ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે બે સજાતીય સંબંધ રાખનાર યુવક મરીન ડ્રાઈવ પર ફરતા હોય ત્યારે તેના મનમાં પોલીસનો ડર ન રહેવો જોઈએ. તેઓ કોઈ પાપ નથી કરતા અને ગુનો હોવાનો તો સવાલ જ નથી. તેઓ જાતીય સંબંધ એકબીજાની સંમતિ સાથે ધરાવે છે. તેઓ બન્ને પુખ્ત છે અને તેઓ બન્ને ખાનગીમાં ચાર દીવાલની અંદર જાતીય સંબંધ રાખે છે. સમાજને આની સામે શા માટે વાંધો હોવો જોઈએ?
અદાલતોમાં સુનાવણી દરમ્યાન જજોની નુક્તેચીની અને પૂછવામાં આવતા પ્રશ્નો જોઇને અંદાજ આવી જતો હોય છે કે ચુકાદો કેવો આવશે, પરંતુ એ અંદાજ હંમેશાં સાચો નીવડતો નથી. કેશવાનંદ ભારતી કેસમાં ફુલ બંધારણીય બેંચના જજો નાગરિકોના મૂળભૂત અધિકારો અંગે અને બંધારણનાં પ્રાણ સ્વરૂપ તત્ત્વો અંગે જે રીતના પ્રશ્નો ઉપસ્થિત કરતા હતા, એ જોતા લાગતું હતું કે ચુકાદો નાગરિક અધિકારોના પક્ષે અને સરકારની વિરુદ્ધ આવશે. આખરે ૧૩ જજોની બંધારણીય બેન્ચના સાત જજોએ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેમાં નાગરિકના પક્ષે સૌથી વધુ સક્રિયતા દાખવનારા ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડનો પણ સમાવેશ થતો હતો. સરકારની વિરુદ્ધ અને નાગરિકની તરફેણમાં ચુકાદો આપનારા સિનિયર જજોને સુપરસીડ કરવામાં આવ્યા હતા અને તેમને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બનતા રોકવામાં આવ્યા હતા. એમ કહેવાય છે સુનાવણી દરમ્યાન નાગરિકોના પક્ષે પ્રશ્નો ઉપસ્થિત કરનારા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ પાણીમાં બેસી ગયા હતા. ૧૯૭૫માં લાદવામાં આવેલી ઈમરજન્સી તેનું સ્વાભાવિક પરિણામ હતું.
અત્યારે સર્વોચ્ચ અદાલતમાં ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ અંગે સુનાવણી ચાલી રહી છે. આઈ.પી.સી.ના સેક્શન ૩૭૭ મુજબ બે પુખ્ત વ્યક્તિ વચ્ચે સંમતિપૂર્વકના સમલિંગી સંબંધ એ ફોઝદારી ગુનો છે. આ કાયદો નાગરિકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે, એટલે તેને રદ્દ કરવો જોઈએ એવી માગણી કરતી કેટલીક અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં આવી છે, જેને સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બેંચ સાંભળી રહી છે. સુનાવણી દરમ્યાન જજો, ખાસ કરીને ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ જે રીતના પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે, એ જોતા એમ લાગે છે કે ચુકાદો નાગરિકોની તરફેણમાં આવશે, પરંતુ ખાતરીથી એમ ન કહી શકાય. ભારતના નાગરિકો આ પહેલાં ૨૦૧૩માં અને એ પછી બે વખત સર્વોચ્ચ અદાલતમાં છેતરાયા છે. બાય ધ વે, ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કેશવાનંદ ભારતી કેસ સાંભળનારા ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડના પુત્ર છે. ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ અત્યાર સુધી નાગરિકના પક્ષે ચુકાદા આપતા રહ્યા છે.
