ જવાનો જ કેવી રીતે હતો? એનો મરો તો ઉધાર ઉછીનું કરીને સ્વજનને બચાવવા મથે ત્યારે થાય છે ને વક્રતા એ હોય છે કે સ્વજન સ્મશાન થઈ જાય છે ને બિલ ભરવાનાં બાકી રહી જાય છે. તે તો એવી પ્રાર્થના જ કરવાનો કે મરવાનું જ હોય તો હોસ્પિટલ સુધી ન જવાનું થાય તો સારું, કારણ સ્વજન ને સંપત્તિ, બંને ગુમાવવાનું તેને કોઈ રીતે પરવડે એમ નથી …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 મે 2021
![]()


વાત છે પહેલી ઑગસ્ટ ૧૯૬૬ની. સ્થળ છે અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીની અગાસી. ચાર્લ્સ વ્હીટમેન નામનો એક “સજ્જન” પોતાની બંદૂક લઈને યુનિવર્સિટીના ૧૪ લોકોને મારી નાખે છે. અનેક લોકોને ઘાયલ કરે છે. ઘેરથી નીકળતા પહેલાં તેણે પોતાની મા અને પત્નીને પણ મારી નાખ્યાં. આ ઘટનાએ આખા અમેરિકાને હચમચાવી દીધું! ત્યાં સુધી કે ટાઈમ મેગેઝીને તેના કવર-પેજ પર આ વ્યક્તિનો ફોટો છાપ્યો. અંતે પોલીસે તેને ઠાર માર્યો. આ વર્તનનું કોઈ ખાસ કારણ? એ તપાસવા માટે પોલીસે એક ઇન્વેસ્ટીગેશન હાથ ધર્યું. પડોશીઓને ચાર્લ્સ વિશે પૂછ્યું તો લોકોએ કહ્યું એ તો એકદમ સજ્જન માણસ હતો અને કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો નથી કર્યો. અને અમારાં પડોશીઓના કૂતરાને પણ એ ફરવા લઈ જતો, એટલો માયાળુ માણસ હતો. પોલીસે એનું ઘર તપાસ્યું તો એમને ચાર્લ્સની ડાયરી મળી જેમાં એણે લખ્યું હતુંઃ “છેલ્લા કેટલાક સમયથી મારી અંદર શું ચાલી રહ્યું છે એ સમજાતું નથી. મને ઢંગધડા વગરના વિચારો આવે છે અને ખૂબ માથું દુઃખે છે. હું કંઇક એવું કરી બેસું કે જે મારે ન કરવું જોઈએ તો હું એવું ઇચ્છું છું કે મારાં મગજની autopsy કરવામાં આવે અને જોવામાં આવે કે એમાં કોઈ પ્રોબ્લેમ છે કે કેમ.” આ કામ માટે એણે ત્રીસ હજાર ડોલરનો ચેક પણ ડાયરીમાં મૂકેલો. ત્યાર બાદ એની ઇચ્છા પ્રમાણે તેના મગજનો ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો અને જે પરિણામ આવ્યું એ સૌ માટે આશ્ચર્યજનક હતું. ચાર્લ્સના મગજમાં મોટી ગાંઠ હતી. મગજના જે ભાગમાં ગાંઠ હતી તેને amygdala કહેવાય છે જે આપણામાં રહેલા ગુસ્સા, હિંસા, ભય વગેરે જેવા ભાવોનું નિયંત્રણ કરે છે. એટલે એણે જે હત્યાઓ કરી તેને માટે એના મગજના amygdalaમાં જે ગાંઠ હતી તે જવાબદાર હતી એવું તારણ નીકળ્યું!
ઓપિનિયનમાં અભિવ્યક્તિની રૂંધામણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે. ભારત સંદર્ભે વાત કરીએ તો, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા થતી અભિવ્યક્તિની રૂંધામણ હવે જગજાહેર છે. ફ્રીડમ હાઉસના અહેવાલ અનુસાર, ભારતમાં પ્રેસ ફ્રીડમ ઉપર સતત આક્રમણ થાય છે. સરકાર આ માટે સંરક્ષણ (securty), બદનક્ષી (defamation), સત્તા સામે વિદ્રોહ (sedition) અને ન્યાયતંત્રનો અનાદાર (contempt of court) જેવા કાયદાઓનો હથિયાર તરકે ઉપયોગ કરે છે. પત્રકારોની કનડગત થાય છે. મોતની ધમકીઓ અપાય છે. એમના પર હુમલા થાય છે. અને ક્યારેક રહેંસી નંખાય છે. 2017માં ચાર અને 2018માં પાંચ પત્રકારોની હત્યા થઈ આને કારણે અહેવાલમાં ભારતને સ્વતંત્ર સમાજોના ક્રમમાં નિમ્ન કક્ષાએ (downgraded) ઉતારાયું, અને આંશિક રીતે સ્વતંત્ર(partly free)નું લેબલ ચોંટાડાયું.