વડા પ્રધાનની હાકલોને ધર્મઝનૂની ગૌરક્ષકોએ ગણકારી નથી …
બુધવારે [19 જુલાઈ 2017] સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે, બંને ગૃહોમાં થયેલી ચર્ચામાં વિરોધ પક્ષોએ લિન્ચિન્ગનો મુદ્દો આક્રમકતાથી ઊઠાવ્યો. એન.ડી.એ.ની સરકાર આવી ત્યારથી આ લિન્ચિન્ગ ભારતની લોકશાહી પરનો દિવસે ને દિવસે ઘેરો અને બિહામણો થતો ધબ્બો બની ગયો છે. લિન્ચિન્ગ એટલે ટોળાં દ્વારા હત્યા. અફવા, ગેરસમજ કે ધર્માંધતાને કારણે ઝનૂની બનેલા નીચ માણસોનું ટોળું એક વ્યક્તિ કે બે-ત્રણ જણના જૂથને નિશાન બનાવીને તેની પર હુમલો કરે, તેને મારી નાખે તેને લિન્ચિન્ગ કહેવાય છે.

અત્યારના ભારતમાં આ લિન્ચિન્ગ શબ્દ એકંદરે ગાયને લગતી બાબતોને લઈને ધર્માંધો લઘુમતીઓને મારી નાખે તે માટે વપરાય છે. ગાયને મારવી, ગૌમાંસ રાખવું, વેચવું, ખાવું, તેની તસ્કરી કરવી જેવી બાબતો વિશે અફવા, શક, આરોપ કે બહાના હેઠળ લિન્ચિન્ગ થાય છે. દલિતો પર પણ ગાયના નામે અત્યાચારો થયા છે. ગાયના નામે મહિલાઓ પર હુમલા અને બળાત્કારના કિસ્સા પણ નોંધાયા. ગાયની હત્યા અને ગૌવંશના માંસનો ઉપયોગ એ બંને, દેશના મોટા ભાગના રાજ્યોમાં ગુનો ગણવામાં આવ્યો છે. ગાયોની તદ્દન દેખીતી અવહેલના વચ્ચે પણ બહુમતી માનસ એકંદરે ગાયને માટે ભક્તિ ધરાવે છે. આ બંને બાબતો છતાં, કોઈપણ સેક્યુલર લોકશાહી દેશમાં ગાયોનાં નામે કાયદો હાથમાં લઈ પાશવી હિંસાચાર ચલાવી ન લેવાય.
ભારતીય જનતા પક્ષની સરકારના ત્રણ વર્ષ દરમિયાન અત્યંત વિકરાળ બન્યો છે. તેની સામે લેવાઈ રહેલાં પગલાં દેખાડા માટેનાં કે અપૂરતાં છે. લિન્ચિન્ગમાં ભા.જ.પ.પ્રણિત પરિવર્તનની જગ્યાએ વિકૃતિ અને વિકાસની જગ્યાએ અધોગતિ દેખાય છે. એન.ડી.એ. કરતાં યુ.પી.એ .શાસનમાં લિન્ચિન્ગ વધારે થયા હતાં એમ ભા.જ.પ.-મોવડી અમીત શાહે કરેલો બચાવ, ધારો કે સાચો હોય તો પણ, શોભાસ્પદ નથી. જો કે વડાપ્રધાન મોદીએ ગૌરક્ષાને નામે થતી હિંસાને ત્રણ-ત્રણ વખત વખોડી એ પછી ય એ ચાલુ રહી છે. એ બતાવે છે કે આ હિંદુ હૃદયસમ્રાટના શબ્દો પાછળ રાજકીય ઇચ્છાશક્તિ નથી. બાકી સરમુખત્યારી ઇચ્છાશક્તિ સાથે ચાર કલાકમાં આખા દેશ પર નોટબંધી લાદનાર વડાપ્રધાન લિન્ચિન્ગ અટકાવી ન શકે એ વાત માનવાજોગ નથી.
આ મતલબની વાત હરિયાણાના બલ્લભગઢના ટૅક્સીવાળા જલાલ્લુદ્દિન ખાને કરી હતી. તેમના સોળ વર્ષના દીકરા જુનૈદને 22 જૂનના ગુરુવારે રેલવેના ડબ્બામાં લિન્ચ કર્યો. જુનૈદ દિલ્હીથી ઇદની ખરીદી કરીને ઘરે જઈ રહ્યો હતો. તેની સાથે તેના બે ભાઈઓ પણ હતા. સીટના મામલે મામૂલી બોલચાલથી શરૂ થયેલી વાત જુનૈદના ‘ગદ્દાર’ અને ‘ગાયનું માંસ ખાનારા’ હોવા સુધી પહોંચી. ટોળાંએ કેટલોક સમય તેમને માર્યા અને પછી છૂરીઓ ઘોંચી.
જુનૈદની હત્યાની વાતનો ફેલાવો માધ્યમોમાં તત્કાળ કદાચ ઓછો એટલા માટે થયો કે એ જ દિવસની મધરાત પછીના ગાળામાં શ્રીનગરમાં મોહમ્મદ અયૂબ પંડિત નામના પોલીસ અધિકારીની જામિયા મસ્જિદના પરિસરમાં ટોળાંએ હત્યા કરી. આ પણ લિન્ચિન્ગ જ કહેવાય – કાશ્મીરના ધર્મઝનૂનીઓએ કરેલું. ઝનૂન તો રાજસ્થાનના પ્રતાપગઢ કસબાની સુધરાઈના કર્મચારીઓએ પણ 18 જૂને બતાવ્યું. તેમણે ઝફર હુસેન નામના ડાબેરી કર્મશીલને મૂઢ મારથી ખતમ કરી દીધો. કારણ એ કે બાવન વર્ષના ઝફર, ખુલ્લામાં કુદરતી હાજતે જનાર મહિલાઓના ફોટા લેતા કર્મચારીઓને અટકાવતા હતા. મહિલાઓને આમ શરમમાં નાખીને સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવાનો ઘૃણાસ્પદ નુસખો સુધરાઈ અજમાવી રહી હતી ! 19 મેના એક જ દિવસમાં ઝારખંડના જમશેદપુરમાં બે અલગ અલગ જગ્યાએ કુલ સાત વ્યક્તિઓને ટોળાંએ મારી નાખી. બાળકોને ઊઠાવી જનારી ટોળકીઓ આવી છે એવા વૉટસઅૅપ મેસેજે રોષ જન્માવ્યો હતો. આઠમી માર્ચ 2015 ના દિવસે આઠેક હજાર લોકોએ નાગાલૅન્ડની દિમાપુર જેલ પર હુમલો કરીને બળાત્કારના આરોપી અને કથિત બાંગલાદેશી સૈયદ ફરીદ ખાનને લિન્ચ કર્યો.
આવા કેટલાક કિસ્સા સિવાય, લિન્ચિન્ગના ગયાં પોણા બે વર્ષમાં બનેલા લગભગ બધા કિસ્સા ગાય સંબંધિત છે. તેની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના દાદરી ગામનો બનાવ છે. તેમાં બાવન વર્ષના અખલાક મોહમ્મદને તેના ગામના માણસોનાં મોટાં ટોળાંએ 22 સપ્ટેમ્બર 2015ના રોજ મારી નાખ્યો અને તેના પુત્ર દાનિશને ગંભીર રીતે ઘાયલ કર્યો. ગામમાં સિત્તેર વર્ષથી રહેતા અખલાકના પરિવારે ગાયનું વાછરડું ચોરીને તેનું માંસ ખાધું એવો શક હુમલાના પાયામાં હતો. આ હત્યા અને તેની આસપાસ ખેલાયેલ તપાસની નિર્લજ્જ રમતમાં શાસક પક્ષની ભૂમિકાના વિરોધમાં દેશના અનેક સાહિત્યકારોએ અવૉર્ડ વાપસી કરી હતી. અખલાકની હત્યાના પછીના જ મહિને જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક ડ્રાઇવર ઝાકીર અહમદને ગૌમાંસ લઈ જતો હોવાની અફવાના પગલે તેની ટ્રક સાથે સળગાવી દેવામાં આવ્યો હતો. 