‘કોઈ પુરુષ સુંદર યુવતીને કિસ કરતી વખતે કુશળ રીતે ગાડી ચલાવી શકે તો એનો મતલબ એને કિસ કરતા આવડતું નથી.’ આઇન્સ્ટાઈને આવું કહ્યું હતું એવું મનાય છે. આઇન્સ્ટાઈનનો ડહાપણનો આઈક્યૂ બહુ ઊંચો હતો એટલે દરેક બાબતોમાં એ ડહાપણ ડહોળતા હતા એવું હવે સર્વસ્વીકૃત છે. દાખલા તરીકે એમની જગપ્રસિદ્ધ સાપેક્ષવાદની થિયરીને સાદી ભાષામાં સમજાવતાં એમણે કહેલું કે, ‘સુંદર છોકરી સાથે બગીચામાં એક કલાક બેસીએ તો ય એક જ મિનિટ થઈ છે તેવું લાગે પણ સળગતા ગેસને મિનિટ માટે અડીએ તો એક કલાક જેવું લાગે અેનું નામ સમયનો સાપેક્ષવાદ.’
અવતરણોની ચોપડીમાંથી મહાન માણસના અવતરણને ઠઠાડવાથી આપણો લેખ પણ મહાન થઈ જાય એવા આશયથી અહીં આઇન્સ્ટાઈનનું ‘નેઇમ ડ્રોપિંગ’ કર્યું છે એવું જો તમને લાગતું હોય તો તમે ય આઇન્સ્ટાઈનના ગાડી ચલાવવાવાળાની જેમ કિસ પર ફોકસ કરવાના બદલે આઇન્સ્ટાઈન પર (ખોટી) નજર બગાડી રહ્યા છો. કિસમાં ગાડી આડા પાટે ચઢી જાય એ નવું નથી. એકબીજા પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવા માટે માણસો બોડી લેંગ્વેજનો ઉપયોગ કરે છે તેમાં કિસ સૌથી ઓછી સમજાય તેવી દેહબોલી છે.
એક મિત્રે ઇમેલ મોકલ્યો છે. એમાં સમાચાર છે કે વાઇકિંગ સંસ્કૃિત વખતની રુન્સ બોલીમાં સાંકેતિક રીતે લખાયેલા 900 વર્ષ જૂના એક શબ્દને શોધકર્તાઓએ ‘કિસ મી’ તરીકે ઓળખી કાઢ્યો છે. રુન્સ પૌરાણિક જર્મન પ્રથમાક્ષરોમાંથી બનેલી બોલી હતી જે પ્રથમ સદીની આસપાસ સ્કેન્ડેનેિવયન વાઇકિંગ સંસ્કૃિતમાં લોકપ્રિય હતી. એ એક સાંકેતિક બોલી હતી અને જગતમાં એનાં નવ દૃષ્ટાંત જ ઉપલબ્ધ છે જેમાંથી આ ‘કિસ મી’ એક છે.
ઓસ્લો યુનિવર્સિટીના રુનિયોલોજિસ્ટ (રુન્સ ભાષાશાસ્ત્રી) કે. જોન્સ નોર્ડબાય કહે છે કે વાઇકિંગ સંસ્કૃિતનાં પ્રેમી યુગલો લાકડામાં આવા રોમેન્ટિક સંદેશા કોતરેલા છે. આ ‘કિસ મી’ સંદેશાવાળું દૃષ્ટાંત 900 વર્ષ જૂનું છે અને એને સમજવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. અન્ય શોધકર્તાઓ કહે છે કે લાકડા પરની એ કોતરણીમાં ‘કિસ મી’ એવો સંદેશો હોવાનો નોર્ડબાયનો નિષ્કર્ષ કદાચ સાચો છે.
કિસનો સૌથી પ્રાચીન સંદર્ભ મહાભારતમાં હોવાની માન્યતા છે પરંતુ એમ. કે. અગ્રવાલ એમના અભ્યાસગ્રંથ ‘ધ વૈદિક કોર ઓફ હ્યુમન હિસ્ટ્રી’માં લખે છે કે કિસનો સૌ પ્રથમ પ્રાચીન સંદર્ભ સંસ્કૃત સાહિત્યમાં છે, એ પછી મહાભારત અને કામસૂત્રમાં એનો ઉલ્લેખ છે. કિસિંગને ગ્રીક લોકો ભારતની બહાર લઈ ગયા અને શંૃગારિક કિસને ઇટાલિયન લોકોએ પ્રચલિત બનાવી. કામસૂત્રમાં 16 કિસમની કિસનાં વર્ણન છે. વૈદિક શાસ્ત્રોમાં ‘કિસ’ અથવા ચુંબન શબ્દ નથી. એના સ્થાને ‘સ્પર્શ’ અને ‘ગંધ’ શબ્દો વપરાયા છે.
