આ શ્રેણીમાં હું અસ્તિત્વવાદની ભૂમિકાએ માનવસમ્બન્ધો વિશે, સવિશેષે જાતીય સમ્બન્ધ વિશે – સૅક્સ્યુઅલ રીલેશનશિપ વિશે – એક વિસ્તૃત ચર્ચા શરૂ કરું છું.
ભારતીય પરમ્પરામાં રજનીશ – ઓશો – ઇત્યાદિ દાર્શનિકોએ જાતીયતાને અધ્યાત્મમાર્ગનું અનુત્તમ સાધન ગણીને તેનું ઘણું ગૌરવ કર્યું છે. જાણીતું છે કે ઓશોએ તો સમ્ભોગને સમાધિ સાથે જોડીને પોતાના એ દર્શનની ચરમ સીમા દર્શાવી છે.
મનુષ્યના અધ્યાત્મજીવનના એ દાર્શનિકો એમની જગ્યાએ બરાબર છે, છતાં એ જાણવું જરૂરી છે કે જાતીય જીવનની નરી વાસ્તવિકતા શું છે, તેનું સ્વરૂપ શું છે અને તેની ફળશ્રુતિ શું છે.
મને એ જાણ સાર્ત્રના અસ્તિત્વશીલ દર્શને લાધી છે ને હું તેને કેટલીક વીગતોમાં આ સ્થાને મૂકી રહ્યો છું :
સાર્ત્ર ઇચ્છા – ડીઝાયર – અને જાતીય ઇચ્છા – સૅક્સ્યુઅલ ડીઝાયર – વચ્ચે ફર્ક જુએ છે. હું દાખલો આપું કે કેળું ખાવાની ઇચ્છા અને જાતીય આવેગવશ ચુમ્બન કે આલિંગન કરવાની ઇચ્છામાં ફર્ક છે.
સાર્ત્ર એમ કહે છે કે જાતીય ઇચ્છાને જાતીય અંગાંગો સાથે ઝાઝી લેવાદેવા નથી, જેટલી એને આપણા હોવાપણાની – બીઇન્ગની – અવસ્થાઓ સાથે છે. આપણે માણસો જનમથી માંડીને મરણ લગી જાતીય જીવો – સૅક્સ્યુઅલ બીઇન્ગ્સ – હોઈએ છીએ. તેમ છતાં, જાતીય અંગાંગો આપણી ઇચ્છાઓને સમજી કે સમજાવી શકતાં નથી.
સાર્ત્ર જણાવે છે કે કોઈને આપણે ખાલી મૉજ ખાતર નથી ઇચ્છતા; એટલા માટે પણ નહીં કે જાતીય ઉત્થાનથી મળતા આનન્દનું એ વ્યક્તિ ભાજન છે. સાર્ત્ર જણાવે છે કે આપણે ચેતનાને ઝંખીએ છીએ – વી ડીઝાયર કૉન્સ્યસનેસ.
સામાન્ય ઇચ્છા અને જાતીય ઇચ્છા વચ્ચેનો ફર્ક એટલો સ્પષ્ટ છે કે આપણે કેળું ખાવા માંડીએ ને ખવાઈ જાય એટલે આપણને સંતોષ થઈ જાય; પણ, સામાની ચેતનાને વિશેની આપણી ઝંખના મટી જતી નથી.
આપણે કહીએ છીએ કે ઇચ્છાએ આપણને કબજે કરી નાખ્યાં કે આપણને ડઘાવી દીધાં કે અભિભૂત કરી મેલ્યાં, પણ એવું આપણે ભૂખ વિશે કે તરસ વિશે નથી કહી શકતાં.
સાર્ત્ર જણાવે છે કે તેમ છતાં જાતીય ચેતના મારું સમાધાન તો કરે જ છે – કૉમ્પ્રોમાઇઝિસ મી. ઇચ્છા વડે મારી ચેતના ‘ક્લૉગ્ડ’ થઇ જાય છે – અવરોધાય છે – અથવા એમ કહેવાય કે 'ઇટ ઇન્વેડ્સ અસ', આપણને મ્હાત કરી દે છે. આપણે એને થવા દઇએ કે દાબી દઇએ, પણ કોઇ પણ હિસાબે જાતીય ભૂખ બીજાંઓની હોય એવી મારી નથી હોતી, કેમ કે એ મારા જ ચિત્તને સાંકળી રાખે છે, માત્ર મારા શરીરને નહીં.
સાર્ત્ર દર્શાવે છે કે સમ્ભોગમાં ચેતના રસ્તો દેખાડી દે છે કે આપણે શરીર બની રહીએ. એ દરમ્યાન વ્યક્તિ ઇચ્છે છે કે પાર્ટનર વ્યક્તિ માત્ર હાડમાંસ બની રહે. સાર્ત્ર જણાવે છે કે સામી વ્યક્તિને, અન્યને – અધરને – પંપાળીએ છીએ એટલે અન્યના હાડમાંસ જાગે છે, એમાં જીવ આવે છે. એમ કરીને અન્યમાં ભલે ઇચ્છા જગાડીએ છીએ પણ ત્યારે આપણે પણ આપણા શરીરને શરીર રૂપે અનુભવવા માગીએ છીએ – શરીર કે જેને દુનિયા શરીર કહે છે.

Picture courtesy : GOGRAPH
સાર્ત્ર ચિત્ત અને શરીર વચ્ચે ચાલતા ઇન્ટરપ્લેને – લીલાને – વર્ણવતાં કહે છે કે આપણે સભાન હોઈએ છીએ છતાં, સમ્ભોગ દરમ્યાન પાર્ટનરને નર્યા એના શરીરમાં બદલી નાખવાનું કરીએ છીએ, આપણને પણ આપણે માત્ર શરીર રૂપે જ ઇચ્છીએ છીએ – ભલે ને થોડી વાર માટે.
કોઇ પણ યુગલ વચ્ચે પ્રવર્તતી આ વાસ્તવિકતા છે. એમાંથી 'બીઇન્ગ ઍન્ડ ધ અધર'ને વિશેના – સત અને અન્યને વિશેના – પાયાના પ્રશ્નો ઊભા થાય છે.
સાર્ત્રે પહેલાં તો ‘નોસિયા’ નવલકથા લખેલી, ૧૯૩૮. એ પાયાના પ્રશ્નો એમના મહાન દાર્શનિક ગ્રન્થ ‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં પૂરી નિસબતથી નિરૂપણ પામ્યા છે – ૧૯૪૩. એવું કહેવાય છે કે દર મિનિટે ૨૫૦ શબ્દ વાંચી શકે એ વાચકને એ મહા ગ્રન્થ વાંચતાં ૧૩ કલાક અને ૩૧ મિનિટ લાગે.
એમનું સમગ્રતયા દર્શન એ છે કે, મનુષ્યચિત્ત અને વિશ્વની વસ્તુઓ નહીં પણ ચેતના અને તેનું વિરુદ્ધ જે શૂન્યત્વ છે તેનો અને સતનો – નથિન્ગનેસ અને બીઇન્ગનો – મુદ્દો માનવજીવનમાં હમેશાં પ્રાધાન્ય ભોગવે છે.
નથિન્ગનેસ અને બીઇન્ગ એક દ્વૈત છે. એવું કે જેને કદી પણ નિ:શેષ કરી શકાતું નથી. એમાં, સંસારમાં અસ્તિત્વને પડતાં દુ:ખોની વારતા છે. એ દ્વૈતે પેદા કરેલાં ટેન્શન્સનો માણસ સામનો તો કરે છે, પણ કેવી રીતે? એવો દમ્ભ ઓઢીને કે લોકો વ્યક્તિઓ નથી પણ વસ્તુઓ છે – સબ્જેક્ટ્સ નથી પણ ઑબ્જેક્ટ્સ છે !
સાર્ત્ર એને વંચના કહે છે – બૅડ ફેઇથ. વંચના, કામ અથવા સૅક્સ અને સૅક્સ્યુઆલિટીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમ્ભોગમાં કે જાતીય વ્યવહારોમાં પુરુષ સ્ત્રીને કે સ્ત્રી પુરુષને કોઈ પણ સમયે વસ્તુ ઑબ્જેક્ટ – ગણતાં થઈ જાય છે, એ તો જગજાહેર સત્ય છે.
હવે પછી સમજીશું નથિન્ગનેસ, બીઇન્ગ, ધ અધર, બૅડ ફેઇથ, વગેરે વગેરે.
= = =
(January 23, 2021: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


દેશમાં આઈડિયોલોજીકલ સ્પેસ ઉપલબ્ધ છે અને આઈડિયોલોજીકલ સ્પેસ હંમેશાં પોલિટિકલ સ્પેસ પેદા કરતી હોય છે. ભારતમાં પ્રત્યેક બીજી વ્યક્તિને કાયદાના રાજવાળું, બંધારણીય, સહિયારું, સેક્યુલર, વિકાસલક્ષી, ઊર્ધ્વગામી ભારત જોઈએ છે. તેને ખબર છે કે આવું ભારત સમાજની અંદર કોમી તિરાડો પાડીને ન રચી શકાય, ઊલટું તેને કારણે નુકસાન થાય. કોમવાદી રાજકારણ દ્વારા કેટલીક વ્યક્તિને, વગ ધરાવનાર પ્રજાસમૂહોને, સંગઠનોને કે રાજકીય પક્ષોને સત્તાકીય ફાયદો થાય, દેશના સકળ સમાજને કોઈ ફાયદો ન થાય. એ તો ઇતિહાસ અને અનુભવ બન્ને સાક્ષી પૂરે છે કે સમાજમાં જ્યારે અમન હોય, એકતા હોય, સહયોગ હોય ત્યારે જ જે તે સમાજે વિકાસ હાંસિલ કર્યો છે, અશાંતિ અને વિખવાદની સ્થિતિમાં નહીં.