
રાજ ગોસ્વામી
અમેરિકામાં, રાષ્ટ્રપતિપદની ચુંટણીમાં વિજેતા ડોનાલ્ડ ટ્રમ્પ પછી, સૌથી વધુ ચર્ચામાં કોઈ નામ હોય, તો તે છે ઈલોન મસ્કનું. ઈલોન મસ્ક, ટેકનોલોજીની દુનિયાનો અબજોપતિ બિઝનેસમેન છે. તે તેની માણસોને મંગળ પર લઇ જવા માટે કાર્યરત અંતરિક્ષ કંપની ‘સ્પેસએક્સ’ અને ઇલેક્ટ્રિક કાર બનાવતી ‘ટેસ્લા’ માટે જાણીતો છે. મંગળ પર મનુષ્યોને મોકલવા એ મસ્કના જીવનનું સૌથી મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે. મસ્કનું માનવું છે કે મનુષ્યને કોઈક સમયે પૃથ્વી છોડવી પડશે. એટલા માટે તેને અંતરિક્ષ વિજ્ઞાનમાં સવિશેષ રસ છે.
તેણે ટ્રમ્પને જીતાડવા માટે 2022માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (જેને હવે તેણે ‘એક્સ’ નામ આપ્યું છે) ખરીદ્યું હતું. એ ઉપરાંત, તેણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર સંશોધન કરતી ઓપનઆઈ કંપની સ્થાપવામાં પણ ભૂમિકા ભજવી હતી. તેની બીજી એક કંપની ન્યૂરાલિંક માનવ મગજ અને કોમ્પ્યુટર એકબીજા સાથે ‘વાત’ કરી શકે તેવું ઇન્ટરફેસ વિકસાવવાની દિશામાં કામ કરી રહી છે.
ટ્રમ્પને જીતાડવામાં, ઇલોને ટ્વિટર પ્લેટફોર્મ પર જબરદસ્ત મહેનત કરી હતી. તેણે ટ્રમ્પના પ્રચાર માટે (અને કમલા હેરિસને પછાડવા માટે) ટ્વિટરને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું હતું. સપ્ટેમ્બરના મધ્યમાં, ઈલોન મસ્ક અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે વાતચીત થઇ હતી. તે વખતે, નેતન્યાહુએ મજાકમાં મસ્કને કહ્યું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ન બની શકે (કારણ કે તે આફ્રિકન મૂળનો છે). મસ્કે ટૂંકો પણ સૂચક જવાબ આપ્યો હતો, “સત્તાવાર રીતે નહીં.”
ઈલોને બીજું કામ કર્યું; તેણે પોતાને ગમતા રાષ્ટ્રપતિને ચૂંટવામાં મદદ કરી. આજે તે ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વિશ્વસનીય સલાહકારોમાં એક છે. તેણે માત્ર ટ્રમ્પને જીતાડવામાં મદદ કરી છે એટલું નહીં, તેણે આગામી ચાર વર્ષ માટે વ્હાઈટ હાઉસમાં પોતાનો નક્કર પ્રભાવ ઊભો કર્યો છે. ચૂંટણી પરિણામોના ત્રણ દિવસ પછી, ઈલોને ટ્રમ્પ વતીથી યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને યુદ્ધ સમાપ્ત કરવાની સંભાવનાની ચર્ચા કરી હતી. અમેરિકા કેવી રીતે ચાલવું જોઈએ તેમાં હવે ઈલોન મસ્કની ભૂમિકા હશે. તે બિનસત્તાવાર રીતે ઉપરાષ્ટ્રપતિ જ છે, અને 2028માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ઝૂકાવે તો નવાઈ નહીં.
