ટી, ચા, ચાય, ચહા – બધા શબ્દોનું મૂળ મળે ચીની ભાષામાં
મુંબઈને ચા પીતું કર્યું પોર્ટુગીઝોએ
“આ પ્રદેશમાં ચાનું પીણું હજી તાજું જ દાખલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો, તેથી એક લોહાણો ડોસો ‘ભ્રામણિયા ચા’ની કીટલી અહીં ફેરવતો એ પણ અત્યારે શેઠિયા માણસની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કિટલી લઈને આવી પહોંચ્યો અને પિત્તળનાં કપ–રકાબીમાં ફરફરતી ચા રેડવા જતો હતો, પણ ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભળાવી દીધું : ‘અમારે ચા પીવાની અગડ છે.’ અને પછી આવશ્યકતા નહોતી છતાં અગડનું કારણ ઉમેર્યું : ‘કિયે છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દિયે છે એટલે ઉકાળાનો રંગ રાતોચોળ થાય છે.”
કાઠિયાવાડની ધરતી, ત્યાંના લોકો, તેમનું જીવન, એ બધાંના પરખંદા જાણતલ ચુનીલાલ મડિયાની જાણીતી નવલકથા ‘વેળા વેળાની છાંયડી’ની શરૂઆતમાં જ આવતો આ પ્રસંગ. ૧૯મી સદીની શરૂઆતમાં ચાનું પીણું કાઠિયાવાડ સુધી પહોચ્યું ત્યારે રૂઢિચુસ્ત લોકોનો પ્રતિભાવ કેવો હતો એનો ખ્યાલ આ પ્રસંગ પરથી આવી શકે.
હા. કેટલી ય સદીઓથી ચાનો અથવા તેના જેવો જંગલી છોડ પૂર્વ ભારતના કેટલાક પ્રદેશોમાં ઊગતો હતો. આદિવાસીઓ એનો ઉપયોગ પણ કરતા. પણ ચા એક સાર્વજનિક પીણું બની તે તો નજીકના ભૂતકાળમાં. Tea, ચા, ચાય, ચહા – આ બધા શબ્દોના સગડ મળે ચીની ભાષાની જુદી જુદી બોલીમાંથી. કારણ ચાનું પિયર છે ચીન. ઈ.સ. પૂર્વે ૧૬૦૦ની આસપાસ ચીનમાં ચાની વ્યવસ્થિત વાવણી શરૂ થઈ. જો કે જંગલી છોડ રૂપે તો તે ઈ.સ. પૂર્વે ૨૪૩૭થી જોવા મળતી હતી. કહે છે કે શેનોંગ નામનો એક દેવ. એક દિવસ પાણી ઊકાળતો હતો. બાજુમાં હતો એક છોડ. એકાએક એ છોડ સળગી ઊઠ્યો. એને કારણે પાંદડાં સૂકાઈ ગયાં અને ઊડતાં ઊડતાં આવીને પડ્યાં પેલા ઊકળતા પાણીમાં. શેનોંગે એ પાણી ચાખી જોયું. ભાવ્યું. રોજ પીતો થયો. વખત જતાં ખ્યાલ આવ્યો કે આ પાણી પીવાથી બીજા ૭૦ જેટલા ઝેરી છોડની અસર દૂર થાય છે!
ચીનમાં ચાનું વાવેતર શરૂ થયું ત્યારે તેના પર બીજી કોઈ પ્રક્રિયા કરતા નહિ, એટલે તેનો સ્વાદ કડવો હતો. એટલે તેનું નામ પડ્યું ‘તુ’, જેનો અર્થ થતો હતો કડવો સ્વાદ ધરાવતી વનસ્પતિ. ઈ.સ. પૂર્વે ૭૬૦માં લુ યુ નામના એક વિદ્વાને ચા વિષે લખતાં ભૂલથી ‘તુ’ને બદલે ‘ચા’ લખી નાખ્યું. (ચીની ચિત્રલિપિમાં મામૂલી ફેરફારથી પણ આખો શબ્દ બદલાઈ જાય છે.)
આસામના ચાના બગીચામાં કામ કરતી સ્ત્રીઓ
ઈ.સ. ૧૫૦૦ના સૈકામાં પોર્ટુગીઝોએ ચીનમાં પ્રવેશ કર્યો. તે વખતે એમનો મનસૂબો તો તેજાના અને મરીમસાલાના વેપાર પર એકહથ્થુ પકડ જમાવવાનો હતો. પણ તેમણે જ્યારે ચા ચાખી ત્યારે તરત થયું કે મરીમસાલા કરતાં ય આ ચાના વેપાર પર પકડ ધરાવવી ઘણી વધુ ફાયદાકારક થશે. એ વખતે દક્ષિણ ચીનમાં વપરાતું નામ ‘ચા’ પોર્ટુગીઝોએ અપનાવ્યું. ત્યાં સુધીમાં ચાનાં પાંદડાં પર પ્રક્રિયા કરવાનું શરૂ થઈ ચૂક્યું હતું અને તેથી તેનો સ્વાદ કડવો રહ્યો નહોતો. પોર્ટુગીઝોએ ચાની નિકાસ શરૂ કરી અને ઇન્ડોનેશિયા, આફ્રિકા અને પશ્ચિમ યુરપના દેશો સુધી ચાને પહોંચાડી. આ દરિયાઈ રસ્તા ઉપરાંત જમીન રસ્તે પણ ચા બીજા દેશોમાં પહોંચી. ચાની ગુણીઓ પીઠ પર લાદીને મજૂરો એક દેશથી બીજે દેશ ચા લઈ જતા. એ રીતે પર્શિયા થઈ ચા હિન્દુસ્તાન પહોંચી. મૂળ ચીની ભાષાનો ‘ચા’ શબ્દ ફારસીમાં બન્યો ‘ચાય.’ હિન્દી અને ઉત્તર ભારતની બીજી કેટલીક ભાષાઓમાં આજે પણ આ ‘ચાય’ શબ્દ વપરાય છે. ગુજરાતી અને બંગાળીમાં વપરાય છે ‘ચા’. તો મરાઠીમાં વપરાય છે ‘ચહા.’ પોર્ટુગીઝો ઈ.સ. ૧૫૩૪માં મુંબઈ આવ્યા અને પછી ધીમે ધીમે રાજવટ સ્થાપી. સુરત અને મુંબઈના ઘણા ગુજરાતી વેપારીઓના પોર્ટુગીઝો સાથેના વેપારી સંબંધો હતા. એટલે આવા વેપારીઓ દ્વારા પોર્ટુગીઝ ભાષાનો ‘ચા’ શબ્દ ગુજરાતીમાં આવ્યો હોય એમ બને.
અંગ્રેજ કુટુંબનું બપોરનું ચા–પાન
ગ્રેટ બ્રિટનના લોકોને ચાનો સ્વાદ પહેલી વાર ચખાડ્યો ડચ વેપારીઓએ. ગોરાઓ જોતજોતામાં ચાના બંધાણી થઈ ગયા. પણ એ વખતે ઘણો વેપાર વિનિમય (બાર્ટર) પદ્ધતિથી થતો. ચીનની ચાના બદલામાં આપવું શું? એટલે અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં અફીણના ઉત્પાદનને ખૂબ પ્રોત્સાહન આપ્યું. આ અફીણ અહીંથી ચીન જતું, અને તેના બદલામાં બ્રિટન ચા ખરીદતું. અફીણના વેપારમાં પારસીઓ મોટે ભાગે આગળ પડતો ભાગ ભજવતા. આજે પણ પારસીઓ ‘ચા’ને બદલે ‘ચાય’ શબ્દ વાપરે છે.
બીજા પ્રદેશોની જેમ મુંબઈમાં પણ ચા એ લાટ સાહેબોનું પીણું હતું. ચા બનાવવાની રીતને તેમણે એક કલાની જેમ વિકસાવેલી. એમાં ચાને ઉકાળાય નહિ. ટી-પોટમાં ચાની પત્તી પર ગરમ ગરમ પાણી રેડવાનું. કપમાં રેડ્યા પછી થોડી ખાંડ અને થોડું દૂધ. ચમચીથી હલાવીને હળવેકથી કપ મોઢે માંડી ચુસ્કી લેતા જવાની, ધીરે ધીરે. સાથે આછો-પાતળો નાસ્તો. ટી-પોટમાંની ચા ઠંડી પડી ન જાય એટલે ટી-પોટને ટોપી કહેતાં ટી-કોઝી પહેરાવવાની. ખાનદાની પારસીઓ આજે પણ આ રીતે ચા પીએ.
ચાય ગરમ લો ચાય ગરમ
દીવાને ખાસની ચા દીવાને આમ પહોંચી ત્યારે ઘણી બદલાઈ ગઈ. તપેલીમાંનું પાણી ગરમ થાય એટલે તેમાં ચા, દૂધ, ખાંડ નાખવાનાં. કેટલાક વળી એકલા દૂધની ચા બનાવે. પછી ઠીક ઠીક વખત ઉકાળવાની. ઘરમાં ગરણીથી અને ચાની દુકાનોમાં કપડાના ગરણાથી ગાળીને ઊંચેથી એવી રીતે રેડવાની કે કપમાં ફીણ થાય. સાચો પીનારો – કે પીનારી – કપ મોઢે ન માંડે. રકાબી કહેતાં સોસરમાં રેડીને ચાનું તળાવ બનાવે અને ઘૂંટડે ઘૂંટડે પીએ. દેશીઓની બીજી એક ખાસિયત. સાથે ખારી કે બિસ્કિટ હોય તો ચામાં બોળી બોળીને ખાવાની. બીજી ખાસિયત તે ચાનો મસાલો, ફુદીનો, આદુ, એલચી વગેરે વગેરે ઉમેરવાની. મુંબઈમાં સૌથી વધુ પીવાતી હોય તો આ રીતની ચા. પહેલાં તો ચાની જ અલગ દુકાનો હતી. પણ વધતાં જતાં ભાડાં અને હરીફાઈને કારણે એવી દુકાનો ઘણી ઓછી થઈ ગઈ. અમદાવાદીઓની ‘ચાની કીટલી’ પણ મુંબઈમાં ઓછી જ જોવા મળે. હા, થર્મોસમાં ભરેલી ગરમ ગરમ ચા સાઈકલ પર ફરીને વેચનારા આજે પણ જોવા મળે.
ચુનીલાલ મડિયાએ નિરૂપ્યો છે તેવો ચાનો વિરોધ મુંબઈમાં તો લગભગ હતો જ નહિ. પણ હા. કાચનાં કે ચીની માટીનાં કપ-રકાબી માટેનો વિરોધ ઘણા વખત સુધી રહ્યો. ઘણાં ઘરોમાં પિત્તળનાં કે જર્મન સિલ્વરનાં કપ-રકાબી જ વપરાતાં. કાચનાં તો નોકરો માટે. ચાની દુકાનો પણ બંને જાતનાં કપ-રકાબી રાખે – પિત્તળનાં અને કાચનાં. જેની જેવી માગ. ઘણીખરી દુકાનો આજે આપણે જેને ‘કુકીઝ’ કહીએ છીએ તે પણ રાખે, ચા સાથે ખાવા માટે. અને હા. આ દુકાનોમાં ચા સાવ તાજેતાજી મળે, ફરી ફરી ઉકાળેલી નહિ.
સેન્ટ ઝેવિયર્સ કોલેજથી થોડે દૂર, ધોબી તળાવના નાકા પર એક ચાની દુકાન. કવિ, વિવેચક, અદ્ભુત અધ્યાપક મનસુખભાઈ ઝવેરી દિવસમાં બે-ત્રણ વાર ત્યાં ચા પીવા જાય. જઈને બેસે એટલે એમની ખાસ ચા તાબડતોબ બને. ગરમ ફળફળતી (મડિયા જેને ‘ફરફરતી’ કહે છે) ચાના બે કપ એક સાથે સામેના લાકડાના નાનકડા ટેબલ પર ગોઠવાય. અસાધારણ ઝડપથી એક પછી એક બંને કપ જોતજોતામાં ખાલી! ઘણી વાર બીજા અધ્યાપકોને કે બી.એ.ના બે-ત્રણ વિદ્યાર્થીને સાથે લઈ જાય. બધાના પૈસા અચૂક પોતે જ આપે. આ લખનાર તેમનો વિદ્યાર્થી હતો ત્યારે આવો લાભ ઘણી વાર મળેલો.
પ્લાઈ વૂડનાં ખોખાંમાં ભરેલી જૂદી જૂદી જાતની ચા
એ જમાનામાં મધ્યમ વર્ગનાં ઘરોમાં ‘લૂઝ ટી’ જ વપરાય. એટલે આવી ચા વેચનારી નાની-મોટી દુકાનો ઠેરઠેર. મોટે ભાગે પારસીઓની કે ખોજા-વ્હોરા વગેરેની. પ્રાર્થના સમાજ આગળ બે ગાળાની એક મોટી દુકાન, ચેમ્પિયન ટી માર્ટ. પ્લાઇવૂડનાં મોટાં મોટાં ખોખાંમાં આઠ-દસ જાતની ચા. બધી તાજી. ઘરાકને જોઈતી ચા તોળીને આપે. આ લખનાર ગિરગામ રહ્યો તે બધાં વરસ ઘરે ચા અચૂક આ દુકાનેથી જ આવે. હવે આવી ફક્ત ચા વેચતી દુકાનો ઘણી ઓછી થઈ ગઈ છે. કારણ પેક્ડ ટીનું ચલણ વધ્યું છે. આજે તો મસાલાથી માંડીને કંઈ કંઈ નાખેલી પેક્ડ ચા વેચાય અને વપરાય છે. અને હા, શુગર ફ્રી ચાની તો કોઈએ કલ્પના ય કરી નહોતી. એક કપ ચામાં ત્રણ-ચાર ચમચી ખાંડ ઠઠાડી દેનારા તો કેટલાયે જોવા મળે. ગુજરાતી ઘરોમાં મસાલા વગરની ચા તો ન્યાત બહારની ગણાય. તો વાર-તહેવારે કે લગ્ન જેવા શુભ પ્રસંગે એલચી-કેસર નાખેલી ચા પણ બને. વર-વહુને એ ચાંદીના કપ-રકાબીમાં પણ અપાય.
મુંબઈની લોકલ ટ્રેનનાં સ્ટેશનોના પ્લેટફોર્મ પરની ચાની વળી જુદી જ ન્યાતજાત. વહેલી સવારથી મોડી રાત સુધી મસ મોટો પ્રાઈમસ ફૂંફાડા મારતો હોય. પિત્તળના મોટા તપેલામાં દૂધ, ચાની ભૂકી – હા પાઉડર જેવી ભૂકી, અને ખાંડ પાણીમાં ઉમેરાતાં રહે. તેમાંથી એલ્યુમિનિયમની કીટલીમાં ચા ઠલવાય. અને તેમાંથી એક પછી એક કાચના ગ્લાસમાં. ના, ત્યારે કાગળની નાની નાની ‘કપડી’ આવી નહોતી. પ્લેટફોર્મ પરની ચા ચુસ્ત લોકશાહી પદ્ધતિની. કમ શક્કર કે દૂધ જ્યાદા જેવા જૂદા ચોતરા નહિ. બધાને સમાન હક, સમાન તક. હજી પ્લેટફોર્મ પર સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ નહોતી. એટલે પીનારાની એક આંખ ટ્રેનના પાટા તરફ. ટ્રેન આવતી દેખાય તો ફટાફટ પી જાય. નિરાંત જીવે, ચુસ્કી લેતાં લેતાં ચા પીવાનો વૈભવ અહીં તે વળી કેવો?
એક જમાનામાં ચાનું એકચક્રી રાજ. કોફી તો માંદા હોય તે પીએ એવી માન્યતા, મોટે ભાગે. પણ વખત જતાં આ ચિત્ર બદલાવા લાગ્યું. ચા-કોફીના ગજગ્રાહની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 નવેમ્બર 2022