
રવીન્દ્ર પારેખ
2023નું નવું વર્ષ સખત ઠંડી લઈને આવ્યું છે. જાન્યુઆરીના પહેલા જ નવ દિવસમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઠંડીથી એક જ હોસ્પિટલમાં 131 લોકોનાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાં. એ પછી આખા દેશમાં ઠંડી વધવાના સમાચારો આવ્યે જ જાય છે. ગુજરાતમાં નલિયામાં તાપમાન એટલું ઘટ્યું કે તેની પાણીની પાઈપમાં બરફ જામી ગયો. આખા ગુજરાતમાં ઠંડી, ઠંડી પડવાનું નામ જ નથી દેતી ! આવી ઠંડીમાં રાજકોટમાં ગયા મંગળવારે સવારે આઠના સુમારે 8માં ધોરણની એક વિદ્યાર્થિની રિયા સાગર પ્રાર્થના પછી, વર્ગખંડમાં એકાએક ઢળી પડે છે ને હોસ્પિટલમાં સારવાર મળે ત્યાં સુધીમાં, દસ જ મિનિટમાં મૃત્યુ પામે છે. તેની માતાના કહેવા મુજબ તેને કોઈ બીમારી ન હતી. આ મામલો ટાઢો પડે ત્યાં તો વલસાડની કોલેજનો એસ.વાય.બી.એ.નો આકાશ પટેલ કોલેજ પરિસરમાં જ સવારે ચાલતાં ચાલતાં ઢળી પડે છે ને તેને હોસ્પિટલે ખસેડાય છે, પણ તબીબો તેને મૃત જાહેર કરે છે. આ ઘટનાઓમાં ઠંડીએ ભાગ ભજવ્યો હોવાનું લાગે છે. વિદ્યાર્થીઓનાં મોતનું સાચું કારણ તો આવતાં આવશે, પણ રિયાની માતાનું સ્પષ્ટ કહેવું છે કે તે ઠંડીને કારણે મૃત્યુ પામી છે. ડોક્ટરનું પણ માનવું છે કે ઠંડી વધારે હોય તો કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધી જાય છે. સ્કૂલો યુનિફોર્મની સાથે સાથે સ્વેટર પણ સ્કૂલનું જ પહેરવાનો આગ્રહ, વિદ્યાર્થીઓ પાસેથી રાખે છે ને એમાં ઠંડીથી પૂરતું રક્ષણ મળતું નથી. એ સ્થિતિમાં ઉપર બીજું કોઈ ગરમ વસ્ત્ર પહેરવાની છૂટ પણ શાળા આપતી નથી. સંસ્થાઓ જડતા નથી જ છોડી શકતી તેનું આ વધુ એક વરવું ઉદાહરણ છે.
જો કે, એ પછી રાજકોટના અને સુરતના જિલ્લા શિક્ષણાધિકારીઓ પરિપત્ર બહાર પાડે છે કે પોતાનું જ નક્કી કરાયેલું સ્વેટર વિદ્યાર્થીઓને પહેરાવવાનો આગ્રહ સ્કૂલો રાખી શકશે નહીં ને બીજાં કોઈ ગરમ કપડાં વિદ્યાર્થીઓ પહેરીને આવે તો તેને રોકી શકાશે નહીં. શાળાનો સવારનો સમય પણ સ્કૂલોને 8 વાગ્યાનો કરવાના આદેશો અપાયા છે. એમાં કસૂર થશે તો તંત્રોએ શિક્ષાત્મક પગલાં ભરવાની ચેતવણી પણ આપી છે, પણ આ બધું રાંડયાં પછીનાં ડહાપણ જેવું છે. દુ:ખની વાત એ છે કે ‘અગમચેતી’ જેવો શબ્દ જ આખાયે શિક્ષણ વિભાગના કોર્સમાં નથી. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનો કહેર ચાલે છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં 131 માણસો ઠંડીથી ઓલરેડી ગુજરી ગયા છે ને તે વાત દુનિયા જાણે છે, આબુમાં – 6 ડિગ્રી કે નલિયામાં – 1.4 ડિગ્રી તાપમાન નોંધાયાનું મીડિયામાં દિવસોથી ગાજી ચૂક્યું છે, તો ય સ્કૂલનો સમય બે વિદ્યાર્થીઓનાં મોત ન થાય ત્યાં સુધી સાતથી આઠ કરાતો નથી. શિક્ષણ વિભાગને આની જાણ જ ન હોય તેમ તે તો ટાઢોબોળ જ છે અને વાલીઓને પણ બહુ પડેલી ન હોય તેમ તેઓ પણ મગનું નામ મરી પાડતાં નથી. એને તો છોકરું ભણવા જાય એટલે ભયો ભયો. પછી એ સ્કૂલમાં શું કરે છે કે એની સાથે સ્કૂલમાં શું થાય છે તે વાત જ સિલેબસમાં નથી આવતી. સ્કૂલનાં યુનિફોર્મ સાથેનાં સ્વેટરોમાં ઠંડી રહેતી ન હોય તો ય, બીજાં ગરમ વસ્ત્રો પહેરવાની છૂટ વિદ્યાર્થીઓને અપાતી જ નથી. એ છૂટ માટેનો પરિપત્ર પણ તો વિદ્યાર્થિનીનાં મોત પછી કરાય છે. કોઈ ન મરે ત્યાં સુધી શિક્ષણ વિભાગને ઠંડી વધારે છે એની ખબર જ પડતી નથી. આ રીઢાપણું અધમ પ્રકારની નિર્લજ્જતાની ચાડી ખાય છે. આ એવી જાડી ચામડીઓ છે કે એને ટાઢ, તડકો કે વરસાદ, કૈં સ્પર્શતું નથી. આમ તો નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે, પણ એમાં શિક્ષણ હોય તો હોય, નીતિનો તો છાંટો સરખો ય નથી. જ્યાં માનવતા જ બાજુએ મુકાતી હોય ત્યાં શિક્ષણ હોય તો ય શું ને ન હોય તો ય શું? ઓછું ભણેલો મંત્રી જો વધુ ભણેલા કલેકટર કે કમિશનરની મંતરતો હોય, તો ભણીગણીને વિદ્વાન થવાની વાત પર ભરોસો રાખવાનું કોઈ કારણ ખરું? ટૂંકમાં, શિક્ષણનું આટલું મૂલ્ય આઝાદી પછી આપણે કમાયા છીએ ! આમ જોઈએ તો ભ્રષ્ટાચારના આખાને આખા હાથી પસાર થઈ જાય છે ને બીજી તરફ નાની અમથી વાતમાં પણ આપણે સિદ્ધાંત, આદર્શ ને નીતિની મેથી મારતા રહીએ છીએ. જ્યાં માનવીય ધોરણે વ્યવહારુ બનવાનું હોય ત્યાં જડ અને જ્યાં સખત હાથે કામ લેવાનું હોય ત્યાં ‘વ્યવહાર’ સાચવવાનું વલણ આપણા આ કહેવાતા વિકાસનાં મૂળમાં છે.
*
આ વાતને થોડી હળવાશથીયે જોવી જોઈએ. બાળક નાનેથી જ સમાનતાનો પાઠ શીખે એ માટે આપણે સ્કૂલોમાં યુનિફોર્મ દાખલ કર્યા. હવે તો પ્રિ-નર્સરીમાં પણ યુનિફોર્મ છે. સારું છે કે બાળક ગણવેશ પહેરીને જ જનમતું નથી. એક સમયે લગભગ બધે જ સફેદ શર્ટ અને ખાખી પેન્ટનો યુનિફોર્મ હતો. એ પછી સ્કૂલોને ફેશનેબલ થવાનું મન થયું. દરેક સ્કૂલે પોતાનો યુનિફોર્મ વિદ્યાર્થીઓ માટે નક્કી કર્યો. યુનિફોર્મ આમ તો વિદ્યાર્થીઓમાં સમાનતાનો ભાવ જાગે એ માટે હતો, પણ સ્કૂલો યુનિફોર્મને લઈને જુદી પડી. યુનિફોર્મથી રંગીન સમાનતા આવી. યુનિફોર્મ પરથી સ્કૂલ કેટલી મોંઘી છે એનો ખ્યાલ પણ આવે એ રંગીન સમાનતાનો હેતુ હશે. આવું એટલે થયું કે વિદ્યાર્થી કઇ સ્કૂલનો છે તે દૂરથી જ યુનિફોર્મ પરથી ખબર પડે, કેમ જાણે જોનાર પાસે બધી સ્કૂલના યુનિફોર્મની યાદી ને સરનામાં ગજવામાં પડ્યાં છે ! કોઈ બાળક રખડતો જણાય કે કોઈ અકસ્માતનો ભોગ બને તો યુનિફોર્મ પરથી જે તે સ્કૂલનો સંપર્ક સરળ બને એ હેતુ જુદા જુદા યુનિફોર્મનો હોય એમ બને, પણ વિદ્યાર્થીના ગળામાં જ તેનું ઓળખકાર્ડ લટકતું હોય તો તે પરથી પણ ઓળખ શક્ય બને ને ! એ ખરું કે સમાનતા શીખવવા અસમાન યુનિફોર્મથી, વિદ્યાર્થીઓને જુદા પાડવા આટલું તો કરવું જ પડે ! વારુ, એ તો વિદ્યાર્થી છે, એ કૈં છાપાં, ચેનલ તો જોતો નથી, એને મોબાઈલ પર એવા મેસેજ તો મળતા નથી કે ખબર પડે કે ચૂંટણીમાં કઇ જાતિ, જ્ઞાતિ, ધર્મનો ઉમેદવાર જે તે કોમ્યુનિટીને જોઈને ઊભો રખાય છે? એ તો એટલું જ બંધારણ ભણ્યો છે કે સૌને સમાન રીતે રહેવા-જીવવાનો અધિકાર છે. એ જાણે છે કે સમાનતા સ્કૂલમાં જ હોય છે ને તે યુનિફોર્મથી જ આવે છે. જોયું ને, વિદ્યાર્થી સમાનતાના પાઠ શીખે એ માટે શિક્ષણ ખાતું સ્કૂલોને કેવી કેવી સ્વતંત્રતા યુનિફોર્મથી જ આપવા લાગે છે …
શિક્ષણ વિભાગ કેટલું જાણે છે તે તો નથી ખબર, પણ આ સ્કૂલોનું ય પોતાનું શાસન હોય છે. બધી સ્કૂલો આમ જ કરે છે કે બધી સ્કૂલોનો ઇરાદો એક જ હોય છે, એવું કહેવાનું નથી, પણ સ્કૂલો વિદ્યાર્થીઓ પાસે કરાવે તેથી વધુ ઇતરપ્રવૃત્તિઓ હવે પોતે કરે છે. એક સમયે મેદાન વગરની સ્કૂલ દેખાતી ન હતી. હવે મેદાન તો રેલીઓ, સભાઓ માટે જ રહી ગયાં છે. એ હવે સ્કૂલની ઓળખ લગભગ નથી ને વ્યાયામ માટે તો જિમ પણ છે જ ને !
એક સમય હતો જ્યારે વાલીઓ અનુકૂળ લાગે તે દુકાનેથી સંતાનો માટે પુસ્તકો, નોટબુકો, બૂટમોજાં, સ્વેટર, સ્કાર્ફ વગેરે ખરીદતાં ને સ્કૂલ ચાલુ થાય એટલે વિદ્યાર્થી યુનિફોર્મમાં સજ્જ થઈને સ્કૂલે પહોંચતો. સ્કૂલો બિચારી ભલી બહુ ! જીવદયામાં માને. તેને વાલીઓની દયા આવી. તેણે પોતે એવી વ્યવસ્થા ઊભી કરી કે ગણવેશનું કપડું, સિલાઈ, પુસ્તકો, નોટબુકો, બૂટમોજાં, સ્કૂલ બેગ વગેરે .. સ્કૂલમાંથી જ મળી રહે. વાલીઓને તો ભાવતું હતું ને વૈદે કીધા જેવું થયું. સ્કૂલોમાં ભણવાયું હશે જ, પણ વાલીઓની શૈક્ષણિક ખરીદીનું મુખ્ય મથક પછી તો સ્કૂલો જ બની રહી. સ્કૂલો દૂર દૂર એટલે રખાઇ કે તેની બસમાં વિદ્યાર્થીઓ આવ-જા કરી શકે ને સ્કૂલને ફી ઉપરાંતનો લાભ પણ મળે. આમે ય વાલીએ વાહનની તો કોઈ વ્યવસ્થા કરવાની જ હતી ને પૈસા બીજાને ખટાવવાના હતા, તો થોડું સ્કૂલ કમાય તેમાં વાલીઓને શું કામ દુખવું જોઈએ? સ્કૂલનું ચાલે તો યુનિફોર્મની જેમ બસ પણ સ્કૂલમાં જ બનાવે. ભવિષ્યમાં એવું કૈં થાય તો નવાઈ નહીં !
કેટલીક સ્કૂલો ડાયરેક્ટ મિલોમાંથી કાપડ ખરીદતી થઈ. આ સ્વવલંબનથી થયું એવું કે સ્કૂલો કાપડ મિલમાંથી ખરીદે ને વાલીઓને વેચે ને એમ વિદ્યાર્થીઓ વગર ભણાવ્યે જ નફાના દાખલા શીખે. કેટલાક વાલીઓને નફાની ગંધ આવી ને તેને લાગ્યું કે તે પણ પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મ વગેરે ખરીદી શકે એમ છે. તેણે સ્કૂલ પાસેથી તે અંગેની રજા માંગી, પણ સ્કૂલો એમ ઇતર પ્રવૃત્તિઓમાંથી થતો નફો જતો કરે તો તેની શાખ અને શાખાઓને બટ્ટો લાગે ! એટલે તેણે ફરમાન કાઢ્યું કે વાલીઓએ બાળકો માટેની બધી ખરીદી સ્કૂલમાંથી કરવાનું ફરજિયાત છે. છેતરાવા માટે બીજે શું કામ જવાનું? સ્કૂલો નથી? વિદ્યાર્થીએ સ્વેટર પહેરવાનું થાય તો તે પણ સ્કૂલમાંથી જ ખરીદવાનું ફરજિયાત થયું. એવું નથી કે પૈસા લઈને સ્કૂલો સ્વેટર આપતી નથી, આપે છે. એ જુદી વાત છે કે એ પહેરવાથી ટાઢ વિદ્યાર્થીને વાય છે ને ગરમી વાલીને ચડે છે.
એ અક્કલનો ઇસ્કોતરો તો એ વિચારે અધમૂઓ થઈ જાય છે કે વેપારને બહાને અંગ્રેજો આવ્યા ને દેશને ગુલામ કરીને રહ્યા – એના જેવું તો આ કૈં નથી ને? વાલી બિચારો એ વાતે મૂંઝાય છે કે થોડાં થોડાં નાણાં ખર્ચીને તેણે સ્કૂલ જેવાંમાંથી કેવી નાની નાની ગુલામી વેચાતી લીધી છે ! સાલું, સમજાતું જ નથી કે છેલ્લાં 75 વર્ષથી એ એવી તે કેવી સ્વતંત્રતા ભોગવી રહ્યો છે કે અટકવાનું નામ જ નથી દેતી? અમિતાભ બચ્ચને કોઈ કરોડપતિ વિજેતાને ન પૂછેલો સવાલ વાલીઓને ને વ્હાલીઓને રહી રહીને એ થયા કરે છે કે વિદેશીઓ તો વિદેશના હતા એટલે ગયા, પણ આ દેશીઓ તો આ જ દેશના છે ને એ જવાના નથી, તો એનાથી મુક્તિ મેળવવા છેવટે કરવાનું શું? છે કોઈ જવાબ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2023