આંતરરાષ્ટ્રીય શાળામાં ભણતી મારી પુત્રીએ, તેના મધ્ય પૂર્વમાંના પાંચ વર્ષનાં રોકાણ દરમ્યાન, તેના ધર્મ વિશે ઘણી વખત ઠઠ્ઠા સહન કરી છે. તેની શાળાની કેમ્પસ ઇકોલોજી પાશ્ચાત્ય છે, તેનાં પાઠ્યપુસ્તકો પાશ્ચાત્ય છે, શિક્ષકો પાશ્ચાત્ય અને અભિગમ પણ પાશ્ચાત્ય છે, અને સહ વિદ્યાર્થીઓનો સંઘ પાશ્ચાત્ય, આરબ અને એશિયન છે. અન્યથા BFF (best friends forever) ગણાતા તેના આરબ અને પાકિસ્તાની સહપાઠીઓ તેને પૂછતા હોય છે, ‘તમે ગાયની પૂજા કરો છો?’ તેઓ, અલબત્ત, આ પ્રશ્ન ઉપાલંભમાં પૂછતા હોય છે, નહિ કે તેનો ઉત્તર જાણવા.
ઘણો સમય આ બાબત ટાળ્યા પછી, છેલ્લે, તેણે મને આવા અનુભવની જાણ કરી. મેં તેને પૂર્વના દર્શન અને સંસ્કૃિતમાં પ્રાણીઓ અને વનસ્પતિનું વૈશિષ્ઠ્ય અને આજના યુગની આધુનિક પરિકલ્પનાઓ જેમ કે carbon footprint, global warming અને PETA (People for Ethical Treatment of Animals) જેવી સંસ્થાઓ સાથે પૂર્વના આ જુગજૂના વિચારોની સંગતતા વિષે વાત કરી. પૂર્વીય પરંપરાઓ (વૈદિક, બૌદ્ધ, જૈન) અને અબ્રાહમિક (યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી) પરંપરાઓમાં ભગવાન અને ધર્મ વિશે સામાન્ય અને વિરોધાભાસી વિચારોની અમે વાતો કરી. મેં તેને બાંહેધરી આપી કે તે ધર્મ-શ્રદ્ધા, ધાર્મિક પુસ્તકો અથવા માતા પિતાના શિક્ષણ આ બધામાંથી ફક્ત તેની બુદ્ધિને માફક આવે તે જ સિદ્ધાંતો સ્વીકારી, તેના તર્કને અમાન્ય તેવી બધી વાતો ફેંકી દેવા સમર્થ છે. તે આસ્તિકતા અને નાસ્તિકતા અથવા કઈ ત્રીજું અપનાવવા પણ મુક્ત છે. આ સંવાદ પછી તેણે તેનો નિર્ણય લીધો, એ છૂટ સાથે કે તેના નવા અનુભવો અને વિકસતી બુદ્ધિ સાથે તેના નિર્ણયો પણ બદલાશે.
જો કે, આ વાત મારી ટીનેજર પુત્રી વિશે નથી. આ વાત એ તાલીમની છે, જે એક સાંકડી દૃષ્ટિ દ્વારા આ વિવિધતાપૂર્ણ બ્રહ્માંડને જોવા માટે મનુષ્યના માનસ પર ઠોકી બેસાડવામાં આવતી હોય છે. આપણા સંસ્કાર એમ કહેતા હોય છે કે મારા માર્ગથી અલગ બધું ખોટું જ હોવું જોઈએ ! મારાથી અલગ દરેક વ્યક્તિ અજ્ઞાની જ હોવી જોઈએ !
બ્રહ્માંડ અનેક રંગો, લક્ષણો અને દ્રષ્ટિકોણો સાથે બનેલું છે અને તેની વિપુલતા દર ક્ષણે વધતી જાય છે. તેને બનાવનાર જો તેની રચના એકરંગી કરવા માગત તો બ્રહ્માંડ આવું નવરંગી ના હોત ને! કરોડો જીવો, વિવિધ ચહેરા અને રંગોવાળી પ્રજા, અને વિવિધ પરમાણુઓ, વિવિધ ગ્રહો અને વાયુઓ, વિવિધ ભાષાઓ, વિવિધ ખોરાક, કલા અને સંસ્કૃિતઓ ના હોત ને !
લોકો શા માટે આ વિશાળ અને અમર્યાદ બ્રહ્માંડનું અર્થઘટન એવું કરતાં હોય છે, જેમ એક બાળક તળિયેથી પર્વતની ટોચનું વર્ણન કરતુ હોય ? શા માટે મનુષ્ય કોઈ નૂતન દર્શન અને નૂતન સંસ્કૃિત ને પોતાના કથિત સત્ય અને કથિત ધર્મના ત્રાજવામાં તોળતો હોય છે ? શા માટે આપણે આપણા જરી પુરાણા સત્યોને પડકાર નથી ફેંકતા, જેથી જ્ઞાનની સીમાઓ વિસ્તૃત થાય ?
ગોઠણીયાભેર નિર્દોષ અને અજ્ઞાન બાળકની જેમ શા માટે આપણે નવા સ્વાદ અને સ્પર્શની શોધમાં નીકળી નથી પડતા ? શા માટે આપણા બંધ બારીના ઓરડા જેવા જ્ઞાનના ભાર તળે દબાઈ આશ્ચર્ય અનુભવીએ છીએ કે ગાય તે કદી પૂજાય ?
