— અશ્વિન ચંદારાણાએ હોલોકૉસ્ટ (holocaust) એટલે કે બીજા વિશ્વયુદ્ધના કાળમાં નાઝીઓએ ચલાવેલા યાતનસત્ર અને માનવસંહારનાં બે ખૂબ મહત્ત્વનાં હૃદયસ્પર્શી પુસ્તકો ગુજરાતીમાં લાવીને બહુ પ્રસ્તુત યોગદાન આપ્યું છે ——
વડોદરાના અશ્વિન ચંદારાણાને ગુજરાત સાહિત્ય અકાદમીના અનુવાદ માટેના બે વર્ષોના પુરસ્કાર મળ્યા છે.
વર્ષ 2018નો પુરસ્કાર ‘યાતનાઓનું અભયારણ્ય’ પુસ્તક માટેનો છે, જે એક કુષ્ઠરોગી વિશેની નવલકથા Who Walk Alone(1940)નો અનુવાદ છે. કુષ્ઠરોગના નિવારણ અને તેની અંગેની જાગૃતિને સમર્પિત અમેરિકન માનવસેવક પેરી બરજેસે (1886-1962) આ પુસ્તકમાં કુષ્ઠરોગનો સામનો કરનાર એક જીવનવીર નેડ લૅન્ગફોર્ડની કહાણી આલેખી છે. આ નિવૃત્ત સૈનિક રોગનિદાન થયા પછી કુષ્ઠરોગીઓ માટે ફિલિપાઇન્સના ક્યુલિઅન ટાપુ પરની Sanctuary of Sorrow અર્થાત્ યાતનાઓનું અભયારણ્ય તરીકે ઓળખાતી વસાહતનો નિવાસી બને છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કર્યું છે.

વર્ષ 2019ના પુરસ્કાર માટે અશ્વિનભાઈના અનુવાદ ‘ધ પિયાનિસ્ટ’(The Pianist, 1999)ની પસંદગી થઈ છે. મૂળ આ જ નામ ધરાવતું પુસ્તક પોલન્ડના લોકપ્રિય યહૂદી પિયાનોવાદક વ્લાદિસ્લોવ સ્પિલમેને (Władysław Szpilman,1911-2000) પોલીશ ભાષામાં લખેલી સ્મરણકથા છે. હોલોકૉસ્ટની આ પીડાકારક આપવીતી એન્થિઆ બેલના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતીમાં આવી છે.
નાઝી જર્મનીએ સપ્ટેમ્બર 1939માં પોલન્ડ પર કબજો મેળવ્યો. સ્પિલમન અને તેમના પરિવારને દેશના પાટનગર વૉરસોમાં બનેલી યહૂદીઓ માટેની દોજખ સમી વસાહતોમાં – ‘ઘેટ્ટોઝ’માં રહેવાની ફરજ પડી. સમયાંતરે સ્પિલમનનાં મા-બાપ, ભાઈ-બહેનને યહૂદીઓ માટેના ટ્રેબ્લિન્કા ખાતેનાં 'કૉન્સન્ટ્રેશન કૅમ્પ' એટલે કે યાતનાછાવણીમાં મોકલી દેવામાં આવ્યાં, જ્યાં તેઓનાં મોત થયાં. સ્પિલમન બચી ગયા કારણ કે નાઝીઓથી નારાજ અને સંગીતપ્રેમી એવા જર્મન લશ્કરી અધિકારી વિલ્મ હોસેનફિલ્ડે તેમને મદદ કરી. પિયાનોવાદક વૉરસોની વસાહતમાં કાટમાળ અને યહૂદીઓનાં રખડતાં શબો વચ્ચે ભૂખમરો વેઠીને જીવ્યા. યુદ્ધ પૂરું થયા બાદ તેમણે પોતાનાં વીતક પ્રકાશિત કર્યાં જેમાં દિવંગત હોસેનફીલ્ડની ડાયરીનાં ખૂબ વ્યથાપૂર્ણ પાનાંનો પણ સમાવેશ કર્યો. એક સૈનિકે નાઝીઓનાં દુષ્ટતા, અહંકાર અને અત્યાચારનો આપેલો ચિતાર પણ સંગીતકારની આપવીતી જેટલો વિદારક છે. આ લખનારની છાપ એવી છે કે આ પુસ્તક કરતાં તેના પર રોમાન પોલાન્સ્કીએ 2002માં બનાવેલી સાત ઑસ્કર અવૉર્ડ મેળવનારી ફિલ્મ વધુ જાણીતી છે. રાજકીય કર્મશીલ અને સાહિત્ય વિવેચક ભરત મહેતાએ ‘રોચક અનુવાદ’ મથાળા હેઠળની પ્રસ્તાવનામાં નોંધ્યું છે : ‘…આ [નાઝી] માનવસંહાર ધર્મના નામે વિશ્વસત્તા બનવા માટે જર્મનીના ઉગ્ર રાષ્ટ્રઝનૂનનું પરિણામ હતું .. .આ સ્મરણકથાનું ગુજરાતીમાં આવવું અત્યારે ખૂબ પ્રસ્તુત છે … આવી કથાઓ આપણને આપણો સાચો ધર્મ સમજાવવાની કોશિશ કરે છે. તેથી આ કોશિશનું અદકેરું મૂલ્ય છે.’
*****
પૉલન્ડની જ ભૂમિ પરનું, હોલોકૉસ્ટની ક્રૂરતા વર્ણવતું જે બીજું એક મહત્ત્વનું પુસ્તક 'શિન્ડલર્સ લિસ્ટ' (Schindler's List) અશ્વિનભાઈ ચાર વર્ષ પહેલાં ગુજરાતીમાં લાવ્યા છે તે. ઑસ્ટ્રેલિયન સાહિત્યકાર થૉમસ માઇકલ કીનિલી(Keneally)એ લખેલી બુકર અવૉર્ડ વિજેતા 'શિન્ડલર્સ આર્ક' (1982) નવલકથાની અમેરિકન આવૃત્તિનું નામ 'શિન્ડલર્સ લિસ્ટ' છે. આ જ નામે સ્ટીવન સ્પિલબર્ગે 1993માં બનાવેલી હચમચાવી જનારી ફિલ્મને સાત ઍકેડેમી અવૉર્ડ મળ્યા હતા. અહીં ઓસ્કર શિન્ડલર નામના એક વેપારીની માનવતાની કથા માંડી છે. પોલંડમાં ઘૂસેલા લેભાગુ જર્મન વેપારીઓમાંના એક એવા શિન્ડલરે યહૂદીઓની બેફામ હત્યાઓ નજરે નિહાળી, તેનું હૃદયપરિવર્તન થયું અને તેણે જાનના જોખમે પણ તેરસો જેટલા યહૂદીઓને નાઝીઓના હાથે થનારા મોતમાંથી બચાવ્યા. ગુજરાતી પુસ્તકની સરસ અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનામાં જાણીતા વાર્તાકાર કિરીટ દૂધાતે લખી છે. તેઓ ઑસ્ટ્રેલિયન અંગ્રેજીમાં લખાયેલી લાંબી અને હિમ્મત માગી લેતી કૃતિના અશ્વિનભાઈના શબ્દશ: અનુવાદને 'હમ લાયે હૈં તૂફાન સે કશ્તી નિકાલ કે' જેવો ગણાવે છે.
*******
અશ્વિનભાઈ અનુવાદિત ત્રીજી યુદ્ધકથા તે એરિક મારિયા રિમાર્ક (Erich Maria Remarque,1898-1970)ની જર્મન નવલકથા 'ઑલ ક્વાએટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' (1928). પહેલા વિશ્વયુદ્ધમાં હિસ્સો લેવા ગયેલા જર્મન સૈનિકો આત્યંતિક શારિરીક અને માનસિક યાતના ભોગવીને નૉર્મલ જિંદગી જીવવાનું ભૂલી જાય છે તેની વાર્તા અહીં છે. લેખક હજુ તો શાળાએ જતાં કિશોરમાંથી રાતોરાત સૈનિકમાંથી રૂપાંતરિત થઈ ગયેલા, ઓગણીસ વર્ષના ભાવનાશાળી યુવક પૉલ બોમરની આંખે અને તેના મનોજગત દ્વારા યુદ્ધને વર્ણવે છે. 'સાહિત્યની પહેલી સૌથી મોટી યુદ્ધ-વિરોધી નવલકથા'ની સર્વકાલીન અને સમકાલીન પ્રસ્તુતતા ઉઘાડી આપતી પ્રસ્તાવના વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ લખી છે. તે એ પણ નોંધે છે કે અનુવાદ માટે આ કૃતિને 'પસંદ કરવી તે જ એક સાહસનું કામ છે'. વરિષ્ટ રંગકર્મી ઉત્કર્ષ મઝુમદાર 'લાજવાબ અનુવાદ' માટે દાદ આપતાં લખે છે : 'કથામાં જરા ય રસક્ષતિ થતી નથી, કારણ કે એમનું એવું સરસ ભાષાકાર્ય છે.'
અશ્વિનભાઈએ 'ઑલ ક્વાએટ' અનુવાદ અર્પણ કર્યો છે 'માનવજાતના ઇતિહાસની શરૂઆતથી આજ સુધી રાષ્ટ્રનાયકોની અંગત સત્તાલાલસાઓની આપૂર્તિ માટે ખેલાયેલા અનેક યુદ્ધોના નામે, દેશભક્તિ અને રાષ્ટ્રવાદની વેદી ઉપર જેમનાં માથાં બલિ ચડી ચૂક્યાં છે એ વીર શહીદોને'. હૉલોકોસ્ટ પરના બે પુસ્તકો 'વિશ્વયુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયેલાં સાઠ લાખ જેટલાં યહૂદી સ્ત્રી-પુરુષ-બાળકો અને સઘળાં સૈનિકોનાં પરિવારજનોને' અર્પિત છે.
*******
પુસ્તકોનાં અર્પણ અને અનુવાદકના નિવેદન અશ્વિનભાઈની વૈચારિક ભૂમિકા અને રાજકીય સમજનો નિર્દેશ આપે છે. આપણે ત્યાં થતાં સંખ્યાબંધ અનુવાદોની વચ્ચે દેશકાળની સંપ્રજ્ઞતા સાથેના આવા અનુવાદો ઓછાં જોવા મળે છે. બે વિશ્વયુદ્ધો, હોલોકૉસ્ટ, દેશના ભાગલા, ગોધરાકાંડને પગલે થયેલાં કોમી રમખાણો અને લૉકડાઉનને પગલે થયેલું શ્રમજીવીઓનું સ્થળાંતર સહિતની વિભિષિકાઓ ગુજરાતી સાહિત્યમાં, સન્માનનીય અપવાદો બાદ કરતાં, ઓછી જ ઝીલાઈ છે. એવા સંજોગોમાં પણ અશ્વિનભાઈનું દૃષ્ટિપૂર્ણ કામ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
******
અશ્વિનભાઈએ અત્યંત નિષ્ઠાથી શબ્દશ: અનુવાદો કર્યા છે એવું મૂળ સાથે નમૂના-કસોટી કરતાં ધ્યાનમાં આવે છે. શબ્દોની ભાવવાહિતા અને વિશેષનામોના ઉચ્ચારોને ગુજરાતીમાં લખવામાં પણ એકંદરે ચીવટ રાખી છે. લેખક અને પુસ્તક વિશેની માહિતી પૂરી પાડતાં વિગતવાર લેખો પણ મૂક્યાં છે. જો કે શિરમોર છે તે અશ્વિનભાઈ અને તેમના સર્જક જીવનસંગિની મીનક્ષીબહેનનું આ કામ સાથેનું ઉત્કટ જોડાણ. અશ્વિનભાઈ જણાવે છે કે 'યાતનાઓના અભયારણ્ય'ની કહાણીનો ભાર અનુવાદની પ્રક્રિયા દરમિયાન સતત અનુભવાતો રહેતો. નાયક નેડનો એક પત્ર વાંચવામાં દરેક વખતે આંખો ભીની થતી. અનુવાદકે એક કરતાં વધુ વખત એ મતલબની વાત કરી છે કે યુદ્ધકથાઓના અનુવાદ દરમિયાન પુન:વાચન અને પ્રૂફરિડીંગમાં બંનેનું હૃદય ઉદ્વેગથી ભરાઈ આવતું, સામૂહિક હત્યાઓના દૃશ્યોનાં વર્ણનોનાં પ્રૂફ તપાસતાં-તપાસતાં મીનાક્ષીબહેનનું બ્લડ પ્રેશર વધતું, અને એટલા માટે બહેનને કામ અધૂરું મૂકી દેવું પડ્યું. અશ્વિનભાઈને ઝવેરચંદ મેઘાણીની ‘કોઈનો લાડકવાયો’ સતત યાદ આવતી.
