તારીખ ૧૧ મે, ૨૦૨૧ ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લે મુકામે ૨૦૧૪ની સાલથી નિર્માણ પામી રહેલ ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ – એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. હજુ પણ નિર્માણકાર્ય ચાલી રહેલ આ મંદિરમાંથી રેડ વખતે પોલીસને ૯૦ મજૂર કામ કરતા જોવા મળ્યા, જેમની કામના સ્થળની સ્થિતિ અમાનવીય હતી. તેમને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યા.

પોલીસની રેડ એટલા માટે આવી કારણ ન્યુજર્સીની જિલ્લા અદાલતમાં સ્વાતિ સાવંત નામની દલિત મહિલા જે ઇમિગ્રેશન(દેશગમન)નાં વકીલ છે, તેમણે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની ટૂંકમાં વિગતો આ પ્રમાણે છે.
૧. ૨૦૦ જેટલા મજૂરોને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા, જેમણે કરોડોના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું છે, તેમની સંસ્થા દ્વારા અમેરિકા લઇ જવામાં આવ્યા. મોટા ભાગના મજૂરો દલિત છે.
૨. તેમની પાસે અંગ્રેજીમાં તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં સહી કરાવવામાં આવી.
૩. આ મજૂરોને ધાર્મિક પ્રવૃત્તિ માટે 'આર.૧' (R1) કક્ષાનો વિઝા મળે તે માટે તેમને અમેરિકી દૂતાવાસના અધિકારીઓ સામે એવું કહેવાનું શીખવવામાં આવ્યું હતું કે તેઓ કુશળ શિલ્પકાર અને ચિત્રકારો છે. આ પ્રકારનો વિઝા હંગામી ધોરણે ધાર્મિક પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે. તેઓને સ્વૈચ્છીક સેવાધારી દર્શાવવામાં આવ્યા હતા.
૪. અમેરિકા જવાની તક મળે અને ત્યાં સારા પૈસા મળશે તેવી વાતો તેમને કહેવામાં આવી હતી. હકીકતમાં અમેરિકા પહોંચ્યા બાદ આ કારીગરોના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા. તેમને લોકનજરે ન ચઢે તેમ મોટા ખટારા(ટ્રેલર્સ)માં રાખવામાં આવ્યા હતા. તેમના રહેઠાણની આજુબાજુ કાંટાળી વાળ હતી. અન્ય મુલાકાતી આવે તેમની સાથે તેઓને વાત કરવાની રજા ન હતી. તેમનું ભોજન એટલે દાળ અને બટાકા. તેમની પર સતત નજર રાખવામાં આવતી હતી. કોઈની સાથે વાત કરે તો તેમને જેલમાં મોકલવાની ધમકી પણ આપવામાં આવતી હતી.
૫. અમેરિકામાં આ રાજ્યના લઘુત્તમ વેતનના કાયદા મુજબ શ્રમિકોને દર કલાકના ૧૨ ડોલર (આજની તારીખે રૂ. ૮૮૧) ચૂકવવાના થાય છે, તેની સામે આ કારીગરોને દર કલાકે માત્ર એક ડોલર એટલે કે રૂ. ૭૩ અને ૪૨ પૈસા ચુકવવામાં આવ્યા હતા. આ કારીગરો પાસે ગુલામની જેમ ઘણા કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું. રક્ષણ માટે તેમને માથે હેલ્મેટ પણ ન હતી. વધુમાં અમેરિકાના (ન્યુજર્સી) લઘુત્તમ વેતન કાયદા અનુસાર શ્રમિક જો અઠવાડિયાના ૪૦ કલાકથી વધુ કામ કરે તે તેઓ દોઢું વેતન મેળવવા હકદાર બને છે. આ મજૂરો પાસે દર અઠવાડિયે ૮૭ કલાક કામ કરાવવામાં આવતું હતું.
૬. આ મજૂરોને દર મહિને ૪૫૦ અમેરિકન ડોલર ચુકવવામાં આવતા હતા. તેમાંથી અમુક રકમ તેમના ભારત ખાતેના બેન્ક ખાતામાં જમા કરાવી હોવાનું કહેવાય છે. હકીકત શું છે તે વધુ તપાસનો વિષય છે.
૭. હકીકતે આ મજૂરો શિલ્પકાર નથી પણ કોતરકામ કરેલા ભારેખમ પથ્થરો દીવાલમાં ગોઠવવાનું કપરું કામ તેમની પાસે કરાવવામાં આવ્યું. તેમને શિલ્પકાર તરીકે માત્ર વિઝા મળે તે માટે જ ઓળખાવ્યા હતા. હકીકતમાં તેમની હાલત ગુલામી જેવી બદતર હતી.
૮. ગયા વર્ષે એક મજૂરનું મંદિરમાં જ કામ દરમિયાન મોત થતાં અને ત્યારે સંસ્થાએ યોગ્ય વ્યવહાર ન કરતાં મજૂરોમાં અસંતોષ જાગ્યો. દલિત મહિલા વકીલનો સંપર્ક થયો. ખાનગીમાં વિગતો એકઠી થઇ અને અદાલતમાં ખટલો દાખલ કરવામાં આવ્યો. આ વાત આગળ ન વધી કારણ મૃતકના પરિવાર સાથે સંસ્થાએ સમાધાન કર્યું. કેટલા રૂપિયામાં આ સમાધાન થયું તેની વિગતો જાહેર થઇ નથી.
૯. ૩૭ વર્ષનો મજૂર મૂકેશકુમાર ભારત પાછા આવવામાં સફળ થયો અને ભારત પાછા આવી તેના અથાગ પ્રયત્નોનાં કારણે આ ફરિયાદ શક્ય બની.
વેતનના નિયમન ઉલ્લંઘન સંદર્ભે કાર્યરત વકીલ ડેનિયલ વર્નરના મતે ૧૯૯૫ પછી અમેરિકાના ઇતિહાસમાં બળજબરીથી વેઠ કરાવવાનો આ કદાચ સૌથી મોટો ખટલો છે. ૧૯૯૫માં કેલિફોર્નિયા રાજ્યના એલમોન્ટ ખાતે થાઈલેન્ડના મજૂરો સાથે અમાનવીય પ્રથા બહાર આવ્યા બાદ પ્રથમવાર 'ટ્રાફિકિંગ વિકટીમ પ્રોટેકશન કાનૂન' અમલમાં આવ્યો.
કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ આ મંદિર અમેરિકામાં સૌથી મોટું બને તેવી સંસ્થાપકોની ખેવના છે. અમેરિકામાં આ સંસ્થા વતી એટલાન્ટા, ઓકલેન્ડ, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જેલસ જેવી જગ્યાઓએ ભવ્ય મંદિરો બાંધવામાં આવ્યા છે.
પોલીસ રેડ અને ત્યાર બાદ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં મોટી પ્રસિદ્ધિવાળો સમાચાર લેખ છપાતાં, આ મંદિરના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ કનુ પટેલ જણાવે છે કે વેતનના ઉલ્લંઘનના આક્ષેપ સાથે તેઓ સહમત નથી. વધુમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે રોજબરોજની બાંધકામ પ્રવૃત્તિ સાથે તેઓ સીધી રીતે સંકળાયેલા નથી.
મંદિર વતી બચાવપક્ષે લેનિન જોશી જણાવે છે કે હકીકતે વિઝાના નિયમોનો કોઈ ભંગ તેમના પક્ષે થયો નથી કારણ આ મજૂરો ભારતમાં અતિ ચોકસાઈપૂર્વક કોતરકામ થયેલા પથ્થરો ગોઠવવાનું કામ કરે છે, માટે તે કુશળ કારીગરો છે. જો કે તે કુશળ કારીગરો હોય તો તેમને શા માટે ખટારામાં રહેવાનું, દાળ અને બટાકા ખાવાના અને મળવા જોઈએ તેના ૧૦ ટકા પૈસા જ શા માટે તેમને ચૂકવાય છે તેનો તે કોઈ ફોડ પાડતા નથી. એ યાદ રહે કે આ લઘુત્તમ વેતન મજૂરો માટેનું છે, કુશળ કારીગરો માટેનું નથી.
આ મંદિરના સમર્થકો ભારતીય નિવાસીઓ મોટી સંખ્યામાં છે. ન્યુ જર્સીમાં જ ચાર લાખ ભારતીય નિવાસીઓની વસ્તી મનાય છે.
આ સંસ્થાએ દુનિયાઘરમાં ભવ્ય મંદિરો બાંધ્યા છે. આ તમામ મંદિર નિર્માણ કોના શોષણ અને પરસેવાથી બન્યા તે તપાસનો વિષય છે. અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના નિર્માણમાં આ સંસ્થાએ અઢી કરોડ રૂપિયા જેટલી રકમનું દાન કર્યાના અખબારી અહેવાલો છે. વિદેશમાં બનનાર આવા એક ભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ભારતના વડા પ્રધાને કરી છે.
દલિતો સાથે ભેદભાવ અને શોષણની ઘટના નવી નથી. કદાચ અમેરિકાની ધરતી પર આવી ગુલામી થાય તે નવી ઘટના છે. ભારતમાં પણ ધર્મસ્થાનોના નિર્માણમાં શોષિતના પરસેવા-ખૂન રેડાય છે. ધર્મસ્થાન બની જાય પછી તેમને એમાં પ્રવેશવા ન દેવાય તે હકીકત પણ આપણાથી અજાણી નથી.