ટ્રમ્પે તેમના વિજય ભાષણમાં ઈલોનનાં મ્હોં ફાટ વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે આ ચૂંટણીમાં ઈલોન મસ્ક નામનો ‘નવો તારો’ પેદા થયો છે. તેમણે કહ્યું હતું, “તે એક સુપર જીનિયસ છે. આપણે જીનિયસ લોકોનું રક્ષણ કરવું જોઈએ, આપણી પાસે એવા લોકો ઓછા છે. બે અઠવાડિયા પહેલાં તેમણે રોકેટ છોડ્યું હતું અને મેં તેને સલામત રીતે નીચે આવતું જોયું હતું. મને થયું કે આવું ઈલોન જ કરી શકે. ચીન આવું કરી શકે? ના. શું તેના વગર અમેરિકા આવું કરી શકે? ના.”
અમેરિકન પત્રકાર વોલ્ટર આઇઝેકસને મસ્કના જીવન પર એક પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં, મસ્ક કહે છે કે તે સ્વભાવથી જુસ્સાદાર છે અને આ જુસ્સો અને દૃઢતા સફળતા મેળવવાની તેની ઇચ્છામાં પ્રતિબિંબિત થાય છે. તેણે કહ્યું છે, “આ માત્ર પૈસા કમાવાની વાત નથી. આ બધાથી અલગ, કદાચ, વિશ્વમાં પર્યાવરણ સહિત સમસ્યાઓને ઠીક કરવાની ઇચ્છા છે.”
21મી સદીની ટેકનોલોજીની દુનિયામાં, ઇલોન મસ્ક ગંભીર રીતે અભ્યાસ કરવાનું મન થાય તેવું દિલચસ્પ વ્યક્તિત્વ છે. આઇઝેકસનું આ પુસ્તક તેના વ્યક્તિત્વને બરાબર પકડે છે. આ પુસ્તકમાંથી (ઈલોનમાંથી) શીખવા જેવું ઘણું છે, અને ઘણું બધું તો નહીં શીખવા જેવું છે.
ઈલોને 2022માં, ટ્રમ્પ માટે જ ટ્વિટર ખરીદી લીધું હતું. આ પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે તે મુજબ, તેના ચાર દીકરાઓ સોશિયલ મીડિયાના ગંદા ધંધામાં જવાની વિરુદ્ધમાં હતા. ત્યારે ઈલોને તેમને કહ્યું હતું, “પણ તો પછી આપણે ડોનાલ્ડ ટ્રમ્પને 2024માં જીતાડવા માટે કેવી રીતે મદદ કરીશું?”
દક્ષિણ આફ્રિકામાં જન્મેલા આ 53 વર્ષીય ઉદ્યોગપતિએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પને જીતવા માટે પોતાનો સમય, જ્ઞાન અને નાણાંનું રોકાણ કર્યું હતું. સામાન્ય રીતે અમેરિકન ઉદ્યોગપતિઓ આવું કરતા નથી. તેઓ પડદા પાછળ રહીને રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનું પસંદ કરે છે.
ઈલોનનું વર્તન અમેરિકન સી.ઇ.ઓ.ના પરંપરાગત અભિગમથી તદ્દન વિપરીત છે. જેમાંથી ઘણા સામાન્ય રીતે માત્ર રાજકીય ભંડોળ એકત્ર કરવા માટે, મોંઘા રાત્રિભોજનની વ્યવસ્થા કરવા માટે અથવા ભવ્ય ઘરોમાં સંભવિત દાતાઓને હોસ્ટ કરવા માટે સક્રિય હોય છે. ઈલોન પહેલો બિઝનેસમેન છે જે, ક્રિકેટની ભાષામાં, રાજનીતિની પીચ પર ફ્રન્ટ ફૂટ પર આવીને રમ્યો છે. તેનું કારણ તેનું અજીબોગરીબ વ્યક્તિત્વ છે.