શા માટે આપણે ‘હું અને મારી માન્યતા’ને બાજુ પર મૂકી ‘તું બ્રહ્માંડ અને તારું અમર્યાદ દર્શન’ને નથી અપનાવતા ?
શા માટે આપણે શૂન્યથી શરૂ થતું શિક્ષણ નથી ઇચ્છતા ?
![]()


આમ તો હું પૂરેપૂરો કાલબાદેવીનો સામાન્ય માણસ. ચાલીનો જીવ. ત્યાં જ જન્મીને મોટો થયેલો. ચાલી સિસ્ટમની અસર આજે ય જતી નથી. હવે તો અદ્યતન ફ્લેટમાં રહેતો હોવા છતાં, દરવાજો ખુલ્લો રાખવાની ટેવ જતી નથી. વાટકી વહેવારમાં પણ રસ પડે. બાજુના ઘરનાં ઢોકળાં કે હાંડવો ચખાડવા માટે આવતાં એનો સ્વાદ હજુ ય યાદ આવે. સાચું કહું તો બહુ નાની ઉંમરથી હું ઊંધા રવાડે જ ચડી ગયો હતો. કંઈક વિચિત્ર ઘટનાઓ બનતી મારા જીવનમાં. નવ વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો હતો, અમદાવાદ ફોઈને ત્યાં જવું છે કેમ કે એમણે બનાવેલો બાફલો બહુ ભાવે છે એ બહાનું કાઢીને. અહીં તો કંઈ ખોટું કરીએ તો મા છૂટ્ટું વેલણ મારે. આ બધાથી છૂટવા માની પર્સમાંથી પૈસા લીધા ને ચોથા ધોરણમાં હતો ત્યારે ઘર છોડી દીધું. બહાર નીકળીને માના પર્સમાંથી ચોરેલા પૈસામાંથી પહેલા, બીજા અને ત્રીજા શોમાં ત્રણ જુદી જુદી ફિલ્મો જોઈ. છેલ્લા શો પછી તો રાતે બાર વાગી ગયા હતા, એટલે ફિલ્મ જોવા આવેલા હરિજન છોકરાઓ સાથે જઈને હરિજનવાસમાં સૂઈ ગયો. એમને ત્યાં જિંદગીમાં ચા પહેલીવાર પીધી. મારા દીદાર જોઈને તેઓ અંદરોઅંદર વાત કરવા માંડ્યા કે સારા ઘરનો છોકરો લાગે છે, ઘરે મુકી આવીએ, તેથી ત્યાંથી ભાગ્યો. જો કે છેવટે તો ઘરે જવા સિવાય છુટકો નહોતો પણ પતંગ ચગાવવા, અગાશીઓમાં વિહરવું અને ગલીઓમાં ભટકવું એ મારાં પ્રિય સ્થળો. બાપુજી મોટી પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ રહે ચાલીમાં. ગાંધીજીના સંસ્કારો હોવાથી સાદગીમાં રહે. તેઓ થોડા એકલવાયા. અમુક પ્રકારની માનસિકતાને કારણે અજંપામાં રહે. જાત સાથે એકલા રહેવા તેમણે અનેક શોખ કેળવ્યા. રેડિયો પર બીથોવન બાક સાંભળે, રાતે દસથી અગિયાર પોપ મ્યુિઝકનું શ્રવણ કરે. મેટ્રોમાં અંગ્રેજી પિક્ચકર જોઈ આવે. ચર્ચની રેકર્ડ સાંભળે જે બધું મારામાં પણ થોડું ઘણું આત્મસાત થતું જાય. જ્યાં દોઢસો માણસ કામ કરે એવી પ્રિન્ટિંગ પ્રેસના માલિકનો દીકરો તેથી શેઠના દીકરા તરીકે પાછો આપણો વટ. આ બધાનો સરવાળો થઈને પ્રબોધ પરીખ નામનો એક સંમિશ્રિત માણસ ઘડાતો જઈ રહ્યો હતો. જીટી હાઈસ્કૂલમાં સાતમા ધોરણમાં હતો ત્યારે લાઈબ્રેરીનો ચાર્જ લઈ લીધો. પુસ્તક ચોરવાની તક મળે એ પ્રલોભન પણ ખરું. સાહિત્યને પ્રેમ કરે એવા દોસ્તારો થયા પણ એનો અર્થ એવો નહીં કે મારામાં કોઈ વિશેષ સાહિત્યિક પ્રતિભા હતી. એક તરફ પુસ્તકોનું આકર્ષણ વધતું હતું ને બીજી બાજુ, જુઠું બોલવું, સિગરેટ ફૂંકવી, ચોરી કરીને પિક્ચર જોવું એ બધાં કારનામાં પણ ચાલુ જ હતા. એકવાર કલાપી પર વ્યાખ્યાન સાંભળ્યું ત્યારે થયું કે આપણે કલાપી જ થવું જોઈએ. આમ અનાયાસે પુસ્તક તરફ ખેંચાતો હતો ને નવ વર્ષની ઉંમરે ઘરેથી ભાગીને જે છોકરો ત્રણ શોમાં પિક્ચર જુએ એ ફિલ્મોના પ્રેમમાં કેટલો બધો હોય!