મૂળમાં આ કાયદો દોઢસો વરસ જૂનો બ્રિટિશકાલીન છે અને તેનો દાયકાઓ પહેલાં અંત આવી જવો જોઈતો હતો. સમાજમાં મૂલ્ય વ્યવસ્થા સાપેક્ષ હોય છે અને તેને ઘણાં સામાજિક-સાંસ્કૃિતક પરિબળો પ્રભાવિત કરે છે. બીજું, ૧૯મી સદીમાં ભારતમાં જે કાયદા ઘડવામાં આવ્યા એ અંગ્રેજોએ ઘડ્યા હતા, એટલે તેના પર બ્રિટિશ મૂલ્ય વ્યવસ્થાનો પણ પ્રભાવ હતો. ત્રીજું, ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં કાયદાઓની સંહિતા (કોડિફિકેશન) ઘડવાની કોઈ ચોક્કસ પરંપરા જ નહોતી. જજો અને કાજીઓ ઈશ્વરને કે અંતરાત્માને સામે રાખીને સમાજ સ્વાસ્થ્ય અને સંસ્કૃિતની પોતાની સમજ અનુસાર ચુકાદા આપતા હતા. એ યુગમાં રાજ્ય અને પ્રજા વચ્ચેનો સંબંધ રાજા અને રૈયતનો હતો આજની જેમ રાજ્ય અને નાગરિકનો નહોતો. એમાં પણ ભારત અંગ્રેજોનું સંસ્થાન હતું એટલે ભારતમાં અંગ્રેજ રાજ્ય સાથે ભારતની પ્રજાનો સંબંધ માલિક અને ગુલામનો હતો. ચોથું, એ યુગમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની વ્યાખ્યા હજુ વિકસતી અને વિસ્તરતી હતી એ આજની જેમ ઠીક ઠીક પ્રમાણમાં સ્પષ્ટ નહોતી થઈ. આજે પણ એ સંપૂર્ણપણે વિકસિત છે એવું નથી, વિકાસની પ્રક્રિયા હજુ ચાલુ છે.
ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે બંધારણ ઘડનારાઓને જાણ હતી કે અંગ્રેજોના વારાના અનેક કાયદાઓ છે જે નાગરિકોના અધિકારોની વિરુદ્ધ છે. તેઓ જો એ બધા કાયદાઓની ચકાસણી કરવા બેસે તો બંધારણ ઘડાતાં વરસો લાગે એટલે સમય બચાવવા માટે તેમણે એક ચાળણી સર્વોચ્ચ અદાલતને આપી દીધી હતી. ભારત સરકાર જે કોઈ નવા કાયદાઓ ઘડે કે જૂના કાયદાઓનો અમલ કરે ત્યારે તેને જો ભારતનો નાગરિક પડકારે તો સર્વોચ્ચ અદાલતે નાગરિકના મૂળભૂત અધિકારોના પરિપ્રેક્ષ્યમાં તેની ચકાસણી કરવી. નાગરિકના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ જતા દરેક કાયદાને બંધારણવિસંગત ઠરાવીને રદ્દ કરવામાં આવે.
બંધારણ ઘડનારાઓને એમ લાગતું હતું કે સર્વોચ્ચ અદાલતને એક ચાળણી પકડાવી દેવામાં આવી છે જેમાં દરેક જુનવાણી અને નાગરિક વિરોધી કાયદાઓ ચળાઈ જશે. આ ઉપરાંત રાજ્યને પણ કહેવામાં આવ્યું હતું કે જૂના કાયદાઓની સમીક્ષા કરવામાં આવે અને સુધારવામાં આવે. બંધારણે સર્વોચ્ચ અદાલતને જે ત્રણ મહત્ત્વની કામગીરી સોંપી છે એમાં નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા પણ એક કામ છે.
જો સર્વોચ્ચ અદાલતે ચાળણીનો અને રાજ્યે રાજ્યધર્મનું પાલન બરોબર કર્યું હોત, તો અત્યાર સુધીમાં બધા જ જુનવાણી અને કાલબાહ્ય કાયદાઓનો અંત આવી ગયા હોત. આજે આઝાદી મળ્યે સાત દાયકા વીતી જવા છતાં એવું બન્યું નથી. આના બે મુખ્ય કારણો છે : કેટલીકવાર અદાલતોમાં જજો પરંપરાગત સનાતની માનસિકતા ધરાવતા હોય છે અને તેઓ સર્વોચ્ચ અદાલત સુધી પણ પહોંચી જાય છે. કેટલીકવાર રાજ્યને સનાતની મતો ગુમાવવાનો ડર લાગતો હોય છે. બીજું, રાજ્ય પોતાની શક્તિ ઓછી કરવા માગતું નથી, એને કારણે પણ નાગરિકના અધિકારોની વિરુદ્ધના કાયદાઓ રાષ્ટ્રીય સુરક્ષાનાં નામે કાયદાપોથીમાંથી હટાવવામાં આવતા નથી, એટલું જ નહીં એને વધારે સખ્ત બનાવવામ આવી રહ્યા છે. દેશની સુરક્ષા એ પવિત્ર ગાય છે અને તેને નામે સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો મોકો મળે છે. બને છે એવું કે સર્વોચ્ચ અદાલતના જજો પણ દેશહિતનાં નામે તેને માન્યતા આપે છે. આમાં સરવાળે નાગરિક તેના અધિકારો ગુમાવે છે. આજકાલ યુગપ્રભાવ એવો છે કે જુનવાણી માનસિકતા ધરાવતા લોકો દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે અને તેમાં અદાલતો અપવાદ નથી.