આવી ઉદ્વિગ્ન મનોદશામાં એક તબક્કે નિર્ણય લેવો પડ્યો કે ‘હમણાં તો આ યુદ્ધકથાઓ નહીં જ !’ તે પછી ફુરસદના સમયમાં સારાં વાચનની શોધ કરતાં કરતાં હાથ લાગ્યું ટૉલ્સ્ટૉયનું 'What Then Must We Do?' (1899) જેનો નરહરિ પરીખે અને પાંડુરંગ વળામેએ કરેલો ગુજરાતી અનુવાદ 'ત્યારે કરીશું શું ?' (1926). તે સંતોષકારક ન લાગતાં અશ્વિનભાઈએ ગયાં વર્ષે 'તો પછી આપણે કરવું શું ?' પુસ્તક આપ્યું અને અનુવાદના કામે તેમના 'મનને કશીક શાતા' આપી. 'વિશ્વસાહિત્યને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાની' રઢ લઈને બેઠેલાં અશ્વિનભાઈએ એમ. ક્લાર્કના 'સ્ટોરિ ઑફ ટ્રૉય' અને એફ. સ્કૉટ. ફિટ્ઝ્જેરાલ્ડ(F. Scott-Fitzgerald)ની લોકપ્રિય અમેરિકન નવલકથા 'ધ ગ્રેટ ગૅટસબી'(The Great Gatsby, 1925) પણ ગુજરાતીમાં લાવ્યા છે. બાય ધ વે, ઇલેકટ્રિકલ એન્જિનિયર અશ્વિનભાઈ રિલાયન્સમાં એગ્ઝિક્યૂટીવ છે. તેમણે મહેનત અને નિસબત સાથે કરેલું કામ બહોળા વાચકવર્ગ સુધી પહોંચવું જરૂરી છે. બોરિસ પાસ્તરનાકની મહાનવલ ડૉ. ઝિવાગોનો તેમનો અનુવાદ ગુજરાતી સાહિત્ય અકાદમી નજીકના ભવિષ્યમાં પ્રસિદ્ધ કરી રહી છે એવા સમાચાર છે.
ભારતીય જનતા પક્ષના શાસનમાં ધર્મઝનૂન અને ઝનૂની રાષ્ટ્રવાદ ઘરઘરમાં પહોંચી રહ્યો છે. ફાસીવાદના આ સ્વરૂપો કેવી ભીષણ સંહારક ટોચે પહોંચી શકે તે હોલોકૉસ્ટ કથાઓ ગુજરાતી વાચકને હૃદયદ્રાવક રીતે બતાવે છે. પુતિને ચલાવેલી યુક્રેનની તારાજી વાંચતા થોડા દિવસ પહેલાં જ નજર નીચેથી પસાર કરેલી ‘ઑલ ક્વાએટ’ યાદ ન આવે તો જ નવાઈ.
*******
પેરી બરજેસના પુસ્તક સિવાયના અશ્વિન ચંદારાણાનાં અનુવાદ-પુસ્તકો તેમના પોતાના જ સાયુજ્ય પ્રકાશને બહાર પાડ્યાં છે.
સંપર્ક સૂત્ર : 9998003128, 9601257543,
e.mail : chandaranas@gmail.com
(તસવીર કોલાજ : પાર્થ ત્રિવેદી)
27 ફેબ્રુઆરી 2022
![]()


ધર્મ અને રાજકારણના મિશ્રણથી ટૂંકા ગાળા માટે ફાયદો જરૂર થાય છે, પણ બહુમતી કોમને જ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવો એક પણ દાખલો નથી જેમાં લઘુમતી કોમને કોમવાદની હરીફાઈ કરીને ફાયદો થયો હોય. છતાં, ભૂતકાળની એવી નિષ્ફળતાઓમાંથી કશું શીખ્યા વગર મુસ્લિમો બેવકૂફી કરીને એક પછી એક ટ્રેપમાં આવતા જ ગયા છે.
અમદાવાદની વરસગાંઠ અને ગોધરા-અનુગોધરા વીસવરસીના અઠવાડિયામાં બે અક્ષરો પાડી રહ્યો છું ત્યારે થોડા સ્ફુટ વિચારો દોહરાવવાની રજા લઉં છું.
રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે હૉબ્ઝનું ‘લેવિયેથન’ પહેલ પ્રથમ વાંચવાનું થયું એને હવે તો છ દાયકા સહેજે થયા હશે. રાજ્યસંસ્થાના નિર્માણનું જે વાજબીપણું હૉબ્ઝે જોયું છે તે જંગલના કાયદાને સ્થાને વ્યવસ્થા–સંસ્થાપક શાસનરૂપે રજૂ કર્યું છે. શાસન વિનાની સ્થિતિમાં મનુષ્યનું જીવન, હૉબ્ઝના શબ્દોમાં, solitary, nasty, poor, short, brutish છે – એકાંકી, હીણું, દરિદ્રી, અલ્પાયુ, પશુવત્ (કે પાશવી) આ અનવસ્થાનું વારણ રાજ્યસંસ્થા થકી અપેક્ષિત છે. ગોધરા-અનુગોધરા દિવસોમાં રાજ્યસંસ્થા એક ટૂંકાગાળા માટે અંતર્ધ્યાન અનુભવાઈ હતી, તો તે સાથે અનવસ્થાની અનુમોદના કરતી પણ અનુભવાઈ હતી. માટે સ્તો, અગાઉ કહ્યું કે શાસન અને અનુશાસનનો નહીં પણ દુઃશાસન અને નિઃશાસનનો એ અનુભવ હતો.