સિનિયર સિટીઝન્સ આમ પણ ઘરમાં અને દેશમાં બોજ છે. એ વાત તેઓ સારી રીતે જાણે છે. એ એટલા મૂરખ પણ નથી કે કોઈ પતાવે છે કે પટાવે છે તે ન સમજે. સરકારે એમનું ઘણું ભલું કરવું છે, પણ તે હોય ત્યાં સુધી તો શક્ય લાગતું નથી. સરકાર તેમનું ભલું કરવાનાં નાટકો હોલસેલમાં કરતી રહે છે, પણ વૃદ્ધો છેતરાવા તૈયાર હોય છે એટલે સરકાર પણ છેતરવાનો આનંદ લઈ શકે છે. સિનિયર્સ પણ જેમ એમનું ઘરમાં જુદું કઢાતું હોય છે એમ સરકારનું પણ જુદું કાઢે છે. હવે ગાય-કૂતરાનું ને સરકારનું લગભગ ઘણાં ઘરો જુદું કાઢતાં થયાં છે જેથી કોઈ બારણેથી ખાલી પેટે ન જાય. એક જમાનામાં માંગનારાઓ બારણે ટહેલ નાખતા રહેતા, તે હવે સરકાર પાસે જાય છે ને સરકાર અનેક રૂપે સવારથી જ બારણાં ઠોકતી જનતાની સામે હાથ લંબાવતી ઊભી રહી જાય છે. કોર્પોરેશન, વીજળી કંપની ને એવાં તો કૈં કૈં ઉઘરાણી કાઢતાં હાજર થઈ જાય છે. આવકવેરો ભર્યા પછી પણ બિસ્કિટના પેકેટથી માંડીને અનેક વસ્તુઓની ખરીદી પર અને વેચાણ પર એટલી બધી જાતના ટેક્સ લાગે છે કે સાધારણ માણસની આવક એ વેરા ભરવા માટે તો નથી ને એવો વહેમ પડે. ઇન્કમ એટલે જ ટેક્સ એવું સમીકરણ સામાન્ય માણસ માટે સાચું થઈ ગયું છે. એ પણ પ્રશ્ન જ છે કે જેટલા વેરા ભરાય છે તે તો સીધા આવકમાંથી જ કપાય છે તો વેરા, ઇન્કમમાંથી બાદ મળવા પાત્ર ખરા કે કેમ? ખરેખર તો સિનિયર્સને આવકવેરામાંથી કાયમી ધોરણે મુક્તિ આપવી જોઈએ, પણ નાણા મંત્રીએ બધાં ઘરડાંઓની એમ કહીને મશ્કરી કરી હતી કે એમણે રિટર્ન ભરવાનું નથી. એમણે જ્યારે કહ્યું કે 75 ઉપરનાઓએ હવેથી રિટર્ન ફાઇલ કરવાનું નથી, તો ડોસાઓ રાજી થયેલા કે ટેક્સ ભરવામાંથી તેમને મુક્તિ મળી છે, પછી ભોપાળું બહાર આવ્યું કે રિટર્ન ન ભરો તો ચાલે, પણ તે ફોર્મ ન ભરો એટલા પૂરતું જ, બાકી ટેક્સ લાગતો હોય તો, તે પેન્શનરનાં ખાતામાંથી બેન્ક જ કાપી લેશે. ડોસાઓએ એ દિવસે ઉલ્લુ બન્યાનો આનંદ લીધેલો.
આ વૃદ્ધો જે વ્યાજની આવકમાંથી હોજરી ભરવાનું પ્લાનિંગ કરીને બેઠેલા તે પાંચ ટકાનું વ્યાજ પણ ખાઈ ન શકે એવી હાલતમાં અત્યારે જીવે છે, તેમાં ટી.ડી.એસ. કપાય તે દાઝ્યા પર ડામ તો ખરો જ ! ક્યાંકથી આવકની ભનક પણ પડે તો સરકાર વેતરવા તૈયાર જ ઊભી હોય છે. એ ગાળામાં તો બધાંને કતલખાને ઊભાં હોવાનો જ અહેસાસ થાય છે. ખરેખર તો સરકારે વૃદ્ધોને લાચાર જ રાખ્યા છે ને બહુ વહી જતું હોય તેમ આ કે તે યોજનાને નામે અજવાળાં વગરની આરતી જ ઉતારી છે. લોન સસ્તી કરવા સરકારે ડિપોઝિટના રેટ ઘટાડ્યા. એનું પરિણામ એ આવ્યું કે બાર ચૌદ ટકા વ્યાજમાંથી નિર્વાહ કરવાની ગણતરી રાખેલી તે સિનિયર્સ ઊંધા પડ્યા ને પાંચ ટકાની દદુડી પડે તેમાં દાંત ખેરવવાનો વારો આવ્યો. એવા સિનિયર્સ વધુ દંડાયા જેમણે વધુ વ્યાજની ગણતરીએ પેન્શનનો વિકલ્પ પણ જતો કરેલો. હવે તો સાંસદો કે ધારાસભ્યોને બાદ કરતાં પેન્શન પણ ખાસ ક્યાં ય રહ્યું નથી એટલે એનું તો નાહી નાખવાનું જ રહ્યું.
આમ તો મંત્રીઓ, સાંસદો કે ધારાસભ્યો વિમાનમાં ઊડતા હોય છે, કારણ એમને વિમાન મફત ઉડાડે છે. કદાચ ને ટ્રેનોમાં જવાનું થાય તો ત્યાં પણ ગજવામાં હાથ નાખવાનો હોતો નથી. એમને કારણે રેલવે ખોટમાં નથી જતી, પણ જે યાત્રીઓ ટિકિટ લે છે, જે માલની હેરફેરનું નૂર ચૂકવે છે એને કારણે રેલવે ખોટમાં જાય છે. છે ને કમાલ ! ધોળા હાથીઓથી રેલવેને નુકસાન નથી, પણ યાત્રીઓને કારણે રેલવે ખોટમાં જાય છે. એને લીધે રેલવેને વૃદ્ધ યાત્રીઓને ભાડાંમાં કન્સેશન આપવાનું પરવડતું નથી. કાલના જ સમાચાર છે કે રેલવે હવે સિનિયર્સને કન્સેશન આપી શકે એમ નથી. રેલવે આમ પણ રડવામાં બારમાસી રહી છે. જેટલા પણ આયામો સરકારે શરૂ કર્યા છે એમાં તે ભાગ્યે જ સફળ કે સંતોષી જણાય છે. સરકાર મફત કશું આપતી નથી. જ્યાં પણ આપે છે ત્યાં મફતનો દેખાવ માત્ર હોય છે, બાકી નીતિ તો બોર આપીને કલ્લી કઢાવી લેવાની જ હોય છે. સરકાર શ્વાસ મફત લેવા દે છે એટલું જ, બાકી એવી કોઈ ચીજ નથી જેના પર સરકારનો ડોળો ન ફર્યો હોય ને ટેક્સ લેવાનું તેને યાદ ન આવ્યું હોય. એમાં પાછા ભાવિક ભક્તો એવું કીર્તન પણ કરતાં રહે છે કે આટલો મોટો દેશ ચલાવવાનું સહેલું નથી. ટેક્સ તો લેવો જ પડે. તે ભલે લે, ટેક્સની ના જ નથી, પણ ટેક્સ ભરવા લોન લેવી પડે એટલો ટેક્સ તો ન લૂંટાય ને ! તેમાં બહુ ઉપકાર કર્યો હોય તેમ સરકાર રાહતો આપવામાં પણ દિલ ચોરી કરે તે બરાબર નથી.
ગેસ પર અપાતી સબસિડી વડા પ્રધાનના એક અવાજ પર આ જ પ્રજાએ જતી કરી ને એ પછી ગેસમાં પ્રજા કેટલી લૂંટાઈ છે તે, તે બરાબર જાણે છે. સરકારની માનસિકતા એવી રહી છે કે એક તરફ તે રાહતો દૂર કરે છે ને તે સાથે જ મોંઘું પણ કરે છે. ગેસમાં સબસિડી દૂર થઈ તે સાથે જ સિલિન્ડરો મોંઘા પણ થયાં જ છે. રેલવેમાં પણ ભાવિ તો એવું જ દેખાય છે. રાહતો દૂર થશે ને ભાડાં વધશે. લોકસભામાં પુછાયું કે કોરોના કાળમાં રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને આપતી રાહત ફરી ક્યારે શરૂ થશે, તો રેલ મંત્રીએ કહ્યું કે હાલ તુરત તો એ શક્ય નથી, એટલું જ નહીં, ખેલાડીઓને પણ રાહતો આપી શકાય એમ નથી. સરકાર વરિષ્ઠો પુરુષોને 40 ટકા અને મહિલાઓને 50 ટકા રાહત આપતી હતી, પણ સરકારને ઓવરઓલ ખોટ 50 ટકાની જતી જ હતી. આ બધું છતાં રેલવે જીવદયામાં માને છે ને વિકલાંગ શ્રેણીઓ અને 11 પ્રકારના દરદીઓને અને સાંસદોને રાહત દરે કે મફત ટિકિટ આપે છે. 2019-20માં 22.62 લાખ સિનિયર્સ એવા હતા જેમણે ભાડાંમાં રાહત સ્વેચ્છાએ જતી કરી હતી. રેલવેમાં સુવિધાઓ વિકસે એ માટે આ કન્સેશન વૃદ્ધોએ જતું કર્યું હતું. વૃદ્ધોને નડી એટલી શરમ રેલવેને નડતી નથી તેનું આશ્ચર્ય છે. રેલ મંત્રીએ કહ્યું કે વૃદ્ધોને રાહત આપવાને કારણે ભાડાના 50 ટકા સરકાર ભોગવે છે. આ રાહતને કારણે 2019-20માં 1667 કરોડનો ખર્ચ ઉઠાવવો પડ્યો છે. 2018-19 માં એ ખર્ચ 1,636 કરોડનો હતો. 2017-18થી 2018-19 સુધીમાં 4,794 કરોડની આવક રેલવેએ ગુમાવી છે. રેલવેને હવે વૃદ્ધોને ડિસ્કાઉન્ટ આપવાનું ભારે પડે છે. સરકારને ભારે પડે તો એ રાહત બંધ કરી શકે, પણ જનતાને ટેક્સ ભરવાનું ભારે પડે તો એ ટેક્સ ભરવાનું બંધ કરી શકતી નથી એ લાચારી છે. કોવિડને કારણે રેલવેની કમાણી ઘટી છે, પણ રેલવેને એ વિચાર નથી આવતો કે આવક તો જનતાની પણ ઘટી છે. ઘણાંને તો આવકનાં સાધનો જ નથી રહ્યાં, ત્યારે આવક કરવા રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારવામાં નાનમ નથી રાખી. કોરોનામાં વરિષ્ઠોનું કન્સેશન બંધ કરીને રેલવેએ 2020માં 1,500 કરોડની કમાણી કરી. કોરોના કાળમાં વૃદ્ધોની રાહતબંધ હતી, પણ સાંસદોને 62 કરોડની રાહત રેલવેએ યથાવત રાખી. ગમ્મત તો એ છે કે રેલવેને પોતાનાં ભાડાં ઓછાં લાગે છે. બધું મોંઘું છે, પણ રેલવે સસ્તી છે ! કાલ ઊઠીને બીજા બધાંને પણ દાળ, ચોખા સસ્તાં લાગે ને એ ભાવ વધારે તો ફરી લોકોએ જીવદયાની રાહ જોવાની રહે.
એમ લાગે છે કે રેલવે ખાસી ગરીબ થઈ ગઈ છે ને તે સિનિયર્સને અપાતી રાહત અટકે તો જ બેઠી થઈ શકે એમ છે, તો, સિનિયર્સે પણ જીવદયા રાખી રેલવેને વધુ ગરીબ થતી અટકાવવી જોઈએ. રેલવે સાંસદોને કે અન્ય નેતાઓ, મંત્રીઓને ભલે બધું મફત આપે, કારણ એ લોકો દેશ સેવા કરે છે ને એમને સિનિયર્સ કરતાં રાહતની જરૂર વધારે છે, તો છો એ રેલવેમાં ફરી ખાતા. સિનિયર્સને મોંઘવારી, ટેક્સ, ગરીબી આ બધું તો નડતું જ નથી. એ તો ખમી ખાય એવા છે તો છો ખમી ખાતા ને ખપી જતા, એ કૈં કામ લાગવાના નથી. એ તો બોજ છે, ઘર પર ને દેશ પર, એને વળી રાહત શેની? રાહતની જરૂર તો એ લોકોને છે જે ટ્રેનમાં તો ઠીક, વિમાનમાં ઊડી શકે એમ છે, વધારે ગરીબ તો એ લોકો છે જે એકથી વધુ પેન્શન મેળવવા હકદાર છે. તો રાહત તો એને જ હોય ને ! આ વરિષ્ઠોનું શું છે, એ તો આજે છે ને કાલે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જુલાઈ 2022
![]()


નામદાર ન્યાયાધીશની દેશદેવડીએ એક નાગરિકને નાતે ધા નાખવાનો તકાજો અને તાકીદ – ખરેખર તો એને અંગે ધા નાખવાની અનિવાર્યતા – આજના દિવસોમાં કેમ જાણે ભીંત પરના અક્ષર પેઠે કે નિયોનઝબૂક જેમ સાફ વંચાય છે. આ લખું છું ત્યારે કરોડરજ્જુમાંથી ટાઢી કંપારી પસાર થતી અનુભવું છું.
હિમાંશુ કુમાર પરનો તાજેતરનો દંડફટકાર એનું તરતનું ઉદાહરણ છે. કટોકટીકાળે સર્વોચ્ચ અદાલતે હેબિયસ કોર્પસને હવે કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા અને ‘નિર્બલ કે બલરામ’ની નાગરિક આરતને ભોંયપછાડનો અનુભવ કરાવ્યો હતો એનું આ ભલે અણચિંતવ્યું પણ સંધાન જણાય છે.
સનદી સેવાની શરૂઆત પરતંત્ર ભારતમાં અંગ્રેજોએ કરી હતી. ઇન્ડિયન સિવિલ સર્વિસની આ પરીક્ષા લંડનમાં લેવાતી હતી અને ભારતના કથિત ઉચ્ચ વર્ણો માટે તેમાં અનામત બેઠકોની જોગવાઈ હતી. ઈ.સ. ૧૮૬૪માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર પહેલા ભારતીય હતા જેમણે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી હતી. ઈ.સ. ૧૯૨૨માં આઈ.સી.એસ.ની પરીક્ષા પ્રથમ વખત ભારતના અલ્હાબાદમાં લેવાઈ હતી, તે ઘટનાને આ વરસે સો વરસ થયાં. સ્વતંત્ર ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ બની છે. દેશની આ સૌથી મોભાદાર અને મહત્ત્વની સરકારી સેવાની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાય છે. ૨૦૨૧ની યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં આઝાદીના પંચોતેર વરસ બાદ પ્રથમ વખત ત્રણ મહિલા ટોપર બન્યાં છે.