૨૦૦૯માં દિલ્હીની વડી અદાલતે ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ને નાગરિકના મૂળભૂત અધિકાર વિરોધી અને તે અર્થમાં બંધારણવિસંગત ઠરાવ્યો હતો. દિલ્હીની વડી અદાલતનો ચુકાદો દરેક અર્થમાં બંધારણ સુસંગત હતો અને તેને સર્વત્ર આવકારવામાં આવ્યો હતો. ચુકાદો ન્યાયમૂર્તિ અજીત પ્રકાશ શાહે આપ્યો હતો જેમની પ્રતિષ્ઠા ઘણી મોટી છે. દિલ્હીની વડી અદાલતના ચુકાદાને સુરેશ કુમાર કૌશલે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો અને ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે (જજ જી.એસ. સિંઘવી અને એસ.જે. મુખોપાધ્યાય) આઘાત પહોંચે એવો વિચિત્ર ચુકાદો આપ્યો હતો. અદાલતે સંસદ જ્યાં સુધી કાયદો ન બદલે અને જૂના કાયદાને રદ્દ ન કરે ત્યાં સુધી સેક્શન ૩૭૭ને બંધારણ સુસંગત ઠરાવ્યો હતો. અદાલતે કાયદાનો વિરોધ કરનારાઓને સલાહ આપી હતી કે જો તેમને સેક્શન ૩૭૭ સામે વાંધો હોય તો તેમણે રાજકીય પક્ષો પાસે જવું જોઈએ અને કાયદામાં સુધારો કરાવવો જોઈએ. અદાલતનું કામ કાયદાપોથીમાંના કાયદાના પ્રકાશમાં કાયદાનું અર્થઘટન કરવાનું છે.
અત્યંત આદર સાથે મેં ત્યારે લખ્યું હતું કે ચુકાદો ખોટો છે એ ચિંતાનું મોટું કારણ નથી, ચિંતાનું ખરું કારણ એ છે કે બંધારણનું સ્વરૂપ અને બંધારણના આત્માની બુનિયાદી જાણકારી નહીં ધરાવતા જજો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી જાય છે. મોર મૈથુન દ્વારા નહીં પણ આંસુ દ્વારા પ્રજોત્પાદન કરે છે, એમ રાજસ્થાનની વડી અદાલતના જજસાહેબે થોડા મહિના પહેલાં કહ્યું હતું. જુનવાણી માનસ ધરાવનારાઓનું રાજ છે એટલે એ મહાશય દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બને તો પણ આશ્ચર્ય નહીં. કાયદાની સમજ અને મર્યાદા વિષે અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સજ્જ હોત તો તેમણે એવા કેટલાક ચુકાદા ન આપ્યા હોત અને કામ ન કર્યા હોત જે સર્વોચ્ચ અદાલતના જજને ન શોભે. સિનેમા હોલમાં રાષ્ટ્રગીતનું ફરજિયાતપણું આવો એક ચુકાદો હતો. ૨૦૧૩ના પછાત ચુકાદા પછી વે વાર રિવ્યુ પિિટશન કરવામાં આવી હતી અને બન્ને વાર સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદા વિષે પુનર્વિચાર કરવાની ના પાડી દીધી હતી.
હવે પાંચ વરસ પછી, સર્વોચ્ચ અદાલતમાં ક્યુરેિવ પિિશન સાંભળવામાં આવી રહી છે ત્યારે એમ લાગે છે કે ચોક્કસ પ્રકારનું જાતીય વલણ ધરાવનારા લોકોને ન્યાય મળશે. એ મળશે જ એની કોઈ ખાતરી નથી, કારણ કે કેશવાનંદ ભારતી કેસમાં ધારવા કરતા ં ઊલટો ચુકાદો આવ્યો હતો, અને ૨૦૧૩માં તો સર્વોચ્ચ અદાલતે પછાત ચુકાદો આપ્યો હતો. આમ આ વખતે શું થશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ જજોનું વલણ જોતાં નાગરિકોના અધિકારોનો વિજય નજરે પડી રહ્યો છે.
પરંપરાપ્રેમ અને દેશપ્રેમનો આ યુગ છે અને તેમાં વિવેકનો ભોગ લેવાઈ રહ્યો છે. ભારતીય દંડ સંહિતાના સેક્શન ૩૭૭ વિષે ભારત સરકારની શું ભૂમિકા છે એનો ખુલાસો કરવાનું સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું હતું અને કેન્દ્ર સરકાર અત્યાર સુધી પોતાની ભૂમિકા સ્પષ્ટ નહોતી કરતી. સંઘ પરિવાર પરંપરામાં શ્રદ્ધા રાખનારી જમાત છે અને કેન્દ્ર સરકાર એ જ પરિવારના સભ્યોની બનેલી છે. આ ઉપરાંત આજકાલ આધુનિકતાની જગ્યાએ પરંપરાનો જયજયકાર થઈ રહ્યો છે. જેમ જેમ સુનાવણી આગળ વધતી ગઈ, અને જ્યારે ભૂમિકા સ્પષ્ટ કરવા સિવાય કોઈ છૂટકો નહોતો ત્યારે કેન્દ્ર સરકારના વધારાના એટર્ની જનરલ તુષાર મહેતાએ અદાલતમાં કહ્યું હતું કે અદાલત જે કોઈ ચુકાદો આપે તેની સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી અને એ પછી હળવેથી ઉમેર્યું હતું કે મૂળભૂત અધિકારનાં નામે સંબંધોની છૂટ આપતી વખતે એટલું ધ્યાનમાં રાખવામાં આવે કે પરિવારની અંદર ભાઈ-બહેન વચ્ચે લગ્ન કરવાની છૂટ આપવામાં ન આવે.
આવો તો કોઈ પ્રશ્ન જ નથી. સગોત્ર સંબંધ જુદી વાત છે અને સમલિંગી સંબંધ એ જુદી વાત છે. આ જાતીય વલણનો પ્રશ્ન છે અને એ દરેક વ્યક્તિ અલગ અલગ ધરાવી શકે છે. વાત્સાયન અને બીજા પ્રાચીન મનીષીઓએ જાતીય વિમર્શ કર્યો છે, એમાં પણ સમલિંગી સંબંધની વાત આવે છે. જગત આખાની આ વાસ્તવિકતા છે અને તેની સામે આંખ આડા કાન કરવાનો કોઈ અર્થ નથી. અત્યાર સુધી તેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો તેને કારણે અનેક અનર્થો થયા છે, એમ સર્વોચ્ચ અદાલતની ખંડ પીઠના એક જજ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું. ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે બે સજાતીય સંબંધ રાખનાર યુવક મરીન ડ્રાઈવ પર ફરતા હોય ત્યારે તેના મનમાં પોલીસનો ડર ન રહેવો જોઈએ. તેઓ કોઈ પાપ નથી કરતા અને ગુનો હોવાનો તો સવાલ જ નથી. તેઓ જાતીય સંબંધ એકબીજાની સંમતિ સાથે ધરાવે છે. તેઓ બન્ને પુખ્ત છે અને તેઓ બન્ને ખાનગીમાં ચાર દીવાલની અંદર જાતીય સંબંધ રાખે છે. સમાજને આની સામે શા માટે વાંધો હોવો જોઈએ?
જોઈએ અદાલત શું ચુકાદો આપે છે. આગળ સેક્શન ૩૭૭ જેવા હજુ બીજા ઘણા કાયદાઓ જુનવાણી અને કાલબાહ્ય છે જેને રિવ્યુ કરવાની અને રદ્દ કરવાની જરૂર છે. નીતિ આયોગના એક સભ્ય વિવેક દેબરોયે જુનવાણી અને કાલબાહ્ય કાયદાઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. કેન્દ્ર સરકારે તેમની મદદ માગવી જોઈએ.
સૌજન્ય : ‘નો નોનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 15 જુલાઈ 2018