આમ તો વાત બહુ નવી નથી, પરંતુ સુભાષચંદ્ર બોઝની ભત્રીજા વહુએ એને દોહરાવી છે, એટલે ફરીથી તેની નોંધ લેવા જેવી છે. વાત “નેતાજી”ના મૃત્યુના કથિત રહસ્યની છે. અંગ્રેજોની નજરકેદમાંથી છટકીને બોઝ કયાં ગયા તેને લઈને દાયકાઓથી તર્કો લડાવામાં આવે છે, પરંતુ હરિન શાહ નામના એક ગુજરાતી પત્રકારે, આ “કોન્સ્પિરસી થિયરીઓ” પર પહેલીવાર પડદો પાડતાં કહ્યું હતું કે બોઝની છેલ્લું ઠેકાણું તાઈપેઈ હતું અને તેના (હવે જૂનાં) એરપોર્ટ પર 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન તૂટી પડ્યું તેમાં બોઝનું અવસાન થયું હતું.
“નેતાજી”ના ભત્રીજા (નાના ભાઈ શરતચંદ્ર બોઝના દીકરા) શિશિર કુમાર બોઝની પત્ની કૃષ્ણા બોઝનું સુભાષચંદ્ર બોઝનું એક જીવનચરિત્ર્ય “નેતાજી સુભાષચંદ્ર બોઝ’સ લાઈફ, પોલિટિક્સ એન્ડ સ્ટ્રગલ” પ્રગટ થયું છે, તેમાં તેમણે આ ગુજરાતી પત્રકારની જાતતપાસ વાળી વાત દોહારવી છે. હરિન શાહે 1956માં “વર્ડિક્ટ ફ્રોમ ફોર્મોસા : ગેલન્ટ એન્ડ ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ” નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે ભેગા કરેલા પુરાવાઓના આધારે કહ્યું હતું કે તેમનું પ્લેન ફોર્મોસા(આજે તાઈપેઈ)માં તૂટી પડ્યું હતું અને ગંભીર રીતે દાઝી ગયેલા બોઝે થોડીક જ મિનિટોમાં જાપાનીઝ મિલીટરી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, બ્રિટિશ સામ્રાજ્ય પર આક્રમણના ભાગ રૂપે, જાપાને ભારતમાં મણિપુર અને નાગા હિલ્સ પર હુમલો કર્યો હતો. એમાં બોઝનું ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ જાપાનની પડખે હતું. તેમાં આઈ.એન.એ.ના સૈનિકોનો સફાયો થઇ ગયો હતો અને બોઝ બ્રિટન વિરોધી મનાતા સોવિયત સંઘમાં જવા માટે બર્મા ભાગી છૂટ્યા હતા. ત્યાંથી તેઓ જાપાની યુદ્ધ વિમાનમાં ઉડ્યા હતા. આ વિમાનમાં વધારે પડતો જ ભાર હતો, અને ફોર્મોસામાં ઇંધણ પુરાવીને ઊડવા જતાં તૂટી પડ્યું હતું.
22 ફેબ્રુઆરી 2020માં, 89 વર્ષની વયે, અવસાન પામેલાં કૃષ્ણા બોઝ તેમના પુસ્તકમાં આ પ્રમાણે લખે છે :
“શિશિર કુમાર બોઝ સાથે લગ્ન કર્યાના થોડા જ વખતમાં હરિન શાહનું પુસ્તક મારા ધ્યાનમાં આવ્યું હતું. શાહે તાઈપેઈની મુલાકાત લઈને નેતાજીના અંતિમ કલાકોનાં તથ્યો ભેગાં કર્યાં હતાં. એ વાંચવાનું કષ્ટદાયક હતું. શિશિરને પહેલેથી જ હરિન શાહના વિવરણની ખબર હતી. તાઈપેઈથી પાછા આવીને શાહે સરદાર પટેલ સાથે વાત કરી હતી. સરદારે તેમને સુભાષના ઘનિષ્ઠ રાજકીય સાથી અને વિશ્વાસુ શરદ બોઝ સાથે વાત કરવા સૂચન કર્યું હતું.
“નવેમ્બર 1948માં, હરિન શાહ પ્રાગની ભારતીય એલચી કચેરીમાં પ્રેસ એટેચી તરીકે કામ કરતા હતા. યુરોપના પ્રવાસે ગયેલા શરદ બોઝ ત્યાં આવ્યા, ત્યારે શાહ તેમને મળ્યા હતા. હોટેલમાં શાહે બે વર્ષ પહેલાં તાઈપેઈમાં
જાતતપાસ કરી હતી તેની વિગતો આપી ત્યારે શિશિર પણ હાજર હતો. શિશિર સુભાષને બહુ ચાહતા હતા અને તેમણે બાળપણ અને યુવાનીનું સંસ્મરણ “સુભાષ અને શરદ : એન એન્ટીમેટ મેમરી ઓફ ધ બોઝ બ્રધર્સ” લખ્યું હતું અને તેમાં આ મિટિંગની વાતો છે.
“શિશિરે 1965માં જાતે તાઈવાનની મુલાકાત લીધી હતી. તેમણે જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે જૂનાં એરપોર્ટની જગ્યાના, નેયાજીએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે નજીકની હોસ્પિટલના અને જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતા તે જગ્યાના બહુ ફોટા પાડયા હતા.”
