આઝાદ ભારતના ૭૫માં વર્ષમાં આવેલી ગાંધીજયંતી નિમિત્તે લોકભારતી સણોસરા ખાતે ‘ગાંધી ચિત્રકથા’ નામના સુંદર પુસ્તકનું વિમોચન થયું. ગાંધીશતાબ્દી વર્ષે પ્રકાશિત થયેલા આ પુસ્તકને સાર્ધ શતાબ્દી નિમિત્તે નવા રૂપેરંગે અને નવ ભાષાઓમાં પુન: પ્રકાશિત કરવામાં આવ્યું. તેનાં ચિત્રો અને લેખન સરલાદેવી મઝુમદાર નામનાં સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યાં છે.
સરલાદેવીનાં પરિવારજનોની ઇચ્છા એવી કે આ નવે પુસ્તકોનું વિમોચન, એમના જ શબ્દોમાં ‘નાનાભાઈ ભટ્ટ, મૂળશંકરભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા ગાંધીવિચારને વરેલા વડીલો દ્વારા સ્થાપિત અને વિકસિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય ગાંધીવિચાર અનુશીલન કેન્દ્રમાં’ થાય. લોકભારતીએ પ્રસન્નતાપૂર્વક આ શુભ ભાવનાને વધાવી લીધી અને મુંબઈ – વલ્લભવિદ્યાનગરથી આવેલાં સરલાદેવીના પરિવારજનો તેમ જ પ્રકાશક ભરતભાઈ – કેતનભાઈ રાજ્યગુરુની હાજરીમાં યોજાયેલા એક સાદા, સુંદર, સુઘડ કાર્યક્રમમાં ‘ગાંધી ચિત્રકથા’ પુસ્તકોનું વિમોચન થયું. આ પુસ્તક અને તેની લેખિકા વિશે જાણવું વાચકમિત્રોને ખૂબ ગમશે.
જજ પિતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતાં માને ત્યાં 1911માં સરલાદેવી મઝુમદારનો જન્મ. શિક્ષિત – સંપન્ન પરિવારમાં થયેલો ઉછેર અને ગાંધીઊર્જાથી ભરેલાં વાતાવરણને પરિણામે તેમનામાં નાની વયથી જ ઉચ્ચ મૂલ્યો અને દેશભક્તિ કેળવાયાં.
સરલાદેવીને જન્મજાત કલાકાર કહી શકાય. 13મા વર્ષે ‘કુમાર’ની રંગોળીસ્પર્ધામાં વિજેતા થયાં. એ વખતે ‘કુમાર’ના તંત્રી કલાગુરુ રવિશંકર રાવળ હતા. કોઈ ઔપચારિક શિક્ષણ વગર 16મા વર્ષે એમણે ઑલ ગુજરાત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને સર્ટિફિકેટ ઑફ મેરિટ મેળવ્યું. ગ્રેજ્યુએશન પછી ચિત્રનું ઔપચારિક શિક્ષણ મેળવવા તેઓ કર્વે યુનિવર્સિટી(અત્યારની એસ.એન.ડી.ટી.)માં દાખલ થયાં અને ચિત્રમાં પ્રોફિશ્યન્સી ઈન આર્ટસ – અનુસ્નાતક સ્તરની ડિગ્રી મેળવી.