ગઈ કાલે કોઈ અમેરિકન પત્રકાર સાથે વાત થઇ ત્યારે તેમનો મને એ પ્રશ્ન હતો કે આ સમાચારથી ભારતમાં શું અસર પડશે. મેં એમને કહ્યું કે હજુ સુધી આ સમાચારો ભારતમાં માત્ર અંગ્રેજી અખબારોમાં જ આવ્યા છે. સ્થાનિક ભાષામાં પ્રકાશિત થાય ત્યારે વધુ ખબર પડશે. આજે સવારે જ આ ઘટના અંગે ‘ગુજરાત સમાચાર’માં વાંચ્યું. ઊડીને આંખે વળગે તેવી વાત તે હતી કે આ સમાચારમાં આ મજૂરો દલિત હતા તેઓ ઉલ્લખ નથી પણ એમ લખાયું કે તે ભારતની 'ચોક્કસ જ્ઞાતિ'ના છે.
![]()


હાલમાં દેશમાં આસામ, તામિલનાડુ, કેરળ અને બંગાળ એમ ચાર રાજ્યોમાં ચૂંટણી થઈ, પરંતુ નરેન્દ્ર મોદીને તો જાણે બંગાળ જ સર કરવું હોય એમ દિલ્હી-કોલકાતા વિમાનની ઊડાઊડ ચાલી! સામે મમતાની વ્હિલચૅરની હરીફાઈ : પરિણામ આવતાં જ સસલા-કાચબાની વાર્તા યાદ આવી ગઈ !
બીજી મેની ધોમધખતી બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલકાતાથી અંતરા-દેવસેનનો મૅસેજ આવે છે કે, ‘ભાલો ખેલા હોલો’. દેશદુનિયાની જેના પર નજર હતી એ બંગાળ વિધાનસભાનાં પરિણામો આવવા માંડ્યાં હતાં. મમતા બેનરજી સતત ત્રીજી વાર અને પહેલાં કરતાં વધારે બહુમતીથી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહ્યાં હતાં. બંગાળમાં ‘ખેલા હોબે’નો નારો લોકજીભે હતો અને હરકોઈ ખેલા જોવા આતુર હતું. આ પરિણામો દેશની દશા-દિશા પર ઘેરી અસર કરવાનાં હતાં એ સૌ કોઈ જાણતું હતું.
અંતે વાત આ સમગ્ર ખેલામાં સૌથી અનોખા ઉમેદવાર મનોરંજન બ્યાપારી વિશે. એમની જીવનયાત્રા એક ચમત્કારથી ઓછી નથી. મનોરંજન બ્યાપારીનું બાળપણ અત્યંત ગરીબીમાં ફૂટપાથ અને ચાની લારી પર વાસણ ધોતાં પસાર થયું છે. શાળામાં જવાનું તો સ્વપ્નમાં પણ શક્ય નહોતું. યુવાનીમાં આંદોલનકારી તરીકે જેલવટો ભોગવવાનો આવ્યો. કાળા અક્ષરો જોડે પહેલી વાર પનારો પડ્યો. જેલમાં જ જાતે શિક્ષિત થયા. વાંચવાનું-લખવાનું શરૂ કર્યું. જેલમાંથી છૂટ્યા બાદ દાયકાઓ સુધી કોલકાતાની સડકો પર પેદલ રીક્ષા ખેંચવાનું કામ કર્યું. એક દિવસે એમની પેદલ રીક્ષામાં જે સવારી આવી એણે મનોરંજન બ્યાપારીનું જીવન જડમૂડળથી બદલી નાંખ્યું. તે સવારી એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત જગવિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી. તેઓ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ફરિસ્તા સમાન હતાં. એમણે મનોરંજનની વાતો સાંભળીને લખવા માટે પ્રેરિત કર્યા. મહાશ્વેતાદેવીએ એમની વાર્તાઓ અને લેખો છાપવા માંડ્યાં. જોતજોતાંમાં બંગાળભરમાં સાહિત્યકાર તરીકે એમની ખ્યાતિ વધવા માંડી. એમનાં ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદિત થયાં, ચર્ચિત બન્યાં અને મનોરંજન બ્યાપારીની ખ્યાતિ બંગાળના સીમાડાઓ ઓળંગી ગઈ. એમની આત્મકથાના અંગ્રેજી અનુવાદ ‘ઈન્ટરોગેટિંગ માય ચાંડાલ લાઇફ’ને ૨૦૧૯નું બહુ પ્રતિષ્ઠિત ‘ધ હિન્દુ લિટરરી’ સન્માન મળ્યું. મમતા બેનરજીએ સૌ પ્રથમ વાર બંગાળ દલિતસાહિત્ય અકાદમીનું ગઠન કર્યું ત્યારે મનોરંજન બ્યાપારીને એના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. આ ચૂંટણીમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો. તૃણમૂલના ઉમેદવાર તરીકે બાલાગઢ વિધાનસભા ક્ષેત્રથી ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મનોરંજન બ્યાપારી જેવા ‘માટીર માનુષ’ ઉમેદવારનું ચૂંટાવું ભારતીય લોકશાહીમાં આપણી આસ્થાને મજબૂત કરે છે.