સિરક્રીકના પેટાળમાં પેટૃોલિયમ અને ગેસના વિપુલ ભંડાર હોવાથી એનું જીવની જેમ જતન કરવું પડે
આપણે ત્યાં કહેવત છે: બાર વર્ષે બાવો બોલ્યો. કાંઇક એવું જ કચ્છ સરહદે આવેલી સિરક્રીક વિશે હમણાં બન્યું. સિરક્રીક મુદ્દાને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ ગજવ્યો હતો. એ પછી હમણાં નવનિયુક્ત રક્ષામંત્રી નિર્મલા સીતારામને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કેન્દ્ર બનેલી સિરક્રીક સીમાનું હવાઈ અને હોવરક્રાફ્ટ નિરીક્ષણ કરતાં પહેલાં જાહેર નિવેદન કર્યું કે સિરક્રીક રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો પ્રદેશ છે.

પાકિસ્તાને અને ચીને ગપચાવેલા જમ્મુ-કાશ્મીર સહિતના ભારતના પ્રદેશને પણ પાછો મેળવવો, એ 1994માં ભારતીય સંસદના સર્વાનુમતે કરાયેલા ઠરાવ-સંકલ્પ મુજબ, પ્રત્યેક વડાપ્રધાન અને ભારતીયની ફરજ અને આકાંક્ષા છે. સિરક્રીકના પેટાળમાં પેટ્રોલિયમ અને ગેસના વિપુલ ભંડાર હોવાનું પણ સ્પષ્ટ થઈ ગયું હોવાથી સ્વાભાવિક છે કે એનું જીવની જેમ જતન કરવું પડે. જો કે રાષ્ટ્રીય સુરક્ષાની વાતો અને એના માટે લેવામાં આવનારાં પગલાંનાં આયોજનો જાહેર નિવેદનો કે ચૂંટણીસભાઓનો વિવાદમુદ્દો ન બની શકે એટલી ગંભીરતા અને ગરિમા તો શાસકોએ જાળવવાની જરૂર ખરી.
સિરક્રીકની વાત આજે છેડાઈ છે એનું સવિશેષ મહત્ત્વ છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ વાત ચલાવી હતી કે એ વેળાના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ સિરક્રીક પાકિસ્તાનને પધરાવી દેવાના છે. તેમણે એ મુદ્દે ચૂંટણી સભાઓ પણ ગજવી હતી. ડૉ. સિંઘ જાણે કે રાષ્ટ્રદ્રોહનું કોઈ કૃત્ય કરી રહ્યા હોય એવી હવા ઊભી કરીને પ્રજાને વાતના વતેસર માટે પ્રેરવામાં આવી હતી. 16 એપ્રિલ 2012ના રોજ વડાપ્રધાન ડૉ. સિંઘે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ મોદીએ સિરક્રીક મુદ્દો ઊઠાવ્યો હતો. 13 ડિસેમ્બર 2012ના રોજ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન હતું. મુખ્યમંત્રીનો 12 ડિસેમ્બર 2012નો પત્ર વડાપ્રધાન કાર્યાલયને પહોંચે એ પહેલાં તો એ જાહેર કરી દેવાયો હતો. તેમના એ પત્રમાં ભારત સરકાર સિરક્રીક પાકિસ્તાનને પધરાવી દેવાની હોવાની વાત લખી હતી અને એવું ન કરવા તથા પાકિસ્તાન સાથે મંત્રણા તાત્કાલિક બંધ કરવાનો આગ્રહ કર્યો હતો.
હકીકતમાં ભારત અને પાક વચ્ચે સરહદી વિસ્તાર પર ભારતીય કબ્જા હેઠળનો આ 96 કિલોમીટર લાંબો કાદવિયા વિસ્તાર પાકિસ્તાનને હવાલે કરવાની કોઈ દરખાસ્ત નહોતી, એ વાત તૂર્તજ એ વેળાના વડાપ્રધાન ડૉ. સિંઘ થકી સ્પષ્ટ કરાઈ હતી. મિતભાષી ડૉ. સિંઘે સ્પષ્ટ કર્યું હતું કે ‘મોદી સિરક્રીક વિશે ‘બિનપાયાદાર આક્ષેપબાજી’ કરી રહ્યા છે. ચૂંટણીટાણે આધારહીન બાબતોનો પત્ર લખીને એને જાહેર કરવાના તેમના ઇરાદા તોફાની (મિસ્ચિવસ) છે. પાકિસ્તાન સાથે સિરક્રીક મામલે છેક 1998થી મંત્રણાના દોર ચાલે છે અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર ગયા ત્યારે પણ આ મુદ્દે મંત્રણા ચાલુ રહી હતી. સિરક્રીક પાકિસ્તાનને આપવામાં આવી રહ્યાનો ગુજરાતના મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો એ આક્ષેપ ખોટો છે. મોદીએ ભારત સરકાર પાસેથી વિગતોની ખરાઈ કરવાની કોઈ કોશિશ કર્યા વિના જ આ પત્ર લખ્યો છે.’ આના ઉત્તરમાં મોદીએ ફરીને ડૉ. સિંઘ પર પ્રહાર કરતાં કહ્યું કે જનરલ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર પરિષદ માટે આવ્યા ત્યારે સિરક્રીક મુદ્દો ચર્ચાયો નહોતો. વાસ્તવમાં ડૉ. સિંઘે અટલજીની ફેબ્રુઆરી 1999ની લાહોર મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો, જુલાઈ 2001ની આગ્રા શિખર પરિષદનો નહીં! ત્યારનો દિવસ અને આજની વાત, વડાપ્રધાન થયા પછી મોદીએ જાહેરમાં ભાગ્યે જ સિરક્રીકનું નામ લીધું છે અથવા પાકિસ્તાન સાથે મંત્રણાઓ ખોરંભે પડે એ પહેલાં પાકિસ્તાનના એ વેળાના વડાપ્રધાન મિયાં નવાઝ શરીફ દિલ્હી આવ્યા કે વડાપ્રધાન મોદી એમને જ્યારે જ્યારે મળ્યા કે લાહોરની અણધારી મુલાકાતે ગયા ત્યારે પણ સિરક્રીક વિવાદ વિશે એમણે મગનું નામ મરી પાડ્યાનું જાણમાં નથી. માથે 2017ની વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે સિરક્રીકનું ગુજરાતને આંગણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં સહપ્રભારી એવાં સીતારામનને એકાએક કંઈ અમસ્તું જ સ્મરણ થઈ આવે એવું તો ન જ બને.
મોદીયુગમાં પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે મંત્રણાના મુદ્દાઓમાં સિરક્રીક વિવાદ હજી વણઉકલ્યા મુદ્દા તરીકે જ રહ્યો છે. સી. રાજામોહન સહિતના વિદેશ અને સુરક્ષા બાબતોના નિષ્ણાતોએ નોંધ્યું છે કે ‘વર્ષ 2004-06 દરમિયાન એ વેળાના વડાપ્રધાન ડૉ. સિંઘ સિયાચીન અને સિરક્રીક જ નહીં, કાશ્મીર કોકડાને પાકિસ્તાન સાથે ઉકેલવામાં લગભગ સફળતાની નજીક હતા, પણ જનરલ મુશર્રફના ઘટતા પ્રભાવ અને 2007-08માં પતન પછી એમના અનુગામી જનરલ અશફાક કયાની મુશર્રફના સમયગાળામાં થયેલી સમજૂતીઓને મંજૂર રાખવા બાબત દ્વિધામાં રહ્યા અને મુંબઈ પરના 26/11ના આતંકી હુમલાએ તો સંબંધોમાં કડવાશ આણી. યુ.પી.એ.-2ના સમયગાળામાં શાંતિવાર્તામાં પ્રગતિ લાવવાના પ્રયાસોને કારણે વેપારસંબંધોમાં સામાન્ય વલણથી વાત આગળ ન વધી.’ વડાપ્રધાનપદે મોદીના શરૂઆતના ગાળામાં ફરી પાકિસ્તાન સાથેના સંબંધોમાં હૂંફ જોવા મળી, પણ પછી સર્જાયેલી તંગદિલીએ મંત્રણાઓ માટે પ્રતિકૂળ વાતાવરણ સર્જ્યું. જો કે વિદેશ સંબંધોમાં આવા પ્રકારના ઊતારચઢાવ આવતા હોય છે.
કચ્છ અને સિંધ સરહદનો વિવાદ વારસામાં મળ્યો છે, પરંતુ પ્રીવિ કાઉન્સિલના ચુકાદા મુજબ આખા કચ્છના રણ પર કચ્છના રાજવીનો કબજો માન્ય રખાયેલો છે. એ દૃષ્ટિએ ભારત સાથે ભળેલા કચ્છના રજવાડાને કારણે આખા રણ પર ભારતનો અધિકાર પ્રસ્થાપિત થયેલો છે. ‘ઈ.સ.1912માં સિંધની અંગ્રેજ સરકારે સિંધ નજીકના કચ્છના રણમાં પોતાની હકૂમત જણાવી ખનીજતેલ શોધવાના પ્રયત્નો કરેલ, પરંતુ (કચ્છના મહારાવ) ખેંગારજી બાવાએ અંગ્રેજો સામે લંડનની પ્રીવિ કાઉન્સિલમાં કેસ લડી આખા રણનો કબજો રાજ્યનો છે તેવું સાબિત કરી કેસ જીતીને રણ પર કચ્છનો અધિકાર છે તે સિદ્ધ કરી બતાવ્યું હતું.’ એવું ‘કચ્છનો સર્વાંગી ઇતિહાસ ભાગ-1’માં નોંધવામાં આવ્યું છે. જો કે 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે સરહદ પ્રદેશ અંગેના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલના ચુકાદાથી છાડબેટ, કંજરકોટ અને ધારબન્ની પાકિસ્તાનને ફાળે ગયાં. પાકિસ્તાને સિરક્રીક વિવાદનું કોકડું નાહક સળગતું રાખ્યું છે. કચ્છ રજવાડા અને સિંધ વચ્ચે 1914માં થયેલી સરહદ અંગેની સમજૂતીના 1914 અને 1925ના નકશા ભારતીય દાવાને 100 ટકા સમર્થન આપે છે.
હરામીનાળા અને સમગ્ર વિસ્તારમાં તરતી ચોકીઓનો બંદોબસ્ત તથા ખાસ કમાન્ડો ફરજ પર હોવાથી પૂરતી તકેદારીને કારણે પાકિસ્તાન એના અટકચાળામાં હવે ફાવે તેમ નથી. આ વિસ્તારમાં માછીમારોની સલામતી સાથે જ ક્રીક-જળ વિસ્તારમાં તેલ-ગેસ સંશોધન વિના અવરોધે ચાલતું રહે તેની પૂરતી કાળજી રાખવી પડશે. હકીકતમાં આવા સંવેદનશીલ વિસ્તારો વિશે રાજકીય મંચ પરથી વિવાદો ઊભા કરીને છાણે વીંછી ચડાવવાના ખેલ બંધ થાય એ જ રાષ્ટ્રના હિતમાં લેખાશે.
સૌજન્ય : ‘મહત્ત્વ’, “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2017
![]()


આમ તો આ કોઈ નવી વાત નથી. સ્વાતિ ચતુર્વેદીએ લખેલું ‘I Am a Troll : Inside the Secret World of the BJP's Digital Army’ નામનું પુસ્તક ગયા વરસે પ્રકાશિત થયું હતું. બિકાઉ મીડિયાએ અને બિકાઉ રાજકીય સમીક્ષકોએ એ પુસ્તક વિશે વાત ન કરીને સરકારને મદદ કરી હતી. નક્કર પુરાવાઓ સાથેની એ પુસ્તકમાંની વિગતો વાંચશો તો તમારા મનમાં વડા પ્રધાન માટે ધિક્કાર કરતાં દયાની લાગણી પેદા થશે. આપણા વડા પ્રધાન આવા લોકોની કંપની ધરાવે છે અને આવા લોકોની મદદ લે છે! મામલો રેકૉર્ડ પર છે એટલે ઇનકાર પણ થઈ શકે એમ નથી. ડિજિટલ મીડિયાની સમસ્યા એ છે કે એ સગડ છોડી જાય છે અને એને ભૂંસી શકાતા નથી અને સ્માર્ટ લોકો એ સગડ પકડીને ગંગોત્રી સુધી પહોંચી જાય છે.
તો નિખિલ દધીચને સોંપવામાં આવેલા મિશનમાં કારણે જે પુસ્તકની યોજનાબદ્ધ રીતે અવગણના કરવામાં આવી હતી એ લોકો સુધી પહોંચી રહ્યું છે. ત્રીસ-ત્રીસ રૂપિયામાં એ પુસ્તક ચણામમરાની જેમ વેચાઈ રહ્યું છે. એ પુસ્તકની પાછળ-પાછળ રાણા અયુબનું બીજું એક આવું જ પુસ્તક ‘Gujarat Files : Anatomy of a cover up’ પણ ચર્ચામાં આવ્યું છે જેની પણ યોજનાબદ્ધ અવગણના કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા દ્વારા આ બન્ને પુસ્તકો વંચાય છે અને વેચાય છે. આ બાજુ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમના દર્શકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. હવે એવું નજરે પડી રહ્યું છે કે વાહ-વાહ કરનારા લોકો કરતાં પ્રશ્નો કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને એ વાતે વડા પ્રધાન અને BJPના અધ્યક્ષ અમિત શાહ પરેશાન છે.
આ થઈ ભારતની જરૂરિયાતની વાત. જપાનની એક જરૂરિયાત નરેન્દ્ર મોદીને પણ છે. એ જરૂરિયાત છે દેશને આંજી દેનારી મોટા કદની યોજનાઓ લઈ આવવાની. એટલે તો લોકો મજાકમાં કહે છે કે જપાનના વડા પ્રધાનને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઍરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ-શો કરવામાં આવ્યો હતો. એ પછી ૧.૦૮ લાખ કરોડ રૂપિયાના ખર્ચે બંધાનારી બુલેટ ટ્રેનની સમજૂતી થઈ હતી. નોટબંધી દ્વારા કુલ મળીને જેટલું કાળું નાણું હાથ લાગ્યું એનો સાત ગણો ખર્ચ બુલેટ ટ્રેન પાછળ થવાનો છે. જે દેશમાં સરેરાશ અઠવાડિયામાં બે રેલવે-અકસ્માત થતા હોય, જે દેશમાં લોકોને પીવાનું પાણી ન મળતું હોય, જે દેશમાં કુપોષણને કારણે બાળમરણ થતાં હોય એ દેશના વડા પ્રધાનને બુલેટ ટ્રેનનાં સપનાં જોવામાં શરમ નથી આવતી. જપાનના વડા પ્રધાન પણ મનોમન હસતા હશે આ પણ દેશની એક કમનસીબી છે.