શિવકુમાર આચાર્ય તમારું નામ. તમે મારા પિતા. તમને અમે ભાઈબહેન ક્યારે ય "પપ્પા " કહીને નહીં, પણ "શિવભાઈ" કહી બોલાવતા. એટલે અત્યારે પણ "શિવભાઈ" કહી ને વાત કરું છું.
79 વર્ષ ની તમારી જિંદગી, જે તમે ખુમારી અને ઝિંદાદિલીથી, યુવાનોને પણ શરમાવે તેવા આત્મવિશ્વાસ અને સ્ફૂિર્ત સાથે જીવી ગયા. અરે, મૃત્યુંપર્યંત, 79 વર્ષે, પણ તમારાં કાર્ય ક્ષેત્રે સક્રિય, અને એ પણ કોઈ શોખની પ્રવૃતિ રૂપે નહીં, "આજકાલ"ના સહતંત્રી જેવી જવાબદારીવાળા પદ પર!
તમારી ઓળખ એટલે, તેજાબી કલમના સ્વામી, પ્રતિષ્ઠત ગુજરાતી અખબારોના તંત્રી, લેખક, પત્રકાર, ફિલ્મકથાકાર, તખ્તાના કલાકાર, નાટ્યલેખક … તમે લોકસાહિત્યના મરમી, યુરોપિયન તેમ જ ભારતીય સાહિત્યનું વિશદ્ જ્ઞાન, ઇતિહાસવિદ, પર્યાવરણવિદ, પ્રકૃતિપ્રેમી, ખરા અર્થમાં પ્રકૃતિપ્રેમી. તમારો પ્રકૃતિપ્રેમ એ પ્રકૃતિનાં વિવિધ રંગ રુપને માણવા, હરવું ફરવું, વન – નદી -પર્વતમાં ભટકવા અને ફોટા પડાવવા પૂરતો જ સીમિત નહોતો, પણ પશુ – પક્ષી, વનવિસ્તાર, ઝાડપાનનાં રક્ષણ અને સંવર્ધન માટે તમે હંમેશાં ચિંતિત અને પ્રયત્નશીલ રહેતા.
બાકી તો નોખી માટીના તમે; તમારી અંદરનાં ઊંડાણને તાગતા શું કહું ? …. મસ્ત મલંગ ફક્કડ ફકીર, માનવતા અને જનસેવાની ધૂણી ધખાવી બેઠેલો અલગારી !! કેવા નિ:સ્પૃહ તમે .. ફક્ત "સર્જન"ના હેતુ એ સર્જન, તમે કરેલાં કામોની પણ લોકો નોંધ લે, કે વાહ વાહ કરે, એવી સ્પૃહા જ ક્યાં હતી તમને ! સાહિત્ય સર્જન હોય કે માનવતાનું કોઈ કાર્ય, નિજાનંદ અને આત્મસંતોષ એ જ તમારો હેતુ, પદ પ્રતિષ્ઠાની લાલસાથી તો તમે જોજનો દૂર, જે તમને મુઠ્ઠી ઊંચેરા બનાવે છે. કંઇક અંશે અડિયલ ધૂની સ્વભાવ, અવ્યવહારુ. તમને તમારી લાયકાત મુજબની સફળતા ક્યારે ય ના મળી. તમારી સારપ કે જ્ઞાન સાથે લોકોએ અને વિધાતાએ ઘણો અન્યાય કર્યો છે, શિવભાઈ; તો સામે પક્ષે ગમે તેવા વિકટ સંજોગોમાં ય તમારી તટસ્થતા અને સ્થિતપ્રજ્ઞતા !! … કોઈ કાચા ગજાના માણસનું કામ જ નહીં.
શિવભાઈ, તમે જ્યારે પણ ઘર બહાર નીકળો, હંમેશાં તમારા ખભે થેલો હોય જ, જેમાં ફળફૂલનાં બીજ હોય, જે તમે જ્યાં અનુકૂળ જગ્યા મળે ત્યાં વેરતાં જતા .. કોઈ પૂછે કે આ કોના માટે, ત્યારે તમે કહેતા કે કોઈ બીજ તો ફળશે, ને આ ધરતી સમૃદ્ધ થશે અને આવનાર પેઢી તો એનાં ફળનો ઉપયોગ કરશે ! મકરંદ દવેએ તમારી આ પ્રવૃત્તિથી પ્રેરાઈને "વેર્યાં છે બીજ મેં તો છૂટે હાથે, તેં હવે વાદળ જાણે ને વસુંધરા" .. કાવ્ય રચ્યું !
લોકોનાં હિત જોખમાતાં હોય એવા અન્યાય સામે અંગત લાભાલાભનો વિચાર કર્યા વગર તમે હંમેશાં લડતો આપી. એ લડતમાં પ્રતિષ્ઠિત પદની નોકરી કે જીવનું જોખમ પણ કેમ ના હોય ! લડાઈ સ્થાનિક માફિયા સામે કે વગદાર રાજકારણીઓ સામે કે આંતરરાષ્ટ્રીય ગુનેગાર સામે પણ હોય, અને લડત છોડી દેવા માટ ઓફર થયેલા મોટા આર્થિક પ્રલોભનોને ય તમારા જેવો સિદ્ધાંતનિષ્ઠ નિર્મોહી માણસ જ ઠુકરાવી શકે ને ! કોઇ પણનું દુ:ખ સાંભળીને ધ્રુસકે રડતા ને બનતું કરી છૂટતા, તમે મોટા માણસની ખોટી વાતો ખુલ્લી પાડવામાં જરા ય ડરતા કે ખચકાતા જ નહીં. એટલે જ દોસ્તોની યાદીની જેમ જ તમારા દુ:શ્મનોની યાદી પણ મોટી હતી.
આંતરરાષ્ટ્રીય દાણચોરો અને સરહદ પરની વિવાદાસ્પદ પ્રવૃતિઓનો પર્દાફાશ કરવા રાતોની રાતો હથેળીમાં જીવ લઇને કચ્છનાં રણ અને સરહદ વિસ્તારોને ખૂંદી વળતા, તમે પાછા ફિલ્મલાઇનના તમારા નજીકના દોસ્ત જેવા કે રાજકપૂર, કમાલ અમરોહી કે ગુરુદત્ત જેવા દિગ્ગજો સાથે મહેફિલ જમાવી જે ગહનતાથી ફિલ્મ વિષયક પાસાઓની ચર્ચા કરી શકો, એટલી જ સહજતાથી ઓફિસનો પટાવાળો જાણે સમકક્ષ હોય, એમ એની સાથે મજાકમસ્તી કરતાં કરતાં એક ચાની અડધી અડધી પી શકો ! આ તમારી સરળતા કે તમને તમારી બજાર મૂલ્ય જેમ વર્તતા ના આવડ્યું!!
તમારી વિશેની આ અને આવી ઘણી વાતો તમારા દોસ્તો એવા વિવિધ ક્ષેત્રના નામાંકિત 114 વ્યક્તિઓએ જણાવી છે, જેને તમારા સંસ્મરણોના સ્મૃિતગ્રંથ રૂપે શિવભાઈનાં જ્યેષ્ઠ દીકરી મીનાક્ષી ચાંદારાણા અને જમાઇ અિશ્વન ચંદારાણાએ સંપાદિત કરી છે, "અહીંથી ગયા એ રણ તરફ ..”. તમારા પ્રત્યેની વિશેષ લાગણી અને આદરભાવને કારણે બધાએ તમને ખૂબ લાડ લડાવ્યા છે. તમારા વિશે વાંચતા વાંચતા કયારેક આંખો વરસી પડે છે, તો ખુમારીના કિસ્સાઓ પોરસ ચડાવે છે અનેસંઘર્ષની વાતો હૃદયને હચમચાવી નાંખે છે.
આ સ્મૃિતગ્રંથ પણ તમને સાચા અર્થમાં તર્પણ અંજલિ આપતો હોય એમ, વિશ્વવિખ્યાત અમેરિકન નેશનલ કોંગ્રેસ લાઈબ્રેરીએ 2014નાં વરસમાં , "best regional lungage" category માટે આ પુસ્તકને પસંદ કર્યું છે !
આ બધા ઉપરાંત, શિવભાઈ, .. આજ મારે કહેવું છે, એ જુદું છે :
આજે 24th June. નવ નવ વર્ષ નાં વહાણાં વીતી ગયાં તમારા ગયા ને … અને આ નવ વરસોમાં એક પણ દિવસ એવો ક્યાં ગયો છે કે તમે યાદ ન આવ્યા હો ! કાશ, તમે હતા ત્યારે તમને આટલા યાદ રાખ્યા હોતે … સમયનું ચક્ર ફરી ગયા પછી ક્યાં કશુ આપણાં હાથમાં હોય છે, સિવાય અફસોસ !!
તમે હતા ત્યારે તમને ઘણું બધું કહેવાનું, કરવાનું ચૂકી ગઇ હું. તમને ય અમારી જરૂર હોય, અમારાં લાગણીભર્યા બે મીઠાં બોલની કે થોડાક જતનની જ, આટલું કેમ ના સમજાયું ! મારી જવાબદારીઓમાં જ હંમેશાં અટવાતી અટવાતી, એ જ ભૂલી ગઇ કે મારી સાથે સાથે તમે માબાપ પણ મોટાં, વૃદ્ધ થઈ રહ્યાં હોય છે અને ક્યારેક અચાનક બીજા પડાવ તરફ કાયમી પ્રયાણ કરે એ પહેલાં તમારી સાથે થોડું તો જીવી લઉં, આ સત્ય પણ તમારા ગયા પછી સમજાયું !
હા, શિવભાઈ, .. ને એ દિવસે તમે તો ગયા .. તમારું મૃત્યુ ! માનવું ના ગમે એવું, સત્ય તો ખરું જ ને !
પણ શિવભાઈ, તમારું મૃત્યુ સંભવી શકે ખરું ! તમારું વ્યક્તિત્વ, વિચારો, તમારી સારપ પરોપકારિતા, વિદ્વતા અને સરળતા. આ સદ્ગુણોનું સંયોજન એટલે જ સાધુત્વ ! ચેતનાની ચિનગારીઓ .. એની ઊર્જા ક્યારે ય નષ્ટ ના થઇ શકે !!
તમારાં આ ગુણોના વારસાઈ હકો મેળવવામાં હું ક્યાં ય ચૂકી તો નથી જાતી ને ? મારી ભીતરની અદાલતમાં એ દ્વંદ્વ સતત ચાલે ! મારે તમારો આ વારસો જોઈએ છે અને માત્ર મારા પૂરતો જ નહીં, કિન્તુ મારી આવનારી પેઢીમાં પણ એ વહેંચીને તમને જીવાડવા છે મારે, શિવભાઈ. .. .. ક્યારેક કોઈ નાની એવી મદદ જરૂરિયાતમંદને કરી શકું, કોઈ બાબતે, ખુમારી કે આત્મસમ્માન સાથે બાંધછોડ ના કરું એ હિમ્મત કેળવી શકું, કે નાની એવી વાર્તા કે કવિતા લખી શકું, ત્યારે ત્યારે સમજુ કે શિવભાઈનું ભૂત મારામાં હજુ ધૂણે છે !!
તમારો નિર્મોહી સ્વભાવ, નિસ્પૃહતા, અલગારીપણું અને સત્યનો અને સિદ્ધાંતોમાં બાંધ છોડ ન કરવાના અત્યાગ્રહને કારણે સ્વજનોનાં કુટુંબહિત પણ જોખમાયાં છે, તમારામાં પણ માનવસહજ ઘણી નબળાઈઓ અને તમારા સામે કૈક ફરિયાદ હોવાં છતાં ય મને ખબર છે કે તમે માત્ર શ્રેષ્ઠ પિતા જ નહીં, કિન્તુ વાર્તાઓમાં આવતા આદર્શ નાયકની જેવા, નિડર, પ્રેમાળ, દયાળુ, સત્યપ્રિય યોદ્ધા હતા.
શિવભાઈ, તમે જ્યાં પણ હો, તમને જનમોજ્નમ ન મળેલા હોય એ બધા જ સુખો પ્રાપ્ત થાય, એવી ઇશ્વર ને સતત વિનંતિ … અને તમારી લાડલી દીકરી હું .. આ સૌભાગ્ય મારુ જન્મોજ્ન્મ બની રહો.
સૌજન્ય : https://www.facebook.com/himadri.dave.14/posts/1353933994704791
મીનાક્ષીબહેન ચંદારાણા જણાવે છે : ‘એમનાં સંસ્મરણોથી ભરેલું અમારું પુસ્તક 'અહીંથી ગયા એ રણ તરફ' Shivkumar.wordpress.com પર વાંચી શકાશે! અહીંથી ગયા એ રણ તરફ -શિવકુમાર આચાર્યના સંસ્મરણો એક મલંગનાં મરસિયાં
![]()


દેશની ટીવી ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા રોજ આવા ‘યુદ્ધ’ ચલાવતી રહે છે. ઑફિસોમાં, ટ્રેનોમાં, પાર્ટીઓમાં, પાનના ગલ્લાઓ ઉપર એક વાત ઉગ્ર સૂરે સાંભળવા મળતી રહે છે કે દેશને મહાન બનાવવો હોય તો સેનાને છુટ્ટો દોર આપી દેવો જોઇએ. એક બહુ મોટા વર્ગને લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં શ્રદ્ધા નથી, અને એને દરેક પ્રશ્નના સમાધાન હિંસામાં દેખાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રોફેસર સંજય શ્રીવાસ્તવ આને ‘મધ્ય વર્ગનું લશ્કરીકરણ’ કહે છે. બીજી-ત્રીજી પેઢીના ભારતના મધ્ય વર્ગી લોકોને ‘ફ્રી માર્કેટ ઇકોનોમી’માં સ્વર્ગ જોવાની ટેવ પડી ગઇ છે, (અથવા ટેવ પાડવામાં આવી છે) અને એને લાગે છે કે ભારતે મહાન થવું હોય તો જરી-પુરાણી, દકીયાનુસી સમાજવાદી, ઉદારવાદી અને લોકતાંત્રિક વ્યવસ્થાને તોડી-ફોડીને હથોડાછાપ વ્યવહાર અપનાવવો જોઇએ. યુદ્ધ શું કહેવાય એ લોકોને ખબર નથી. વિશ્વના ઘણા દેશોમાં જે રાજકીય-સામાજિક ચિંતન અને વ્યવસ્થાઓ છે, તે યુદ્ધોની લોહિયાળ વાસ્તવિકતામાંથી ઘડાઇ છે. આપણે ત્યાં યુદ્ધ એ ટેલિવિઝન કે સિનેમાની ફેન્ટસી રહી છે.