આપણે કિસ કેમ કરીએ છીએ? આ સવાલનો ઉત્તર નથી કારણ કે વિજ્ઞાને લગભગ તમામ વૃત્તિઓની છાનબીન કરી છે સિવાય કિસ. કિસિંગમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાન એનો સિદ્ધાંત કે નિયમ રચી શક્યું નથી. સંબંધે સંબંધે કિસ જુદી હોય છે. પતિ-પત્નીની કિસ, મા-દીકરાની કિસથી અલગ હોય છે. બે મિત્રોની કિસ બે ભાઈઅોની કિસ કરતાં જુદી હોય છે. ગાલ પરની કિસ હાથ પરની કિસ કરતાં ભિન્ન છે. ગુરુ એના શિષ્યના કપાળ પર કિસ કરે છે. શિષ્ય ગુરુના પગને કિસ કરે છે. ફ્રેન્ચ સંસ્કૃિતમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે. પરંતુ 10 પ્રતિશત સંસ્કૃિત એવી ય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.
અભ્યાસકર્તાઓને કિસ અજીબ લાગે છે. એ શ્વાસોશ્વાસની જેમ એટલી સહજ ક્રિયા છે કે વિજ્ઞાન એનો ડેટા એકઠા કરવાનું ભૂલી ગયું છે અથવા એમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાનને એમાં કોઈ ચોક્કસ નિયમ શોધવામાં તકલીફ પડે છે. 17મી સદીના જર્મન અભ્યાસુ માર્ટિન વોન કેમ્પેએ 1000 પાનાનો કિસિંગ એનસાયક્લોપીડિયા લખ્યો છે. જેમાં એણે કિસિંગના 20 પ્રકારને અધિકૃત ઠેરવ્યા છે.
‘ધ એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન ઇન મેન એન્ડ એનિમલ’ કિતાબમાં ચાર્લ્સ ડાર્વિન લખે છે, જગતના ઘણા ભાગોમાં નાકથી નાકનો સ્પર્શ કરીને કિસ કરવામાં આવે છે. ઉત્તર ધ્રુવના આર્કટિક પ્રદેશમાં ખોજકર્તાએ ઓસ્કીમોમાં આ વૃત્તિ જોયેલી એટલે એને ‘ઓસ્કીમો કિસ’ કહેવાય છે.
જેની લોકપ્રિયતા અપાર અને અમાપ છે તે હોઠ સે હોઠ મીલે કિસને ‘ફ્રેન્ચ કિસ’ કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં જગતમાં ફ્રેન્ચ લોકો એમની સેક્સ અભિવ્યક્તિમાં સાહસી અને ખુલ્લા હતા. એમાંથી તસતસતા ચુંબનને ‘ફ્રેન્ચ કિસ’ નામ મળેલું. ફ્રેન્ચ લોકોની એક કિસનું નામ ‘હોટ એર’ (ગર્મ હવા) છે. જેમાં સ્ત્રીના કાન નીચેના ઇરોજીનસ (કામોત્તેજક) ભાગ પર ચુંબન કરતી વખતે એના કાનમાં હલકો હલકો શ્વાસ છોડવાનો!
‘એવરીથિંગ યુ એવર વોન્ટેડ ટુ નો અબાઉટ’ નામની કિતાબમાં અમેરિકન કિસ એક્સપર્ટ એન્ડ્રી દમીરજિયન લખે છે કે માણસ જ્યારે ગુફામાં રહેતો હતો ત્યારે બચ્ચાં જણતાં પહેલાં તેના/તેની પાર્ટનર તંદુરસ્ત છે કે નહીં તે ચકાસવા ચુંબન મારફતે સલાઇવા (થૂંક, લાળ) ટેસ્ટ કરતો હતો તેમાંથી ચુંબનનો આવિર્ભાવ થયો છે. એન્ડ્રીના કહેવા પ્રમાણે મોઢામાં 289 પ્રકારના બેક્ટેિરયાની વસ્તી છે અને એ કારણથી જ હિમાલયની કેટલીક જાતિઓ લિપલોક કિસ કરતી નથી. આફ્રિકા અને સુદાનના લોકોમાં માન્યતા છે કે મોં એ આત્માનું પ્રવેશદ્વાર છે અને હોઠથી હોઠ મિલાવીએ તો વચમાંથી યમરાજ અંદર ઘૂસી જાય!
અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ શેરીલ કિર્શેનબોમની કિતાબ ‘ધ સાયન્સ ઓફ કિસિંગ: વોટ અવર લિપ્સ આર ટેલિંગ અસ’માં એ લખે છે, ‘કિસમાં સ્વાદ, ગંધ, સ્પર્શ અને ‘ખામોશ’ કેમિકલ’ ફેરોમોન દ્વારા બે વ્યક્તિ એકબીજાની અંદર ઝાંખીને એકબીજા પ્રત્યેનો સંકલ્પ અને જીનેટિક યોગ્યતાનો તાગ મેળવે છે.’
સી.એન.એન. પર એક ઇન્ટરવ્યૂમાં શેરીલ કહે છે કે શરીરનાં તમામ ખુલ્લાં અંગો પૈકી હોઠ એ સૌથી વધુ કામોત્તેજક ભાગ છે. એમાં ઠસોઠસ સંવેદનશીલ સ્નાયુઓ ભરેલા છે જે જરાક અમથા સ્પર્શથી મગજને ઢગલાબદ્ધ સિગ્નલ અને માહિતી મોકલીને ‘આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ અથવા ‘ખબરદાર, રુક જાવ’ એ બેમાંથી એકની પસંદગી કરવામાં મગજને મદદ કરે છે.
જેને ક્રેનિયલ (કપાલીય) સ્નાયુ કહે છે તેવી 12 નર્વ્સમાંથી પાંચ નર્વ્સ કિસિંગ વખતે એક્ટિવ થઈને મગજ, હોઠ, જીભ અને ત્વચા વચ્ચે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સની આપ-લે કરે છે અને એ પ્રક્રિયામાં ડોપેમાઈન નામનું કેમિકલ પેદા કરે છે. તમે દારૂ પીવો કે, કોકેઈન સ્મોક કરો કે ચોકલેટ ખાવ ત્યારે જે ‘મઝા’ પડે છે તે આ ડોપેમાઈનના કારણે. જેને આપણે લત કહીએ છીએ (પછી એ કોઈપણ પ્રકારની ‘મઝા’ની હોય) તે આ ડોપેમાઈનના કારણે.
‘રેસ ટુ’ નામની ફિલ્મમાં મયૂર પુરીના શબ્દો પર બેની દયાલ અને શલમલ ખોલગડે ગાય છે, ‘બેઈમાન દિલ બડા બેઈમાન, તેરે લિયે શૈતાન, મેરી ના એક માના, દિલ જીતે યા મૈં જીતું, દેખુંગી દેખેગા તું, લો દિલ સે શરત લગ ગઈ, મુજે તો તેરી લત લગ ગઈ, જમાના કહે લત ગલત લગ ગઈ.’ રોમેન્ટિક પ્રેમ વ્યસની હોય છે એવું શાયરો અને સાયન્ટિસ્ટ બંને કહે છે. ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સિટીના એક સર્વેક્ષણ મુજબ 59 પ્રતિશત પુરુષો અને 66 પ્રતિશત સ્ત્રીઓએ એટલા માટે નવો-સવો સંબંધ તોડી નાખ્યો હતો કારણ કે સામેવાળો/સામેવાળી કિસ કરવામાં બેવકૂફ હતી.
કિસ માણસની સૌથી પ્રાઇવેટ અને પર્સનલ વૃત્તિ છે. એમાં એ પૂરી ઇમાનદારીથી બહાર આવે છે. કિસ અભદ્ર કે શરમજનક છે તેટલા માટે નહીં પરંતુ એમાં માણસની ઇમાનદારી એટલી તીવ્ર રીતે બહાર આવે છે કે અજાણી વ્યક્તિ એને સહી શકતી નથી એટલે એનું જાહેરમાં પ્રદર્શન થતું નથી.
સેક્સની જેમ કિસ દ્વારા માણસ પોતાની મંશા, સ્ટેટમેન્ટ જાહેર કરે છે. હોલિવૂડ સ્ટાર રિચાર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને ગાલ પર અને ઇરાનિયન પ્રમુખ મહોમ્મદ અહેમદીનેજાદે એક વૃદ્ધ મહિલાને હાથ પર ચુંબન કર્યું ત્યારે એટલી ટીકા થયેલી કે બંનેએ માફી માગવી પડેલી. એ કિસ નહીં પણ એમનું સાહસિક સ્ટેટમેન્ટ હતું. અંડરવલ્ડમાં કિસ ઓફ ધ ડેથ છે. ડોન જો કોઈને જાહેરમાં કિસ કરે તો એનો મતલબ કે થોડા દિવસમાં એનું ખૂન થઇ જાય.
રોમન અફસરો ઓળખી શકે તે માટે જુડસે જીસસને કિસ કરેલી તેના પરથી આ કિસ ઓફ ધ ડેથ મુહાવરો આવે છે. ટેક્સાસ યુનિવર્સિટીનો નૃવંશશાસ્ત્રી વૌઘન બ્રાયન્ટ કહે છે, ‘કિસ એ ખાલી કિસ જ નથી. એ એના આગવા વ્યાકરણવાળી એક ભાષા છે. બે વ્યક્તિ જ્યારે કિસ કરે છે ત્યારે તે કોણ છે, ક્યાંના છે, બંને વચ્ચે શું સંબંધ છે અને શું કરવા માગે છે તે બધું જ બહાર આવે છે.’
અંગ્રેજીમાં એક મુહાવરો છે : કિસ એન્ડ ટેલ. મતલબ કે નિજી, અંતરંગ સંબંધ બાંધવો અને પછી એને જાહેર કરવો. કિસ પ્રામાણિકતાનું પ્રતીક છે. આપણે કિસ કરીએ છીએ કારણ કે આપણે પ્રેમ કરીએ છીએ, આપણે કોઈની ઇજ્જત કરીએ છીએ, આપણે કોઈને આવકાર આપીએ છીએ અથવા આપણે કોઈને અલવિદા કરીએ છીએ. આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો એને કપાળ પર ચુંબન કરવાની પ્રથા છે.
કિસ આવકાર અને અલવિદાની કહાની છે.
કિસ યુ, મીસ યુ !
https://www.facebook.com/permalink.php?story_fbid=1406584663002922&id=1379939932334062&substory_index=0
![]()


આજે ટાવરની ઘડિયાળને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડનાર છે – દુનિયાની ડંકા વગાડતી સૌથી ઊંચી ટાવર ઘડિયાળ બિગ બેન. બ્રિટનના પાર્લમેન્ટ હાઉસ એટલે કે લંડનના વેસ્ટમિનિસ્ટર મહેલના ઉત્તર છેડે ઊભેલા એલિઝાબેથ ટાવર પરની આ ઘડિયાળની આજે વર્ષગાંઠ છે. ૩૧મી મે, ૧૮૫૯ના રોજ આ ઘડિયાળ કાર્યરત થઈ હતી અને તેના ડંકા વાગવા માંડયા હતા. બિગ બેનનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો ઓક્ટોબર-૧૮૩૪માં વેસ્ટમિનિસ્ટર મહેલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ મહેલને ફરી બાંધવામાં આવ્યો અને તેના ઉત્તર છેડે દુનિયાની સૌથી ઊંચી અને સમયમાં એકદમ ચોક્કસ ઘડિયાળ બેસાડવાનો નિર્ણય કરાયો. રોયલ એસ્ટ્રોનોમર સર જ્યોર્જ એરીએ સમયમાપનના વિજ્ઞાનમાં ખાંટું મનાતા એડમંડ બેકેટ ડેનિસનની મદદથી સમયની સાથે ચુસ્તપણે ચાલતી ઘડિયાળ તૈયાર કરી હતી. સમયે સમયે ડંકા વગાડવા માટે સોળ ટનનો મોટો ટોકરો (ઘંટ) તેની સાથે જોડવામાં આવ્યો હતો. આા ટોકરો ગ્રેટ બેલ તરીકે જાણીતો છે અને તેના આધારે જ આ ઘડિયાળ અને ટાવર બિગ બેન તરીકે ઓળખાય છે. બિગ બેનના સેન્ટ સ્ટીફન્સ ટાવરનું નામ ૨૦૧૨માં ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ-બીજાના શાસનના હીરક મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે બદલીને એલિઝાબેથ ટાવર કરાયું હતું. જો કે દુનિયા તેને બિગ બેન ટાવર તરીકે જ ઓળખે છે.
કોમવાદના રાજકારણનો તેમ જ માલિકો દ્વારા શોષણનો ભોગ બનેલા લોકો માટે કાનૂની લડત આપનારા એક ધારાશાસ્ત્રીની ધખના વિશે Passion for Justice : Mukul Sinha’s Pioneering Work પુસ્તકમાં અનેક વિગતો સાથેની સામગ્રી મળે છે. મુકુલ સિન્હાના પ્રથમ સ્મૃિતદિન બારમી મેએ બહાર પડેલાં, સવાસો પાનાંના આ મૂલ્યવાન સંચયમાં માનવાધિકાર ક્ષેત્રના તેર કર્મશીલો / બૌદ્ધિકોએ મુકુલભાઈની ન્યાય માટેની લડતોનો આલેખ આપ્યો છે. વળી, આ માર્ક્સવાદી કાનૂનવિદે પોતે સેક્યુલરિઝમ, વૈશ્વિકરણ, કોમવાદ, જીવવાનો અધિકાર અને વિજ્ઞાનશિક્ષણ વિશે લખેલા લેખો તેમ જ તેમની સાથેની એક લાંબી મુલાકાત પણ પુસ્તકમાં છે.