તે એસ્પર્જર નામની માનસિક બીમારીથી પીડાય છે, એટલે તેનામાં સોશ્યલ ઇન્ટેલિજીન્સનો અને સહાનુભૂતિનો અભાવ છે. આ સમસ્યાથી પીડાતી વ્યક્તિને કહેવાયેલી અથવા ન કહેવાયેલી વાતોને સમજવામાં મુશ્કેલી થાય છે, તેનું મન કોઈ પ્રકારની માહિતીને પ્રોસેસ કરવામાં સામાન્ય વ્યક્તિ કરતાં અધિક સમય લે છે. આવા લોકોને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં (અને બીજાઓની સમજવામાં) મુશ્કેલી પડે છે. એસ્પર્જર સિન્ડ્રોમ ધરાવતા ઘણા લોકો સરેરાશ વ્યક્તિ કરતાં કોઈ ચોક્કસ કામમાં સવિશેષ દિલચસ્પી ધરાવતા હોય છે અને તેમાં ખૂબ એકાગ્રતા કરવા સક્ષમ હોય છે.
તરંગી અને ફાટ ફાટ થતી એનર્જીથી ઉભરાતો ઇલોન, અંગત અને વ્યવસાયિક સંબંધોમાં અત્યંત દહેશતપૂર્ણ છે, પરંતુ તે રિઝર્વ, અત્યંત સ્માર્ટ, આત્મનિરીક્ષણ અને બૌદ્ધિક ક્ષમતા વાળો છે. એ નો-નોન્સેન્સ બોસ છે. તેને ના સાંભળવાની આદત નથી. તેની સાથે દલિલો કરનારા અનેક અધિકારીઓને તેણે કાઢી મૂક્યા છે. તે ટ્રમ્પને પણ ગેટ આઉટ કહે તેવો છે (એમ તો ટ્રમ્પ પણ માથું ભાંગે તેવા છે). એ દરેક કામ જાતે કરે છે. તે તેની ઇલેક્ટ્રિક કાર, ટેસ્લાની ફેક્ટરીમાં ફ્લોર પર સૂઈ જતો હતો. તેણે અવકાશ સંસ્થા નાસા સાથે કરાર કરીને નાગરિકોને અવકાશમાં (અને મંગળ પર) મોકલવાનું બીડું ઝડપ્યું છે.
ઇલોનનું બાળપણ યાતનાભર્યું હતું. તે સ્કૂલમાં લોંઠ છોકરાઓના હાથે માર ખાઈને અને ઘરે દારૂડિયા અને હવસી પિતાના અત્યાચારથી નિર્દયી બની ગયો હતો, જે તેના કામમાં પ્રતીત થાય છે. તે એટલો ભાવશૂન્ય છે કે નિષ્ફળતા કે અવરોધથી પણ વિચલિત થતો નથી, અને તેમાંથી બોધપાઠ લઈને આગળનો રસ્તો બનાવે છે.
તે સ્કૂલમાં હતો, તે સમયે પ્રિન્સિપાલે ચેતવણી આપી હતી કે ઈલોનને સામાજિક માહોલમાં મુશ્કેલી પડશે, કારણ કે વર્ગના અન્ય તમામ વિદ્યાર્થીઓ કરતાં તે નાનો હતો. સ્કૂલમાં તેને કોઈ મિત્ર નહોતા અને જ્યારે તે બીજા ધોરણમાં ભણતો હતો ત્યારે તે એકલો જ રહેતો હતો. વધુમાં, મસ્કની માતાએ આઇઝેકસનને કહ્યું હતું કે જ્યારે તેણે શાળામાં જવાનું શરૂ કર્યું ત્યારે તે “ખૂબ જ એકલો અને હતાશ થઈ ગયો હતો”.
વોલ્ટર આઇઝેકસને તેમના પુસ્તકમાં ઈલોન મસ્કને, શેક્સપીરિયન નાટ્યકૃતિઓના નાયક તરીકે વર્ણવ્યો છે. તેઓ લખે છે, “શેક્સપીયર આપણને શીખવે છે તેમ, બધા નાયકોમાં ત્રૂટિઓ હોય છે, કેટલીક દુઃખદ હોય છે, અને અમુકને આપણે ખલનાયક તરીકે ગણીએ તેટલી જટિલ હોય છે. તેમણે લખ્યું હતું કે, શ્રેષ્ઠ લોકો પણ તેમની ત્રૂટિઓમાંથી ઘડાયેલા હોય છે.”
(‘બ્રેકીગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 17 નવેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર