દૃષ્ટિ વિનાનું કાર્ય સમય પસાર કરવાની પ્રવૃત્તિ જેવું છે અને કાર્ય વિનાની દૃષ્ટિ સ્વપ્ન જેવી. પણ જ્યારે દૃષ્ટિ અને કાર્યશીલતા ભેગાં થાય ત્યારે દુનિયાને બદલી નાખતી ઊર્જા પેદા થાય છે.
— સુધા મૂર્તિ
વિશ્વ કવિતા દિવસ નજીક છે ત્યારે મનમાં કેટલાક વિચાર આવે છે. પશ્ચિમની આદ્ય કવયિત્રીનું નામ છે એન્હોડુઆના. સુમારિયાનું ઉર રાજ્ય એના પિતાનું હતું. ત્યારે સુમેરિયન અને આકાડિયાન ધર્મો વચ્ચે સતત ઝઘડો ચાલતો. એન્હોડુઆનાના પિતાએ એમની વચ્ચે સુલેહ કરાવી હતી. એન્હોડુઆનાનો સમય ઇસાપૂર્વે 2286થી 2251 ગણાય છે. એન્હોડુઆના ચંદ્રદેવ(સીન)ની માન્ય અને ઉચ્ચ કક્ષાની પૂજારણ હતી. તેણે પહેલાં કાવ્યો ઈશ્વરસ્તુતિ રૂપે રચેલાં એમ કહેવાય છે. માત્ર 35 વર્ષની વયે તેનું મૃત્યુ થયું હતું.

સુધા મૂર્તિ
એ સમયે ભારતમાં વેદો રચાતા હતા. વેદનો રચનાકાળ ઈસાપૂર્વે 2500થી 500 ગણાય છે. વેદમંત્રો છંદોબદ્ધ કાવ્યપંક્તિઓ રૂપે છે, જે પરમ તત્ત્વની, પરમને પામવાની આધારભૂત વિદ્યા ગણાય છે. પ્રાચીન કાવ્યો પ્રાર્થના કે ધાર્મિક વાર્તાના રૂપે મળે છે. ત્યાર પછી પૂર્વમાં અને પશ્ચિમમાં કાવ્યવિકાસના અનેક રસપ્રદ તબક્કાઓ નોંધાયા છે, જેનું આધુનિકતમ રૂપ છે એ.આઈ. ક્રિએટેડ પોએમ્સ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ રચિત કાવ્યો.
કવિઓના જીવ ઊંચા થઈ જાય એવી વાત તો છે, પણ એમ ગભરાવાનું નહીં. એચ.આઈ. એટલે કે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કોઈ ચીજ છે. લઈશું ને ટક્કર એ.આઈ. સામે. સમજીએ તો ખરા કે આ એ.આઈ. ક્રિએટેડ પોએમ્સ શું ચીજ છે! અલ્ગોરિધમ અને રૂલ્સના સેટથી બનેલા એક કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા અસ્તિત્વમાં હોય તેવાં કાવ્યોનો ખૂબ મોટો ડેટા મશીનમાં નાખી તેમાંથી જે નવા કાવ્યનું સર્જન થાય છે તેનું નામ એ.આઈ. પોએમ્સ. આમ જુઓ તો માણસના મગજમાં પણ આ જ થાય છે ને? અત્યાર સુધીમાં એ.આઈ.એ હાઇકુ, સોનેટ, ફ્રી વર્સ એટલે કે મુક્ત છંદ અને લિમરિક્સ એટલે કે હળવાં કાવ્યો સર્જી બતાવ્યાં છે. આ કાવ્યોની મૂળભૂતતા, સર્જકતા, સંવેદના, ગુણવત્તા વગેરે સંદર્ભે વિવાદો ઓછા નથી અને હજી સુધી કોમ્પ્યુટર આશ્ચર્ય, મુગ્ધતા, તલસાટ, પ્રતીક્ષા, પીડા કે ‘ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તો ય શું?, કાગળમાં ચીતરેલું કમળ હોય તો ય શું?’ જેવા નિર્વેદને સમજતું નથી; છતાં એ.આઈ. પોએમ્સને ‘ન્યૂ આર્ટ’ તરીકે વધુ ને વધુ આવકાર મળી રહ્યો છે એ હકીકત છે. ભવિષ્યના સાહિત્યમાં એનો એક રોલ હશે.
