સાંતા ક્રુઝમાં એક જ વરસે પથરાયું વીજળી અને વિદ્યાનું અજવાળું
સાંતા ક્રુઝ પોલીસ ચોકીમાં જ અવારનવાર થતી ચોરી!
એરપોર્ટના રન-વે પર રાતે વપરાતા ઘાસલેટના દીવા
સાંતા ક્રુઝ એટલે આમ તો મુંબઈનાં અનેક પરાંમાંનું એક પરું. આજથી ૯૪ વરસ પહેલાં તો ગામડું કહી શકાય એવું. નહોતા વીજળીના દીવા. નહોતી ઝાઝી સ્કૂલ. પણ ૧૯૨૭નું વરસ સાંતા ક્રુઝ માટે સપરમું હતું. ફતેહ અલી એન્ડ કંપનીએ અહીં દીવાસળી બનાવવાનું કારખાનું શરૂ કર્યું તે આ જ સાલમાં. કિલિક નિકસન એન્ડ કંપનીએ સાંતા ક્રુઝના રસ્તાઓ અને મકાનોને ઈલેક્ટ્રિસિટી પૂરી પાડવાનું શરૂ કર્યું તે આ જ વરસે. અને ૧૯૨૭માં જ સાંતા ક્રુઝમાં વિદ્યાનો પ્રકાશ પાથરવાના કામની પણ શરૂઆત થઈ. હા, ૧૯૧૦માં અહીં ‘ગુરુકુળ વિદ્યાલય’ની શરૂઆત થઈ હતી, પણ પછી ૧૯૧૭માં તે ઘાટકોપર ખસેડાયુ હતું. એટલે મિશનરી સ્કૂલને બાદ કરતાં સાંતા ક્રુઝમાં એક પણ સ્કૂલ નહોતી. સાંતા ક્રુઝ ટાઉન પ્લાનિંગ સ્કીમ દ્વારા પ્લોટ નંબર ૭૩ સ્કૂલના મકાન માટે ફાળવવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ એ પ્લોટ પર મકાન બાંધવા માટે ૧૫ હજાર રૂપિયાનો ફાળો એકઠો કર્યો. પણ સ્કૂલ કમિટીએ કહ્યું કે આ પ્લોટ પર જે સ્કૂલ શરૂ થાય તે હાઈ સ્કૂલ હોવી જોઈએ. હવે એ માટે તો મોટું મકાન બાંધવું પડે. એટલા પૈસા લોકો ભેગા કરી શકે તેમ હતું નહિ. આ વાતની ખબર પડી શેઠ આનંદીલાલ પોદારને. તેમણે કહ્યું કે વધારાના પૈસા જ નહિ, મકાન માટેનો બધો ખર્ચ હું આપીશ. આનંદીલાલ હતા તો રૂના વેપારી, પણ ગાંધીજી અને બીજા નેતાઓ સાથે નિકટના સંબંધ ધરાવતા હતા. ૧૯૨૨ના ઓગસ્ટની બીજી તારીખે તેમણે આનંદીલાલ પોદાર ટ્રસ્ટની સ્થાપના કરી. તેના પહેલા પ્રમુખ હતા મહાત્મા ગાંધી. મદન મોહન માલવિયા, જમનાલાલ બજાજ તથા આનંદીલાલ પોદાર તેના ટ્રસ્ટીઓ હતા. આ ટ્રસ્ટની મદદ મળી એટલે મોટું મકાન બંધાયું અને તેમાં ૧૯૨૭ના જૂન મહિનામાં શરૂ થઈ શેઠ આનંદીલાલ પોદાર હાઈ સ્કૂલ.

આનંદીલાલ પોદાર
એ વખતે હજી પ્લોટ નંબર ૭૩ પરનું મકાન બંધાયું નહોતું એટલે શેઠ આનંદીલાલ પોદાર વિદ્યાલાયની શરૂઆત ટાગોર રોડ પરના એક ચાલ જેવા મયૂરી નામના મકાનમાં ભાડાની જગ્યામાં થઈ હતી. તે વખતે તેમાં ચાર મરાઠી અને ચાર ગુજરાતી વર્ગો હતા : બાળ મંદિર અને ધોરણ એકથી ત્રણ. ચોથા ધોરણથી એ બંને પ્રવાહના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું માધ્યમ અંગ્રેજી થતું. પણ જમીનનો ટુકડો કે તેના પર બંધાયેલું મકાન એ તો સ્કૂલ માટેની સગવડ છે, સ્કૂલ નહિ. મકાનને સાચા અર્થમાં વિદ્યાનું આલય બનાવવાનું કામ તો કર્યું તેના પહેલા હેડ માસ્તરે (એ વખતે હજી સ્કૂલના વડા માટે પ્રિન્સિપાલ શબ્દ પ્રચલિત થયો નહોતો).

રામપ્રસાદ બક્ષી
આ જગ્યા માટે આનંદીલાલ શેઠની ઝીણી નજરે શોધી કાઢ્યા રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીને. તેત્રીસ વરસના તરવરતા યુવાન. આખા મુંબઈ ઇલાકામાં જેની નામના ફેલાયેલી હતી એવી મુંબઈની સરકારી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં શિક્ષક હતા. માન, મોભો, ભવિષ્યની ઊજળી તકો, બધું જ નજર સામે હતું. પણ એ બધું હડસેલીને એક ચાર ધોરણ સુધીની નવી ખાનગી સ્કૂલમાં હેડ માસ્તર તરીકે જોડાવા તૈયાર થઈ ગયા. મામા હિંમતલાલ અંજારિયાની છત્ર છાયામાં રામભાઈ ૧૯૧૫થી સાંતા ક્રુઝમાં રહેતા હતા. તેત્રીસ વરસની ઉંમરે પોદાર સ્કૂલમાં પલાંઠી વાળીને બેઠા, તે છેક ૬૫મે વર્ષે ૧૯૬૯માં નિવૃત્ત થયા. આજે તો પોદાર સ્કૂલ વડલાની જેમ મુંબઈ શહેરમાં જ નહિ, દેશનાં અનેક રાજ્યોમાં વિસ્તરી છે. પણ એના મૂળમાં છે સાંતા ક્રુઝમાં ‘મયૂરી’ નામના મકાનમાં શરૂ થયેલી શેઠ આનંદીલાલ પોદાર સ્કૂલ, અને તેના હેડ માસ્તર રામભાઈ. દુનિયાદારીની દ્રષ્ટિએ જે વસ્તુઓ મેળવવા જેવી મનાય છે તેમાંની ભાગ્યે જ કોઈ રામભાઈ પાસે હતી. નહોતો ઝાઝો પૈસો, નહોતી અમાપ સત્તા, નહોતી બહોળી લોકપ્રિયતા, નહોતી અદ્ભુત કળાકૃતિ રચવાની સર્જનાત્મક શક્તિ. પણ ‘સર્વધનપ્રધાન’ એવી વિદ્યા હતી એમની પાસે. રામભાઈ હંમેશાં સફેદ કપડાં જ પહેરતા. માથે સફેદ ફેંટો બાંધ્યા વગર ઘરની બહાર ન જ નીકળે. પણ તેમનાં આ શ્વેત કપડાં વધુ તેજસ્વી બનતાં તે તો એમના અંદરના અજવાળાને પ્રતાપે. ઉજળો શ્વેત રંગ એ માત્ર તેમનાં કપડાંનો જ રંગ નહોતો. તેમનાં શુદ્ધ વાણી, વિચાર અને વર્તનનો પણ હતો. દેવી સરસ્વતી જેના પર આરૂઢ થયેલી છે તે શ્વેત પદ્મની એક પાંખડી જેવા હતા રામભાઈ.
રામભાઈની અંદરની ઉજળાશનો પરિચય આનંદીલાલ શેઠને શરૂઆતમાં જ થઈ ગયેલો. નવી શરૂ થતી સ્કૂલને ધર્માદા સ્કૂલ બનાવવાની તેમની યોજના હતી. વિદ્યાર્થીઓ પાસેથી ફીના પૈસા ઉઘરાવવા નહિ. આ અંગે રામભાઈ સાથે વાત કરી ત્યારે નમ્ર મક્કમતાથી રામભાઈએ કહ્યું કે ના, ફીના પૈસા તો લેવા જ જોઈએ. પોદાર શેઠે પૂછ્યું : પણ કેમ? જવાબ મળ્યો : ફી આપતા હશે તો જ મા-બાપ આપણી ભૂલો અને ઉણપો બતાવી શકશે. સૂચનો કરી શકશે. છોકરાં મફત ભણતાં હશે તો તેમ કરવાની તેમની હિંમત નહિ ચાલે. એમની વાત પોદાર શેઠને ગળે ઊતરી ગઈ. બસ, તે દિવસ પછી કોઈ દિવસ શેઠે સ્કૂલ કેમ ચલાવવી એ બાબતમાં માથું માર્યું જ નહિ.
એક જમાનામાં મુંબઈની હદ માહિમ પાસે પૂરી થતી હતી. વાંદરા પછીનો વિસ્તાર મુંબઈની બહારનો ગણાતો. એટલે BESTની બસો માહિમ સુધી જ જતી. ૧૯૩૧માં એફ.એમ ચિનોયે બાંદ્રા બસ કંપની શરૂ કરી. તેની બસો પશ્ચિમનાં પરાંઓને સાંકળી લેતી, પણ માહિમ પાસે તેની હદ પૂરી થતી. આગળ જવા માગતા પેસેન્જરોએ માહિમથી BESTની બસ પકડવી પડતી. ૧૯૪૯ના ઓક્ટોબરની પહેલી તારીખે BEST કંપનીએ પરાંઓની જવાબદારી પણ સંભાળી લીધી. એ વખતે બેસ્ટની બસના રૂટને આજની જેમ નંબર નહોતા અપાતા, પણ A B C વગેરે અંગ્રેજી આલ્ફાબેટના અક્ષરોથી રૂટ ઓળખાતા. પશ્ચિમના પરામાં જતો પહેલો A રૂટ હતો, જે ફ્લોરા ફાઉન્ટનથી જોગેશ્વરી સુધી જતો. કારણ તે વખતે હજી ગોરેગાંવ અને તેની પછીનો વિસ્તાર મુંબઈનો ભાગ બન્યો નહોતો.
૧૯૦૭માં સાંતા ક્રુઝને મળી પહેલી પોસ્ટ ઓફિસ, જે સાંતા ક્રુઝ ઇસ્ટમાં શરૂ થયેલી. એ જ અરસામાં મળી પહેલી પોલીસ ચોકી, જે ઘોડ બંદર રોડ પર શેઠ તુલસીદાસ ખીમજીના ‘તુલસી ભવન’ બંગલાની બાજુમાં આવેલી હતી. પણ પોલિસ ત્યાં રાતે રોકાતા નહિ. સવારે વાંદરાથી આવતા અને સાંજે પાછા ચાલ્યા જતા. યુનિફોર્મનાં કપડાં પાછળ પોલીસ ચોકીમાં મૂકતા. ઘણી વાર પોલીસ ચોકીમાંથી જ રાતે આ કપડાં ચોરાઈ જતાં! ૧૯૨૦ સુધી સાંતા ક્રુઝમાં એક પણ બાંધેલી માર્કેટ નહોતી. તિલક રોડ પર છેક રેલવે સ્ટેશન સુધી રોજ ખુલ્લામાં બજાર ભરાતી. ૧૯૨૦માં સરકારે હસન અલીની કેટલીક જમીન હસ્તગત કરીને તેના પર માર્કેટ માટેનું મકાન બાંધ્યું. તેની સાથે હસન અલીની દીકરી બાઈ અન્તુબાઈ ઝેહરાનું નામ જોડ્યું. ૧૯૨૯ સુધી સાંતા ક્રુઝમાં ખાધા ખોરાકીની વસ્તુઓ વેચતી એક પણ મોટી દુકાન નહોતી. કાં ઝુંપડા જેવી નાની દુકાનોમાંથી કે પછી ફેરિયાઓ પાસેથી લોકો દાણોપાણી પણ ખરીદતા.

RAF સાંતા ક્રુઝ પર બ્રિટિશ લડાયક વિમાન
૧૯૩૦ના દાયકામાં સાંતા ક્રુઝનું મહત્ત્વ વધારનારી એક મહત્ત્વની ઘટના બની. પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થવાની ઘડીઓ ગણાતી હતી ત્યારે, ૧૯૧૮ના એપ્રિલની પહેલી તારીખે ગ્રેટ બ્રિટને રોયલ એર ફોર્સ(RAF)ની સ્થાપના કરી. એ વખતે જે દેશો પર બ્રિટનની હકૂમત હતી તે દેશોમાં તે પછી ધીમે ધીમે RAF માટેની સગવડો ઊભી થઈ. તેમાં સાંતા ક્રુઝ ખાતે લડાયક વિમાનો માટે એરોડ્રોમ તૈયાર કરવામાં આવ્યું, જે એ વખતે RAF સાંતા ક્રુઝ તરીકે ઓળખાતું હતું. શરૂઆતમાં અહીં ઈલેક્ટ્રિસિટીની સગવડ નહોતી એટલે રાત્રે ખાસ પ્રકારના ઘાસલેટના દીવા રન-વે પર વાપરતા. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અહીં મોટી સંખ્યામાં ગ્રેટ બ્રિટનનાં લડાયક વિમાન રાખવામાં આવ્યાં હતાં. પછી એક બાજુ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું, અને બીજી બાજુ હિન્દુસ્તાન પરની બ્રિટિશ હકૂમતનો અંત આવ્યો. એટલે હવે બ્રિટિશ યુદ્ધ વિમાનોને અહીં રાખવાનો તો પ્રશ્ન જ નહોતો. એટલે ૧૯૪૬માં RAF દ્વારા આ એર પોર્ટ ડિરેક્ટર ઓફ સિવિલ એવિયેશનને સોંપવામાં આવ્યું. એટલે દેશની અંદરની અને દેશની બહાર જતી વિમાન સેવા માટે આ એર પોર્ટ વાપરવાનું નક્કી થયું. પણ મુસાફરો અને તેમના માલ-સામાન માટે જે મકાન – ટર્મિનલ – જોઈએ એ તો હતાં જ નહિ. એટલે વિમાન રાખવા માટેના બે હેંગરમાં થોડા ફેરફાર કરી તેને બે ટર્મિનલ બનાવવામાં આવ્યાં – એક નેશનલ અને બીજું ઇન્ટર નેશનલ વિમાની સેવા માટે.

