અરુણ શૌરી કહે છે કે શાસકો તાનાશાહી વલણ ધરાવતા હોય ત્યારે અદાલતોના, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા સતત ખખડાવતા રહેવું જોઈએ. લોકોના અધિકારોનું રક્ષણ કરવું અને કાયદાના રાજની રખેવાળી કરવી એ સર્વોચ્ચ અદાલતનું બંધારણચીંધ્યું કર્તવ્ય પણ છે એટલે સર્વોચ્ચ અદાલત તેનાથી છટકી ન શકે. એનાથી એક ફાયદો એ થાય કે લોકોને જાણકારી મળે કે દેશમાં ચાલી શું રહ્યું છે. કઈ રીતે શાસકો વિવેક, લોકતાંત્રિક મર્યાદા અને બંધારણનો ભંગ કરી રહી છે. બીજો ફાયદો એ થાય કે સરકારે અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરવો પડે. સંસદમાં જવાબ આપવાથી છટકી શકાય, પણ અદાલતોમાં જવાબ આપવાથી છટકી ન શકાય. એનાથી નાગરિકોને જાણ થાય કે સરકાર પાસે કોઈ તર્કશુદ્ધ દલીલો પણ નથી. આમાં ત્રીજો ફાયદો એ થાય કે અદાલતોમાં બધા જજ કરોડરજ્જુ વિનાના, ડરપોક, કઢીચટ્ટા, બીકાઉ લાલચી હોતા નથી. તેમાંના કેટલાક જજો નાગરિક અને ન્યાયના પક્ષે ઊભા રહેવા જેટલું કાઠું ધરાવતા હોય છે. અદાલત જો નાગરિક અને ન્યાયનો પક્ષ લે તો સરકારને ભારે પડી જાય.
આ સિવાય જજોને ખબર છે કે ન્યાયતંત્રમાં સાઇટેશન એટલે કે પાછલા ચુકાદાઓને પ્રમાણ તરીકે સતત ટાંકવામાં આવે છે. આ વકીલાત અને ન્યાયતંત્રની અનિવાર્ય જરૂરિયાત છે. એક ખટલો એવો નહીં જોવા મળે જેમાં પાંચ-દસ સાઇટેશન ન હોય. અને જ્યારે ખટલો મૂળભૂત અધિકાર વિશેનો હોય, કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગેનો હોય કે એવા બીજા ભારતીય રાજ્યના કલેવર અને પ્રાણને લગતા હોય ત્યારે તો એમાં ઢગલોએક સાઇટેશન આપવામાં આવે છે. આને કારણે ભવિષ્યમાં વારંવાર અદાલતોમાં આપણી આબરુની પાઘડી ઉછળવાની છે એ ડરે કેટલાક જજો ન્યાયસંગત ચુકાદા આપે છે. શાસકો તો આવે ને જાય, પણ ભવિષ્યમાં સો-બસો વરસ સુધી દેશની અદાલતોમાં અને કવચિત વિદેશની અદાલતોમાં વકીલો દલીલ કરતી વખતે આપણને હાજર કરવાના છે. આવનારી પેઢી અદાલતોમાં આપણી આવડતની, આપણી પ્રામાણિકતાની અને ન્યાયનિષ્ઠાની કસોટી કરતી જ રહેવાની છે.
ઉદાહરણ આપવું હોય તો ઈમરજન્સીનું આપી શકાય. તમે ઓમ મહેતાનું નામ સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય. ઓમ મહેતા ઈમરજન્સીના દિવસોમાં રાજ્ય કક્ષાના પ્રધાન હોવા છતાં કેન્દ્રના સર્વેસર્વા ગૃહ પ્રધાન હતા અને તેમની જાણકારીમાં અને ટેકા સાથે નાગરિકો સાથે અત્યાચાર કરવામાં આવતા હતા. આજે તેઓ ભુલાઈ ગયા છે, તે ત્યાં સુધી કે તમે નામ પણ નથી સાંભળ્યું. બીજી બાજુ ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી, ન્યાયમૂર્તિ એ.એન. રે, ન્યાયમૂર્તિ એમ.એચ. બેગની કુખ્યાતિ તેમનો પીછો નથી છોડતી. તેઓ ખરા ટાણે સત્યની સાથે, ન્યાયની સાથે, બંધારણની સાથે અને નાગરિકના પડખે ઊભા રહેવામાં નિષ્ફળ નીવડ્યા હતા. વારંવાર તેમણે દેશની અદાલતોમાં આરોપી તરીકે ઊભા રહેવું પડે છે. ન્યાયમૂર્તિ ભગવતી તો એટલી હદે અપરાધભાવ અનુભવતા હતા કે મૃત્યુ પહેલાં તેમણે તેમની ભૂલ સ્વીકારી લીધી હતી અને આડકતરી રીતે માફી માગી હતી. વેચાઈ જવું સહેલું છે, પણ વેચાણખત વરંવાર ટાંકવામાં આવે અને એ પણ સદીઓ સુધી ત્યારે એ બહુ વસમું નીવડતું હોય છે. આને કારણે સાવ બેશરમ જજો હોય એ જ ન્યાય સાથે ખુલ્લેઆમ ગદ્દારી કરે છે અને એવા જજો મોટો સોદો કરી લે છે જે રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કર્યો હતો.
માટે અરુણ શૌરી કહે છે કે અદાલતોના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ત્યાં ભલે સંખ્યામાં થોડા પણ પ્રમાણિક અને હિંમત ધરાવનારા જજો બેઠા છે જેને સરકાર ખરીદી શકવાની નથી. તેઓ બંધારણ અને ન્યાયના પક્ષે ઊભા રહેશે. જેમનામાં હિંમત ખૂટે છે એવા, પણ લાજશરમ ધરાવનારા જજો ભવિષ્યમાં તેમના ચુકાદાઓના સાઇટેશનથી ડરીને ન્યાયની વિરુદ્ધ બહુ દૂર નહીં જાય. થોડુંક દહીંદૂધિયું વલણ રાખશે એટલું જ. સાવ બેશરમોને છોડી દો તો પણ એકંદરે અદાલતોનો ઉપયોગ કરીને લોકતંત્ર અને કાયદાના રાજને બચાવી શકાય.
સરકાર આ જાણે છે અને સરકારે ઉપાય શોધ્યો છે, ન રહે બાંસ ન બજે બાંસુરી. જજોની નિમણૂકો જ નહીં કરવાની. સમૂળગા ન્યાયતંત્રનું જ કાસળ કાઢી નાખવાનું. રોજ હજારો નવા કેસ આવતા હોય, કામનો ભરાવો હોય, અમુક ગંભીર કેસોને લઈને માનસિક દબાવ હોય, સમાજની અપેક્ષા હોય, ગંભીર કેસોમાં મીડિયાની નજર હોય અને જજો ઓછા પડતા હોય ત્યારે ન્યાયતંત્ર કેવી ગુંગળામણ અનુભવે એની કલ્પના કરી જુઓ. કોવીડના બીજાં મોજાં વખતે બન્યું હતું એમ ઓક્સીજનની સપ્લાઈ જ બંધ કરી દેવાની. જજો હોય તો કોઈ તમારી રાવ સાંભળશે ને!
પ્રમાણ જોઈએ છે? સૌથી મોટી ટાર્ગેટ કલકત્તાની વડી અદાલત છે, કારણ કે તે કોલકત્તામાં છે. બંગાળમાં ગજ વાગતો નથી એ તો તમે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જોઈ લીધું. કલકત્તાની વડી અદાલત માટે ૭૨ જજોની નિમણૂક (sanctioned strength) કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૧ જજો છે અને ૪૧ જગ્યા ખાલી છે. ૭૧ જજોનું કામ ૩૧ જજોએ કરવું પડે છે. કોલકતામાં અડધા કરતાં વધુ અદાલત ખાલી પડી છે. બીજો મોટો ટાર્ગેટ દિલ્હીની વડી અદાલત છે, કારણ કે એ દિલ્હીમાં છે. દિલ્હીની વડી અદાલતમાં કુલ ૬૦ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૦ જજો છે. ૩૦ જગ્યા ખાલી પડી છે જેને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારથી ભરવામાં આવતી નથી. દિલ્હીની અડધી અદાલત ખાલી પડી છે. ત્રીજી ટાર્ગેટ અલ્હાબાદની વડી અદાલત છે અને એનું કારણ પણ દેખીતું છે. ત્યાં બી.જે.પી.નો સૌથી મોટો રાજકીય દાવ લાગેલો છે અને ઉપરથી મુખ્ય પ્રધાન તુંડમિજાજી તેમ જ આવડત વિનાનો ફૂહડ છે. અલ્હાબાદની વડી અદાલતને કુલ ૧૬૦ જજો ફાળવવામાં આવ્યા છે અને અત્યારે તેની પાસે ૯૪ જજો છે અને ૬૬ જગ્યા ખાલી પડી છે. એ પછી ગુજરાતની વડી અદાલત ટાર્ગેટ છે, કારણ કે ગુજરાતમાં પણ શાસનનાં નામે મીંડું છે. ગુજરાતની વડી અદાલતને બાવન જજો ફાળવવામાં આવ્યા છે, પણ અત્યારે તેની પાસે ૨૮ જજો છે અને ૨૪ જગ્યા ખાલી છે.
આ વિગત પહેલી ઓગસ્ટ ૨૦૨૧ની છે અને તે ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. કુલ મળીને ભારતની ૨૫ વડી અદાલતોમાં ૧,૦૯૮ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને તેની સામે ૬૪૩ જજો કામ કરે છે અને ૪૫૫ જગ્યાઓ ખાલી પડી છે. લગભગ ૪૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે અને તેને ચાહી કરીને ભરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતની સ્થિતિ થોડીક સારી છે. સર્વોચ્ચ અદાલતને ૩૪ જજો ફાળવવામાં આવ્યા છે, ૨૬ જજો કામ કરે છે અને આઠ જગ્યા ખાલી પડી છે. એને પણ કદાચ અડધોઅડધ ખાલી કરી નાખવામાં આવશે. ઉપર કહ્યું એમ ન રહે બાંસ ન બજે બાંસુરી.
ન્યાયતંત્ર ગુંગળામણ અનુભવે એ સ્વાભાવિક છે. તમને યાદ હશે કે ૨૦૧૬માં એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર એક સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને આજીજી કરી હતી કે મહેરબાની કરીને ન્યાયતંત્રને બચાવો. અમારી પાસે જજો નથી અને ન્યાયતંત્ર તૂટી પડવાની સ્થિતિમાં છે. વડા પ્રધાને તેમના ભાષણમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીડાનો ઉલ્લેખ સુદ્ધા નહોતો કર્યો, પ્રતિસાદ તો દૂરની વાત છે. એ ક્લીપ તમે યુ ટ્યુબ ઉપર જોઈ શકો છો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રડે અને વડા પ્રધાન મોઢું ફેરવી લે? પણ એ ક્યાં નવી વાત છે. આવું તો કોવીડના બીજા વેવ વખતે પણ જોવા મળ્યું હતું અને એ પહેલાં અનેક વાર જોયું છે.
હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને હૃષીકેશ રોયે હૈયાવરાળ કાઢી છે. એક કેસમાં સુનાવણી દરમ્યાન આ બે જજોએ કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની કોલેજિયમે વડી અદાલતોમાં જજોની નિમણૂકો માટે નામ મોકલ્યાં છે, પણ કેન્દ્ર સરકાર ભરતી જ નથી કરતી. તેમણે કેન્દ્ર સરકારના વલણને થાય એ કરી લો એવા ઉદ્દંડ (recalcitrant attitude) તરીકે ઓળખાવ્યું છે. આ પહેલાં ૨૦મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની બેન્ચે સરકારને જજોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો અને તે માટે ૧૮ અઠવાડિયાનો સમય આપ્યો હતો. મુદ્દતના ૧૬ અઠવાડિયા વીતી ગયાં છે, પણ નિમણૂકો કરવામાં આવતી નથી. માટે જજોએ સરકારના વલણને તુંડમિજાજી ઉદ્દંડ તરીકે ઓળખાવ્યું છે. ન્યાયમૂર્તિ કૌલે જૂના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે તેઓ દાયકા પહેલા દિલ્હીની વડી અદાલતમાં જજ તરીકે જોડાયા ત્યારે દિલ્હીની વડી અદાલતમાં જજોની કુલ સંખ્યા ૩૩ જજોની હતી અને તેઓ ૩૨મા ક્રમે હતા.