કાવ્યો વિષે આટલી વાત કર્યા પછી આપણે જુદી જાતની વાર્તાઓના એક પુસ્તકની વાત કરીએ. તેનું નામ છે ‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ લેખિકા છે સુધા મૂર્તિ. હા, એ જ સુધા મૂર્તિ જેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાજ્યસભા માટે નૉમિનેટ કર્યાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારીશક્તિનાં પ્રતીક તરીકે આવકાર આપ્યો. આ ઘટનાઓ પહેલાં પણ ઇન્ફોસિસનાં ચેરપર્સન અને અંગ્રેજી-કન્નડ ભાષાનાં લેખિકા સુધા મૂર્તિ સૌનાં જાણીતાં-માનીતાં હતાં જ. એમની પ્રતિભાની આ પ્રકારની સ્વીકૃતિથી એમના અનેક ચાહકો આનંદ પામ્યાં છે. ‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ નૉનફિકશન કેટેગરીમાં આવે છતાં એના વર્ણનમાં લખવું પડે કે આમાં 51 વાર્તાઓ છે! કારકિર્દી, સર્જન, પ્રવાસ અને સમાજસેવા દરમ્યાન લેખિકાને થયેલા અનુભવોમાંથી થોડાકનો અહીં ચિતાર છે. એવી વ્યક્તિઓ, પરિસ્થિતિઓ અને મૂલ્યોની વાત છે જે દરેકને એના જીવનપ્રવાસમાં કામ આવે. જેમ કે આ વાર્તા :
સ્કૂલ વખતની મિત્રોનું ગેટ-ટુ-ગેધર હતું. 25 વર્ષે બધા મળતાં હતાં. લેખિકા લખે છે, ‘શાળામાં ભણતી નાની છોકરીઓ હતાં ત્યારથી અમે એકબીજાનાં દોસ્ત હતાં. પછી અમે જુદી જુદી કોલેજોમાં ગયાં, પરણ્યાં, બાળકો થયાં. આછોપાતળો સંપર્ક અને સ્નેહ સચવાયા, પણ મળવાનું ગોઠવાતાં 25 વર્ષ ગયાં. ખૂબ સ્વપ્નો જોતાં એ વખતે, એમાંનાં કેટલાં સાકાર થયાં હશે?’
આ વિમલ – એના લાંબા સુંવાળા વાળ, ચમકતી ચામડી, ઘાટીલું શરીર આ બધાનો આજે પત્તો નથી. ખૂબ જાડું શરીર, ચહેરા પર કરચલી ને પાંખા ટૂંકા વાળમાં એ ઓળખાતી પણ નથી. પણ એની વાતોમાં એ જ બૌદ્ધિક અપીલ છે. સાચું છે; સુંદરતા નશ્વર છે, બુદ્ધિ અનશ્વર. પેલી વિનીતા ખૂબ બુદ્ધિશાળી હતી. મીની-કૉમ્પ્યુટર કહેવાતી. કૉલેજમાં એના જેવો જ પાર્થ મળી ગયો. બંને ખૂબ સુખી થશે એવી સૌને ખાતરી હતી, પણ પાર્થ લઘુતાગ્રંથિનો શિકાર બન્યો અને વિનીતાને વાતેવાતે તોડી પાડવા લાગ્યો. આજની સાવ ઝાંખી, આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી વિનીતાને જોઈ થાય છે, પત્ની પતિની સફળતા અને પ્રતિભાથી ખુશ થાય છે, પતિ એવું ક્યારે શીખશે? શીખશે ખરો? અને રત્ના – એટલી સામાન્ય કે કોઈને એની નોંધ લેવાનું યાદ ન આવે. પતિ પણ એવો જ મળ્યો. આજે રત્ના ફેશનેબલ, સ્ટાઇલિશ, સફળ બિઝનેસ વુમન છે. અમે પૂછ્યું ત્યારે રત્નાએ કહ્યું, ‘મારો પતિ માબાપથી દબાઈ ગયો હતો – સહાયક તરીકે આદર્શ, પણ લીડ ન લઈ શકે. મારે દબાઈ જવું નહોતું. સારી નોકરી મેળવવા જેટલું તો હું ભણી નહોતી, પણ સિલાઈ જાણતી એટલે તૈયાર કપડાંથી શરૂઆત કરી અને એકમાંથી બીજું શીખતી ગઈ.’
વાતનો બંધ વાળતાં લેખિકા કહે છે, ‘અમને લાગતું હતું કે વિનીતા સફળ નીવડશે ને રત્ના સામાન્ય રહી જશે, પણ વીસનાં અમે જુદાં હતાં, અત્યારે જુદાં છીએ.’ વાર્તાનું શીર્ષક છે ‘આઇડિયાલિસ્ટિક એટ ટવેન્ટી, રિયાલિસ્ટિક એટ ફોર્ટી’.
પુસ્તકની વાર્તાઓમાં ભારતની પ્રકૃતિ અને સંસ્કૃતિ, માનવસ્વભાવનાં સારાંમાઠાં પાસાં, સમય સાથે બદલાતા લોકો, સવારથી શ્રીમંતાઈ, ગરીબી વચ્ચે પણ અન્યનો વિચાર કરતા માણસો, પ્રામાણિકતા-કૃતજ્ઞતા જેવા ગુણો, જિંદગી, વાસ્તવિકતા અને પરિવર્તનોની અનિવાર્યતા જેવાં તત્ત્વો જોવા મળે છે. એનું વાંચન પોતાને સમજવા, આકાર આપવામાં મદદરૂપ થાય એમ છે. જે કહેવું છે તે વાર્તારૂપે કહેવાયું હોવાથી દરેક ઉંમરના લોકોને રસ પડે છે. દરેક વાર્તા બેત્રણ પાનાંમાં સમાઈ જાય એવી છે. ગમે ત્યાંથી શરૂ કરો, મજા જ પડે. આ પુસ્તક 2002માં પ્રગટ થયું, પ્રકાશક પેંગ્વિન બુક્સ, ઇન્ડિયા. ત્રીસેક હજાર નકલો વેચાઈ. એનું ગુજરાતી સોનલ મોદીએ ‘મનની વાત’ નામથી કર્યું છે. પ્રકાશક આર. આર. શેઠ.
સુધા મૂર્તિ ઉત્તર કર્ણાટકમાં 1950માં જન્મ્યાં. કોલેજમાં ભણતાં ત્યારે 599 છોકરાઓ અને તેઓ એક જ છોકરી હતાં. એમણે કોમ્પ્યુટર સાયન્સમાં એમ.ટેક. કર્યું. તેઓ ઇન્ફોસિસનાં ચેરપર્સન અને ગેટસ ફાઉન્ડેશનના પબ્લિક હેલ્થ ઈનીશિએટિવ્સનાં સભ્ય છે. એમના પતિ નારાયણ મૂર્તિ અને જમાઈ ઋષિ સુનક આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વો છે. લેખિકા તરીકે એમણે નવ નવલકથાઓ, ચાર ટેકનિકલ પુસ્તકો, ત્રણ પ્રવાસવર્ણનો, એક ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, ત્રણ નૉનફિક્શન પુસ્તકો અને બે બાળપુસ્તકો આપ્યાં છે. આ પુસ્તકોના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે, લાખો નકલો વેચાઈ છે. સાહિત્યસર્જન માટે આર.કે. નારાયણ ઍવોર્ડ, 7 ઓનરરી ડૉક્ટરેટ, પદ્મભૂષણ સહિત અનેક સન્માનો મેળવી ચૂકેલાં સાદાં, કામગરાં અને હળવાશભર્યાં સુધા મૂર્તિ માટે નરેન્દ્ર મોદીના શબ્દો ‘આવી નારીઓ જ દેશને નવું પરિમાણ આપી શકે’ બિલકુલ યોગ્ય છે.
‘વાઇઝ એન્ડ અધરવાઇઝ – અ સેલ્યુટ ટુ લાઈફ’ પુસ્તકમાં એમણે લખ્યું છે, ‘દૃષ્ટિ વિનાનું કાર્ય સમય પસાર કરવાની પ્રવૃત્તિ જેવું છે અને કાર્ય વિનાની દૃષ્ટિ સ્વપ્ન જેવી. પણ જ્યારે દૃષ્ટિ અને કાર્યશીલતા ભેગાં થાય ત્યારે દુનિયાને બદલી નાખતી ઊર્જા પેદા થાય છે.’ અને ‘શિક્ષણ એટલે માર્કસ નહીં. શિક્ષણ એટલે સર્ટિફીકેટો નહીં. શિક્ષણ તો એ છે જે જીવનમાંથી મળે છે. અજાણ્યો અભ્યાસક્રમ, દરેક વખતે નવું પેપર, ગમે ત્યારે પરીક્ષા અને અનેક દિશામાંથી આવતા અનેક પ્રશ્નો. પણ ભાગશો નહીં. આત્મવિશ્વાસ અને પોઝિટીવીટી સાથે આગળ વધશો તો જીત તમારી જ છે.’
છે ને જાણીતી, હળવી અને યાદ રાખવા જેવી વાતો? સેલ્યુટ ટુ સુધા મૂર્તિ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 માર્ચ 2024