મહાત્મા ગાંધી અને કસ્તૂરબાના ‘પાંચમા પુત્ર’ મહાદેવભાઈની યાદમાં 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરવો જોઈએ

છાકો પાડીને છવાઈ જવાની અને અસત્ય વાતોથી લોકોને માત્ર આંજી જ ન નાખવા, પણ આંધળા કરી દેવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય, એવા રાજકીય માહોલમાં ‘ભક્ત’ શબ્દ હાંસીપાત્ર બની ગયો છે, ત્યારે મહાદેવભાઈ દેસાઈને ‘મહાન ભક્ત’નું વિશેષણ લગાડવાથી ગેરસમજ થવાની શક્યતા છે. ભક્ત અને ભક્તિ જેવા પવિત્ર શબ્દોની પ્રતિષ્ઠા ખરડનારા કદાચ જાણતા નથી કે આ શબ્દોમાં સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલો છે.
મહાદેવભાઈના ગાંધીજી પ્રત્યેના સમર્પણના પુરાવારૂપ એક કિસ્સો ખૂબ જાણીતો છે: મહાદેવભાઈને પહેલેથી સંતોનું સાંનિધ્ય ગમતું હતું. જમનાલાલ બજાજ રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. તેમણે મહાદેવભાઈને એ આશ્રમ અંગે ઘણી વાતો કરી અને સૂચવ્યું કે તમે પણ જઈ આવો. મહાદેવભાઈએ ત્યાં જવાની તૈયારી કરી. જતી વખતે ગાંધીજીએ કહ્યું, ‘તમને ત્યાં શાંતિનો અનુભવ થાય તો ખુશીથી થોડા વધારે દિવસ રોકાઈ જજો. અહીંના કામની ચિંતા કરશો નહીં.’ ગાંધીજીથી છૂટા પડવાનું મહાદેવભાઈને ગમતું નહોતું. ‘વધારે દિવસ રોકાજો’ એ શબ્દોએ મહાદેવભાઈને ચમકાવ્યા. એમણે તરત ગાંધીજીને કહ્યું, ‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો છે.’ ગાંધીજી કહે, ‘કેમ?’ મહાદેવભાઈ બોલ્યા, ‘મારે એક જ સ્વામી બસ છે.’
આગામી 1 જાન્યુઆરી, 2018ના દિવસે મહાદેવભાઈને આ ધરતી પર અવતર્યાને સવાસો વર્ષ થશે. મહાદેવભાઈ ગાંધીજીના સેક્રેટરી (રહસ્ય સચિવ) તરીકે જાણીતા છે, પરંતુ તેઓ સેક્રેટરીથી વિશેષ ઘણું બધું હતા. રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે એક સમયગાળામાં ગાંધીજી માટે જવાહરલાલ નેહરુ અને સરદાર કરતાં પણ મહાદેવભાઈ વધારે મહત્ત્વ ધરાવતા હતા. ‘નવજીવન’ હોય, ‘યંગ ઇન્ડિયા’ હોય કે ‘હરિજન પત્રો’ … ગાંધીજીનાં અખબારોના તંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હોય કે ગીતા પરનું પુસ્તક ‘અનાસક્તિયોગ’, એના અંગ્રેજીમાં અનુવાદ પણ મહાદેવભાઈએ જ કર્યા હતા.
પચાસ વર્ષના જીવનમાં મહાદેવભાઈએ અડધોઅડધ પચીસ વર્ષ ગાંધીજીની નિશ્રા અને સેવામાં જ વિતાવ્યાં હતાં. અઢી દાયકા દરમિયાન તેમણે ગાંધીજીના એક એક શબ્દને ઝીલ્યા અને એક એક પ્રસંગને શબ્દદેહે પોતાની ડાયરીમાં ઉતાર્યા હતા. મહાદેવભાઈની ડાયરીના કુલ 23 ગ્રંથો થયા છે. સમગ્ર વિશ્વમાં ડાયરી-સાહિત્યની વાત નીકળે ત્યારે મહાદેવ દેસાઈનું નામ અચૂકપણે અને આદરપૂર્વક લેવાય છે. મહાદેવભાઈની ડાયરી ઉપલબ્ધ ન હોત તો આજે આપણી પાસે અધૂરા ગાંધી હોત, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નહીં ગણાય. ગાંધીજીને મહાત્મા બનાવનારા ગણતરીના લોકોમાં એક મહાદેવભાઈનું નામ પણ અચૂક લેવું જ પડે.
મહાદેવભાઈનું નિધન થયું ત્યારે ગાંધીજીએ કહેલું, ‘મહાદેવ મારો દીકરો જ છે ને હું જ એના અગ્નિસંસ્કાર કરીશ.’ આગાખાન મહેલમાં જ મહાદેવભાઈની સમાધિ બનાવાઈ હતી. જેલમાં રહ્યા ત્યાં સુધી ગાંધીજી અને સાથીઓ રોજ એ સમાધિ પર પ્રાર્થના કરતા. કસ્તૂરબાનું માતૃહૃદય બોલી ઊઠતું કે, ‘આ તો મહાદેવનું મંદિર છે. આવા લાખેણા પુત્રનો ભોગ લીધો છે એટલે હવે આ (અંગ્રેજ) સરકાર ટકી શકશે જ નહીં.’ આમ, મહાદેવભાઈને ગાંધીજીના પાંચમા પુત્ર ગણવા પડે.
મહાદેવભાઈના અનેક સદ્્ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. આપણાથી બીજું કંઈ ન થઈ શકે તો પણ તેમની જેમ ડાયરી લેખનની ટેવ પાડવા જેવી છે. નવું વર્ષ શરૂ થવાને થોડા દિવસ બચ્યા છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે અને મહાદેવભાઈના જન્મ દિવસથી ડાયરી લેખન શરૂ કરવાનું પ્રણ લેવા જેવું છે. મહાદેવભાઈ અને તેમના જીવનકાર્યને સન્માનવું હોય તો 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરીને રાજ્યભરમાં તેની ઉજવણી કરવી જોઈએ.
સૌજન્ય : ‘દિવ્ય ભાસ્કર’ની 27મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત
![]()


