વ્હાલા લાલા
જત જણાવવાનું કે દર વરસની જેમ આ વરસે ય તું અવતરવાનો છે, એવી વાતોથી જગ આખું એ એકદિવસીય ઉત્સવ કાજે હરખપદુડું થયું છે, એ સમાચાર પહેલાં તો અમારે તને કહેવા છે. એમ છતાં હરખપદુડા એ તમામ જીવો એ પણ બહુ જ સારી રીતે જાણે છે અને સમજે ય છે કે તું કંઈ આવવાનો નથી જ.
'હું જન્મ લઈશ, જન્મ લઈશ', એમ હજારો વરસ પહેલાં કહીને તું દર વરસે જન્મ ન લઈને અમને બધાને જુઠું બોલવાની તાલીમ જ આપે છે ને ? બસ, એના જ અનુસંધાનમાં આજે તારી જોડે હૈયા ખોલીને વાત કરવી છે. ધ્યાનથી સાંભળ ….
જુઠું બોલવામાં તો અમે તને ય ટપી ગયા છે હોં, વાલીડા. એના તો લાખો નહીં પણ કરોડો ઉદાહરણો મોજુદ છે અમારી પાસે. તું માખણની ચોરી કરતો અને પછી જશોદા મા આગળ કેવા ખોટા ખોટા બહાના કાઢતો, ખબર છે કે યાદ કરાવીએ? 'મૈ નહિ માખણ ખાયો'થી તું શરૂઆત કરીને 'હું તો ગાયો ચારવા ગયો હતો' કે 'જબરજસ્તીથી મારા મોઢા ઉપર માખણ લગાવ્યું' કે 'માખણનું સિકુ મારી પહોંચથી દૂર હતું' એવું કહેતો, બરાબર ને ? યાદ આવે છે આ બધું ? અને છેલ્લા 'તે મને પરાયો ગણ્યો' એમ કહીને તું જશોદા માના દોરડેથી છૂટી જતો હતો, એ યાદ આવ્યું?
અમે તો એથી ય ઉપરવટ ગયા છે, અને ગીતા જ હાથમાં લઈને તારા જ સાવ ખોટેખોટા સોગંદ લેતા જરાયે ડરતા નથી. તને જ છડેચોક સામી છાતીએ ખોટો સાબિત કરીએ છીએ … બોલ, આવું તો સપનામાં ય વિચાર્યું ન જ હોય, બરાબર ને ? હાહાહાહા …….
અરે, તારા અને અમારા કારણોમાં જ ફેર છે. ગામમાં બનતું માખણ બીજા ગlમે જઈને વેચાય એટલે તે ગામનાં બાળકો તો માખણ ખાવાથી વંચિત જ રહે એમ તું માનતો અને તેથી જ તું ચોરી કરીને ગામના જ તારા ભાઈ બંધોને ચોરેલું માખણ વહેંચતો એ તારી ફિલસૂફી હતી, ખરું ને ? જ્યારે અમે દીર્ઘદ્રષ્ટિ રાખીને એમાં ફેરફાર કર્યો અને અમારી એવી વગર મહેનતની કમાણીમાં બહારના કોઈને જરા સરખો ય ભાગ અમે દેતા જ નથી. અને …. આને જ કહેવાય બૌદ્ધિક વિકાસ. લુટેલા માલને લુટાવી ન જ દેવાય એ તને ન સમજાયું હતું, પણ અમને સમજાયું.
એક ખાનગી વાત કહું? અમે આમ તો કંસમામાને જ 364 દિવસ તો અનુસરીએ કેમ કે એના વિચારો અમને વધુ અનુકૂળ આવે છે છતાં ય વરસમાં એક દિવસ તને યાદ કરીએ ખરા હોં, અને પારણામાં તો તને જ અમે ઝૂલાવીએ . કંસમામાને પારણામાં ઝુલાવ્યાનું સ્મરણ નથી. વળી સમય મળે તો ગાળેખાતે તને મળવા તારા ઘરે ય, આઈ મીન મંદિરે ય ચક્કર મારીએ છીએ એ તો તું જાણે જ છે . અને જો વધુ માનવસમૂહ ભેગો થયો હોય તો ગજવા ઢીલા કરી ડોનેશન કરી પાવતી ફ્ડાવીને તારા હુરિયાની -સોરી જય જયકારની – સાથે અમારી વાહવાહ પણ લઈ જ લઇએ.
કહેવું તો ઘણું છે, કાના …..
દુર્યોધન જેવાને તો તેં યુદ્ધ પહેલાં કેટલીયે વાર સમજાવેલા પણ ન માન્યો ત્યાર પછી જ તું એમની સાથે યુદ્ધ કરવાનું પાંડવોને જણાવી શકેલો બરાબરને .. ? જયારે અમારામાં એટલી ધીરજ જ નથી હોં … અમારી વાત ન માનનાર સાથે તરત જ અમે તો યુદ્ધ ઘોષિત જ કરીએ, વળી … તેં તો ફક્ત એક કાલીનાગને નાથેલો, અમે કઈ કેટલાયે ઝેરીલા નાગો પાળી રાખ્યા છે, તે ઉપરાંત તું ગોપીઓ સંગે રાસ રમતો .. અને અમે ય .. બસ …. સમજી જ જાને દોસ્ત ….. એ ય ને તારી જેમ જ લીલા અને લ્હેર જ કરીએ છીએ …..
આવી તો કેટલી ય વિકાસગાથા તને સમજાવવી છે પણ સમય ખૂબ ઓછો છે .. હજી તો કઈ કેટલા કામો કરવાના છે …. અને બસ પછી ….. તારી જેમ જ ભગવાન થવું છે …
લે યાદ આવ્યું, પત્ર લખવાનું મુખ્ય કારણ તો હું ભૂલી જ ગયો ….
તને બધા ભગવાન માને અને તારા કરતા વધારે કામ તો અમે કરીએ છીએ, તો પછી અમને દુનિયા ભગવાન કેમ નથી માનતી ? એ માનતી થાય તે માટે અમે શું કરીએ ? અમે તને અમારી ખાનગી વાત કહી દીધી તેમ તું અમને આ એક વાત ખાનગીમાં ન કહે .. ? તારું સિહાસન ન પચાવીએ બસ, તારા જ સમ ….
પણ અમારી ધીરજની પરીક્ષા ન જ કરતો
લિ.
અમે છીએ
'હું'
(દોસ્તો, ચાલો ચીલાચાલુ ઉત્સવ ન ઉજવતાં આપણામાં જ કૃષ્ણનાં જીવનજરૂરી તત્ત્વજ્ઞાનનો જન્મ કરવા દ્વારા જ આ ઉત્સવ ઉજવીએ . આ પત્રમાં દર્શાવેલ અહમ્ સહિતના સર્વે કાલીનાગોને વિષ વિહોણા કરીએ, માનવ બનીએ, બનાવીએ.)
e.mail : gunvantvaidya@hotmail.com
![]()


દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.