હવે બે વાત ભક્તરાજને કહેવાની રહે છે. વિદેશી કંપનીઓ ભારતમાં નાણાંનું રોકાણ કરતી વખતે શરત મૂકે કે જો કોઈ મતભેદ કે ઝઘડો થાય તો ખટલો અમારા દેશની અદાલતમાં ચાલશે, ભારતની અદાલતમાં નહીં, કારણ કે ભારતમાં ટાણાસર ન્યાય મળતો નથી, ત્યારે તમે પોરસાશો કે શરમ અનુભવશો? આ છે તમારો દેશપ્રેમ? આવું બની રહ્યું છે. અને બીજું, કાલે તમને ન્યાય જોતો હશે ત્યારે તમે કોની પાસે જશો? કલ્પના કરો કે તમારી સાથે ભયંકર ખોટું થયું હોય, તમારી આંતરડી ન્યાય માટે કકળતી હોય અને સામે ન્યાય તો બાજુએ રહ્યો ન્યાયતંત્ર સાંભળવાની સ્થિતિમાં પણ ન હોય! કલ્પના કરી જુઓ. આ શક્ય છે, કારણ કે તમે એક સામર્થ્યહિન અદના નાગરિક છો. તાળીઓ પાડતા પહેલાં અને સીટીઓ વગાડતા પહેલાં પોતાનું હિત તો જુઓ! કંઈ નહીં તો તમારા સંતાનોને તો સુરક્ષિત ભવિષ્ય આપતા જાવ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑગસ્ટ 2021
![]()


આઝાદી પછીની પહેલી પચ્ચીસી આવતા દેશની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. તે જ અરસામાં દેશના નામાંકિત અર્થશાસ્ત્રીઓએ તદ્દન ગરીબીમાં જીવનારાઓની દેશની વસતીનો અંદાજ ૬૦ ટકા ઉપર મૂક્યો હતો. ૧૯૬૭ પછી તો દેશને ખાવા માટે અનાજની પણ આયાત કરવી પડેલી. હરિત ક્રાંતિ શરૂ થયી હતી, પરંતુ તેનાં પરિણામો વ્યાપક સ્તર પર મળે તેમાં હજી ઘણી વાર હતી. ગાંધીજીના ગ્રામ સ્વરાજની વાત તો કોરાણે મૂકાઈ ગયેલી. અલબત્ત, વિનોબાએ ભૂદાનની ચળવળ ચલાવી એક નવી ક્રાંતિ સર્જી હતી પણ તેના વ્યાપક સ્તરે મંગલકારી પરિણામો આવે તેવું કંઈ બન્યું નહીં અને કૃષિ ક્ષેત્રે વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાના કોઈ નવા કીર્તિમાનો સ્થપાયા નહીં. પરંતુ આઝાદીની થોડાં વરસો પહેલાં અને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં જન્મેલા ગાંધી, સરદાર, સુભાષ અને આંબેડકરના જીવન અને કવનથી પ્રેરણા પામેલા કઈંક યુવાઓ દેશની પરિસ્થિતિથી વ્યથિત થઈ તેમાં પાયાથી ફેરેફાર કરવા થનગની રહ્યા હતા. ૧૯૭૩ – ૭૬ના અરસામાં ગાંધીયુગના નેતા જયપ્રકાશ નારાયણે આ થનગની રહેલા યુવાનોને દિશા ચીંધી સંપૂર્ણ ક્રાંતિના આંદોલનમાં જોડાવા હાકલ કરી હતી. હજારો યુવાઓ જોડાયા. જે.પી. આંદોલનની પ્રક્રિયામાં છાત્ર-યુવા સંઘર્ષ વાહિનીની રચના કરવામાં આવી હતી. સમય જતાં તે પૈકી કેટલાક પક્ષીય રાજકારણમાં સક્રિય થયા. થોડીક વ્યક્તિઓ કેંદ્ર સરકારમાં પ્રધાન બન્યા અને રાજ્યમાં મુખ્ય પ્રધાન પણ બન્યા. કેટલાક લોકોએ લોકો તરફ જ રહીને અધિકાર અને ન્યાય મેળવવા સતત પ્રયાસ કર્યો અને એ પ્રક્રિયામાં રાજ્ય સામે સંઘર્ષ પણ કર્યા. આ હરોળમાં એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલોપ્મેન્ટ (આર્ચ) પરિવારનાં રશ્મિ, તૃપ્તિ, અંબરીષ, રાજેશ અને આ લેખક આવે જેઓ વાહિનીના પહેલેથી જ સદસ્યો હતાં.
કઈ રીતે બન્યો, એના તડકા-છાયા, સફળતા-નિષ્ફળતા, માન-અપમાનની વાત ‘હું આ રીતે જોડાઈ’-થી શરૂ કરી ‘આપણે આમ કર્યું’ ‘આવું થયું’ના ભાવમાં જાણે એક કથા કહી રહી છે. આખા ય લખાણમાં હું અને હુંપણું બહુ જ ઓછું છે અને અનિવાર્યપણે જ પ્રગટે છે.
બીક ભાગે છે અને સત્ય ટકે છે તે વાત સરસ રીતે મૂકાઈ છે. રેલી અને ધરણાઓની નોબત વનવિભાગ કોર્ટ દ્વારા મળેલા હુકમોનું પણ અનાદર કરી ગામોમાં મનસ્વી રીતે વરતે છે ત્યારે આવે છે અને આ તમામ દેખાવોમાં અને રેલીઓમાં કાંકરીચાળો પણ ન થાય તે અનુશાસન અને પાલન થાય છે ત્યારે પોલીસ પાસેથી પણ ચાહના મેળવે છે તે પણ આ વાર્તામાં જોઈ શકાય છે. ચૂંટાયેલા રાજકારણીઓ અને લોક્સેવકો પણ ત્રાહિત લોકોને રક્ષણ આપતા શું રમતો રમે છે તેનો કિસ્સો પણ બહુ બોધદાયક છે. સરકાર અને વનવિભાગ કઈ રીતે લોકોના અસ્તિત્વને ગણકાર્યા વગર વિકાસની વિશાલકાય યોજનાઓ બનાવી તેની પર્યાવરણીય નકારાત્મક આડ અસરોને ખાળવા સંરક્ષણના પગલાં લે ત્યારે લોકો પર તેની શું અસર થાય છે તે તરફ કેટલા બેદરકાર હોય છે તેની વાર્તા પણ પહેલા ભાગના એક પ્રકરણમાં મળે છે. નર્મદા બંધના કારણે ડૂબમાં જતી વનરાજી સામે નવીન વનીકરણ કરવાને બદલે દેડિયાપાડાના મોટા જંગલ વિસ્તારોને અભયારણ્યમાં ફેરવી નાખે છે અને એ બાબતમાં આ વનાધારિત કુટુંબો જેઓ ત્યાં માંડ રળી ખાય છે તેમેને માહિતગાર પણ કરતા નથી. અભયારણ્યમાં વનસંરક્ષણ એટલું કડકાઈથી થાય છે કે કોઈ ઘાસ-પાંદડાં પણ પરવાનગી વગર ખસેડી ન શકે. વનવિભાગ આ કાયદા હેઠળ લોકોને નવેસરથી દમે છે. પાઠકો માટે બે બાબતો ધ્યાન આપવા લાયક છે. એક, લોકોનું સંગઠન લેખિકાના નેતૃત્વમાં કઈ રીતે કોર્ટ અને રૅલીના સહારે ખેડાણ હક ટકાવી રાખે છે. બીજું, વાડ ચીભડા ગળેના ન્યાયે વનવિભાગ અભયારણ્યના વાંસ કઈ રીતે કાગળની મિલને જૂના કરારના આધારે માત્ર આપવાનું ચાલુ રાખે છે તેટલું જ નહીં પણ વાંસનો તમામ જથ્થો બેદરકારી આડેધડ કપાવી આપી દેવા માગે છે. આ રસ જગાવતી વાર્તા વાંસ પુરાણમાં (પ્રકરણ ૧૩) વાંચવા મળશે. આ પ્રકરણ વાંચતા અનાયાસે સ્વામી આનંદે લખેલું ચરિત્રચિત્રણ મહાદેવથી મોટેરા માં રેલવે પુરાણની યાદ અપાવી જાય છે. આઝાદ ભારતના સત્તાના અહંકારમાં રાચતા અમલદારો ગુલામ ભારતના અંગ્રેજ અમલદારોને પણ પાછા મૂકે એવા કૃત્યો કરતા દેખાય છે. વરસોથી જંગલની જમીન પર ખેતી કરતા ખેડુઓના બળદ કબજામાં લઈ બંધ કરી દે અને સંગઠનથી બળ પામેલા ખેડૂતો એને છોડાવા જાય એવા એક બનાવમાં લેખિકા પોતે વનવિભાગની કચેરીથી છોડાવી લાવેલાં. વિભાગે થોડા દિવસ રહી બળદ ચોરીનો કેસ કરી એમને એક દિવસ ન્યાયિક હિરાસતમાં રહેવાને ફરજ પાડેલી! ખેડા સત્યાગ્રહના ‘ડુંગળીચોર’ની માફ્ક આઝાદ ભારતની આ મહિલા સત્યાગ્રહી ‘બળદચોર’ બને છે. રાજ્યસત્તાની રીતભાતો સરખી – ગોરા સાહેબ હોય કે કાલા સાહેબ. આવી ઘટનાઓની અસર એવી પડી કે ‘આ તુક્તાબેન જરા પણ બીવે નહીં અને આપણા માટે જેલ હો જાય’ તો આપણે શું બીવાનું? સત્યની લડતમાં નિર્ભય થવું જરૂરી અને જાત પર સહન કરવાનું જરૂરી તો જ સત્યાગ્રહ થાય અને સામેવાળા પર અસર થાય. ગાંધીજીની આ જ શીખ અને તેનો પ્રતાપ દેડિયાપાડાના આદિવાસીઓના સંઘર્ષમાં જોવા મળે છે.