1935માં સરલાદેવીનાં લગ્ન ઈંગ્લૅન્ડમાં ભણેલા અને નારીસ્વાતંત્ર્યના પુરસ્કર્તા એવા પુરેન્દ્ર મઝુમદાર સાથે થયાં. લગ્ન પછી એમણે જે.જે. સ્કૂલ ઑફ આર્ટસમાંથી ગવર્નમેન્ટ ડિપ્લોમા લીધો. એ વખતે ત્યાં મિ. વિલિયમ એવર્ટ ગ્લૅડસ્ટોન સોલોમન નામના ખૂબ કાબેલ ગણાતા પ્રિન્સીપાલ હતા. એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરલાદેવીએ કરેલાં ચિત્રો જોઈ તેઓ એટલા પ્રસન્ન થયા કે સીધો ત્રીજા વર્ષમાં પ્રવેશ આપ્યો. સુપ્રસિદ્ધ ચિત્રકાર જગન્નાથ મુરલીધર અહિવાસીના હાથ નીચે તૈયાર થઈ સરલાદેવીએ ડિપ્લોમા અને બૉમ્બે આર્ટ સોસાયટીનું સર્ટિફિકેટ ઑફ મેરિટ બન્ને મેળવ્યાં. આ ગાળામાં તેમણે રામાયણ, શિવમહિમ્નસ્તોત્ર, બાળકૃષ્ણલીલા વગેરે વિષયો પર ચિત્રો કર્યાં. સાથે ગુજરાતી અને મરાઠી સામયિકો માટે પણ ચિત્રો બનાવ્યાં.
દેશ મહાત્મા ગાંધી પ્રેરિત આંદોલનોની ઊર્જાથી ધબકતો હતો. સરલાદેવીના મોસાળમાંથી ઘણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેતા હતા. સરલાદેવીએ પણ ઝંપલાવ્યું, દેશનાં કામોમાં સક્રિય થયાં અને જેલ પણ ભોગવી. એ પછી તેમણે ગ્રામસેવા શરૂ કરી. થોડાં વર્ષ મુંબઈ નજીકના નાના ગામમાં કામ કર્યું. સ્વતંત્રતા મળ્યા પછી ભરૂચ જિલ્લાના સુણેવ ખુર્દ ગામમાં મકાન બાંધીને ત્યાં સેવાપ્રવૃત્તિઓ શરૂ કરી.
કલાપ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. કરાડીના ગાંધી સ્મૃતિ ભવન માટે વાઈસરૉય લૉર્ડ અરવિનને પત્ર લખતા ગાંધીજીનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવી આપ્યું હતું. જે થોડાં વર્ષ ફૉર્ટ, મુંબઈના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં મુકાઈ અત્યારે એમના કાયમી પ્રદર્શનમાં છે. સાબરમતી આશ્રમનું મહાદેવભાઈ દેસાઈનું લાઈફસાઈઝ પૉટ્રેટ સરલાદેવીએ બનાવ્યું છે.
સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દી નિમિત્તે બહાર પડેલું ‘બાળકોના વિવેકાનંદ’ પુસ્તક જોઈ સરલાદેવીને આવું જ એક પુસ્તક મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી નિમિત્તે તૈયાર કરવાનો વિચાર આવ્યો. તેઓ સાબરમતી આશ્રમમાં લગભગ આખું વર્ષ રહ્યાં અને ચિત્રો, પુસ્તકોનો અભ્યાસ કરીને વૉટર કલરમાં 27 ચિત્રોની ગાંધી ચિત્રકથા રચી. એ પેઢીનાં બાળકોએ ગાંધીજીને જોયા ન હોય. દેશ અને દુનિયા પર તેમનો જે જાદુ છવાયો હતો, તેનો પણ એમને ખ્યાલ ન હોય. ગાંધીજીના સદ્દગુણો બાળકોનાં હૃદયમાં ઊતરે એ માટે સરલાબહેને ગાંધીજીવનમાંથી એવા પ્રસંગો પસંદ કર્યા જેમાં સત્ય, પ્રેમ, કરુણા, અભય આદિ મૂળભૂત ગુણો પ્રગટ થતા હોય. પ્રસંગો સંબંધિત લખાણ પણ પોતે જ તૈયાર કર્યું. પછી આ જ ચિત્રો સુધારા વધારા સાથે ઓઈલ પેઈન્ટમાં બનાવ્યાં.