સાંતા ક્રુઝ એર પોર્ટ, ૧૯૪૯
૧૯૪૭માં દેશના ભાગલા પડતાં કરાંચી પાકિસ્તાનમાં ગયું એટલે સાંતા ક્રુઝ એર પોર્ટ પર આવતી-જતી ફ્લાઈટની સંખ્યા એકાએક વધી ગઈ. એ વખતથી આજ સુધી થોડે થોડે વરસે આ એર પોર્ટનું વિસ્તરણ થતું રહ્યું છે. ૧૯૯૯માં આ એરપોર્ટનું નામ રાખવામાં આવ્યું છત્રપતિ શિવાજી એરપોર્ટ. ૨૦૧૮માં તેમાં ‘મહારાજ’ શબ્દ ઉમેરાતાં એ બન્યું છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ. હવે તો આ એરપોર્ટ નાનું પડવાથી નવી મુંબઈ એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે અને તે બંધાઈ રહે તે પહેલાં જ તેના નામ અંગે ખેંચતાણ થઈ રહી છે.
પણ આ RAF સાંતા ક્રુઝ એ મુંબઈનું પહેલું એરપોર્ટ નહિ. તો પહેલું એર પોર્ટ કયું? એ માટે તો આવતા શનિવારે पुढचा स्टेशन विले पार्ले.
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 17 જુલાઈ 2021
![]()


આ કાલ્પનિક સંવાદ છે, પણ આવનારા દિવસોમાં આવું ન જ થાય એવું નથી. ગુજરાતનો શિક્ષણ વિભાગ જે રીતે અત્યારે વિદ્યાર્થીઓ સાથે રમી રહ્યો છે એમાં વિદ્યાર્થી, શિક્ષણ વિભાગની ભલમનસાઈ પર ને શિક્ષણ વિભાગ વિદ્યાર્થિની (ફી) મલાઈ પર નભી રહ્યો છે. ગુજરાતનાં શિક્ષણ વિભાગને પોતીકું અસ્તિત્વ છે કે કેમ તે નથી ખબર, પણ એ સી.બી.એસ.ઈ. પર નભે છે એ ખરું. સી.બી.એસ.ઈ. પરીક્ષા રદ્દ કરે તો ગુજરાતમાં પણ પરીક્ષા રદ્દ થઈ જાય. સી.બી.એસ.ઈ. 10માં ધોરણમાં ગણિતના વિષયના બે પેપર વિકલ્પ તરીકે આપે તો ગુજરાતનો શિક્ષણ વિભાગ પણ બે વિકલ્પ આપે. એ જેટલું પાણી પાય એટલું ગુજરાત વિભાગ પીએ છે. વિદ્યાર્થી નકલ કરે તો તેને પકડાય, પણ અહીં તો બોર્ડ જ નકલ કરે છે તો ફરિયાદ પણ શું કરવાની?
ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને મહાભારતના મર્મોને ખુલ્લા કરી આપનાર શ્રેષ્ઠ વક્તા તરીકે જેમની ગણના થાય તેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એક ઉમદા વિવેચક ડૉ. શાન્તિકુમાર પંડ્યાનું તા. ૧૭/૫/૨૦૨૧ના રોજ નિધન થયું છે, જેનાથી સંસ્કૃત જગતમાં ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતમાં રચાયેલાં મહાભારત આધારિત રૂપકોના અભ્યાસીઓનો જાણે અસ્ત થઈ ગયો છે.