
રમેશ ઓઝા
વડા પ્રધાને વ્હાઈટ હાઉસમાં ભારતમાં ક્ષય પામી રહેલા લોકતંત્ર વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે એ વાત ખોટી છે. “લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે, ભારતીય પ્રજાનાં લોહીમાં છે, ભારતનો આત્મા છે.” આની સામે ફ્રેંચ ફિલસૂફ, સાહિત્યકાર અને રાજપુરુષ આન્દ્રે માલરો(Andre Malraux)ને જવાહરલાલ નેહરુએ જે કહ્યું હતું એ સરખાવો. આઝાદી પછીનાં તરતનાં વર્ષોની વાત છે. માલરોને નેહરુને મળવાનું થયું ત્યારે તેમણે કુતૂહલવશ નેહરુને પૂછ્યું હતું કે ભારત જેવા દેશની ધૂરા સંભાળો છો તો શું અનુભવ કરી રહ્યા છો? નેહરુએ કહ્યું હતું કે પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.
વડા પ્રધાન બે, નિવેદન બે અને વચ્ચે લગભગ ૭૦ વરસનો ફાંસલો. જો લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં હોત, લોહીમાં હોત, ભારતનો આત્મા હોત તો જવાહરલાલ નેહરુએ આન્દ્રે માલરોને જે કહ્યું એ કહેવું પડ્યું ન હોત અને જો પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યો રોપાયાં હોત, ઊંડા ગયાં હોત તો ભારતમાં લોકતંત્રનો ક્ષય થયો ન હોત અને અમેરિકન પત્રકારને વડા પ્રધાનને અઘરો પ્રશ્ન પૂછવો ન પડ્યો હોત. શું લોકતંત્ર ભારતનાં ડી.એન.એ.માં છે? તમને નથી લાગતું કે જવાહરલાલ નેહરુનું નિવેદન વાસ્તવિક ધરાતલ પર હતું અને નરેન્દ્ર મોદીનું નિવેદન મહાનતાનો વરખ ચડાવીને બગલ દેનારું હતું?
ભારત શું, જગતના કોઈ દેશમાં લોકતંત્ર તેનાં ડી.એન.એ.માં નથી. કોઈ પ્રજાના આત્મામાં એનો વાસ નથી કે નથી કોઈ પ્રજાનાં લોહીમાં. આ શુદ્ધ ખણખણતું જાગતિક સત્ય છે. આનું કારણ એ છે કે લોકતાંત્રિક મૂલ્યો વ્યક્તિ માટે છે અથવા વ્યક્તિ તેનાં કેન્દ્રમાં છે જ્યારે પારંપારિક મૂલ્યો સમાજ માટે છે અથવા તેના કેન્દ્રમાં સમાજના જે તે અંગ છે. રાજા ગોબ્રાહ્મણ પ્રતિપાલક હોવો જોઈએ. ગાય અને બ્રાહ્મણની રક્ષા કરનારો. આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ હત્યા કરે, કોઈની સાથે બળાત્કાર કરે તો પણ તેને સજા કરવામાં નહોતી આવતી. ગઢવી હજુ આજે પણ ગોબ્રાહ્મણ પ્રતિપાલક રાજવીનાં ડાયરાઓમાં ગુણગાન કરે છે. સ્ત્રીની રક્ષા કરવાની પુરુષોની ફરજ છે અને કોઈ કારણે પુરુષ સ્ત્રીની રક્ષા ન કરી શકે તો સ્ત્રીએ જૌહર કરવાનાં હોય. આ સિવાય પુરોહિત વર્ગ પણ સમાજનાં જે તે અંગ પર શાસન કરતો હતો. માત્ર ભારતમાં નહીં બીજા દેશોમાં પણ. ભારતની વાત કરીએ તો અસ્પૃશ્યનો સ્પર્શ વર્જ્ય ગણાય, રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય ગણાય, વગેરે. સમાજનાં ચોક્કસ લોકો માટે મર્યાદાઓ અને બંધનો અને ચોક્કસ લોકો માટે વિશેષ છૂટછાટો. આ બધું પુરોહિતો ઠરાવતા હતા. એ પછી સમાજનાં મહાજનો અથવા પંચ સમાજનાં અલગ અલગ લોકો ઉપર અલગ અલગ રિવાજ દ્વારા શાસન કરતા હતા અને પંચ હંમેશાં પુરુષોનું જ બનેલું રહેતું. આજે પણ ખાપ પંચાયત પોતાની મરજીથી લગ્ન કરવા ઇચ્છતાં યુગલોને લગ્ન કરવા દેતી નથી.
ટૂંકમાં વ્યવસ્થાનાં કેન્દ્રમાં વ્યક્તિ નહોતી, સમાજ હતો અને તેનાં અલગ અલગ ઘટક હતા અને અલગ અલગ ઘટકો માટે અલગ અલગ કાયદાઓ, રિવાજો, નિયમો હતા. માટે તો અંગ્રેજોને ભારતમાં કૌટુંબિક કાયદાઓમાં હસ્તક્ષેપ કરીને સુધારા કરવા મોંઘા પડી ગયા હતા અને છેવટે તે કરવાનું પડતું મુક્યું હતું. તેમને ખાતરી થઈ ગઈ હતી કે ભારતની પ્રજા આધુનિક મૂલ્યોના સ્વીકાર માટે તૈયાર નથી. માટે અંગ્રેજોએ પરંપરાગત ધાર્મિક આદેશોનું અર્થઘટન કરવા બ્રાહ્મણો અને મૌલવીઓને અદાલતમાં બેસાડવા પડતા હતા. અને આવી સ્થિતિ માત્ર ભારતમાં જ હતી એવું નથી, જગતના દરેક દેશમાં અલગ અલગ સ્વરૂપમાં સમાજનો એક વર્ગ બીજા વર્ગ પર શાસન કરતો હતો. એક સમૂહનું બીજા સમૂહ ઉપર શાસન. વ્યક્તિ તો એ સમૂહનો સભ્ય માત્ર હતી.
યુરોપમાં ચર્ચ (ખ્રિસ્તી ધર્મ – ધર્મગુરુઓ) સૌથી વધુ શક્તિશાળી હતો. તેમની પાસે ભગવાન હતા અને ભગવાનનો ડર તલવારના ડરથી પણ મોટો હતો. ઈશુ, બાયબલ અને સંગઠિત ધર્મ. તેમણે લોકોના જીવન પર જ કબજો નહોતો જમાવ્યો, મસ્તિષ્ક પર પણ કબજો જમાવ્યો હતો. ચર્ચે ભગવાનને નામે જે ગોરખધંધા કર્યા હતાં એનાં ઉપર તો પુસ્તકો લખાયાં છે.
પણ કહેવાય છે ને દરેક ચીજનો અંત હોય છે અને એમાં જો અતિરેક બેશુમાર હોય તો અંત થોડો વહેલો આવતો હોય છે. માનવમસ્તિષ્કમાં વિચાર સ્ફૂરે છે અને વિચાર કરતાં વધુ શક્તિશાળી બીજી કોઈ ચીજ આ દુનિયામાં નથી. માટે તો જગત આખામાં તાનાશાહો વિચારથી અને વિચારકોથી ડરે છે. માટે તેઓ શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો જમાવે છે કે જેથી વિચારવાની પ્રક્રિયાને રૂંધી શકાય. ચર્ચે પણ એવો પ્રયાસ કર્યો હતો. પૃથ્વી ગોળ છે અને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે એમ કહેવા માટે ચર્ચે ખગોળવિજ્ઞાની ગેલેલિયોને સજા કરી હતી અને માફી મગાવી હતી. તેઓ એક વાત ભૂલી જાય છે કે વિચાર શિક્ષણસંસ્થાઓની ચાર દીવાલોનો મોહતાજ નથી. બીજું વિચારનો સ્વભાવ એવો છે કે તે જો સ્વતંત્રતા હોય, મોકળાશ હોય તો વધુ ખીલે અને જો દમન હોય તો હજુ વધુ ખીલે. મોકળાશમાં ખીલેલા વિચાર રોમેન્ટિક હોય છે અને દમનમાંથી જન્મેલો વિચાર પરિવર્તનને જન્મ આપનારો વિદ્રોહી હોય છે. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ ગાંધીએ દમનનો અનુભવ કર્યો અને એક વિચાર સ્ફૂર્યો જેને સત્યાગ્રહ તરીકે ઓળખાવવામાં આવે છે. સત્યાગ્રહ જેને નિર્બળ સમજવામાં આવે છે એનું સબળ હથિયાર છે.
મધ્યકાલીન યુરોપમાં ચર્ચનું દમન વધવા લાગ્યું ત્યારે વિચાર સ્ફૂર્યો કે માનવી શું પશુઓનાં ધણનો હિસ્સો છે? તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી? સમૂહ અને સમૂહનું નિયમન કરનારી સામાજિક સંસ્થા મોટી કે હું? જો આ જીવન મારું હોય તો મારી રીતે જીવન જીવવાનો અધિકાર પણ મારો હોવો જોઈએ. એ વિચારે ક્રાંતિ સર્જી જેને યુરોપનાં નવજાગરણ તરીકે ઓળખાવવામાં આવે છે. પહેલીવાર માગણી ઊઠી કે કોઈ પણ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યક્તિ હોવી જોઈએ અને વ્યક્તિ પર વ્યક્તિનું જ અનુશાસન હોવું જોઈએ. જે કોઈ વ્યવસ્થા રચવામાં આવે એ વ્યક્તિની સ્વતંત્રતાને રુંધનારી ન હોવી જોઈએ. નવજાગરણનાં આંદોલને સમૂહની જગ્યાએ વ્યક્તિની સ્થાપના કરી, વ્યવસ્થાને વ્યક્તિકેન્દ્રી કરી, દરેક સત્તા(ઓથોરિટીઝ)ને પડકારી અને શ્રદ્ધાની જગ્યાએ શંકા અને પ્રશ્નોનો મહિમા કર્યો.
લોકતંત્ર અને લોકતાંત્રિક મૂલ્યોનો જન્મ આમાંથી થયો છે. ભારતની વાત જવા દો, જગતની કોઈ પ્રજાનાં ડી.એન.એ.માં કે લોહીમાં લોકતંત્ર નથી. માટે તો જગત આખામાં લોકશાહી દેશોમાં સમૂહની સર્વોપરિતા સ્થાપનારાં પરંપરાગત મૂલ્યો અને વ્યક્તિની સ્થાપનાં કરનારાં લોકતાંત્રિક મૂલ્યો વચ્ચે સંઘર્ષ ચાલે છે અને લોકતંત્ર સંપૂર્ણપણે સ્વીકાર પામતું નથી. લોકોને એમ લાગે છે કે અમે બહુમતીમાં છીએ એટલે અમારાં પારંપરિક સાંસ્કૃતિક મૂલ્યોનો અન્ય લોકોએ સ્વીકાર કરવો જોઈએ. સ્ત્રીઓએ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વરખ ચડાવેલી મહાન વાતો કરવાથી કેટલાક લોકોની વાહવાહી મળે, વાસ્તવિકતા એની જગ્યાએ કાયમ છે. આની સામે નેહરુનું કથન સરખાવો. કેટલું પ્રામાણિક અને વાસ્તવિક છે! પરંપરાપૂજક સમાજમાં લોકતાંત્રિક મૂલ્યોનું આરોપણ કેટલું અઘરું છે એ સમજાઈ રહ્યું છે અને તે કરવાની જદ્દોજહદ કેટલી અઘરી છે એ અનુભવી રહ્યો છું.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જુલાઈ 2023
![]()



જન્મજાત તોતડાપણું કુમારવયે પ્રયત્નપૂર્વક દૂર કર્યું તે પહેલાંની હાલત, શાળા-કોલેજની પરીક્ષાઓમાં નિષ્ફળતા અને પાસ થવા માટેના નુસખા, મુગ્ધાવસ્થામાં ‘છોકરીને નિર્વસ્ત્ર જોવાનાં કોડ’, બે ટૂંકા ગાળાના પ્રેમપ્રકરણ, બીડી-સિગરેટ-શરાબનાં બંધાણ, વારંવારનું ડિપ્રેશન, આપઘાતની કોશિશો, નબળી કારર્કિર્દી, પૈસા કમાવા માટેની અપાત્રતા, ઘરસંસારની જવાબદારીઓ નિભાવવામાં કચાશ જેવી નબળાઈઓ વિશે કવિ તટસ્થભાવે લખે છે.
