એક રિક્ષાડ્રાઇવર સાહિત્ય પરિષદના હૉલમાંથી અંગ્રજીનાં વ્યાખ્યાન સાંભળીને બહાર આવીને રિક્ષાની ડ્રાઇવિંગ સીટે બેસે, તે ત્યાંથી બહાર નીકળતા શ્રોતાઓને આશ્ચર્ય થતું કે રિક્ષાડ્રાઇવર અંગ્રેજી વ્યાખ્યાન સાંભળવા આવે, અને એ પણ વળી ભગતસાહેબનું? એમને થોડી ખબર કે હું તેમના વ્યાખ્યાનનો ચાહક હતો.
વાત જાણે એમ હતી કે ખરેખર તો એકવાર હું બીજાનું વ્યાખ્યાન સાંભળવા આવ્યો હતો, પણ હું તેમના વ્યાખ્યાનમાં બેસી ગયો. જાતે થોડું ઘણું, ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી વાંચી-લખી શકતો હતો, છતાં મને તેમના અંગ્રેજી વ્યાખ્યાનમાં એટલી બધી મજા આવી કે તેથી હું તેમના દરેક વ્યાખ્યાનમાં નિયમિત આવતો રહેતો. તેઓશ્રી અંગ્રેજીની પરદેશી કવિતાઓ વિસ્તારથી ને ખૂબ ઊંડાણથી સમજાવતા હતા. તેમના અંગ્રેજીના વાચનના આધારે ખૂબ જ સરળ અને મુદ્દા સાથે સમજાવતા હતા. એ તેમનાં અંગ્રેજી ભાષાના વાચનના બહોળા અનુભવને લીધે શક્ય બનતું હતું. તેઓશ્રી દસ લાઇનની કવિતા ઉપર બે બે કલાક સુધી બોલતા હતા, ત્યારે તેમના વ્યાખ્યાનમાંથી ઊભા થઈ શકાતું ન હતું. તેમનું વ્યાખ્યાન શ્રોતાઓને એટલું જકડી રાખતું હતું. તેઓ કુદરતનું કે સામાજિક સ્થિતિ, પરિસ્થિતિનું આબેહૂબ દર્શન કરાવતા હતા, ક્યારેક વિષયવસ્તુથી અલગ પણ જતા રહેતા, એટલે કે ક્યારેક ગાડી આડાપાટે પણ જતી રહેતી. પછી તેઓ પાછા વિષયવસ્તુ પર પણ આવી જતા. તેમ છતાં તેમાંથી પણ ઘણું જાણવાનું મળતું હતું. પરદેશી કવિની કવિતા ઉપરાંત પરદેશના લેખકોનાં પુસ્તકો વિષે પણ તેઓ રસાસ્વાદ કરાવતા હતા.
ભગતસાહેબ પરદેશના કવિઓની કવિતા અને પરદેશનાં નામાંકિત પુસ્તકોના લેખકો વિષે કલાકોના કલાકો સુધી તેમના અંગ્રેજી જ્ઞાનનો રસાસ્વાદ લોકોને કરાવતા હતા, તે તેઓશ્રીની વિશિષ્ટતા હતી. અંગ્રેજી કવિતા ઉપરાંત ગુજરાતી કવિતામાં પણ તેમનું આગવું પ્રદાન છે. તેમની કવિતા, લોકોની ભાષાની કવિતા કરતા હતા. લોકોને એમ લાગે કે મારી વાત છે, તે કવિતાની પંક્તિઓ બોલે, ત્યારે તેના સંદર્ભો પણ આપતા જતા હતા તેમ જ પ્રેક્ષકોની શંકાનું સમાધાન પણ કરતા રહેતા હતા. તેઓ કૃષ્ણ અને મીરાંની કવિતાનો આસ્વાદ ખૂબ જ વિશિષ્ટ રીતે રજૂ કરતા. તેઓ કૃષ્ણ, મીરાં અને યશોદાની પણ આગવી જાણકારી રજૂ કરતા હતા. તેઓશ્રી ભારતના નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની કવિતા વિશે પણ અલગ આગવી શૈલીમાં રજૂઆત કરતા હતા.
શેક્સપિયર વિશે અનિરુદ્ધભાઈ બ્રહ્મબટ્ટ અને એસ.આર. ભટ્ટસાહેબ જેટલું જાણનાર ગુજરાતના મહાનુભાવો બીજા કોઈ નહીં હોય, એટલે કે શેક્સપિયરને આખેઆખા પી ગયા હોય, બીજા કોઈ નહીં હોય. એવી જ રીતે અંગ્રેજી કવિતાને પચાવી જાણનાર ગુજરાતમાં ભગતસાહેબ સિવાય કોઈ હશે નહીં.
ભગતસાહેબનું વ્યાખ્યાન હોય, ત્યારે ત્યારે હું વ્યાખ્યાન સાંભળવા અચૂક હાજર રહેતો. જ્યારે જ્યારે ભગત સાહેબના વ્યાખ્યાનની પ્રેસનોટ છાપામાં વાંચતો ત્યારે રોજી મેળવવા રીક્ષાડ્રાઇવિંગના સમયમાં ફેરફાર કરતો. જ્યારે સાંજના પાંચ કે છ વાગે વ્યાખ્યાન હોય, રિક્ષા ચલાવીને મારી રોજી મેળવી લેતો હતો. એટલે મારો શોખ પોષાય અને ઘરવાળાને અન્યાય પણ ન થાય. એટલે આર્થિક રીતે નુકસાની ન જાય માટે હું આ રીતે જીવનને બૅલેન્સ કરતો આવ્યો છું. બૅલેન્સિંગ કરીને હું ઘણી પ્રવૃત્તિ કરું છું.
વ્યાખ્યાન વખતે સાહિત્ય પરિષદથી તેમના ઘરે લઈ જવા-આવવા માટે વાહનવ્યવસ્થા કરવામાં આવતી હતી. એક દિવસ સંજોગોવસાત્ વ્યાખ્યાન પત્યા પછી વાહનની વ્યવસ્થા ન થઈ. વ્યાખ્યાન પત્યા પછી હું રિક્ષામાં બેઠો હતો. મને કહ્યું કે નટરાજ સિનેમાની સામે જવાનું છે, આવશો? તો મેં કહ્યું ‘હા, આવીશ, પણ પૈસા નહીં લઉં. કેમ?’ તેમણે કહ્યું ‘પૈસા લેવા પડે’. મેં કહ્યું ‘તમે આ વ્યાખ્યાનમાં જ્ઞાન પીરસો છો તેના પૈસા ક્યાં લો છો?’ તો તેમણે કહ્યું ‘આ તો તમારી રોજી છે એટલે તમારે પૈસા તો લેવા પડશે જ, તો તમારી રિક્ષામાં બેસું’. તે દિવસે મને તેમણે ભાડાના પૈસા આપ્યા. પછી તો તેમના આ ઉમદા વ્યક્તિત્વથી પણ તેમના વ્યાખ્યાનનો બંધાણી થઈ ગયો.
ગુજરાતી કવિતાને એમણે નવી ઓળખ આપી છે અને રાષ્ટ્રીય સ્તરે એમનું પ્રદાન કર્યું છે.
શ્રી ભગતને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું. યુગોયુગો જન્મ લેજો. ભગત સાહેબ!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 07
![]()


આ પુસ્તક મૂળ આદિવાસી એવા કાર્યકર્તા લાલ શ્યામ શાહને કેન્દ્રમાં રાખીને પત્રકાર સુદીપ ઠાકુર દ્વારા લખવામાં આવ્યું છે. એક એવી વ્યક્તિ કે જેઓને તેમનો વિસ્તાર ગોંડવાના તો ઓળખે જ છે પણ સાથે-સાથે તેમનાં કાર્યની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાય છે. આદિવાસી અભિજાત પરિવારમાંથી આવતા લાલ શ્યામ શાહનો જન્મ વર્ષ ૧૯૧૯માં થયો હતો અને તેમની પાસે એટલાં બહોળા પ્રમાણમાં જમીન અને વન સંપત્તિનું સ્વામિત્વ હતું કે તેઓ જો ઇચ્છતા હોત તો આરામથી પોતાનું સમગ્ર જીવન પસાર કરી શક્યા હોત, પણ તેમણે પોતાનાં સમાજની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો અને આદિવાસી મહાસભા બનાવીને આદિવાસીઓનાં જળ-જંગલ-જમીનનાં અધિકાર અને સાંસ્કૃિતક વિરાસતની રક્ષા કરવા માટે આજીવન સંઘર્ષ કરતાં રહ્યાં. સમગ્ર મધ્યભારતનો આદિવાસી સમાજ તેઓને સન્માનપૂર્વક યાદ કરે છે. લાલ શ્યામ શાહનો સંઘર્ષ દેશની આઝાદી બાદ પણ ચાલુ જ રહ્યો. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા અને પ્રથમ ચૂંટણી ખૂબ જ ઓછા મતોથી હારી ગયા. પરંતુ, અદાલતે બાદમાં આ ચૂંટણી રદ્દ કરી હતી. બીજી વખત ચૂંટણી થઈ તેમાં લાલ શ્યામ શાહ જીતી ગયા અને જીત્યાના થોડા સમય બાદ જ તેમને લાગ્યું કે કેટલાંક વહીવટકર્તાઓ, ઓફિસર્સ અને રાજનેતાઓ દ્વારા આદિવાસીઓનું શોષણ કરવામાં આવે છે, તેથી તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું. રાજીનામામાં તેમણે લખ્યું હતું કે કેવી રીતે સરકાર દ્વારા આદિવાસીઓની અવગણના કરવામાં આવે છે અને આદિવાસીઓને લૂંટતા ધનિક લોકોના ખોળામાં આ સરકાર બિરાજમાન છે. આ પુસ્તકમાં આદિવાસીઓનાં હિત પરત્વે લાલ શ્યામ શાહના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે આ પુસ્તકમાં માત્ર રાજનૈતિક જ નહિ, પણ તેનાથી પર રહીને લાલ શ્યામ શાહના સંઘર્ષની પણ ઊંડાણપૂર્વક વાત કરી છે. અને તેમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પ્રાકૃતિક સંસાધન પર આદિવાસીઓના હક અને વિસ્થાપનનું કારણ બનનાર વિનાશકારી પરિયોજનાઓ વિરુદ્ધ લાલ શ્યામ શાહ લડતા રહ્યા. અહીં ‘પૃથક ગોંડવાના’ રાજ્યના સંઘર્ષની પણ વાત કરવામાં આવી છે, પછી ભલે તે સફળ થઈ શક્યો નહિ. અને જો આવું થયું હોત તો આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સાના આદિવાસી પર્વતીય અને વનક્ષેત્ર આમાં સામેલ થઈ શક્યા હોત. પત્રકાર અને લેખક સુદીપ ઠાકુરની નજરમાં લાલ શ્યામ શાહ ચિંતક અને કાર્યકર્તા એમ બંને હતા. આદિવાસી સમાજની મુશ્કેલીઓ અને કાયદાકીય પ્રશ્નો અંગેની તેમની સમજણ સાફ હતી, અને લાલ શ્યામ શાહનું માનવું હતું કે સંવિધાને તો જનજાતિઓના અધિકારના સંરક્ષક તરીકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની વ્યવસ્થા બનાવી હતી, પરંતુ આ સંસ્થાઓએ પણ આદિવાસી હિતને તિલાંજલિ આપીને તેને નોકરશાહી અને ધનિકોની કૃપા હેઠળ છોડી દીધી અને તે વિરુદ્ધ લાલ શ્યામ શાહ આદિવાસીઓના હક માટે લડતા રહ્યા.