એક સમય હતો જ્યારે ગુજરાતમાં ‘જય જય ગરવી ગુજરાત’ સરકારી કે અન્ય કાર્યક્રમોમાં શરૂઆતમાં ગવાતું. હવે એ ગવાય જ નહીં એવા સંજોગો છે. જો ગાવું જ પડે તો એનો અંગ્રેજી અનુવાદ વેસ્ટર્ન મ્યુઝિકમાં સરકાર ગવડાવે એમ બને, કારણ થોડાં વર્ષ પછી ગુજરાતી બોલવાના જ ફાંફાં હોય ત્યાં ‘જય જય ગરવી ગુજરાત’ ન ગાઈ શકાય એટલી વરવી ગુજરાત કરવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે. ગુજરાતી બોલનારા જ ન રહે એ રીતે સરકાર જ માતૃભાષાનો એકડો કાઢી નાખવા બેઠી છે ને પ્રયત્ન એ ચાલે છે કે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી બને. ગુજરાતમાં ગુજરાતી મરવા પડે તો તેનો બધો યશ કેસરિયાં કરતી સરકારને આપવો પડે એ હદે તે ગુજરાતી ભાષા પરત્વે ઉદાસીન છે. આ કેળવેલી ઉદાસીમાં શરમ ને સમજ વગરની, મતલબી ને સ્વાર્થી પ્રજાનો પણ એટલો જ ફાળો છે. કોઈ પ્રજા આટલી સ્વમાન વિહોણી પણ હોઈ શકે એનું ઉત્તમ દૃષ્ટાંત ગુજરાતે પૂરું પાડ્યું છે. જે પ્રજાને પોતાની ભાષા માટે માન નથી એનું દુનિયા અપમાન કરે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આમ તો ભેંશ આગળ ભાગવત જેવું જ છે, પણ સંઘના પ્રમુખે પણ માતૃભાષાનો મહિમા કરતાં યોગ્ય રીતે જ કહ્યું છે કે આપણે નેમ પ્લેટ માતૃભાષામાં લગાવી શકીએ, નિમંત્રણો માતૃભાષામાં પાઠવી શકીએ. સંઘ પ્રમુખે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માતૃભાષામાં શિક્ષણ આપતી નીતિ બનવી જોઈએ. આ બધું તો આપણા હાથમાં છે. એક પ્રજા તરીકે એટલું તો આપણે કરી જ શકીએ, પણ એવું ઓછું જ થાય છે. એ દુ:ખદ છે કે શિક્ષણને આપણે કમાવાનું સાધન માત્ર બનાવી મૂક્યું છે. શિક્ષણથી કમાણી નથી જ થતી એવું નથી, ન કમાવું એવું પણ કહેવાનું નથી, પણ શિક્ષણ સાહિત્ય, કળા કે સંસ્કારનું સિંચન પણ કરે તો તેમાં હાનિ શી છે? તો, કેમ એ દિશામાં પ્રયત્નો ઘટતા આવે છે? જન્મ મા આપે છે ને એ ગુજરાતી હોય તો એની ભાષાનો આટલો છોછ કેમ? બીજા બધાંને તો ઠીક, પણ સરકારને જ માતૃભાષાની સૂગ હોય તેમ તે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરાવે છે ને ગુજરાતી માધ્યમની શાળાઓ એમ કહીને બંધ કરે છે કે એમાં વિદ્યાર્થીઓ મળતા નથી. આ બચાવ પાયામાંથી ખોટો છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી ન મળે તો તે શું અમેરિકા કે ઇંગ્લેન્ડથી મળવાના છે? વારુ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ન મળે એવી સ્થિતિ ઊભી કરી કોણે? એને માટે સરકાર જવાબદાર છે. હકીકત એ છે કે સરકાર નફાખોર વેપારીનું માનસ ધરાવે છે. બને તો સર્વે કરવા જેવો છે કે અંગ્રેજી માધ્યમની કેટલી સંસ્થાઓ સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓની ને એમના વળના માણસોની છે? સીધું ગણિત એ છે કે ખાનગી સ્કૂલો પર આ બધાંનું વર્ચસ્વ છે ને એમાંની મોટે ભાગની સંસ્થાઓ અંગ્રેજી માધ્યમની છે. એ નિમિત્તે ઊંચી ફી વસૂલાય છે અને એના સંચાલકો ને ટ્રસ્ટીઓ, વાલીઓની ચામડી ખોતરીને તિજોરીઓ ભરે છે. આ બધું સરકાર જાણે છે. બીજી બાજુએ સરકારી સ્કૂલો ગુજરાતી માધ્યમની છે ને તે મફત શિક્ષણ આપે છે. એમાં આવક નથી ને કેવળ ખર્ચ જ છે. એ બોજ સરકારને માથે છે. આમ તો એ પ્રજાના જ પૈસા છે, પણ સરકાર તે ખર્ચવા ઉત્સુક નથી. એ પૈસા બચે તો નફો વધે ને ખાનગી સ્કૂલો વધે તો ઊંચી ફી મળે ને આવક વધે. ખાનગીકરણનો મહિમા પણ એટલે જ થાય છે, કારણ, એમાં આવક છે ને સરકારીકરણમાં ખર્ચ જ છે. બાકી, સરકારે જાતે પરિપત્ર બહાર પાડ્યો હોય તો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આટલા અખાડા થાય ખરા?
કોઠારી કમિશને (1968) ત્રિભાષી ફૉર્મ્યુલાના અમલનું સૂચન કરેલું, જેમાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીય ભાષા શિખવવાની વાત છે. એ જ વાતનું નવી શિક્ષણ નીતિમાં પણ સમર્થન થયું છે. એ સંદર્ભે ગુજરાત સરકારનો 13 એપ્રિલ, 2018નો પરિપત્ર પણ છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી વિષય ભણાવવામાં આવે તેવો આદેશ છે, પણ તેનો ચુસ્તપણે અમલ થતો નથી ને ખુદ સરકાર તરફથી જ માતૃભાષાની અવહેલના થતી હોય એવો ઘાટ છે. ખાસ કરીને ખાનગી શાળાઓ અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. ત્યાં માધ્યમ અંગ્રેજી છે એટલે અંગ્રેજી તો ભણાવાય છે, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી પણ ભણાવાય છે, પણ સ્થાનિક ભાષા તરીકે ગુજરાતી ભણાવાતું નથી. માતૃભાષાની આવી ઘોર ઉપેક્ષા અક્ષમ્ય છે. એ ખરું કે અંગેજીનું મહત્ત્વ છે ને જેમણે વિદેશમાં જઈને ભણવું છે એમને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ઉપયોગી થાય, એની પણ ના નથી, પણ ગુજરાતી માધ્યમમાં ભણનારા વિદેશ જતા જ નથી, એવું પણ નથી. ત્યાં જતાં પહેલાં એ જરૂરી અંગ્રેજી શીખી જ લે છે ને વિદેશમાં સારો દેખાવ પણ કરે છે. જરા વિચારીએ કે કોઈ રશિયા કે જાપાન જઈને ભણે છે, તો તે અહીંથી રશિયન કે જાપાની ભાષા શીખીને જાય છે? મોટે ભાગે તો તે ત્યાં જઈને જ શીખે છે. અમેરિકા કે ઇંગ્લેન્ડથી સંશોધન માટે અહીં આવતા વિદ્યાર્થીઓ અહીં આવીને ગુજરાતી કે અન્ય ભાષા શીખે જ છે. એને માટે જો અમેરિકા કે ઈંગ્લેંડમાં ગુજરાતી કે અન્ય માધ્યમની સ્કૂલો શરૂ ન કરી દેવાતી હોય તો અમેરિકા કે ઈંગ્લેન્ડ જઈને ભણવાના છે તેને માટે અહીં અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરી દેવાનો કોઈ અર્થ ખરો? અહીં અંગ્રેજીનું બહુ વહી જાય છે એવી વાત નથી, પણ સરકારને અંગ્રેજીમાં સારો ધંધો થાય છે એટલે, અંગ્રેજીનું આટલું કૂટે છે. એવું નથી કે વધુ અભ્યાસ માટે ગુજરાતમાંથી જ બધા વિદેશ જાય છે, અન્ય રાજ્યોમાંથી પણ જાય જ છે, પણ ત્યાં અંગ્રેજી માધ્યમની આટલી ધંધાકીય ઘેલછા નથી. અંગ્રેજી ઓલાદો પેદા કરવાના ત્યાં આવાં કારખાનાં ચાલતાં નથી.
