
ચંદુ મહેરિયા
સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(પી.ટી.આઈ.)ના હવાલાથી દેશભરના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાએ સંયુક્ત અરબ અમીરાતમાં કશી શરત વિનાના નોમિનેશનબેસ્ડ ગોલ્ડન વિઝાના ન્યૂઝ પ્રગટ કર્યા હતા. એક લાખ દિરહામ કે લગભગ ત્રેવીસ લાખ રૂપિયામાં UAE(UNITED ARAB EMIRATES )માં કાયમી વસવાટના સ્વર્ણિમ પરવાનાના આ સમાચારે ‘હમ તો ચલે પરદેશમાં’ જીવતા ભારતીયોનો એક વર્ગ ખુશખુશાલ હતો. પરંતુ તેમની ખુશી ઝાઝી ના ટકી. કેમ કે થોડા દિવસ પછી યુ.એ.ઈ. સરકારે આ સમાચાર ધરાર ખોટા હોવાનું અને તેમની હાલની ગોલ્ડન વિઝાની સશર્ત પોલિસીમાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું હતું. ૨૩ લાખમાં વિઝાના સમાચારો જેના થકી પ્રસર્યા હતા તે રયાદ ગ્રુપ (RAYAD GROUP) નામક યુ.એ.ઈ.ની કન્સલટન્સી ફર્મે પણ માફી માંગી છે. જો કે સરકારે તેના પર ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
જે લોકો પોતાનો દેશ છોડીને લાંબા સમય માટે કે કાયમી બીજા દેશમાં વસવાટ કરવા માંગે છે તેમને આપવામાં આવતો પરવાનો એટલે ગોલ્ડન વિઝા. સરળ ભાષામાં કહેવું હોય તો પૈસાવાળાને મોટા રોકાણ બદલ બીજા દેશમાં સ્થાયી વસવાટ માટેની મંજૂરી. સ્વર્ણિમ પરવાનો કહેતાં ગોલ્ડન વિઝા હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સને કોઈપણ દેશમાં રહેવા, ભણવા, કામ કરવા અને આરોગ્યની સુવિધા માટે આપવામાં આવે છે. તે મેળવનારની હેલ્થ કેર ફેસિલિટી સાથેની કાયદાકીય રૂપમાં સંબંધિત દેશના નાગરિક જેવી સ્થિતિ હોય છે. આ પ્રકારના વિઝા જુદા જુદા દેશોમાં જુદા નામે ઓળખાય છે અને તેની કિંમત પણ જુદી જુદી હોય છે.
યુ.એ.ઈ.માં હાલમાં ઈન્વેસ્ટર્સ, બિઝનેસપર્સન, આઈ.ટી. પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો, તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, કલાકારો, સમાજસેવકો, સંશોધકો, એથ્લિટ્સ, માટે લાંબા ગાળાના વસવાટના ગોલ્ડન વિઝા ઉપલબ્ધ છે. ભારતીય ચલણમાં રૂ. ૬.૭ લાખ કે ૩૦,૦૦૦ દિરહામની મન્થલી બેઝિક સેલેરી ધરાવતા સ્કીલ્ડ પ્રોફેશનલ્સ, ૪.૫ કરોડની ફિક્સ્ડ બેન્ક ડિપોઝીટ ધરાવતા કે એટલી જ સંપત્તિ ધરાવતા લોકો, ઓછામાં ઓછા રૂ. ૪.૬૭ કરોડનું બિઝનેસ કે રિયલ એસ્ટેટમાં રોકાણ ધરાવનાર વ્યક્તિઓ તથા રૂ. સવા કરોડથી વધુનો પ્રોજેકટ શરૂ કરવા ઈચ્છતી વ્યક્તિઓ પાંચથી દસ વરસ સંયુક્ત અરબ અમિરાતમાં વસવાટનો સ્વર્ણિમ પરવાનો પ્રાપ્ત કરવાની પાત્રતા ધરાવે છે. યુ.ઈ.એ.ની ૨૦૨૫ની આશરે ૧.૧૩ કરોડની વસ્તીમાં ૪૦ લાખ (આશરે ૩૫ ટકા) ભારતીયો છે. ૨૦૨૩માં તેણે ૭૯,૬૧૭ અને ૨૦૨૪માં ૧,૫૮,૦૦૦ ગોલ્ડન વિઝા આપ્યા હતા. તેમાં ૪૦ ટકા રોકાણકારો, ૨૮ ટકા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકો, ૨૨ ટકા ઉધમીઓ અને ૧૦ ટકા સંશોધકો હતા.
ગોલ્ડન વિઝા પોલિસી ધરાવતો યુ.એ.ઈ. કોઈ પહેલો કે એકમાત્ર દેશ નથી. અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેનેડા, ઈન્ડોનેશિયા, ઈટલી, માલ્ટા, સાઈપ્રસ, ટર્કી, ડોમિનિકા, પોર્ટુગલ, કોસ્ટારિકા, આયરલેન્ડ, હંગેરી, લાટવિયા, સર્બિયા અને બીજા કેટલાક દેશો પણ ખાસ કિંમતે ગોલ્ડન વિઝા આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ, ગોલ્ડન વિઝા સ્કીમ શરૂ કરી છે. અમીરોને રોકાણના બદલામાં સ્થાયી વસવાટ આપતા અમેરિકાના ગોલ્ડન વિઝાની કિંમત ૪૨ કરોડ રૂપિયા છે. જો કે સિંગાપુરનો સ્વર્ણિમ પરવાનો તેનાથી ય મોંઘો છે. તેની કિંમત રૂ. ૬૨થી ૩૧૦ કરોડ છે. અન્ય દેશોના જે ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને આ વિઝા મળે છે તેઓના બિઝનેસના કદ પ્રમાણે વિઝાની કિંમત નક્કી થાય છે. સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા હરાજીથી આપવામાં આવે છે. જે સૌથી વધુ બોલી લગાવે તેને મળે છે. હાલમાં ૪૯૬ લોકો પાસે સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા છે. સપ્ટેમ્બર – ૨૦૨૨થી ન્યૂઝીલેન્ડે ૨૫ કરોડની કિંમતનો ગોલ્ડન વિઝા શરૂ કર્યો છે. અનિશ્ચિત સમયના આ વિઝા હેઠળ તે મેળવનાર રહી શકે છે, ભણી શકે છે અને ધંધો-વ્યવસાય કરી શકે છે. એક્ટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝાની આ પોલિસીમાં વ્યક્તિએ નિશ્ચિત રકમનું રોકાણ કરવાનું હોય છે. ૧.૮ થી ૨.૩ કરોડનો કેનેડાનો ગોલ્ડન વિઝા જે વ્યક્તિ કેનેડામાં સ્ટાર્ટ અપ કે બિઝનેસ કરવા માંગે છે તેના માટે છે.
કોઈ પણ દેશ ગોલ્ડન વિઝા શા માટે આપે? રોકાણને આકર્ષવા, પોતાના દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા, નવા ઉદ્યોગ-ધંધા સ્થાપવા, મહેસૂલ અને કરની આવક વધારવા ઉપરાંત પોતાના દેશને જેની જરૂર છે તેવી પ્રતિભાઓ મેળવવા માટે આપે છે. સ્વર્ણિમ પરવાનો મેળવનાર વ્યક્તિનો અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ, શિક્ષણ અને વ્યાપારમાં યોગદાનનો લાભ મેળવવાનો પણ ઉદ્દેશ રહેલો છે.
ભારત સહિતના દેશોના જે લોકો ગોલ્ડન વિઝા માટે લાલાયિત છે તેઓના પણ પોતાના કારણો છે. આધુનિક સુખ-સગવડો, બહેતર જીવન શૈલી, વધુ સારું જીવનધોરણ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શિક્ષણ અને આરોગ્યની સગવડો, મહાનગરો-નગરોમાં પાયાની સગવડોના અભાવમાંથી મુક્તિ, અનુકૂળ કરવેરા નીતિ, સરળ રોકાણ, વ્યાપાર માટે બહેતર વાતાવરણ અને વધુ તક જેવાં કારણોથી તેઓ સ્વદેશ છોડી વિદેશ વસવા માંગે છે અને તે માટેના પ્રયત્નો કરે છે. દુનિયામાં ગોલ્ડન વિઝા ધારકોની ચોક્કસ સંખ્યા જાણવા મળતી નથી. પરંતુ ૨૦૨૩ના વરસમાં દુનિયાના લગભગ સવા લાખ કરોડપતિઓએ દેશ બદલ્યા છે.
ભારતમાં અતિ ધનિક કે અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા વધી રહી છે. ૨૦૨૩ના ૨.૮ લાખ મોટા અમીરો પાંચ વરસ પછી વધીને ૪.૩ લાખ થવાના છે. સ્વર્ણિમ પરવાનો કોઈ સામાન્ય કામદાર કે કારીગર માટે નથી, અમીરો માટે છે. વરસે સરેરાશ પંદર લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડી રહ્યા છે અને દર પાંચે એક અમીર ભારતીય વિદેશમાં વસવા માંગે છે. વિદેશ વસવાટનાં સપનાં જોતાં ભારતીય અમીરો ૩૬ થી ૪૦ વરસના છે કે પછી ૬૧ કરતાં વધુ વરસના છે. એક સર્વે પ્રમાણે ભારતના દોઢસો અલ્ટ્રા રિચ ભારતને બદલે યુ.એસ.એ., યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુ.એ.ઈ.માં સેટલ થવા માંગે છે. તે પૈકીના ચોથા ભાગનાએ તો તેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
જે દેશો સ્વર્ણિમ પરવાનો આપે છે તેઓ અમીરોને કે નાણાંને પ્રાધાન્ય આપીને દુનિયામાં આર્થિક અસમાનતા વધારે છે. ગોલ્ડન વિઝાના આદાનપ્રદાન કરનારાના ઉદ્દેશો કંઈ શુદ્ધ જ છે એવું પણ નથી. તેઓ સંપત્તિ અને પ્રતિભા બંનેને હડપી લે છે. મની લોન્ડરિંગ, કરચોરી કે અન્ય ગુનાઓ કરનાર પણ પૈસાના જોરે ગોલ્ડન વિઝા મેળવી દેશ છોડી શકે છે. મેહુલ ચોકસી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવાના કેસો તેના નમૂના છે.
એક દેશનો ધનિક જ્યારે બીજા દેશમાં પૈસાના જોરે નાગરિકતા ખરીદે છે ત્યારે તે મૂળ દેશના નાગરિકોને પણ નુકસાન કરે છે. કેટલાક દેશોએ સ્થાનિક લોકોના રોષ અને તેમની ઘટતી તકોને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ પરવાનાની નીતિ સીમિત કરી છે કે સ્થગિત કરી છે. એટલે ગોલ્ડન વિઝાના ફાયદા-ગેરફાયદા વિચારતી વેળાએ તેના દુરુપયોગ અને સ્થાનિક નિવાસીઓના અધિકારો પરની તરાપને નજરઅંદાજ ન કરવી જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com