લોથલ. અમદાવાદથી ૮૫ કિલોમીટર દૂર આવેલું હડપ્પન સંસ્કૃિતનું બંદરગાહ. અમદાવાદ નજીક એક દિવસનાં પ્રવાસ માટેનું સારું સ્થળ. મારા મિત્રો – યતીનભાઈ અને હિરેન વિચારતા હતા ક્યાં જઈશું પ્રવાસમાં અને આ રવિવારે (24 ડિસેમ્બર 2017) અમારે લોથલ જવું એવું નક્કી કર્યું. યતીનભાઈ જોડે એમનો વિદ્યાર્થી હેમેન પણ આ પ્રવાસમાં જોડાયો. યતીનભાઈ અને હિરેનની પાછી આ પહેલી મુલાકાત. સવારના ૮:૩૦ વાગે હિરેનભાઈને ત્યાં ગરમાગરમ ગોટાનો નાસ્તો કરીને અમે એમની ગાડીમાં ઉપડ્યા.
જી.પી.એસ.માં રસ્તો જોતાં સૌથી પહેલાં પહોંચ્યા ધોળકા. અહીં કલીકુંડ નામનું પ્રાચીન દેરાસર પ્રસિદ્ધ છે. આમ તો ધોળકા પોતે જ પ્રાચીન નગરી કહેવાય છે. કહે છે કે મહાભારતમાં જે વિરાટનગરનો ઉલ્લેખ છે એ જ આજનું ધોળકા. દેરાસરની મુલાકાત લીધી. પાર્શ્વનાથનાં મુખ્ય દેરા સિવાય આજુબાજુમાં અનેક ગભારા આવેલા છે, જેમાં અન્ય તીર્થંકરોની નાની નાની પ્રતિમાઓ છે. દેરાસરના વિશાળ પરિસરમાં ઘણી ધર્મશાળાઓ છે – ઝવેરી ધર્મશાળા, દોશી ધર્મશાળા, વગેરે. અહીં દેરાસરની બાજુમાં એક કલ્પવૃક્ષ પણ છે જે અદ્દલ રૂખડાનાં વૃક્ષને મળતું આવે છે. ફોટોગ્રાફી કરીને અમે બહાર નીકળ્યા.











ગરીબ-દલિત પરિવારમાં જન્મીને પારાવાર યાતનાઓ વેઠીને, ચૂલો-પાણિયારું ને સૂવાનું જેમનું એક જ નાનકડી ઓરડીમાં હતું એવાં અશિક્ષિત મજૂર માતા-પિતાને ખોરડે ઉછરેલા અને રાત્રે ઘરમાં સૂવાની જગ્યા ન હોવાને કારણે ગામની સમાજવાડીના ઓટલે નર્યાં માંકડો-મચ્છરો વચ્ચે રાત્રીઓ વિતાવનારા, એમના સમાજમાં સૌ પ્રથમ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરનારા, મહારાષ્ટૃના ટાકલીવાડી(કોલ્હાપુર જિલ્લા)માં જન્મેલા ઉત્તમ કામ્બલેની છાપાંના ફેરિયાથી શરૂ થયેલી સફર મહારાષ્ટૃના ખ્યાતિપ્રાપ્ત દૈનિક “સકાળ”ના એડિટર ઇન ચીફ અૅન્ડ ડાયરેક્ટર સુધી પહોંચી, તે યાત્રા જેટલી રોમહર્ષક અને અચરજકારી છે, એટલી જ પ્રેરણાદાયી પણ છે.
દારુણ ગરીબી – અધમતમ અપમાનો વેઠતા રહીને, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર છાપું વેંચતા-વેંચતા, એક પત્રકાર બનવાનું સ્વપ્ન પાળીને બેઠેલા ઉત્તમ કામ્બલે, નીજ પરિશ્રમથી જે મુકામ પર પહોંચ્યા, તેની સફળતાકથા તેમની મરાઠી આત્મકથા ‘વાટ તુડવતાના’ યાને ‘અગનપથ’ હિન્દીમાં આલેખાઈ છે.