૧૯૬૮-૬૯ દરમ્યાન ગાંધીશતાબ્દી નિમિત્તે આ પુસ્તકનું પ્રકાશન મુંબઈ ગાંધી સ્મારક નિધિએ કર્યું. એનું બીજું સંસ્કરણ નવભારત પ્રકાશન મંદિરે કર્યું હતું. તેનો અંગ્રેજી અનુવાદ તેમના મામા હેમંતકુમાર નીલકંઠે
કર્યો, જેમણે થોડો સમય ગાંધીજી સાથે વીતાવ્યો હતો અને ગાંધીજીની રોજનીશીના થોડા ભાગનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો હતો. ‘ગાંધી ચિત્રકથા’નો હિન્દી અનુવાદ સરલાદેવીનાં ભાભી કુરંગીબહેન દેસાઈ (કવિ નરસિંહરાવ દિવેટિયાનાં દોહિત્રી કવયિત્રી મનોજ્ઞા દેસાઈ અને પ્રણવ દેસાઈનાં મા) અને તેમનાં બહેન ચિત્રાબહેન દેસાઈએ કર્યો હતો. આ બંને બહેનોએ નારાયણભાઈ દેસાઈના પુસ્તક ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ના અનુક્રમે હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ કર્યા છે. કુરંગીબહેનનાં મા લવંગિકાબહેને એ જમાનામાં ગ્રીક ટ્રેજેડી પર એક પુસ્તક લખ્યું હતું.
‘ગાંધી ચિત્રકથા’ના મરાઠી, તમિળ, તેલુગુ અને મલયાલમ અનુવાદો જે તે રાજ્યોની ‘ગાંધી સ્મારક નિધિ’ઓએ કરાવ્યા. હવે તેના કન્નડ, બંગાળી, અસમિયા અને પંજાબી અનુવાદો પણ ઉપલબ્ધ છે. અમેરિકામાં ગાંધીજીના પગલે અશ્વેતોના અધિકાર માટે અહિંસક ચળવળ ચલાવનાર ડૉ. માર્ટીન લ્યુથર કિંગ જૂનિયરનાં પત્ની કોરેટા કિંગના હાથે આ પુસ્તકના અંગ્રેજી અનુવાદનું લોકાર્પણ થયું હતું.
ગાંધીશતાબ્દી દરમ્યાન થતાં ચિત્રપ્રદર્શનોમાં તેમનાં ચિત્રો મુકાતાં અને કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, સ્વામી ચિન્મયાનંદ જેવા મહાનુભાવો સહિત ઘણા લોકો તેનો લાભ લેતા. ગુજરાતના સર્વોદય મેળાઓમાં પણ એમનાં ચિત્રો મુકાતાં.
૧૯૭૫ – આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ નિમિત્તે સરલાદેવીએ ઉપનિષદકાળથી લઈ તત્કાલીન સમય સુધીના કાલખંડ દરમ્યાન પ્રસિદ્ધ થયેલી મહિલાઓનાં ચિત્રો કર્યાં. આ ચિત્રો ટૂંકાં લખાણો સાથે અનેક જગ્યાએ પ્રદર્શિત થયાં. આવનારી પેઢીઓ માટે કલા અને જીવનનો ભવ્ય વારસો મૂકી 2001માં સરલાદેવી મઝુમદારે ચિરવિદાય લીધી.
વધતી જતી હિંસાનો પ્રતિકાર કેમ કરવો એ એક મોટી સમસ્યા આજે બધા દેશોને મૂંઝવી રહી છે. તે સાથે ગ્લોબલ વોર્મિંગ, કુદરતી આફતો અને કોવિડ – ૧૯ જેવી મહામારીએ વિશ્વને ઘેર્યું છે. સૌ પોતપોતાની રીતે પોતાની જીવનશૈલી અંગે સભાન થઈ રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધીના જીવન, કાર્ય અને વિચારોનું ફરી એક વાર અવલોકન કરવા જેવું છે.
એક રસપ્રદ વાત – આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે આઠેક વર્ષના એક બાળકે બાપુને ગોળી વાગી રહી છે એવું ચિત્ર જોઈ દુ:ખી થઈને સરલાદેવીને એ ચિત્ર કાઢી નાખવા કહ્યું. સરલાદેવીને ખ્યાલ આવ્યો કે એક સાદા ચિત્રથી પણ બાળકના મન પર કેવી અસર થઈ શકે છે. તેમણે તરત એ ચિત્રને દૂર કર્યું.
બીજી એક રસપ્રદ વાત. વિદેશમાં પણ ગાંધી વિચારનો પ્રચાર કરતી સંસ્થાઓ છે. તેવી એક અમેરિકા, કેનેડા સ્થિત સંસ્થાનો ૨૦૧૯માં સંપર્ક કરીને આ પુસ્તકની નવી આવૃત્તિ વિષે તેમને જાણકારી આપી તેના જવાબમાં તેમણે તેમની લાઈબ્રેરીમાં રહેલી ૫૦ વર્ષ જૂની ‘ગાંધી ચિત્રકથા’નો ફોટોગ્રાફ મોકલી આપ્યો. આમ આ પુસ્તકની પરદેશમાં પણ નોંધ લેવાઈ હતી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઑક્ટોબર 2021
![]()


ભારતની પ્રાથમિક શાળાના બાળકોને પૂરક પોષણ પૂરું પાડતી મધ્યાહ્ન ભોજન યોજના હવે પી.એમ. પોષણ યોજના કહેવાશે! કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ના પાંચ વરસ માટે મધ્યાહ્ન ભોજન યોજનાને નવા નામે અને નવા રૂપે અમલી બનાવવા મંજૂરી આપી છે.
એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા હતા. એ કાયદાકીય જવાબદાર રાજ્યતંત્રની ઢાલનો લાભ લઈને બ્રિટનમાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં વધારે સલામતી છે, એવી એક સમજ ત્યારે પ્રવર્તતી હતી અને તેનો કેટલાક લોકો લાભ પણ લેતા હતા. સાવરકરે તો શ્યામજી કૃષ્ણવર્મા ઉપરના એક પત્રમાં લોકમાન્ય તિલકને એમ કહેતા ટાંક્યા છે કે, ‘ઇગ્લેન્ડમાં આચાર, વિચાર અને પ્રચારના ક્ષેત્રે પ્રવર્તતા સ્વતંત્ર વાતાવરણની જે અનુકૂળતા તમને છે એવી સ્વતંત્રતા અમને અહીં મળે એવી કોઈ શક્યતા નથી.’ (સમગ્ર સાવરકર વાંગ્મય, ખંડ ૧, પૃષ્ઠ, ૩૨૫)
અંધકારથી ભરેલું હતું, ત્યારે અભિનવ ભારતના તેજોપુંજનો અકસ્માત ઉદય થયો હતો. અકાળે અરુણોદય થાય એવી ઘટના બની. એ જોઇને લોકો આભા બની ગયા. એ લોકો (ભારતના પ્રસ્થાપિત નેતાઓ) જ્યારે અંગ્રેજ સરકાર પાસે પાછલા પ્રહરની યાચક અવસ્થામાં જે તે માગણીઓ કરતા હતા ત્યારે અચાનક સંપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો સૂર્યોદય થયો અને નિંદ્રાગ્રસ્ત જનતા અરુણોદય જોઇને આભી બની ગઈ તો એમાં કોઈ આશ્ચર્યની વાત નહોતી. સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સશસ્ત્ર ક્રાંતિયુદ્ધ એ જ એક માત્ર અને અનિવાર્ય સાધન છે એવું વગાડીને કહેનારા અને એ સારુ શત્રુના અને પોતાનાં પ્રાણની પરવા નહીં કરનારા માથાફરેલ તરુણને શાણાઓ જોતા રહ્યા. …