2016 ના આરંભે મધ્ય પ્રદેશના ખિરકિયા રેલવે સ્ટેશને કહેવાતા ગૌરક્ષકોએ એક મુસાફર દંપતીની એ બીફ લઈ જતાં હોવાની શંકાને કારણે મારપીટ કરી હતી. માર્ચ મહિનામાં ઝારખંડના લાટેહરમાં ઢોરના એક વેપારી અને તેના બાર વર્ષના સાથી ઢોરબજાર જઈ રહ્યા હતા, ત્યારે ગૌરક્ષકોએ તેમને આંતરીને ઝાડ પર લટકાવી દીધા હતા. તે પછીના મહિને હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના નાનાં ગામ નઈ માજરાના ઢોરના વેપારી મુસ્તૈન અબ્બાસનું કથિત ગૌરક્ષકોએ અપહરણ કરીને, ટૉર્ચર કરીને હત્યા કરી હોવાનું એક મહિના પછી મળેલા તેના મૃતદેહ પરથી સમજાયું. તપાસ બાબતે સ્થાનિક પોલીસે પરિવારને અતિશય ત્રાસ આપ્યો. આઝાદી દિન પછીના દિવસે કર્ણાટકના ઉડુપી નજીકથી ગાયો લઈ જતા ભા.જ.પ.ના કાર્યકર પ્રવીણ પૂજારીને કથિત ગૌરક્ષકોએ મારી નાખ્યો અને તેના સાથીને ઘાયલ કર્યો. આ જ અરસામાં પશ્ચિમ બંગાળના જલપૈગુરી જિલાના પદમતિ ગામમાં પણ ગાયની ચોરીના આરોપસર એક યુવાનને મારી નાખવામાં આવ્યો.
ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ દલિતો પણ બનતા રહ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષે 11 જુલાઈએ થયેલાં ઉનાકાંડે દેશ ગજવ્યો. પણ તેના સાતમા દિવસે કર્ણાટકના ચિક્કમગલુરુના દલિત પરિવાર પર બજરંગદળના ચાળીસેક કાર્યકરોએ હુમલો કર્યો હતો. ઘરઆંગણે બનાસકાંઠા જિલ્લાના કારજા ગામે ગાયનો મૃતદેહ ઊપાડવાનો ઇન્કાર કરનાર દલિત પરિવાર પર માથાભારે કોમે 24 સપ્ટેમ્બરે કરેલા હુમલામાં ગર્ભવતી મહિલા પણ ઘવાયાં હતાં.
નવા આર્થિક વર્ષના પહેલા જ દિવસે હરિયાણના પેહલુ ખાન નામના ડેરી ફાર્મરની રાજસ્થાનના અલવરમાં ગૌરક્ષકોએ હત્યા કરી. પંચાવન વર્ષના પેહલુ ખાન જયપુરથી ઢોર ખરીદીને અન્ય ખેડૂતો સાથે પાછા ફરી રહ્યા હતા. તેમણે ઢોર દૂધ માટે ખરીદ્યાં છે એના દસ્તાવેજો પણ એમની પાસે હતા. દેશના સામા છેડે બરાબર એક મહિના બાદ આસામના કાસોમારી ગામમાં ગાયચોરીના શક પરથી બે યુવાનોની હત્યા કરવામાં આવી. ઝારખંડના રામગઢમાં એક વેપારીને ગૌમાંસ રાખવાના શકથી મારી નાખવામાં આવ્યો.
તેના થોડાક જ કલાક પહેલા 29 જૂને વડાપ્રધાને સાબરમતી આશ્રમમાં ગાંધી અને વિનોબાની દુહાઈ દઈને, ગાયના નામે હિંસાચાર બંધ કરવાની હાકલ કરી હતી ! તેના અગાઉના દિવસે દેશના દસેક શહેરોમાં નાગરિકોએ લિન્ચિન્ગનો વિરોધ કરતાં કહ્યું હતું: ‘નૉટ ઇન માય નેમ’.
++++++
20 July 2017
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 21 જુલાઈ 2017
![]()


આજનો વિષય જે પ્રશ્ન રૂપે મુકાયો છે, તેનો ઉત્તર એક માર્મિક વાક્યમાં અપાયેલો છે. પ્રશ્ન છે : આર્થિક પ્રવાહો વિશેની આગાહી કેટલી ભરોસાપાત્ર હોય છે? ઉત્તર છે : આર્થિક આગાહીઓ એક જ કાર્ય કરે છે – તે જ્યોતિષશાસ્ત્ર આદરપાત્ર બનાવે છે. આમાં રહેલો વ્યંગ સ્પષ્ટ છે. આર્થિક આગાહીઓ ખોટી પડવાની બાબતમાં જ્યોતિષશાસ્ત્રને સારું દેખાડે છે, મતલબ કે આર્થિક આગાહીઓ જ્યોતિષશાસ્ત્રની આગાહીઓ જેટલી પણ સાચી પડતી નથી. પણ અર્થશાસ્ત્રીઓ જોશીઓથી એક બાબતમાં જુદા પડે છે. અર્થશાસ્ત્રીઓ એમની ખોટી પડેલી આગાહીઓની ચર્ચા કરે છે. વિશ્વબૅંક ઘણાં વર્ષોથી વાર્ષિક ધોરણે ‘વર્લ્ડ ડેવેલપમેન્ટ રિપોર્ટ’ પ્રગટ કરે છે. એક રિપોર્ટમાં તેણે પોતાની ખોટી પડેલી આગાહીઓની યાદી, તરત નજરે ચડે એ રીતે બૉક્સમાં પ્રગટ કરી હતી. જોશીઓ પોતાની સફળતા જ યાદ રાખતા હોવાથી પોતાની ભૂલોનું વિશ્લેષણ કરવાનો પ્રશ્ન તેમના માટે ઊભો થતો નથી. અર્થશાસ્ત્રીઓ પોતાની ભૂલો યાદ રાખે છે, કારણ કે એમાંથી એ શીખવા માગે છે.
પણ આ બધામાં એક અપવાદરૂપ અર્થશાસ્ત્રી હતા તે હતા બી.આર. શિનોય. (૩-૬-૧૯૦૫ • ૮-૨-૧૯૭૮) તેઓ મુક્તબજારની નીતિના પ્રખર હિમાયતી હતા. ૧૯૫૯-૬૧નાં વર્ષોમાં હું એમનો વિદ્યાર્થી હતો. ત્યારે પણ તે મુક્તબજારની નીતિની ચર્ચા વર્ગમાં કરતા અને જર્મનીના નાણાપ્રધાન લુડવીગ એરહાર્ડ દ્વારા મૂળ જર્મનમાં લખાયેલું પણ અંગ્રેજીમાં અનુદિત થઈને ૧૯૫૮માં પ્રગટ થયેલુ ંપુસ્તક ‘સ્પર્ધા દ્વારા સમૃદ્ધિ’ (Prosperity through Competition) વાંચવાની ભલામણ કરતા. એમની વાત એ વખતે કોઈએ ન સાંભળેલી તો પણ તેમને જે નીતિ ભારત માટે યોગ્ય લાગી, તેનો જાપ જપતા રહ્યા.
આના સંદર્ભમાં એક હકીકત નોંધવા જેવી છે. રાજ્યવાદ અને આર્થિક આયોજનના પ્રખર વિરોધી શિનોયને પંચવર્ષીય યોજના માટેની અર્થશાસ્ત્રીઓની પૅનલમાં સ્થાન આપવામાં આવ્યું હતું! નેહરુયુગમાં વૈચારિક મતભેદો પરત્વે જે સહિષ્ણુતા પ્રવર્તતી હતી, તેનું આ એક ઉદાહરણ છે. પણ આઈ. જી. પટેલે તેમનાં સંસ્મરણોમાં નોંધ્યું છે તેમ, પૅનલમાંના અર્થશાસ્ત્રીઓ તેમને સહેજે ગંભીરતાથી લેતા ન હતા. તેઓ તેમના વિચારોને હસી કાઢતા હતા. પણ ૧૯૯૧માં દેશે મુક્ત બજારની નીતિ અપનાવી, ત્યારે શિનોય સાચા સાબિત થયા. એ હયાત હોત તો તેમને સંતોષ થયો હોત. ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નવી નીતિના અમલથી દેશમાં સધાયેલી આર્થિક બહુમતીએ જેની તરફેણ કરી હતી, તે રાજ્યવાદી આર્થિક આયોજનની નીતિનાં જે કંગાળ પરિણામો આવ્યાં, તેનાથી પણ આપણે પરિચિત છીએ.
બીજી બાજુ સત્તાવાર કહી શકાય એવો મત હતો, જે કદાચ બહુમતી અર્થશાસ્ત્રીઓનો પણ મત હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ સિસ્ટમના અધ્યક્ષપદે ૧૮ વર્ષ રહેલા ગ્રીનસ્પાને ભારપૂર્વક કહેલું કે અમેરિકા મકાનોના ભાવોના ફુગ્ગાથી પીડાઈ રહ્યું નથી. ઑક્ટોબર ૨૦૦૪માં એમણે એવી દલીલ કરી હતી કે મકાનોમાં સટ્ટાને અવકાશ નથી. એ દલીલમાં એ અભિપ્રેત હતું કે સટ્ટાખોરીથી જ ફુગ્ગો (‘બબલ’) આવી શકે. જૂન ૨૦૦૫માં તેમણે ફરીથી રાષ્ટ્રીયસ્તરે મકાનોના ભાવમાં બબલની શક્યતા નકારી કાઢી હતી, કેમ કે મકાનો માટેનું બજાર સ્થાનિક હોય છે.
પણ ગ્રીનસ્પાન અને તેમની નીતિની સફળતાના આ સમૂહગાનમાં ભારતીય અર્થશાસ્ત્રી રઘુરામ રાજને સૂર ન પુરાવ્યો. તેમણે અનિયંત્રિત નાણાકીય સંસ્થાઓ વચ્ચે વધેલી સ્પર્ધાએ બૅંકો માટે ઊભાં કરેલાં જોખમોનો નિર્દેશ કર્યો : જે પ્રથા વિકસી છે તેમાં બૅંકો પાસે રહેલી સંપત્તિ(એસેટ્સ)ની કિંમતો ઘટી જવાનું કે બૅંકો પાસે રહેલાં નાણાં ઘટી જવાનું મોટું જોખમ ઊભું થયું છે. તેમણે બીજાં જોખમોનો પણ ઉલ્લેખ કર્યો. દા.ત. બૅંકોના મેનેજરોને નફાના આધાર પર બોનસ અપાયા છે. આ પ્રથામાં મેનેેજરો જેમાંથી વધારે વળતર મળે છે એવાં જોખમી ધિરાણો વધુ પ્રમાણમાં આપવા પ્રેરાય છે. તેમણે એ પણ કહ્યું કે શેરબજારમાં આવતા આંચકાની તુલનામાં નાણાકીય સંસ્થાઓને લાગતો આંચકો અર્થતંત્ર માટે વધારે જોખમી છે.
સુપ્રીમ કૉર્ટે જ્યારે નિર્ભયાકાંડના જવાબદારોને ફાંસી સજા સંભળાવી, ત્યારે હાજર લોકોએ તાળીઓના ગટગડાટથી નિર્ણયને વધાવ્યો! જાણે કે બોલીવૂડ પ્રકારની આ પ્રતિક્રિયા લાગે! ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પોતાના મિત્ર સાથે ફિલ્મ જોઈને પાછી ફરતી નિર્ભયા સાથે દુર્ઘટના ઘટી હતી. પ્રાઇવેટ બસમાં બેઠેલાં નિર્ભયા અને તેના મિત્રને મારીને નિર્ભયા પર બળાત્કાર થયો. દિલ્હીમાં સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું. જેના પરિણામે નિર્ભયા ઍક્ટ પણ બન્યો! પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને બધા આરોપીઓ પકડાઈ પણ ગયા. કાર્યવાહીમાં એવી ચોકસાઈ રાખવામાં આવી હતી કે જવાબદારો બચી જ ન શકે. બીજી તરફ રાષ્ટ્રવ્યાપી પ્રતિભાવ પણ એવો હતો કે સ્વાભાવિક જ સુપ્રીમ કૉર્ટે જેને ધ્યાનમાં લેવો પડે. બધા ‘બળાત્કારીઓને ફાંસી મળવી જોઈએ,’ તેવા સૂત્રોચ્ચારો કરતાં મીણબત્તીનાં સરઘસ ચાલ્યાં! નિર્ભયાના માતા-પિતાને બધી જ ચૅનલોએ પૂરતો અવકાશ આપ્યો.