જી.પી.ઓ. : રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો!
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહીં હાક મારી તો જો
જનાબ જલન માતરીસાહેબનો આ શેર આજે યાદ આવવાનું કારણ? કારણ આજે જી.પી.ઓ.ની ભવ્ય ઈમારતનાં કેટલાંક ‘રહસ્યો’ પરથી પડદો ઉપાડવાનો પ્રયત્ન કરવો છે. ફરક માત્ર એટલો કે ખુદા છે કે નહિ એ જાણવા હાક મારવી પડે. પણ આ ઈમારતનાં રહસ્યો એક રીતે રહસ્યો છે, અને એક રીતે રહસ્યો નથી. એટલે હાક મારવી પડે તેમ નથી. હા, એને વિષે અવારનવાર છાપાંમાં જાતજાતની વાતો આવે છે. ક્યારેક સાચી, તો ઘણી વાર કાલ્પનિક.
પલાંઠી લગાવીને ના બેસી રહે
તું મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો
જે અહીં આવે છે તે કામ પતે કે તરત ભાગે છે. પણ જો પલાંઠી લગાવીને બેસવું હોય તો જી.પી.ઓ.માં એની સગવડ તો છે. ત્યાં કોઈ એ રીતે બેસતું નથી એ જૂદી વાત. જી.પી.ઓ.નું વિશાળ મકાન જેટલું લાંબું પહોળું છે લગભગ એટલા જ કદનાં ત્રણ બેઝમેન્ટ મકાનની નીચે છે. આ ‘બેઝમેન્ટ’ માટે ગુજરાતી શબ્દ? ભોંયતળિયું? ના. ભોયરું? તળ મજલો? ના. ભંડકિયું? કદાચ. પણ ના, એ તો નાનું હોય. એટલે જેમ સમજદાર લોકો કમ્યુટરનું સંગણક કરતા નથી તેમ આપણે પણ બેઝમેન્ટ શબ્દથી ચલાવશું. કુલ ૩૬ મજબૂત થાંભલાને આધારે આ બેઝમેન્ટ ઊભું છે. ત્રણે બેઝમેન્ટને લોખંડના તોતિંગ, મજબૂત દરવાજા છે. જ્યારે ટપાલ ખાતાના સોનેરી દિવસો હતા ત્યારે અહીં ટપાલના કોથળા રહેતા. પણ પછી વરસોથી બંધ પડ્યા છે. અહીં કામ કરતો કોઈ માણસ પણ આજે ત્યાં જવાની ભાગ્યે જ હિંમત કરે છે. કારણ જાત જાતની વાયકા પ્રચલિત છે. ભૂત-પલીતની, ડાકણની, અને એવી બધી. પણ આ મકાન બંધાયું ત્યારે કંઈ આ બેઝમેન્ટ ટપાલના કોથળા રાખવા નહોતાં બનાવ્યાં. તો શું રાખવા બનાવેલાં?
એક બેઝમેન્ટનો લોખંડી દરવાજો
સોનું. સોનું? હા, સોનું. એ વખતે અંગ્રેજ સરકારે ‘ગોલ્ડ સ્ટેન્ડર્ડ’ અપનાવેલું. એટલે કે છપાતી દરેક ચલણી નોટને સોનાનું પીઠબળ હોવું જ જોઈએ. અને મુંબઈમાં હતી સરકારી મિન્ટ કહેતાં ટંકશાળ. નોટો છાપતી વખતે અંગ્રેજ સરકાર મુંબઈમાં જે સોનું રાખતી તેનો કેટલોક ભાગ જી.પી.ઓ.ના બેઝમેન્ટમાં રહેતો. એટલે હતા તોતિંગ દરવાજા. અને પોસ્ટ ઓફિસમાં સરકારી સોનાનો ભંડાર હશે એવો વહેમ પણ કોઈને ભાગ્યે જ આવે. પણ એ સોનું અહીં આવતું જતું કઈ રીતે હશે?
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો
સોનાને કાંઈ પગ હોય નહિ, એટલે કોઈ લાત મારે તો ય એ દોડવા માંડે નહિ. અને સોનાને, અને એ ય તે સરકારી સોનાને, લાત મારવાની હિંમત કોણ કરે? પણ સોનાને અહીંથી બીજે ખસેડવાની જરૂર પડે તો? તો એ માટે બનાવેલી ત્રણ ટનલ. તેમાંની એકનો બીજો છેડો હતો સરકારી મિન્ટ કહેતાં ટંકશાળમાં. તો બીજી ટનલ જી.પી.ઓ…થી છેક ડોક કહેતાં ગોદી સુધી જતી હતી. ન કરે નારાયણ, ને કોઈ મહાઆફત આવે તો સોનું તો ઠીક મારા ભાઈ, ગોરાઓ પોતે પણ જીવ બચાવવા ડોક સુધી પહોંચી શકે. અને ત્યાંથી સ્ટીમરમાં પહોંચી જવાય માદરે વતન. અને ત્રીજી ટનલ? એ આ બે ટનલને જોડતી હતી. જી.પી.ઓ.માંની ટનલનાં મોઢાં પાછાં ગટરનાં ઢાંકણાં જેવાં. બહારથી જોતાં એમ જ લાગે કે અહીં તો ગટર હશે.
આ ગટરનું નહિ, ટનલનું મોં છે
ખબર તો પડે મોતીઓ છે કે નહીં
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો
એટલે જી.પી.ઓ.થી ઠેઠ સમુંદર સુધી જવાની સગવડ કરી રાખેલી! જો કે એનો ઉપયોગ કરીને સમુંદરમાં ડૂબકી મારવાનો વખત ક્યારે ય આવ્યો નહિ અને એટલે અંગ્રેજ સરકાર મુંબઈના સમંદરમાં મોતીઓ છે કે નહિ એ જાણી શકી નહિ. અને આવી ટનલની વ્યવસ્થા કાંઈ આ એક જ ઈમારતમાં નહોતી. ગવન્ડરના મહેલ રાજભવનમાં પણ ટનલ મળી આવી છે, જી.પી.ઓ.થી થોડે દૂર આવેલી સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં આવેલી ટનલની વાત આપણે અગાઉ કરી છે. બીજાં મકાનો નીચે પણ હોઈ શકે, જેની ભાળ હજી આપણને લાગી ન હોય.
છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાંઓને ચાખી તો જો
૧૮૫૭ પછી ગાંધીજીના આગમન સુધી બ્રિટિશ સરકાર લગભગ નિર્ભીક હતી. છતાં તેણે સલામતી માટે આવી અટપટી વ્યવસ્થા કરી રાખેલી. જેથી ઝાંઝવાંઓને ચાખવાનો વખત ન આવે. જો કે હવે તો આપણને પાણીને બદલે ઝાંઝવાં ચાખી ચાખીને જીવવાની ટેવ પડી ગઈ છે.
અને હા, જી.પી.ઓ. પારાયણ હજી પૂરી નથી થઈ.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; ૦6 જુલાઈ 2024)