
નેહા શાહ
અર્થશાસ્ત્રના પાયાના અભ્યાસમાં ઉત્પાદનનાં સાધનને ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જમીન (એ સાથે જોડાયેલાં બધાં પ્રાકૃતિક સંસાધનો), મૂડી, શ્રમ અને ઉદ્યોગ સાહસિકતા. આ સાથે એક શ્રમજીવી, માણસમાંથી ઉત્પાદનનાં સાધનમાં ફેરવાઈ જાય છે. શ્રમ માટેની શરતો નફાના સંદર્ભે જ નક્કી થાય અને માનવીય ધોરણો નેપથ્યમાં જતા રહેતા હોય છે! એક માણસ શ્રમનું કામ કેટલા કલાક કરી શકે? માનવીય ધોરણે કેટલા કલાક હોવું જોઈએ? આ કામ સતત ચાલતા મશીનના ઘોંઘાટમાં કરવાનું હોય, સામે ચાલતી કેમિકલ પ્રોસેસની વાસ સતત શ્વાસમાં લઈને કરવાનું હોય કે પછી ઉડતી રજકણોની વચ્ચે કરવાનું હોય કામના સ્થળની એવી સ્થિતિને ધ્યાનમાં રાખીને કામના કલાકોનું માપ નક્કી કરજો.
પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ 1919માં વર્સેલ્સ સંધિ પછી વિશ્વ શાંતિ માટે વિશ્વ શ્રમ સંસ્થા(આઈ.એલ.ઓ.)ની સ્થાપના થઈ. સ્થાપકો માને છે કે સ્થાયી શાંતિ માટે સામાજિક ન્યાય આવશ્યક છે, અને તે માટે શ્રમિકોની પરિસ્થિતિમાં સુધારો જરૂરી છે. ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં મજૂરોનાં શોષણ સામે યુરોપમાં આંદોલનો થઈ રહ્યા હતા. કામના કલાકો નક્કી કરવા તથા શ્રમિકોને આરામ અને જીવનનો આનંદ મળવો જોઈએ એવી માંગ ઉઠી. “આઠ કલાક શ્રમ, આઠ કલાક આરામ અને આઠ કલાક સામાજિક જીવન” – આ ‘વર્ક-લાઈફ બેલેન્સ’ના સિદ્ધાંત પર આધારિત માગને આધારે આઈ.એલ.ઓ.ના પ્રથમ સંમેલનમાં કામના કલાકોને આઠ સુધી મર્યાદિત કરવાનો કરાર થયો. ભારત પણ આમાં ભાગીદાર હતું. આઝાદી પછી ૧૯૪૮માં બનેલા ફેકટરી એક્ટમાં આ સમજૂતી આધારે નિયમ બન્યા.
આ જ ફેકટરી એક્ટની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરીને ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે પહેલી જુલાઈના રોજ એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં ફેક્ટરી કામદારોના દૈનિક કામના કલાકો નવથી વધારીને બાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે જ્યારે જરૂર હોય ત્યારે ફેક્ટરીનો માલિક શ્રમિકને બાર કલાક સુધી રોકી શકે. જો કે સપ્તાહના કામના મહત્તમ કલાકની મર્યાદા 48 કલાકમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. વધુમાં, વટહુકમમાં ઓવરટાઇમના કલાકો પરની ત્રિમાસિક મર્યાદા હાલના 75થી વધારીને 125 કરવામાં આવી છે, અલબત્ત, ઓવર ટાઈમના બમણા પૈસા આપવાની જોગવાઈ કરી છે અને કામદારની લેખિત મંજૂરી પણ જરૂરી છે. પહેલા સતત પાંચ કલાક પછી રીસેસ મળી શકતી હતી હવે છ કલાક પછી મળશે. આ વટહુકમમાં સલામતીની વ્યવસ્થા અંગે કેટલીક શરતો હેઠળ મહિલાઓને રાતની પાળીમાં નોકરી કરવાની પણ મંજૂરી અપાઈ છે.
કાયદામાં કરાયેલા આ સુધારાએ સંલગ્ન સૌ કોઈને ચિંતા સાથે આશ્ચર્યમાં મૂકી દીધા છે. મજૂર સંગઠનોએ વિરોધ કર્યો છે. એમની ચિંતાને કારણ છે. શ્રમિકો વિરામ વિના લાંબો સમય કામ કરશે તો એ ચોક્કસ ઉત્પાદન વધારશે. જ્યારે બજારમાં માંગ વધે તો એને પહોંચી વળવા પુરવઠો વધારવાનું સરળ બનશે, જે કંપનીનો નફો વધારશે અને રાજ્યમાં આર્થિક વૃદ્ધિ પણ થશે. લવચીકતા પણ વધશે – ચાર દિવસ બાર કલાક કામ કરી ત્રણ દિવસની છુટ્ટી! સાંભળવામાં આ જોગવાઈ સારી લાગે પણ જે કામની વાત છે એ ટેબલ-ખુરશી પર બેસીને કરવાનું નથી એટલે શ્રમિકોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડનાર અસર અંગે પ્રશ્નો થાય. વટહુકમમાં શ્રમિકની સહમતીની વાત છે, પણ શું શ્રમિક સ્વેચ્છાએ લેખિત મંજૂરી આપે એવી પરિસ્થિતિ હોય છે ખરી? જરૂરત મંદ કામદાર માટે નોકરી ગુમાવવાનો ડર લેખિત મંજૂરી આપવા માટે પુરતો હોય છે એવું કોઈની પણ સામાન્ય બુદ્ધિ કહે છે. હવે જ્યારે કાયદાએ મહોર મારી છે ત્યારે માલિક કોઈને બાર કલાક કામ કરવા દબાણ કરશે તો એ કાયદાના દાયરામાં જ ગણાશે! એટલે ૧૯૧૯માં જે સિદ્ધાંતને શ્રમ કાયદાનો પાયો બનાવાયો હતો એ સિદ્ધાંત જ બદલવામાં આવી રહ્યો છે.
મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની મંજૂરી મળવાથી પ્રથમ દૃષ્ટિએ જાતીય સમાનતા તરફનું પગલું લાગે કારણ કે મહિલાઓને મળતી તકોમાં વધારો થશે. પણ, જે સલામતીનાં પગલાંની જોગવાઈઓ વટહુકમમાં છે તેનું પાલન થયું કે નહિ એનું ઓડીટ કોણ કરશે? મહિલા સુરક્ષા માટે આમ પણ સરકારે લીધેલાં પગલાં ઓછાં પડે છે, પોલીસ કાચી પડે છે, નિર્ભયા ફંડ વણ વપરાયેલું રહે છે ત્યારે કાગળ પર બતાવાયેલી સુરક્ષાની જોગવાઈઓના અસરકારક અમલ અંગે ચિંતા થવી સ્વાભાવિક છે.
અત્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું નથી, એટલે વટહુકમ બહાર પાડી ફેક્ટરી એકટના આ સુધારાનો તાત્કાલિક અમલ કરાયો છે. સરકારના કહેવા પ્રમાણે આ સુધારા દ્વારા આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા, નવા પ્રોજેક્ટ્સમાં રાષ્ટ્રીય મહત્ત્વમાં રોકાણને આકર્ષવા અને રોજગારીનું સર્જન કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવાનો પ્રયાસ છે. પણ, રાજ્યમાં એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઇ કે વટહુકમના માર્ગે રાતોરાત શ્રમ સંબંધી કાયદામાં ફેરફાર કરવાની જરૂર પડી? વિધાન સભાના સત્રની રાહ ના જોવાઈ? મજૂર સંગઠનો સાથે કોઈ પરામર્શ કે ચર્ચા પણ કરવામાં નથી આવી, એટલે જેમના કામની શરતોમાં બદલાવ આવ્યો છે એ વર્ગ જ વટહુકમ આવતા સુધી આખી પ્રક્રિયાથી અજાણ હતો! આવી ગુપ્ત રીતે કરેલી ઉતાવળનું શા માટે કરી હશે?
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર