સગી દીકરી પિતાને સજા કરાવે? શા માટે કરાવે? આવી ઘટના પાછળ કોણ જવાબદાર? ઉત્તર પ્રદેશના બુલંદશહેરની એક ઘટના સમાજની આંખ ખોલનારી છે.
તાન્યા (14) અને લતિકા (12) સગીર બહેનો હતી. 14 જૂન 2016ના રોજ, તેના પિતા મનોજ બંસલે, બન્ને દીકરીઓની માતા અનુ બંસલને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી ! બન્ને બહેનોએ આ ઘટના નજરે નિહાળી હતી; તેમણે નક્કી કર્યું કે માતા છીનવી લેનાર પિતાને સજા થવી જોઈએ ! બન્ને બહેનોએ પોતાના રક્તથી એક પત્ર તત્કાલીન મુખ્ય મંત્રી અખિલેશ યાદવને લખ્યો. તપાસ થઈ. 27 જુલાઈ 2022ના રોજ પિતાને આજીવન કેદની સજા થઈ ! સવાલ એ છે કે શા માટે પિતાએ બન્ને સગીર દીકરીઓની માતા છીનવી લીધી? મનોજ બંસલના લગ્ન 2000માં અનુ સાથે થયા હતા; લગ્ન બાદ બે પુત્રીઓ જન્મી; મનોજને પુત્રની તમન્ના હતી; મનોજે પાંચ વખત લિંગ તપાસ કરાવી અને પાંચ વખત ગર્ભપાત કરાવ્યો હતો ! અનુએ પુત્રને જન્મ ન આપ્યો તે વાંક સબબ મનોજ બંસલે, આ ક્રૂર પગલું ભર્યું હતું !
મોટો સવાલ એ છે કે પુત્રની જ તમન્ના કેમ? પુત્રી તો લગ્ન થાય એટલે જતી રહે; પુત્ર હોય તો વૃદ્ધાવસ્થામાં સહારો મળે / પુત્ર હોય તો વંશ આગળ વધે / પુત્રી હોય તો દહેજ આપવું પડે, પુત્ર હોય તો દહેજ મળે / પુત્રી હોય તો સામાજિક અસુરક્ષાની ચિંતા રહે વગેરે કારણો ભાગ ભજવે છે ! આપણા ધર્મગ્રંથો / ધર્મગુરુઓ પુત્રનું મહત્ત્વ દર્શાવે છે; એટલે લોકાના મગજમાં પુત્ર-ઘેલછા ઘૂસી ગઈ છે ! પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે “એવી કન્યા સાથે લગ્ન ન કરવા; જેને ભાઈ ન હોય !” આપણા જ્યોતિષીઓ ‘પુત્રપ્રાપ્તિ યોગ’ની વિધિઓ કરે છે ! પુત્રપ્રાપ્તિ માટે કડવા ચૌથ વ્રત / પુત્રેષ્ટિયજ્ઞ કરવામાં આવે છે ! રાજા દશરથે પુત્રેષ્ટિયજ્ઞ કરેલ; જેથી રામ / લક્ષ્મણ / ભરત / શત્રુઘ્નનો જન્મ થયેલ ! ગરુડ પુરાણમાં પુત્રપ્રાપ્તિની વિગતો છે ! મનુસ્મૃતિ (9 / 138) કહે છે કે પુત્ર, નરકથી બચાવે છે તેથી પુત્રની કામના લોકો કરે છે ! માન્યતા એવી છે કે મૃત્યુ બાદ દાહસંસ્કાર / પિંડદાન / દર વર્ષે શ્રાદ્ધ વગેરે વિધિ પુત્ર ન કરે તો જીવાત્માની મુક્તિ થતી નથી ! દેવી ભાગવતમાં લખ્યું છે કે ‘अपुत्रस्य गतिर्नास्ति स्वर्गे वेदविदोविदु:’ એટલે કે પુત્ર વિના માનવની સદ્દગતિ થતી નથી, એવું વેદવેત્તા દેવતાઓએ નક્કી કરેલ છે !
પુત્ર, વંશ આગળ લઈ જાય; DNA-Deoxyribonucleic acid આગળ લઈ જાય; તો પુત્રી પણ DNA આગળ લઈ જાય છે; છતાં ધાર્મિક કારણસર પુત્ર-ઘેલછા જોવા મળે છે ! યૂટ્યુબ ઉપર પુત્રપ્રાપ્તિના વીડિયો અઢળક છે ! તેમાં જાત જાતના દાવાઓ / ઉપાયો દર્શાવેલ છે. એક દાવો એવો છે કે ગર્ભધારણ બાદ અમુક વિધિઓ કરવાથી લિંગ પરિવર્તન થઈ જાય છે ! આવા વીડિયો લાખો લોકો જૂએ છે ! એટલે કે લોકોમાં પુત્ર-ઈચ્છા જબરજસ્ત છે; તેનો ખ્યાલ આવે છે ! પુત્ર થશે કે પુત્રી તે ફર્ટિલાઈઝેશન સમયે નક્કી થાય છે; તે પહેલા કે બાદમાં નહીં ! ‘XX’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્રી; અને ‘XY’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્ર જન્મે ! પુરષના સ્પર્મમાં; X ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રીની અને પુરષના સ્પર્મમાં Y ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રની શક્યતા વધારે રહે છે. મતલબ કે પુત્ર કે પુત્રી જન્મે તે માટે પુરુષ જવાબદાર છે; સ્ત્રી નહીં. તેમાં વ્રત / યજ્ઞ / ગ્રહ / જ્યોતિષ / ધાર્મિકગ્રંથો કોઈ ભૂમિકા ભજવી શકે નહીં ! મનોજ બંસલને સજા થઈ; પરંતુ તેમના જેવા ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


મને આ વરસના ફેબ્રુઆરી મહિનામાં નોકરી મળી, અને પોસ્ટિંગ મારા વતનથી બસો કિલોમીટર દૂર નવસારીમાં આવ્યું. મારે એ પહેલાં કદી ત્યાં જવાનું બન્યું નહોતું. નોકરીમાં હાજર થયો ત્યારે ત્યાં રોકાણની કશી આગોતરી તૈયારી કરીને ગયો નહોતો, કારણ કે હોદ્દાને લઈને હું સર્કિટ હાઉસમાં રહી શકવાને પાત્ર થઈ ગયો હતો, અને ત્યાં રહેવાનો અભરખો પણ હતો.
આ વસ્તીમહિમાનો યુગ છે. ઉપભોગ કરનારાઓની સંખ્યા જેટલી વધુ એટલો ધંધો બહોળો. એમાં પણ ૧૯૯૦ પછી બે ચીજ ધંધામાં ઉમેરાઈ. એક છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માહિતીનું અર્થતંત્ર. એના દ્વારા ચીજવસ્તુ તો ઠીક, હાસ્યથી લઈને હિંસા (જી હાં, હિંસા) સુધી કાંઈ પણ વેચી શકાય છે. મનોભાવ પણ વ્યાપાર માટેની જણસ છે. વપરાશકારને તેની જરૂર ન હોય તો પણ તેને જરૂરતનો અહેસાસ કરાવી શકાય છે અને વાપરતો કરી શકાય છે. બીજી ચીજ છે સેવાઓનું વ્યવસાયીકરણ અર્થાત્ ખાનગીકરણ. જગત આખામાં કલ્યાણરાજ્યનો અંત આવી રહ્યો છે. સરકારોએ લોકોનું કલ્યાણ કરવાની જવાબદારી છોડી દીધી છે અને તેને ખાનગી હાથોમાં આપવામાં આવી રહી છે. કેળવણી, આરોગ્ય, તાર-ટપાલ, ટ્રાન્સપોર્ટ, સસ્તા અનાજનો પુરવઠો એમ દરેક સેવા હવે સેવા નથી રહી; ખાનગી હાથોમાં સોંપવામાં આવેલો ધંધો છે. આ જ્યાં સુધી સેવા હતી અને શાસકો સેવા કરવાનો ધર્મ સમજતા હતા ત્યાં સુધી એ જવાબદારી હતી. એ જ્યાં સુધી જવાબદારી હતી ત્યાં સુધી શાસકો તેને એક પ્રકારનો બોજો સમજતા હતા, અને માટે વસ્તી ઘટાડવાની વકીલાત કરતા હતા. હવે આ બધી સેવાઓનું ખાનગીકરણ થઈ રહ્યું છે એટલે શાસકો જવાબદારીમુક્ત થઈ ગયા છે. ખાનગી માલિકી માટે પ્રત્યેક માણસ ગ્રાહક છે. જેટલા ગ્રાહકો વધુ એટલો ધંધો બહોળો.