તાઈપેઈમાં બોઝના મૃત્યુની તપાસ કરનાર ગુજરાતી પત્રકાર હરિન શાહ કોણ હતા? એ 26 વર્ષના હતા અને મુંબઈના સૌથી જૂનાં અંગ્રેજી અખબારો પૈકીના એક “ફ્રી પ્રેસ જર્નલ”માં કામ કરતાં હતા. તે બોઝને, નહેરુને, સરદારને અને મોરારજી દેસાઈને સારી રીતે જાણતા હતા. “ફ્રી પ્રેસ જર્નલ”ના એડિટર એસ. સદાનંદે 1946માં હરિનને યુદ્ધ-સંવાદદાતા તરીકે ચીન-મોંગોલિયા મોકલ્યા હતા. એ જમાનામાં ચીનમાં પોસ્ટીંગ મેળવનાર હરિન શાહ પહેલા ભારતીય પત્રકાર હતા. તે વખતે ફોર્મોસા (તાઈપેઈ) ચીનના કબ્જામાં હતું. ફોર્મોસાને જાપાન પાસેથી છીનવી લેવાની “ઉજવણી”ના ભાગ રૂપે, ચીનના પબ્લિસિટી વિભાગે 52 વિદેશી પત્રકારોની પ્રેસ પાર્ટીની ફોર્મોસા મુલાકાત ગોઠવી હતી.
હરિન એ પાર્ટીમાં હતા. 22 ઓગસ્ટ 1946ના રોજ તે ફોર્મોસા ઉતર્યા હતા. આ પ્રેસ પાર્ટી છ દિવસ માટે ફોર્મોસામાં રહી હતી. તે દરમિયાન, હરિન શાહે બોઝ કેવી રીતે તાઈપેઈ આવ્યા અને તે દિવસે શું થયું હતું તેની વિગતો એકઠી કરી હતી. તેમણે અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી અને માણસોને મળ્યા હતા. તેમણે એ સર્જન અને નર્સનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો, જેમણે બોઝની સારવાર કરી હતી.
હરિને તેમની તપાસના આધારે તારણ કાઢ્યું હતું કે “નેતાજી”નું ફોર્મોસા એરપોર્ટ પર વિમાન અકસ્માતમાં મોત થયું હતું. જો કે, બોઝના સમર્થકો અને તેમની આર્મીના ઓફિસરો એ માનવા તૈયાર નહોતા કે બોઝનું અવસાન થયું છે. તેનું એક કારણ એ પણ ખરું કે જાપાની અધિકારીઓએ તેમના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બે દિવસ પછી સરકારી સમાચાર એજન્સીએ સમાચાર ફ્લેશ કર્યા હતા કે બોઝ, વિમાનના પાયલોટ, કો-પાયલોટ અને આર્મી જનરલ શિદી માર્યા ગયા છે.
1950ના દાયકામાં એક એવી વાર્તા વહેતી થઇ કે બોઝ માર્યા ગયા નથી, પણ ભારત પાછા આવીને સાધુ બની ગયા છે. બોઝના અમુક સહકાર્યકરોએ તો એક સંગઠન ઊભું કરીને બોઝના સાધુ બની જવાની કલ્પનાને પ્રચલિત કરવાનું પણ કામ કર્યું હતું. એમાં તેમણે ઉત્તર બંગાળમાં એક સાધુ પણ શોધી કાઢ્યો હતો, પણ તેણે બોઝ હોવાનો સતત ઇન્કાર કર્યો હતો. એક વાર્તા એવી પણ વહેતી થઇ કે બોઝ સોવિયત સંઘમાં અથવા ચીનમાં છે.
બોઝના લાપત્તા થઇ જવા અંગે ભારત સરકારે કુલ ત્રણ પંચ બેસાડેલાં : શાહ નવાઝ તપાસ પંચ-1956, ખોસલા પંચ-1975 અને જસ્ટિસ મુખરજી પંચ-2005. એમાં પહેલાં બે પંચે તારણ આપ્યું હતું કે બોઝનું તાઈપેઈની મિલીટરી હોસ્પિટલમાં અવસાન થયું હતું, જ્યારે મુખરજી પંચે એવું તારણ આપ્યું હતું કે “બોઝ વિમાન અકસ્માતમાં નહોતા માર્યા ગયા.” જો કે તેણે એ ના કહ્યું કે બોઝ ક્યાં અને ક્યારે માર્યા ગયા છે. પંચે ખાલી એટલું જ કહ્યું – નેતાજી સુભાષ ચંદ્ર માર્યા ગયા છે!
હરિન શાહની તપાસની એક નોંધપાત્ર વાત ફોર્મોર્સની નાનમોન હોસ્પિટલની એ નર્સ ત્સાન પાઈ શા હતી, જેણે હરિનને કહ્યું હતું, “એ અહીં મૃત્યુ પામ્યા હતા. 18મી ઓગસ્ટે તેમનું અવસાન થયું, ત્યારે હું તેમની બાજુમાં હતી. હું સર્જિકલ નર્સ છું અને મેં એમની દેખભાળ કરી હતી. મને તેમના શરીર પર ઓલિવ ઓઈલ લગાડવાની સૂચના હતી અને મેં એ પ્રમાણે કર્યું હતું. એ જ્યારે પણ ભાનમાં આવતા હતા ત્યારે તેમને તરસ લાગતી હતી. મેં એમને ઘણીવાર પાણી પાયું હતું.”
મજાની વાત એ છે કે, આવું તથ્યાત્મક સંશોધન ઉપલબ્ધ હોવા છતાં, એક ય બીજા કારણોસર, સુભાષચંદ્ર બોઝને લઈને જાતભાતની કોન્સ્પિરસી થિયરીઓ ચાલતી જ રહે છે (અથવા ચલાવામાં આવે છે).
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 નવેમ્બર 22
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર