લોકશાહીમાં વિરોધ બહુ સહજ ગણાય છે. કેન્દ્રમાં એક પક્ષની સરકાર હોય અને રાજ્યોમાં વિપક્ષની સરકાર હોય એની ભારતમાં નવાઈ નથી. વડા પ્રધાન સામે ઘણાને વાંધા હોય કે ખુદ વડા પ્રધાનનું જ વલણ પક્ષપાતી કેમ ન હોય, જ્યાં પણ સુરક્ષાનો પ્રશ્ન આવે, વડા પ્રધાનની સુરક્ષાને જ અગ્રિમતા આપવાની રહે એ વિષે બીજા કોઈ મતને અવકાશ જ નથી. એ વખતે વડા પ્રધાન આ કે તે પક્ષના છે કે તેમણે અમુક પક્ષ કે વ્યક્તિને અન્યાય કર્યો છે એ યાદ કરીને વડા પ્રધાનની સુરક્ષાને બીજે ક્રમે મુકાય તો તે કેવળ ને કેવળ શરમજનક અને અક્ષમ્ય જ ગણાય. એવું થાય તો જવાબદારો સામે કડક પગલાં એ જ એક માત્ર ઉપાય બાકી બચે છે.
5 જાન્યુઆરીની સવારે ફિરોજપુરમાં રેલી સંબોધવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભટિંડા એરપોર્ટ પર સવારે ઊતર્યા, ત્યારે હવામાન ખરાબ હતું એટલે વાતાવરણ સુધરે તેની થોડી રાહ જોઈને હેલિકોપ્ટરથી ફિરોઝપુર જવાને બદલે બાય રોડ રેલી સુધી પહોંચવાનો નિર્ણય લેવાયો. પોલીસવડા – ડી.જી.પી.એ 140 કિલોમીટરનો માર્ગ કલીયર હોવાનું ગ્રીન સિગ્નલ આપતાં, હુસેનીવાલા શહીદ સ્મારક તરફ વડા પ્રધાનનો કાફલો આગળ વધ્યો. સ્મારક ત્રીસેક કિલોમીટર દૂર હતું ત્યારે એક ફ્લાય ઓવર પર રસાલો પહોંચ્યો ને ખબર પડી કે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરવા આગળનો માર્ગ બ્લોક કરી દીધો છે. ફ્લાય ઓવર પર સ્થિતિ એવી થઈ કે ન આગળ જવાય કે ન પાછા અવાય. વીસેક મિનિટ સુધી વડા પ્રધાન ફસાયેલી હાલતમાં રહ્યા. પછી લાગ્યું કે રેલી સંબોધી શકાય એમ જ નથી તો વડા પ્રધાન ભટિંડા પાછા ફર્યા ને એરપોર્ટ પર સંબંધિત અધિકારીને કહ્યું કે તમારા મુખ્ય મંત્રીનો આભાર માનજો કે હું જીવતો પાછો જાઉં છું. પ્રધાન મંત્રીના આ ટોણામાં આનંદ નથી તે કહેવાની જરૂર નથી.
સ્વતંત્રતાના 75 વર્ષોમાં કોઈ વડા પ્રધાન તેમનો નિર્ધારિત કાર્યક્રમ પૂરો કર્યાં વિના પાછા ફરે એવી આ પહેલી ઘટના છે. ભા.જ.પ. આ ઘટનાને લઈને પંજાબ કાઁગ્રસી સરકારને માથે માછલાં ધૂએ છે, તો કાઁગ્રેસ એવું કૂટે છે કે રેલીમાં લોકો જ આવ્યાં ન હતાં એટલે સુરક્ષાનો મુદ્દો આગળ કરીને ભા.જ.પ. પોતાની નબળાઈ ઢાંકે છે. પોતાનાં ખાતાં જોડે કોઈ જ લેવાદેવા વગર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરે છે કે પંજાબની કાઁગ્રેસી સરકાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનું એ કાવતરું હતું. ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ પંજાબના મુખ્ય મંત્રી ચરણજિત ચન્નીએ બેદરકારી દાખવી હોવાનું કહીને તેમણે ફોન પણ એટેન્ડ કરવાની જવાબદારી નિભાવી નથી એવો આરોપ મૂક્યો છે, તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પંજાબ સરકારને જવાબદારો સામે પગલાં ભરવાની તાકીદ પણ કરી છે. આમાં ભા.જ.પ. રાજકીય રોટલા શેકતું હોય તો પણ કે પંજાબમાં કાઁગ્રેસી સરકાર વિરુદ્ધ લોકમત કેળવવાનો છૂપો ઇરાદો હોય તો પણ, વડા પ્રધાને કાર્યક્રમ પૂરો કર્યા વગર પાછા ફરવું પડ્યું હોય એવું પંજાબમાં બન્યું છે તે હકીકત છે ને વડા પ્રધાન પંજાબના પ્રવાસે હોય ત્યારે તેની આખી સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારની હોઈને, એ વ્યવસ્થા જાળવવામાં પંજાબ સરકાર ધરાર નિષ્ફળ ગઈ છે એની ના પાડી શકાશે નહીં.
એવે વખતે પંજાબના મુખ્ય મંત્રી એમ કહે કે વડા પ્રધાને એકાએક રૂટ બદલ્યો ને એની એમને જાણ ન હતી એમાં મુખ્ય મંત્રીનું ડહાપણ પ્રગટ થતું નથી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ દ્વારા પંજાબ પોલીસને 2 જાન્યુઆરીને રોજ અવગત કરાવવામાં આવે છે કે વાતાવરણ ખરાબ હોય તો રૂટ બદલવાની તૈયારી રાખવાની રહે છે. વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવી પડે તો તેની તૈયારી પણ હોવી ઘટે ને વધારામાં ખેડૂતો રેલીનો વિરોધ કરવાના છે તો તે સંદર્ભે પણ સંભવિત પગલાં વિચારી લેવાના રહે. આટલી માહિતી રાજ્ય સરકારને આપી દેવામાં આવી હોય ને મુખ્ય મંત્રી એમ કહે કે રૂટ બદલાયાની ખબર ન હતી તો તે અક્ષમ્ય છે. ખરેખર તો વડા પ્રધાનના સ્વાગતમાં એરપોર્ટ પર મુખ્ય મંત્રી અથવા તો સંબંધિત રાજ્ય અને પોલીસના વડાએ હાજર રહેવાનો પ્રોટોકોલ છે, પરંતુ આ ઘટનામાં કોઈ સ્વાગત માટે હાજર ન રહ્યું એ પ્રોટોકોલનો ભંગ હતો. એમાં પણ મુખ્ય મંત્રીએ વડા પ્રધાનનું સ્વાગત કરવા ન જઈ શકવામાં કોરોનાનું કારણ આગળ કર્યું ત્યારે હસવાનું થયું. એમણે કહ્યું કે કોઈ નજીકના અધિકારીને કોરોના પોઝિટિવ હતો એટલે સંક્રમણ ન વધે એ કારણે એ એરપોર્ટ ન જઈ શકયા. એ સારું કહેવાય કે મુખ્ય મંત્રીએ એટલી કાળજી લીધી, તો પ્રશ્ન એ થાય કે એમણે વડા પ્રધાને ઓચિંતો રૂટ બદલ્યો એવો ખુલાસો કરવા એ જ ગાળામાં પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? ત્યારે સંક્રમણ ફેલાશે એવી ચિંતા એમને ન થઈ?
વડા પ્રધાન કે રાષ્ટ્રપતિ જેવી વિભૂતિ કોઈ રાજ્યમાં પ્રવાસ કરે ત્યારે સંજોગો બદલાય તે વખતે કેવી રીતે નિર્ણયો લેવા એની ગાઈડલાઇન્સ નક્કી હોય છે. પંજાબમાં પણ સંજોગો બદલાય તો રાજ્યે વૈકલ્પિક વ્યવસ્થા વિચારવાની હતી. હેલિકોપ્ટરથી નહીં જવાય એવું નક્કી થયું તો ડી.જી.પી.એ ભરોસો આપ્યો કે બાય રોડ જઈ શકાશે અને એ માર્ગ ક્લીયર છે. જો એ માર્ગ ક્લિયર હતો તો ખેડૂતો રસ્તો બ્લોક કઇ રીતે કરી શક્યા? જો ખેડૂતો માર્ગ પર આવી જ ગયા હતા તો તેમને ફરજ પરની પોલીસ ખસેડી કેમ ન શકી? એને બદલે એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં પોલીસ ખેડૂતો સાથે ચા પી રહી હોય. એ પણ જવા દઈએ, પણ પોલીસે એક માર્ગ સુરક્ષિત ન જણાય તો બીજો વૈકલ્પિક માર્ગ પણ કલીયર રાખવાનો હોય છે. એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પંજાબ પોલીસ ન કરી શકી એમાં નિર્દોષતા જણાતી નથી, કારણ પંજાબની ચેનલો સવારથી જ ગાઈ વગાડીને ખેડૂતો તમામ માર્ગો પર વિરોધ કરવાના છે તેવું જાહેર કરી ચૂકી હતી, તો પંજાબના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એ વાતથી અજાણ હતા એમ જ માનવું પડે. જો એમને ખબર હોત કે ખેડૂતો રસ્તા રોકશે, તો એમણે રસ્તો ક્લીયર હોવાનું ગ્રીન સિગ્નલ આપ્યું ન હોત ! કે એમણે જાણી જોઈને વડા પ્રધાનના કાફલાને જોખમ તરફ આગળ વધવા દીધો હતો એમ માનવું? એવું હોય તો એ અત્યંત ગંભીર બાબત છે. વડા પ્રધાને પાછા ફરવા યુ-ટર્ન લીધો ત્યારે પણ સામેનો સમાંતર માર્ગ ખાલી હોવો જોઈતો હતો, તેને બદલે ચાલુ કારે પાછા ફરનારને વડા પ્રધાનની કારનો વીડિયો ઉતારી શકાય એવી સગવડ આવી મળી હતી. એક વાત સ્પષ્ટ છે કે કારણો ગમે તે હોય, પણ વડા પ્રધાનની સુરક્ષામાં પંજાબ પોલીસ અને સરકારની ગુનાહિત બેદરકારી ઢાંકી ઢંકાતી નથી.
એ પણ નોંધવા જેવું છે કે વડા પ્રધાન 43 હજાર કરોડના જુદા જુદા પ્રોજેકટોનું લોકાર્પણ કરવાના હતા. એની જાણે જરૂર જ ન હોય એમ પંજાબ સરકાર આ આખા મામલામાં બેફિકરાઈથી વર્તી છે. વડા પ્રધાને આ લોકાર્પણ ભલે રાજકીય હેતુસર કરવા ધાર્યું હોય, તો પણ એનાથી લાભ તો પંજાબની પ્રજાને થવાનો હતો, તો એટલો સ્વાર્થ પણ પંજાબને કેમ નહીં નડ્યો હોય એ નથી સમજાતું. ખેડૂતોનો વિરોધ વાજબી હોય તો ને જો ખરેખર જ એમણે વડા પ્રધાનનો માર્ગ બ્લોક કર્યો હોય તો એ દુર્ભાગ્યપૂર્ણ છે કે ત્રણે કૃષિકાનૂનો વડા પ્રધાને પાછા ખેંચ્યા છતાં એમનું સ્વાગત થવાનું તો દૂર, એમને કાર્યક્રમ સ્થળ સુધી જ ન પહોંચવા દેવાયા. એવું પણ કહેવાય છે કે રોડ બ્લોક કરનારા ખેડૂતો ન હતા. એમ હોય તો એની સ્પષ્ટતા થવી જોઈએ ને ખેડૂતોએ પણ એ સમજવાનું રહે કે એમને નામે બીજા જ ચરી રહ્યા છે. જે જગ્યાએ કાફલો રોકી દેવાયો એનાથી દશેક કિલોમીટર દૂર જ પાકિસ્તાનની સરહદ અડેલી છે. એ ઉપરાંત ત્યાં અનેક હુમલાઓ થઈ ચૂક્યા છે. એ સ્થિતિમાં વડા પ્રધાનને વીસ મિનિટ સુધી ફ્લાય ઓવર પર રોકી રાખવાનું અત્યંત જોખમી હતું. આ જોખમ ખેડૂતોને નામે ચડ્યું છે ને એનો પડઘો ખેડૂતોમાં જ સારો પડ્યો નથી તે દુ:ખદ છે.
એ વીસ મિનિટ દરમિયાન કોઈ આતંકવાદી હુમલો કરી શકતો હતો, આજુબાજુનાં મકાનોમાં છુપાઈને વડા પ્રધાનને કોઈ શૂટ કરી શકતું હતું કે સડક પરના હુમલાવરો પ્રધાન મંત્રીની ગાડી સુધી પહોંચીને કોઈ આપત્તિ ખડી કરી શક્યા હોત. સદ્દભાગ્યે એવું કશું થયું નહીં ને પ્રધાન મંત્રી હેમખેમ દિલ્હી પહોંચી શક્યા એનો હરખ પ્રજા જરૂર કરી શકે, પણ, આ બધામાં પંજાબ સરકાર અને પોલીસની ગુનાહિત બેદરકરી બહાર આવી તે સારું નથી થયું. એ સાથે જ કિસાનોની નારાજગી ઘટી નથી એની પણ નોંધ લેવી ઘટે. કૃષિકાનૂનો પાછા ખેંચાયા, આંદોલન સમેટાયું છતાં પંજાબના ખેડૂતોનો વિરોધ ઘટતો નથી ને રેલીના વિરોધ ઉપરાંત સડક પર પ્રધાન મંત્રીને ઘેરવા સુધીની વાત બને છે એ બતાવે છે કે પંજાબ રાજ્ય, વડા પ્રધાનથી અને કેન્દ્ર સરકારથી એટલું નારાજ છે કે તે સ્વાગત કરવાને બદલે તેમની ઉપેક્ષા ને અપમાન કરવા સુધી જઈ શકે છે. એથી પંજાબનો અહમ્ સંતોષાતો હોય તો ભલે, પણ એ નિમિત્તે રાજ્યની ઘોર બેદરકારી સામે આવી છે ને એના જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે તે સલામતી અંગેના ઘણા ગંભીર પ્રશ્નો ખડા કરે છે. ટૂંકમાં, જે થયું તે સુખદ નથી –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જાન્યુઆરી 2022
![]()


‘The Mighty alone can afford to be merciful and therefore where else can the prodigal son return but to the parental doors of the Government?’ જેને ‘વીર’ તરીકે સ્થાપવામાં આવે છે એ વિનાયક દામોદર સાવરકરની જેલમાંથી છૂટવા માટેની આ કાકલૂદી છે. કાકલૂદીનો આ પત્ર પહેલો નથી, પણ બીજો છે. પહેલો પત્ર તેમણે આંદામાનની જેલમાં પહોંચીને તરત જ લખ્યો હતો જેનો ઉલ્લેખ તેમણે બીજા પત્રમાં કર્યો છે. ના, આ છેલ્લો પત્ર પણ નથી.