અન્ય રાજ્યોમાં માતૃભાષાની આટલી અવગણના કદાચ નથી, પણ સરકારે તો ગુજરાતમાં જ ઈંગ્લેન્ડ વસાવવું છે, એટલે અંગ્રેજીના મોહમાં ગુજરાતીનો સર્વનાશ કરવા બેઠી છે. કેટલીક સરકારી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાય પણ છે, પણ સી.બી.એસ.ઈ. કે આઇ.સી.એસ.ઈ. કે આઇ.બી. જેવાં અન્ય બૉર્ડ દ્વારા ગુજરાતમાં જ ગુજરાતી ભણાવાતું નથી. રાજ્યનો પરિપત્ર છે, ગુજરાતી વિષય એકથી આઠ ધોરણમાં ફરજિયાત ભણાવવા અંગેનો, પણ પરિપત્રની ઐસીતૈસી થાય છે. એને લીધે સ્કૂલમાં કે બહાર ગુજરાતી વાંચવા, લખવા, બોલવાનું ઘટતું જાય છે. એનું ચલણ પછી નથી ઘરમાં રહેતું કે નથી બહાર તેનો ખાસ પ્રભાવ રહેતો. આવી ઉપેક્ષા ધ્યાનમાં આવતાં જ ગુજરાતી વિષય અંગેની વાત ગંભીરતાથી લેવાય એટલે દાદ માંગતી પી.આઈ.એલ. હાઇકોર્ટ સમક્ષ આવી અને કોર્ટે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંબંધિત સત્તાવાળાઓને શો કોઝ નોટિસ પાઠવી છે. હાઇકોર્ટે ગુજરાતની ગુજરાતી માટે આટલી દખલ કરવી પડે એની રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ, પણ સરકારો બહુ શરમાતી નથી તે હકીકત છે.
એ પણ છે કે ગુજરાતીની આ ઉપેક્ષા સ્કૂલ શિક્ષણ પૂરતી જ મર્યાદિત નથી, તેનો પડઘો યુનિવર્સિટી શિક્ષણ સુધી પડે છે. સ્કૂલોમાં ગુજરાતીનું મહત્ત્વ ઘટવાને લીધે કોલેજમાં પણ ગુજરાતી વિષય ભણવાનું ઘટી રહ્યું છે. મોટે ભાગે વ્યવસાયલક્ષી શિક્ષણનો મહિમા થાય છે એટલે કળા, સાહિત્યના શિક્ષણનું મહત્ત્વ આમ પણ ખાસ રહ્યું નથી. સંસ્કૃતના, ગુજરાતીના વિષયો ને વિભાગો યુનિવર્સિટીઓમાં બંધ કરવા પડે તેવી કંગાળ હાલત ભાષા શિક્ષણની છે. ગુજરાતીના પીએચ.ડીના વિષયોનું ને તેમના ગાઈડનું દારિદ્ર્ય જગજાહેર છે. એ પણ હવે ખાનગી નથી કે શિક્ષણના ઉચ્ચ હોદ્દાઓ પર હાઈલી ક્વોલિફાઇડની પસંદગી કેવળ અકસ્માત છે. મોટે ભાગે તો ચાપલૂસી કરનારાઓ જ મહાસુખ માણે છે. ક્યાંક સુખદ અપવાદો હશે જ, પણ આજનું સરકારી ગણિત એવું છે કે યોગ્યને અયોગ્ય જગ્યાએ અને અયોગ્યને યોગ્ય જગ્યાએ મૂકો જેથી ભણેલા અભણોથી આરતી ઊતરે અને અભણ ભણેલાઓ કારભાર કરે. એક પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ન હોય ને જે અરાજકતા સર્જાય તેથી વધુ અરાજકતા આટલી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓ મળીને ફેલાવી રહી છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 ઑક્ટોબર 2022
![]()


સામાન્ય લોકોમાં તો ભગતસિંઘ (૧૯૦૭-૧૯૩૧) અંગ્રેજ અફસરની હત્યા કરનાર અને એસેમ્બલી પર બોંબ ફેંકનાર વીરલ લોકનાયક, ક્રાંતિવીર અને શહીદેઆઝમ તરીકે જ વધુ જાણીતા છે. પરંતુ તેઓ લેખક, વિચારક, ચિંતક અને અધ્યયનશીલ બૌદ્ધિક પણ હતા. માંડ સાડા ત્રેવીસ વરસની આવરદામાં એમણે જે બે વરસ જેલમાં ગાળ્યા ત્યાં ગહન અધ્યયન કર્યું હતું. સરકારી રેકર્ડ મુજબ જેલવાસ દરમિયાન તેમણે અંગ્રેજી. હિંદી, ઉર્દૂ, પંજાબી અને બંગાળી ભાષાનાં ૩૦૨ પુસ્તકો વાંચ્યા હતા. અગાઉ લાહોરની નેશનલ લૉ કોલેજ કહેતાં ‘તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ’ના વાચનસંસ્કાર તો હતા જ. ભગતસિંઘે જેલવાસમાં માર્ક્સથી ગાંધી અને ગોર્કીથી રવીન્દ્રનાથ સુધીના અગિયારેક લેખકોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, નાસ્તિકતા, શોષણ જેવા વિષયો પર ગંભીર ચિંતન કર્યું હતું. ૭૧૬ દિવસોના જેલવાસ દરમિયાન તેમણે ૪૦૪ પૃષ્ઠોની જેલ ડાયરી, અસંખ્ય પત્રો અને લેખો તથા ‘મેં નાસ્તિક ક્યોં હું’ પુસ્તિકા લખી હતી.
અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને કોમી રમખાણોને કારણે દેશમાં ફેલાયેલી નિરાશાના એ દિવસોમાં આધુનિક વિચારોના જે અનેક નવા નેતાઓ ઉભરી રહ્યા હતા તેમાં ભગતસિંઘને નેતાજી અને નહેરુજી સવિશેષ ઉલ્લેખનીય લાગ્યા હતા. ભગતસિંઘ નેતાજીને ‘બંગાલના પૂજનીય’ અને નહેરુજીને ‘માનનીય’ તરીકે ઓળખાવે છે. તેઓ આ બંને નેતાઓને સમજદાર, સાચા દેશભક્ત અને આઝાદીના કટ્ટર સમર્થક ગણાવે છે.
પક્ષની અંદર સાચુકલી લોકશાહી હોય એવો એક જ પક્ષસમૂહ બચ્યો છે અને તેનું નામ છે; ડાબેરી મોરચો. ભારતીય સામ્યવાદી પક્ષ હોય, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ હોય કે ડાબેરી મોરચાના બીજા ઘટક પક્ષ હોય તેમાં લોકશાહી મજબૂત છે. ૧૯૯૬માં ત્રીજા મોરચાના ઘટક પક્ષોએ પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા. જ્યોતિ બસુએ ઉમેદવારી નહોતી કરવાની, નિર્ણય લેવાઈ ગયો હતો અને ત્રીજા મોરચાની સરકારને બહારથી સમર્થન આપનાર કૉંગ્રેસે બસુના નામને મંજૂર રાખ્યું હતું. જ્યોતિ બસુએ કહ્યું હતું કે તેઓ નિર્ણય લેવા સ્વતંત્ર નથી. પક્ષ નિર્ણય લેશે અને પક્ષનો નિર્ણય તેઓ માથે ચડાવશે. પક્ષની બેઠક મળી જેમાં જ્યોતિ બસુ વડા પ્રધાન નહીં બને એવો નિર્ણય લેવાયો હતો. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ત્રીજા મોરચામાં ડાબેરી પક્ષો નિર્ણાયક બેઠકો નથી ધરાવતો અને ઉપરથી કૉન્ગ્રેસ સરકારને ટેકો આપવાની છે જેની નીતિઓનો ડાબેરી મોરચો દાયકાઓથી વિરોધ કરતો આવ્યો છે. જ્યોતિ બસુ સીનિયર નેતા છે, આદરણીય છે, બધા તેમને સ્વીકારે છે એ વડા પ્રધાન બનવા માટે પૂરતું નથી.