વડા પ્રધાનને એમ હતું કે સબ કા સાથ સબ કા વિકાસમાં બધું આવી જાય છે. હવે તેમને બ્રહ્મજ્ઞાન થયું છે કે આટલું પૂરતું નથી. હવે સ્થિતિ એવી બની છે કે સબ કા સાથ તમારો પણ વિકાસ એમ કહેવાથી પણ કામ ચાલે એમ નથી. હવે તો એમ કહેવું પડી રહ્યું છે કે તમને નુકસાન પહોંચાડવામાં નહીં આવે. આવી અમે અને તમેની સ્થિતિ કોણે પેદા કરી?
રાષ્ટ્રપતિનો ઠપકો હોય, સાહિત્યકારોનો અસહિષ્ણુતા સામેનો વિરોધ હોય કે પછી બિહાર વિધાનસભાની ચૂંટણી હોય, BJPએ હવે આબરૂ બચાવવાની એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે. BJPના પ્રમુખ બિહારનો ચૂંટણીમોરચો છોડીને ખાસ દિલ્હી આવ્યા હતા અને પક્ષના તોફાની નેતાઓને ઠપકો આપ્યો હતો. મહેશ શર્મા, સાક્ષી મહારાજ, સંગીત સોમ અને હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર ખટ્ટર વગેરેને બોલાવ્યા હતા અને તેમને સંયમ જાળવવાની સલાહ આપી હતી. આ સલાહ જો વહેલી આપવામાં આવી હોત તો આટલી હદે આબરૂ ન ખરડાઈ હોત. ‘બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી’, એવી હાલત છે. સવર્શક્તિમાન વડા પ્રધાને પહેલેથી જ આકરી ચેતવણી આપી હોત તો આવી સ્થિતિ પેદા ન થઈ હોત.
અમિત શાહે બીજો ખુલાસો એવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના દાદરીમાં અખલકની સામૂહિક હત્યા કરવામાં આવી એ માટે ઉત્તર પ્રદેશની સરકાર જવાબદાર છે અને બેલગામમાં કન્નડ સાહિત્યકાર એમ. એમ. ક્લ્બુર્ગીની હત્યા માટે કર્ણાટકની રાજ્ય સરકાર જવાબદાર છે. તો પછી ગોવિંદ પાનસરેની હત્યા માટે, મહારાષ્ટ્રમાં ગુલામ અલીના શો નહીં થવા દેવા માટે અને સુધીન્દ્ર કુલકર્ણીના મોઢે મેશ લગાડવામાં આવી એ ઘટના માટે મહારાષ્ટ્ર સરકાર જવાબદાર છે કે નહીં એ વિશે તેમણે સગવડ મુજબ ખુલાસો કર્યો નહોતો.
વાત તો સાચી છે. રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારોની છે અને રાજ્ય સરકારોને એ જવાબદારી સંભાળવાની રાજ્યો પર ફરજ પાડવી જોઈએ. અહીં એક વાત કહેવી જોઈએ કે જો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યોની છે તો રાજ્યોને એવી તક આપવાની જવાબદારી કેન્દ્રની ખરી કે નહીં? શા માટે દિલ્હીની ચૂંટાયેલી સરકારને દિલ્હી રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવાની તક આપવામાં આવતી નથી? રવિવારે નાણાપ્રધાન અરુણ જેટલીએ પોતાની ફેસબુકની વૉલ પર લખ્યું હતું કે ચૂંટાયેલા શાસકોની અવગણના કરનારા નિયુક્ત શાસકોની દાદાગીરી કેમ સાંખી લેવાય? દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મોકો જોઈને ટોણો માર્યો છે કે તો પછી કેન્દ્ર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ ચૂંટાયેલી સરકારને કામ કરવા કેમ નથી દેતી? શું એ ટીરની ઑફ ધ અનઇલેક્ટેડ નથી?
જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચડ્ડી-બનિયાનધારીઓ ગૌમાતા અને હિન્દુ રાષ્ટ્રનાં ત્રિશૂળ લઈને વચમાં કૂદી ન પડ્યા હોત તો દાદરીની ઘટના માટે ઉત્તર પ્રદેશની સરકારને જ જવાબદાર ઠરાવવામાં આવી હોત. અખિલેશ યાદવ માટે આજે મોઢું છુપાવવાનો વખત આવ્યો હોત એની જગ્યાએ અખિલેશ સંઘપરિવાર સામે આંગળી ચીંધી રહ્યા છે અને પોતાની સરકારને અને ઉત્તર પ્રદેશ રાજ્યને હિન્દુ કાવતરાના શિકાર તરીકે ખપાવી રહ્યા છે. આ તક સંઘપરિવારે આપી છે. એક અઠવાડિયા સુધી હિન્દુત્વવાદીઓએ દેકારો મચાવ્યો હતો અને વડા પ્રધાન, નાણાપ્રધાન, ગૃહપ્રધાન અને પક્ષપ્રમુખ ચૂપ હતા. વડા પ્રધાન પાસે નવજોત સિંહ સિદ્ધુના ખબર પૂછવા માટે સમય છે, અખલક માટે સમય નથી.
હવે ડૅમેજ કન્ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે અને પક્ષપ્રમુખ અમિત શાહ ખાસ બિહારથી દિલ્હી આવ્યા એનું કારણ લાજ નથી, પરંતુ બિહારમાં નજરે પડી રહેલું નુકસાન છે. ચૂંટણીના પહેલા બે રાઉન્ડમાં જે મતદાન થયું એમાં NDA માટેનો મતદાતાઓનો ઉત્સાહ જોવા મળ્યો નહોતો એવા અહેવાલ છે. સરેરાશ પંચાવન ટકાના થયેલા મતદાનમાં મહિલાઓએ અને મુસ્લિમોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો એ BJP માટે ચિંતા ઉપજાવનારી વાત છે. મહિલાઓ નીતીશ કુમાર માટે સહાનુભૂતિ ધરાવે છે એમ તમામ સર્વેમાં કહેવામાં આવી રહ્યું છે અને દાદરી પછી મુસ્લિમો પોતાનો મત વેડફાય નહીં એની ચોંપ રાખી રહ્યા છે. એટલું જ નહીં, મોટા પ્રમાણમાં મતદાન કરી રહ્યા છે. વડા પ્રધાને પહેલાં તો પોતાનો ઘમંડ જાળવી રાખીને દાદરીની ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના હિન્દુ અને મુસ્લિમોએ સંપીને વિકાસ વિશે વિચારવું જોઈએ એવી સલાહ આપી હતી.
વડા પ્રધાનને એમ હતું કે સબ કા સાથ સબ કા વિકાસમાં બધું આવી જાય છે. હવે તેમને બ્રહ્મજ્ઞાન થયું છે કે આટલું પૂરતું નથી. હવે સ્થિતિ એવી બની છે કે સબ કા સાથ તમારો પણ વિકાસ એમ કહેવાથી પણ કામ ચાલે એમ નથી. હવે તો એમ કહેવું પડી રહ્યું છે કે તમને નુકસાન પહોંચાડવામાં નહીં આવે. આવી અમે અને તમેની સ્થિતિ કોણે પેદા કરી? મુસ્લિમોએ? સેક્યુલરિસ્ટોએ? આવી સ્થિતિ સંઘપરિવારે પેદા કરી છે અને એ એનો એજન્ડા પણ છે. સરવાળે અભિમાની વડા પ્રધાને ઘમંડ છોડીને દાદરી ઘટનાનો નામોલ્લેખ કરીને ઘટનાની નિંદા કરવી પડી છે.
સાહિત્યકારોનો આવો અણધાર્યો વિરોધ આવી પડશે એની કોઈએ કલ્પના નહોતી કરી. ત્રીસ જેટલા સાહિત્યકારોએ પોતાના ઇલકાબ પાછા આપ્યા છે. એક વાત તો નક્કી છે કે પોતાના પ્રદેશના રાજકારણી કરતાં પોતાની ભાષાનો સાહિત્યકાર સમાજમનમાં વધુ આદર ધરાવે છે. આટલું ઓછું હોય એમ રાષ્ટ્રપતિએ પખવાડિયામાં બીજી વાર વધતી અસહિષ્ણુતાની નિંદા કરી છે. વડા પ્રધાને કહ્યું હતું કે આપણે પ્રગલ્ભ રાષ્ટ્રપતિની સલાહ કાને ધરવાની છે. જો સલાહ કાને ધરવામાં આવી હોત તો રાષ્ટ્રપતિએ બીજી વાર શાસક સંઘપરિવારની નિંદા ન કરવી પડી હોત.
પાકિસ્તાનમાં કોઈને ઠેકાણે પાડવો હોય તો હુદુદના ગંભીર ગુનાનો આશરો લેવામાં આવે છે. ફલાણાએ કુરાનનું કે અલ્લાહનું કે પયગંબરનું અપમાન કર્યું હતું એવો આરોપ મૂકી દો પછી તમે તેની સાથે ગમે એવો વહેવાર કરી શકો છો.
ભારતમાં કુરાનની જગ્યા ગાય લઈ રહી છે અને હુદુદનો કાયદો વગર ઘડાયે અમલમાં છે. આખરે તેઓ લોકસભામાં બહુમતી ધરાવે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 અૉક્ટોબર 2015
http://www.gujaratimidday.com/features/columns/bihar-bjp-election-results-are-not-clear-bihar-electon-results-are-not-clear-for-bjp
![]()


સર્વોચ્ચ અદાલતે નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ્સ કમિશન ધારાને ગેરબંધારણીય ઠરાવીને ફગાવી દીધો એ પછી કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ ન્યાયતંત્ર પર સીધો હુમલો કર્યો છે. તેમણે લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે લોકશાહીમાં જે શાસનસંસ્થાઓ લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતી એમની દાદાગીરી ચલાવી ન લેવાય. લોકશાહીમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ જ સાચો બંધારણીય લોકતાંત્રિક અધિકાર ધરાવે છે. અરુણ જેટલીના શબ્દો આ મુજબ હતા: Democracy could not be a tyranny of unelected. Decmocracy would be in danger if the elected are undermined. અરુણ જેટલીએ પોતાનો આ અભિપ્રાય તેમની ફેસબુકની વૉલ પર મૂક્યો હતો. આ રીતે કદાચ તેઓ એમ કહેવા માગે છે કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને સરકાર વતી તેઓ કંઈ નથી કહી રહ્યા. કેન્દ્રના કાયદાપ્રધાન ડી. વી. સદાનંદ ગૌડાએ સભ્ય ભાષામાં કહ્યું હતું કે સરકાર હવે પછી શું કરવું જોઈએ એ ચુકાદાનો અભ્યાસ કરીને ઠરાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિરોધ પક્ષો સાથે આ વિશે વાત કરવામાં આવશે.